ગોસ્વામી તુલસીદાસજીના આ પ્રસિધ્ધ શબ્દો પ્રેરણાદાયક છે.
સરલ સ્વભાવ ન મન કુટીલાઇ
યથા લાભ સંતોષ સદાહી !
કવિ ન હૅું મૈં ન ચતુર કહાઉ
મતિ અનુરૂપ રામ ગુન ગાઉં !!
ઉપરના શબ્દોને સાર્થક કરે તેવા સરળ સ્વભાવના કવિ આલના ગામનું નામ શેખડીયા, તા. મુન્દ્રા અને જિલ્લો કચ્છ. કવિ આલનું પૂરું નામ આલાભાઇ ખેતશીભાઇ ગઢવી. સહજ ભાવે, સ્વયં સ્ફૂરણાથી કાવ્ય રચના કરે. નિજાનંદના માણસ અને કવિતા પણ નિજાનંદ માટે સરવાણીની જેમ અંતરમાંથી ફૂટીને નીકળે. આવા અંતરમાંથી સ્ફૂરણા પામેલા નિજાનંદી કાવ્યોજ આરપાર ઉતરે તેવી આંતરિક સ્મૃધ્ધિથી ઓપતા હોય છે. કવિ શ્રી રાજેન્દ્ર શુકલ યથાર્થ કહે છે :
હૈયું જો હેલે ચડે, ગાણું તો જ ગવાય,
અંદરથી જે ઉઘડે ઇ સોંસરવું જાય.
કવિ આલના કાવ્યો ભાઇ અશ્વિન ઝિંઝુવાડિયાની સમજપૂર્વકની ઉઘરાણી તથા વીરચામણીથી ગ્રંથસ્થ થયા. પરંતુ આ પૂરી ઘટનાને સુવર્ણ કળશ ચડવો બાકી હતો. કદાચ તેથીજ પૂજ્ય મોરારીબાપુ ખાસ સમય કાઢીને કવિ આલના સર્જનરૂપી નવજાત અને નિર્દોષ શીશુને ‘‘ઝબલું પહેરાવવા’’ શેખડિયા ગયા. રામચરિત માનસના દિવ્ય ગાનનું સુશોભિત વાદળ આ વિસ્તારના રેતાળ દરિયા કિનારા પર હેતાળ થઇને વરસે તેવો મંગળ પ્રસંગ તાજેતરમાં જ રચાયો. બાપુની રામકથા ગાંધીધામમાં ચાલે અને તે મંગળ પ્રસંગ સાથે આ બાબતનો સુયોગ રચાયો. પૂ.બાપુ જ્યાં માનસગાન કરે તેની સાથે જ આવા બીજા અનેક રમણિય પ્રસંગોનું મેઘધનુષ્ય રચાય છે તે જાણીતી બાબત છે. સમયનું વ્યવસ્થાપન યેનકેન પ્રકારેણ પણ કરીને સ્નેહપૂર્વક કથા સિવાયના ઘણાં સંસ્કારવર્ધક પ્રસંગો શોભાવવા અને તેમાં મન મૂકીને હેત વરસાવવું એ મોરારીબાપુ માટે ભલે સહજ હોય પણ એક અસમાન્ય ઘટના છે. સંતોની કૃપા અકારણ પણ વરસ્યા કરે છે તે વાતની પુન: પ્રતિતિ બાપુનો આ ઉપક્રમ જોઇને થાય છે.
સાધુ ચરિત શુભ ચરિત કપાસુ
નિરસ બિસદ ગુનમય ફલ જાસુ
જો સહિ દુખ પરધિદ્ર દુરાવા
બંદનિય જેહી જગ જસ પાવા (તુલસીદાસજી)
આપણાં કવિ આલ ભણેલા નથી પણ કેળવાયેલા છે. ગ્રામ્ય જીવનના કુદરતી વાતાવરણ વચ્ચે ઉછેર અને શારદાની કૃપા એ સિવાય આવું સર્જન થઇ શકે નહિ. કવિ નિજાનંદ માટે કવિતા કરે છે અને તેથીજ તેમના કાવ્યોમાં પ્રાણતત્વ ધબકે છે. કવિનું આ સર્જન કે જેના પૂ. મોરારીબાપુએ વધામણાં કર્યા તે ‘‘ કિરતાર કવિતા કુટિર ’’ એ કવિ કહે છે તેમ તત્કાલિન અંકુરિત થયેલા બીજનું ફળ છે. પાલુભગતની પ્રેરણાના પાન કવિએ પીધા છે તેમજ પચાવ્યા છે. ચારણ કવિઓજ માત્ર નહિ, બધાજ કવિઓએ પ્રકૃતિના અનેક રળિયામણા સ્વરૂપો જોઇને કાવ્યધારા વહાવી છે. પ્રકૃતિની ભવ્યતાનું આ કંઠ પાન કરનાર આ કવિ પણ કવિતા કરે તો નવાઇ નહિ. ઝવેરચંદ મેઘાણીને પાંચાળની પવિત્ર ધરતીના પહાડો તથા ચોમાસામાં વહેતા ઝરણા જોઇનેજ સાહિત્ય સૂઝયું. તેઓ પોતાને ‘‘ પહાડનું બાળક ’’ કહેતા. આપણાં કાળના મહાન કવિ ઉમાશંકરે પણ રળિયામણી ટેકરીઓ તથા ગ્રામ્યજીવનની આસપાસની પ્રકૃતિ લીલા નિહાળી તથા માણી. આપણાં યુગના આ મહાન કવિને પણ પ્રકૃતિ તત્વે તેના સૌદર્યનું દિવ્ય દર્શન કરાવીને સાહિત્ય સર્જન તરફ વાળ્યા. કવિએ તેની વાત સુંદર શબ્દોમાં મૂકી આપી.
સૌદર્યો પી, ઉરઝરણ ગાશે આપમેળે.
કવિ આલ પણ આવાજ એક પ્રકૃતિ તથા પરમેશ્વરના પવિત્ર ચરણો તરફ પોતાની કાવ્ય ગંગા વહાવતા યુવાન કવિ છે. જેમની ઉભરતી પ્રતિભા હોય તેવા કળાધરોને અને વિશેષ કરીને ઘરદીવડાઓને વધાવીને સમાજ પોતાનુંજ ગૌરવ કરે છે.
મહાભારત – રામાયણના પ્રસંગોએ સમાજ જીવનમાં અનેક પ્રકારે અમૃત સિંચન કરેલું છે. મૂળ મહત્વ તેમાં રોપવામાં આવેલા વિચારોનું છે, આચરણનું છે અને તેથી આ મહાગ્રંથોની પ્રસાદી સ્વરૂપના પ્રસંગો સમાજ માટે શાશ્વત મૂલ્ય ધરાવે છે. મહેલોમાંથી જ્યારે જાકારો મળ્યો ત્યારે કાજળઘેરી રાત્રે ઝૂંપડીએ બાળકૃષ્ણને ઉલટભેર આવકાર આપ્યો. ભગતબાપુ (કવિ શ્રી દુલા ભાયા કાગ) લખે છે :
ઊંચા ઊંચા મહેલોએ દીધેલો જાકારો
ઝૂંપડીએ કીધું કે જીવન પધારો રે……
દેવકીજી તારો દીકરો.
અહીંયા આપણા કવિ આલ પણ નંદરાણીના આ નેસના વધામણાં કરે છે. કારણ આ નેસમાં લોકનાયક કૃષ્ણનું બાળપણ સોળે કળાએ ખીલેલું છે.
જેને વખાણે છે વ્યાસજીની વાણી
નંદરાણી તારો નેસડો.
જેની આપે છે ભાગવત ઓળખાણી
નંદરાણી તારો નેસડો.
કવિને આ નેસડાની રેતી બનવાની, ધૂળ બનીને પધરાવવાના ઓરતા છે.
આલ તારા નેસડાની ધૂળમાં આળોટે,
રેતી રે બન્યો નહિ હું ત્યાં રૂપાળી……
નંદરાણી તારો નેસડો.
કવિ તેના ગામ સાથે તથા કુટુંબ સાથેજ નહિ પરંતુ સમગ્ર પર્યાવરણ સાથે જોડાયેલો હોય છે. કવિને મનમાં એક લાગણી છે કે શેખડિયા ગામથી દરિયા તરફ જતી એક કેડીને ક્યારેક કોઇ સંતના પવિત્ર ચરણનો સ્પર્શ થશે ખરો ? અંતે કવિ આલની આ નિસ્વાર્થ લાગણી સંતની અકારણ કૃપા કરવાની વૃત્તિને કારણે પૂરી થાય છે.
આજ પૂછું તારા અંતર કેરી
વાત કહી દે બેન વાટ,
શરીરે કેમ સૂકાણી,
પાડે કેમ પાંપણે પાણી ?
કવિ કહે છે કે એક સંત સાથે મારે મેળ છે અને તેઓ સ્વભાવે દયાળુ છે તેથી જરૂર કેડીની વ્યથા દૂર થશે. કવિ આલ કહે છે કે મોરારીબાપુએ ધોમ ધખતા તાપમાં પણ વિના પાદુકાએ ચાલીને કવિ અને કેડીને પ્રસન્ન કર્યા.
આલ કહે તારા અંતરમા તુ
ધારણા રાખને ધીર,
મોરારીથી મેળ છે મારો,
આવી દુ:ખ ટાળશે તારો.
આપણે ત્યાં ભક્તિમાર્ગ સમૃધ્ધ થઇને ચાલ્યો તેનું એક મહત્વનું કારણ કદાચ તેમાં રહેલી પ્રેમથી તથા સમર્પણથી ભરેલી લાગણીઓનું પ્રધાનતત્વ હતું. ભક્તિમાર્ગની આંતરિક સમૃધ્ધિનું તથા પ્રસારનું તે કારણ હોઇ શકે છે. તેમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાનો કરતાં સાદો તથા સરળ તથા સૌને સુપાચ્ય એવો ભક્તિનો તેમજ સંપૂર્ણ શ્રધ્ધા તથા સમર્પણનો ભાવ વિશેષ છે. અહીં આજ બાબત કવિ આલ કહે છે. તુકારામ અને નરસિંહની વાણીનુંજ આ ઉજળું અનુસંધાન છે.
વાંચતો બહુ ગ્રંથ વિધવિધ સરસ અર્થો શોધતો,
વિદ્વાન મોટો થયો વક્તા, સભાને સંબોધતો,
માન ને સન્માન મળતાં પૃથ્વીએ પંકાય છે,
પણ સદ્કર્મ સ્મરણ વિના આતમા અકળાય છે.
જ્ઞાનનો ભંડાર હોય તો પણ સદ્કર્મનું આચરણ ન હોય તો ભક્તિમાર્ગે માત્ર ઠાલા જ્ઞાનને કે તેવા શાસ્ત્રને માન્ય ગણ્યું નથી. લીંબડી રાજ્યકવિ તથા ભૂજની વૃજભાષા પાઠશાળામાં દિક્ષિત થયેલા સુવિખ્યાત કવિ શ્રી શંકરદાનજી દેથાએ આજ વાત કરી છે જેનો પડઘો કવિ આલની વાણીમાં સાંભળવા મળે છે.
ઉત્તમ વિચારોથી નિરંતર શુધ્ધ અંતર રાખવું
બદ્કર્મથી ડરવું બહુ સતકર્મના સેવક થવું
રાખી સુરીતિ, નેક નીતિ સત્ય બાબતની સમજ,
ભજવા અજર અજ અમર એવા વૃષભધ્વજ કાં ગરુડધ્વજ.
કવિ આલની વેધક દ્રષ્ટિ માનવતા હોય તેવા માનવી તરફજ ભાવની લાગણી ધરાવે છે. પરંતુ જ્યાં માનવતાનો અભાવ દેખાય તેમને કવિએ ઠમઠોર્યા પણ છે.
માનવતા વિનાના મૂછાળા કરતા પશુ સારા છે પૂંછાળા,
ખાવાનું મળતા ખાઇ મજાનું પરહરે ધ્રાંપી પૂંછાળા,
જેમ જેમ પામે ઝાઝુ મેળવવા દોડે મૂછાળા…
વનવગડામાં નડ્યા વિનાના, પેટ ભરે છે પૂંછાળા,
પારકા પેટ પર પગ મૂકીને, મોજુ કરે છે મૂછાળા…
જેનામાં માનવી હોવા છતાં માનવતા ન હોય તો તેમને પૂંછડા વિનાના પ્રાણી તરીકે ઓળખાવીને કવિ આલે માનવીય ગુણોના તેમજ તેની સાથે અભિન્ન પણે જોડાયલા સંસ્કારોની મહત્તા સ્થાપિત કરી છે. આવા માનવીમાં અને સંતમાં પછી મોટો તફાવત રહેતો નથી.
જેને નથી મદ મોહ જરીએ, દ્વેષ બહુ દૂર છે,
પ્રાણી બધા પર પ્રેમ રાખે, અતિ કરુણા ઉર છે
દાતાર, ત્યાગી દયા અંતર વીર વૈરાગ્ય વંત છે
સુખ દિયણ કાયમ સેવા સાચો શાન્તિ દાતા સંત છે.
કવિ સંસ્કાર તથા સ્વભાવથી દેવીપુત્ર છે. આથી દેવીનું દર્શન – મા નું સ્વરૂપ તેને દરેક જગાએ નજરે ચડે છે.
તરુવર, સરુધર ગિરિવરે, નગર ગામડે નેસ,
બાઇ સઘળે વિરાજતી, આઇ તુને આદેશ.
રાજપરામાં રાજતી, વરાણે વાસ વિશેષ
માટેલ વાળી માવડી આઇ તુને આદેશ.
કચ્છના મારા અનુભવમાં અને અનેક અન્ય લોકોના મત પ્રમાણે પણ કચ્છીઓ કચ્છ અને ત્યાંના માડુઓ સાથે હમેશા સ્નેહના સંબંધે બંધાયેલા રહે છે. કવિ નિરંજનના અમર શબ્દો આજ સૂચવે છે ને ?
હેમારે વટ પૂગો નિરંજન,
ધિણોધર સંભરન.
કવિનો જીવ તો કચ્છ સાથેજ ગૂંથાયેલો છે. આજ રીતે કવિ આલના અંતરના વહેણ કચ્છીઓ તરફ વિશેષ વળેલા છે.
કચ્છ મુલકના માડુ મૂકે,
વધુ લગેતા વલા
વધુ લગેતા વલા, અઇ ભલે
કના પણ ભલા,
કચ્છ વતનના વાસી મૂકે
વધુ લગેતા વલા.
કવિ આલ કચ્છ અને કચ્છીઓને ચાહે છે. આ ભૂમિએજ તેમના સંસ્કારોનું સિંચન કર્યું છે. અહીના સંતો – ભક્તોમાંથી તેમણે પ્રેરણાના પાન પીધા છે. આ ભૂમિમાંજ તેઓ સોળે કળાએ ખીલ્યા છે. તેમની પાણીદાર વાણીને તથા આકર્ષક અભિવ્યક્તિને કોઇ સીમાડા નડતા નથી. રાજ્યમાં અનેક સ્થળોએ સાહિત્યના કાર્યક્રમોમાં દરેક વર્ગના લોકોએ તેમની વાણીનો અસ્ખંલિત પ્રવાહ માણ્યો છે તથા વધાવ્યો છે. મા શારદાની દયા અને મોરારીબાપુના આશીષ થકી ઉજળા એવા આ યુવાન કવિનું રસાળ સાહિત્ય સમાજને નિરંતર મળતું રહે તેવી પ્રાર્થના જગદંબાને જરૂર કરી શકાય.
ડાડા મેકરણનો સદા જીવંત ધૂણો
‘જીનામ’ ની અહાલેખ જગાડનાર ડાડા મેકરણના સાર્થક તથા સર્વકાળે પ્રાસંગિક એવા શબ્દોનો ધૂણો આજે પણ પ્રજ્વલિત છે. રણમાં વટેમાર્ગુઓને તથા રાહ ભૂલેલાઓને રોટલો તથા પાણી પહોંચાડીને આ સંત સતકર્મનું મહત્વ સ્થાપિત કરતા ગયા. આ યજ્ઞકાર્યથી જ તેઓ અમરત્વને પામ્યા. ડાડા કહે છે :
ખેંધલ ખુટા, મેં ડીંધલ મુઠા,
વૈકુંઠજી વાટમેં ડીંધલ દીઠા.
ડાડા મેકરણના શબ્દો કેટલા સાર્થક છે ! તેઓ કહે છે કે ખાનારા તો કાળના પ્રવાહમાં વિસરાઇ જશે પરંતુ ખાનારા કે મેળવનારા કરતા વૈકુંઠની વાટે તો દેનારા કે આપનારાના જ દર્શન થાય છે. પ્રાચીન દોહો છે
નામ રહેતા ઠકકરા, નાણાં નવ રહંત
કીર્તિ કેરા કોટડા, પાડયા નવ પડંત
ડાડા મેકરણની વાત કહેવાની રીત, શબ્દોની પસંદગી તથા સરળતા અજોડ છે.
મરણાં અંગે જે મોઆં સેં મરીન થીંધા મ્હાત,
હુંધા એ હયાત, મરણ જિનીજી મુઠમે.
જેની વાસના-એષણાઓ છુટી જાય તેમને મરણનો ભય રહે નહીં. મરણ તેમને તો મુઠ્ઠીમાં હોય છે. આવા લોકો સદાકાળ હયાત છે.
આ સંતવાણીને કોઇ સંપ્રદાય સાથે કે તેનો મહિમા વધારવા સાથે લેવાદેવા નથી. આ તો તેમની જીવનભરની કઠીન સાધનાને પ્રતાપે સહજ રીતે પ્રગટેલું સાહિત્ય છે. તેમની પ્રસાદી છે. તેમાં આડંબર કે બાહ્ય આચારને સ્થાન નથી. કચ્છની ધરા આવા સંતો-ભજનીકોથી સુશોભિત છે.
તરૂવર વનફળ ના ચખે, નદી ન પીવે નીર,
પરમારથ કે કારણે, સંતન ધરા શરીર.
***

Leave a comment