અમીર શહેરના ફકીર બાદશાહ

PanditNehrujiદેશના દરેક ખૂણે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂની મોહિની તે સમયે ફેલાયેલી હતી. પંડિતજીની છટાદાર ભાષા તેમજ પ્રભાવી વ્‍યક્તિત્‍વને સાંભળવા-નિહાળવા લોકો સ્‍વયંભૂ ટોળે વળતા. આ સામાન્‍ય સ્‍થિતિથી ઉલટી સ્‍થિતિ ઉભી કરીને અમદાવાદની શાણી જનતાએ ગુજરાતીઓની કોઠા-સૂઝનું નોંધપાત્ર નિદર્શન કર્યું. વિશાળ જનતાના દિલો દિમાગ પર સ્નેહનું શાસન કરતા નેતા ઈન્‍દુલાલ યાજ્ઞિકે પંડિતજીની જાહેર સભાને સમાંતર સભાનું આયોજન કર્યું. સભાના સ્‍થળની અનુકૂળતા જુઓ તો નહેરૂજીની સભામાં જવું લોકો માટે વિશેષ અનુકૂળ હતું. પંડિતજીની સભા શહેરના કોટ વિસ્‍તારમાં એટલે કે નજીક હતી. જયારે આમ આદમીના નેતા ઈન્‍દુચાચાની સભા તે સમયના; અમદાવાદ શહેરનું કદ તથા સ્‍વરૂપ જોતાં દૂર લાગે તેવા લો કોલેજના મેદાન પર હતી. ૧૯૫૬ ના ઓક્ટોબર મહિનાની આ બે સભાઓના અહેવાલ પ્રસિધ્‍ધ થયા તે માત્ર ગુજરાતના જ નહિ, પૂરા દેશના લોકોએ રસથી જોયા. ચાચાની સભામાં વિશાળ જનસમૂદાય સામે પંડિતજીની સભા ફિક્કી રહી તેવા અહેવાલો મોટા મથાળાઓ સાથે પ્રસિધ્‍ધ થયા. મહાગુજરાતના વિચારના શિલ્‍પી ઈન્‍દુચાચાને સાબરમતીની સાખે અમદાવાદના નગરજનોએ જે રીતે નવાજવા તે આ શહેરના નાગરિકોની સમજપૂર્વકની પસંદ તથા વિવેકપૂર્ણ નિર્ણય કરવાની લોક શક્તિનું નિદર્શન હતા. ભારત સરકારની સત્તાના બળ સાથે મોરારજીભાઈ પણ આ લોકઝૂવાળને કે ઈન્‍દુચાચાની લોકપ્રિયતાને ખાળી શક્યા નહિ. ૧૯૫૭ થી ૧૯૭૧ સુધીની લોકસભાની ચાર ચાર ચૂંટણીમાં અમદાવાદે આ વીર ગુજરાતીને પોતાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં મોકલ્‍યા. આ પણ તે સમય અને સંજોગોમાં એક અસામાન્‍ય ઘટના લેખાય. સ્‍થાપિત રાજકીય પક્ષોની શક્તિ તથા સાધનો સામે લોક મિજાજની આ ઐતિહાસિક અભિવ્‍યક્તિ હતી. સાક્ષરોના નગર નડિયાદમાં બાવીસ ફેબ્રુઆરી ૧૮૯૨ માં જન્‍મ લેનાર આ નરકેસરીની સ્મૃતિ ફેબ્રુઆરી માસમાં તેમની જન્‍મ-જ્યંતિ નિમિતે થયા વગર કેમ રહે? ‘‘એકલો જાનેરે’’ ની ફિલોસોફી વખાણી તો ઘણાંએ હશે પરંતુ અનેક કસોટીઓ વચ્‍ચે પણ આ ફિલોસોફીને જીવનમાં સંપૂર્ણ રીતે ઉતારનારા ઈન્‍દુચાચા જેવા ઓછા લોકો હશે. ઈન્‍દુચાચાની આત્‍મકથાના છ ભાગ જે અપ્રાપ્‍ય હતા તે ૨૦૧૧ મા પુનર્મુદ્રણ કરીને અરુણાબેન મહેતા મેમોરિયલ ટ્રસ્‍ટ, વડોદરાએ સમાજ પર પોતાનું રુણ ચડાવ્‍યું છે. શ્રી સનત મહેતાનું કમીટમેન્‍ટ તથા ભાઈ ડંકેશ ઓઝાની કાળજીપૂર્વકની લાંબી જહેમત સિવાય આ કામ આટલી સરસ રીતે થયું ન હોત. આ ઉપરાંત શ્રી દિગંત ઓઝાએ પણ તેમની પ્રવાહી તથા રસપ્રદ શૈલીમાં ઈન્‍દુચાચાના પ્રસંગો તેમજ સ્‍વાનુભવો લખ્‍યા છે.

       ગુજરાતની જ નહિ પરંતુ સંપૂર્ણ દેશની મહત્‍વની ઐતિહાસિક ઘટનાઓમાં જેની ગણતરી ચોક્કસ કરી શકાય તેવી ઘટના એટલે મહા-ગુજરાતની ચળવળ તથા દ્વિભાષિ મુંબઈ રાજયમાંથી ગુજરાતની સ્‍થાપના. પહેલી મે, ૧૯૬૦ નો એ શુભ દિવસ જેને પ્રત્‍યેક ગુજરાતીએ ખોબે અને ધોબે વધાવ્‍યો હતો. છેક એપ્રિલ ૧૯૪૮ માં કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે એક સમ્‍મેલન યોજાએલું જેમાં ગુજરાતના વિકાસ માટે સ્‍વતંત્ર રાજયની રચના કરવાની બાબતમાં ભારપૂર્વક ઠરાવ કરવામાં આવેલો. ત્‍યારબાદ પણ અનેક પ્રસંગોએ અલગ અલગ  ગણમાન્‍ય નેતાઓએ આ પ્રયાસને બળ આપી જીવંત રાખ્‍યો હતો. આથી આ સ્‍વપ્‍નસિધ્‍ધિનો પ્રસંગ દરેક ગુજરાતીને મન અમૂલ્‍ય હતો. કવિ શ્રી ઉમાશંકરે યર્થાથ લખ્‍યું.

મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત

       ગુજરાત મોરી મોરી રે.

ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત

       ગુજરાત મોરી મોરી રે.

       મહાત્‍મા ગાંધીએ જેમ સ્વરાજય માટેની લડાઈના નવા માપદંડો જગત સમક્ષ મૂક્યા તે જ રીતે મહાગુજરાતની લડાઈને પણ ઈન્‍દુચાચાએ એક અલગ અંદાજથી ચલાવી. શાંત, અહિંસક છતાં અસરકારક એવી આ લડાઈને કારણે જ વિશાળ જનસમૂહે ઈન્‍દુલાલને ‘‘ઈન્‍દુચાચા’’ નું વહાલસોયું નામ આપ્‍યું. ૧૯૫૬ માં ઈન્‍દુચાચાએ જનતા પરિષદની સ્‍થાપના કરી તથા આંદોલનને દિશા અને નેતૃત્‍વ બન્‍ને પૂરા પાડ્યા. તે સમયના ગુજરાતના સર્વોચ્‍ચ નેતા મોરારજીભાઈ દેસાઈ સામે ‘જનતા કરફ્યુ’ નું આયોજન કરીને લોકલડતને એક નવું હથિયાર આપ્‍યું. આંદોલનની અનેક નોંધપાત્ર બાબતો પૈકી જનશક્તિની જાગૃતિ ઈન્‍દુચાચા લોકોએ ચૂંટેલી સરકાર સામે ઉભી કરીને ટકાવી શક્યા તે અકલ્‍પનિય છે. એ હકીકત પણ નોંધપાત્ર છે કે આ લડાઈમાં યુવાનો-વિદ્યાર્થીઓ સૌથી આગળ હતા. વિદ્યાર્થીઓ પર થયેલા ગોળીબારે તેમની ચેતનાને વિશેષ પ્રજ્વલિત કરી. વર્ષો પછી ગુજરાતે જોયેલ નવનિર્માણની લડતમાં પણ વિદ્યાર્થીઓનો ખૂબ મહત્‍વનો ફાળો હતો તેની સ્‍મૃતિ આ ઘટના સાથે જરૂર થાય. ૧૯૪૭ પછી લોકલાગણી પર થયેલ આ સૌથી વ્‍યાપક તથા પરિણામલક્ષી આંદોલન હતું. ઈન્‍દુચાચા પોતે કહે છે કે ૧૯૫૬ ના ઓગસ્‍ટની આઠમી તારીખે જે નવજુવાનો મહાગુજરાતનું સર્જન કરવા માટે શહીદ થયા ત્‍યારથી જ તેમના જીવનમાં એક નવા યુગની  શરૂઆત થઈ. ‘‘જય જય ગરવી ગુજરાત’’ નો નાદ હવામાં લહેરાવા લાગ્‍યો. ઈન્‍દુચાચાના મહત્‍વના સાથી રતીલાલ ખુશાલદાસ પટેલનો અમદાવાદનો બંગલો લડતનું કેન્‍દ્ર બન્‍યો. આ લડતને ખરા અર્થમાં લોકલડત બનાવવા ઈન્‍દુચાચાએ અનેક નવા પણ સફળ પ્રયોગો કર્યા. તેઓ કહે કે ગુજરાતણો ગરબા ગાય તો મહાગુજરાતના ગાય. વકીલો મહાગુજરાતના આંદોલનમાં પકડાયેલાઓનો બચાવ કરે. વેપારીઓ આ આંદોલનને આર્થિક સહયોગ કરે. મેઘાણીના અમર શબ્‍દો સભાઓમાં દોહરાવીને તેઓ જુસ્‍સો પ્રગટાવતા હતા.

       નથી જાણ્‍યું અમારે પંથ શી આફત ખડી છે

ખબર છે  એટલી કે મા ગુર્જરીની હાકલ પડી છે.

       સરદાર પટેલને યાદ કરીને તેમણે કહ્યું કે  મહાગુજરાતની રચનાનું સ્‍વપ્‍ન સરદાર પટેલનું પણ હતું. મહાગુજરાતની ઐતિહાસિક ભૂમિકા પણ ઈન્‍દુચાચા ખૂબ તાર્કીક રીતે સમજાવી શકતા હતા. તેમણે કહ્યું કે સ્‍વરાજય આવે ત્‍યારબાદ દરેક પ્રાંતમાં લોકભાષામાં વહીવટ ચાલે તેવી લાગણી ગાંધીજીની હતી અને સકારણ હતી. મુંબઈને છોડીને દેશના અન્‍ય રાજયોમાં આવી ભાષાવાર પ્રાંત રચના કરવામાં આવી પણ છે. આથી ગુજરાતની તે સમયની પોણા બે કરોડની જનતાનો આ હક્ક બનતો હતો. પ્રબોધ રાવળ, સનત મહેતા, બ્રહ્મકુમાર ભટ્ટ અમૃતપ્રસાદ અંતાણી-(કચ્‍છ) દિનકર મહેતા હરિહર ખંભોળજા, ગંગારામ રાવળ સાંકળચંદ પટેલ જેવા અનેક અગ્રણીઓ આ લડતમાં ઈન્‍દુચાચાની પડખે રહી લડતને દોરવણી આપતા હતા. અંતે આ પ્રજાકીય જાગૃતિ તેમજ ફનાગીરી વહોરી લેનાર નેતાનો અજોડ સમન્‍વય પરિણામ લાવીને રહ્યો. કેન્‍દ્ર સરકારે નિર્ણય કરીને ગુજરાત તથા મહારાષ્‍ટ્ર એમ બે રાજયોની રચનાને મહોર મારી.

       ગુજરાતના ગૌરવપૂર્ણ ઈતિહાસનો જયારે પણ ઉલ્‍લેખ થશે ત્‍યારે ઈન્‍દુલાલ યાજ્ઞિક તેમા એક તેજસ્‍વી સીતારાની જેમ ઝળકતા રહેશે. આવા નિસ્‍પૃહી આગેવાનોનો પ્રભાવ કદી ઓસરતો નથી. ઘેરા બદામી રંગની તાજછાપ સિગારેટને તેઓ માણતા હતા. પોતાના શર્ટના ગજવામાં સીંગ ચણા ભરીને જરૂર પડે ત્‍યારે તેનાથી પણ પેટ ભરી લેવાની તેમની આદત જાણીતી હતી. અમદાવાદના રીક્ષવાળાઓ ભાડું લીધા સિવાય તેમને રીક્ષામાં બેસાડી નિર્ધારિત સ્‍થળે લઈ જવા આતુર રહેતા હતા. આ ફકીર બાદશાહે લોકસભાની ચૂંટણીમાં ભલભલા સ્‍થિતિ સંપન્‍ન લોકોને હરાવેલા. પત્રકાર તરીકેની પણ તેમની ઘણી મહત્‍વની કામગીરી હતી. તેમના લેખનને બહોળી પ્રસિધ્‍ધિ તથા સ્‍વીકૃતિ મળી હતી. ગાંધીજી સાથે કેટલીક બાબતોમાં મતભેદ હોવા છતાં તેઓ ગાંધીજીની અનિવાર્ય આવશ્‍યકતા સ્‍વીકારતા હતા. ગાંધીજી પ્રેરીત ખેડાની લડતમાં પણ તેઓ સક્રિય હતા. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા વિચક્ષણ નેતા હતા. તેઓએ ફિલ્‍મ-નિર્માણ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન કરેલું. તેમની આત્‍મકથા એ પણ ખૂબ મહત્‍વની હકિકતોથી ભરપુર છે. તેને ચોક્કસ એક ઐતિહાસિક દસ્‍તાવેજ કહી શકાય. આજીવન લડવૈયા ઈન્‍દુચાચા મૃત્‍યુ સામે પણ લડ્યા. ત્રણેક માસની નબળી શારીરીક સ્‍થિતિ સાથેના જીવન મરણ વચ્‍ચેના સંઘર્ષ બાદ તેમણે ૧૭ જુલાઈ, ૧૯૭૨ ના રોજ દેહ છોડ્યો. તેમની અંતિમયાત્રામાં સ્‍વયંભૂ રીતે ઉમટી પડે લો માનવપ્રવાહ અસાધારણ હતો.

       ગુજરાતના જાહેરજીવનને ઈન્‍દુચાચાએ સમૃધ્‍ધ બનાવ્‍યું છે. વિચારોની દ્રઢતા તેમજ કાર્યની ગતિનો અદભૂત સમન્‍વય તેમનામાં સહજ જોવા મળ્યો. રજમાત્ર આડંબર સિવાયની નિખાલસતા તથા સંપૂર્ણ પારદર્શકતા આપણી સ્‍મૃતિમાં ચિરજીંવી રહેશે. ગરીબ તથા ધનિક વર્ગ વચ્ચેની અસમાનતા તેમને હંમેશા અકળાવતી હતી. કામદારોના હક પ્રત્‍યે તેઓ સૌની જાગૃતિ ઈચ્‍છતા હતા.  રુશવત તથા ધનિકોના વૈભવી ખર્ચાને તેઓ આકરા શબ્‍દોમાં ધિક્કારતા હતા. ઈન્‍દુલાલ યાજ્ઞિકના વિચારો કોઈ પણ કાળે પ્રસ્‍તુત છે, પ્રાસંગિક છે. તેમના વિચારો આપણા સમાજના અનેકોમાં ગતિ પ્રગટાવવાનું તેમજ ચેતના જગાડવાનું કામ કરી શકે તેવા છે. ઈન્‍દુચાચાનું જીવન એક સાહસકથા કે વીરગાથા જેવું માણવા તથા મમળાવવા જેવું છે.

‘‘સીસક રહી ગાંધીકી ધરતી’’

       સુવિખ્‍યાત લેખિકા શ્રીમતી લીલાવતી કનૈયાલાલ મુનશીએ ઈન્‍દુચાચાના વ્‍યક્તિત્‍વનું સુંદર તથા રસપ્રદ ચિત્ર આલેખ્‍યું છે.

       ‘‘ઈન્‍દુલાલ એટલે ટ્રેનની ઝડપ, ઈન્‍દુલાલ એટલે બાળકના તોફાન, ઈન્‍દુલાલ એટલે લશ્‍કરી સિપાહી. ઈન્‍દુલાલમાં ઋષિમુનિનો સંયમ નથી પણ યોધ્‍ધાઓનો નિગરહ છે. એમના બળવાન દેહમાં બાળકનો આત્‍મા વસે છે. એ અનંતના આંગણે રમતું બાળક છે. દેશકાર્યનું  અસિધારાવ્રત એમણે લીધું છે… હનુમાન માફક એમના હ્રદયમાં ઊંડા ભાગમાં દેશ શબ્દ કોતરેલો હશે…

સ્‍વજનોના બંધન એમણે કયારનાયે તોડ્યા છે… કાર્યોના પિંજરામાં પુરાયેલી તેમની રસવ્રત્‍તિ ત્યાયે પાંખો ફફડાવી પોતાનું અસ્તિત્‍વ જણાવ્‍યા વિના રહેતી નથી…’’

       મહાગુજરાત વિદ્યાર્થી સમિતિએ આંદોલનમાં શહીદ થનાર શહીદોની સ્‍મૃતિમાં એક પુસ્‍તિકા પ્રગટ કરી હતી. આ પુસ્‍તિકામાં કવિ પ્રદીપના લાગણીસભર શબ્‍દો મુકવામાં આવ્‍યા હતા. તે સમયના ગુજરાતનું તેમાં આબેહૂબ પ્રતિબિંબ ઝિલાય છે.

       ‘‘કૌન હરે અબ દુખ હમારે’’

              દુર ખડે જનતા કે પ્‍યારે

સીસક રહી ગાંધી કી ધરતી

       બીગડ ગઈ હર બાત

આજ આંખ મે આંસુ લેકર

       બૈઠા હૈ ગુજરાત’’

***

One thought on “અમીર શહેરના ફકીર બાદશાહ

Add yours

Leave a comment

Blog at WordPress.com.

Up ↑