પંચાયત રાજ્યના સુદ્રઢ માળખા માટે તેમજ મજબૂત રીતે કામ કરતા સહકારી પ્રવૃત્તિઓના માળખા માટે ગુજરાત સકારણ ગૌરવ લઇ શકે છે. આ બન્ને વ્યવસ્થા થકી વહીવટનું વિકેન્દ્રીકરણ નોંધપાત્ર રીતે થયું છે તેમજ ખરા અર્થમાં શાસકીય તેમજ આર્થિક નિર્ણયો કરવામાં લોક ભાગીદારી સિધ્ધ થઇ શકી છે. યોગાનુયોગ રાજ્યના એક વખતના મુખ્યમંત્રી શ્રી બળવંતરાય મહેતાનું યોગદાન પંચાયત રાજ્યના માળખાની રચના તથા તેના અમલીકરણમાં મહત્વનું રહ્યું છે. દેશ આઝાદ થયો તેની પણ પહેલા ભાવનગર રાજ્યના પ્રગતિશીલ તથા દીર્ઘદ્રષ્ટા દીવાન સર પ્રભાશંકર પટ્ટણીએ ૧૯૨૪ માં ભાવનગર રાજ્યના સાવરકુંડલા ગામે અજમાયશ તરીકે ગ્રામ પંચાયતની શરૂઆત કરાવી હતી. ૧૯૨૯ માં સમગ્ર રાજ્યમાં પંચાયત અધિનિયમનો અમલ કરવામાં આવ્યો હતો. આમ ગુજરાતીઓને ગળથૂથીમાં જ સત્તાના વિકેન્દ્રીકરણના સંસ્કાર મળેલા હતા. ‘‘પંચ ત્યાં પરમેશ્વર’’ એવી માન્યતામાં સમાજને શ્રધ્ધા હોવાથી પંચાયતોનું ફોર્મલ માળખું ગુજરાતમાં વિશેષ અસકારક તથા ઉપયોગી બની શક્યું છે. સહકારી પ્રવૃત્તિના મૂળ પણ રાજ્યમાં ઊંડા છે. ખાસ કરીને ખેડૂતોની જરૂરિયાતોની કાર્યક્ષમ પરિપૂર્તિ માટે સહકારી પ્રવૃત્તિએ નોંધપાત્ર તેમજ પરિણામલક્ષી કામગીરી કરી છે. ખેડૂતોને સૌથી ઉપયોગી તેમજ જેની સમયસર ઉપલબ્ધી એ આવશ્યક બાબત છે તેવા ખાતર તથા બિયારણની વહેંચણીની સમસ્યાના ઉકેલમાં સહકારી સંસ્થાઓનો ફાળો ખૂબજ નોંધપાત્ર રહ્યો છે. એજ રીતે દૂધ સહકારી મંડળીઓના સુગ્રથિત માળખાને કારણે રાજ્યમાં શ્વેતક્રાંતિનો સૂર્યોદય થઇ શક્યો છે.
સરદાર વલ્લભભાઇ પટેલે સામાજિક કલ્યાણના અનેક કામોમાં રસ લીધો એટલું જ કહીએ તો તે અપૂર્ણ વિધાન કહેવાય. કોઇ બાબત તેમને સામુહિક હિત કે કલ્યાણની લાગી હોય તો માત્ર તેમાં ઉપર ચોટિયો રસ લેવાના બદલે એ પ્રવૃત્તિ શરૂ થાય અને સત્વરે શરૂ થાય તેવા તેમના નિરંતર પ્રયાસ રહ્યા. ‘‘ ગણ્યા ગણાય નહિ અને વિણ્યા વિણાય નહિ ’’ એટલા લોક કલ્યાણના, ધરતીપુત્રોના કલ્યાણના કાર્યો એ સરદાર પટેલની બહુમુખી પ્રતિભાનો એક જ્વલંત હિસ્સો છે. સમગ્ર દેશના ધરતીપુત્રોના યોગક્ષેમની જેમને ચિંતા હતી તેમને ખેડાના કિસાનોની ચિંતા હોય તે સ્વાભાવિક છે. ઉપરાંત ખેડા જિલ્લાના કિસાનો કે દૂધ ઉત્પાદકોના જટીલ પ્રશ્નોની તેમને વિશેષ સૂઝ હોય તે સ્વાભાવિક છે. સરદાર સાહેબ એ બાબત સ્પષ્ટ રીતે જોઇ શક્યા કે ખાનગી વેપારીઓના હાથમાં દૂધના વિતરણનો સમગ્ર કારોબાર રહેશે તો દૂધ ઉત્પાદકોનું હિત જળવાશે નહિ. શોષણ થવાનો પણ સંભવ રહેશે. આથી ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકોના આર્થિક કલ્યાણ માટે દૂધનો સમગ્ર કારોબાર સહકારી ધોરણે વિકસાવવા માટે તેમણે જિલ્લાના આગેવાનો સમક્ષ વિચાર મૂક્યો તથા તેની પરિપૂર્તિ માટે ચોક્કસ માર્ગ પણ સૂચવ્યો. સરદાર જ્યારે કોઇ કાર્ય કરવાનું સૂચવે ત્યારે મોટાભાગે એમના મનમાં તે કાર્યને ગોઠવવાનો નક્શો પણ સ્પષ્ટ હોય. આવું લોકકલ્યાણનું કામ કોણ સારી રીતે કરવા સક્ષમ છે તે બાબતમાં પણ તેઓ મહદ્ અંશે સ્પષ્ટ હોય. આ હકીકત માટે એક ઉજળુ ઉદાહરણ જોઇએ તો અમદાવાદ શહેરના વિકાસ માટે તેમને ભાઇકાકાને જોડવાનો વિચાર આવ્યો. તેમ કર્યું પણ ખરું અને ભાઇકાકાની કાર્ય કુશળતા તેમજ નિષ્ઠાનો લાભ અમદાવાદ શહેરને કેટલો મળ્યો તેની એક અલગ ઉજળી ગાથા લખી શકાય તેમ છે. સહકારી ધોરણે દૂધના સમગ્ર વિતરણના માળખાનું ઘડતર કરવા માટે સરદારને ત્રિભુવનદાસ પટેલ સર્વથા યોગ્ય તથા સુપાત્ર લાગ્યા. સરદારની આ પસંદગીનો સમયસરનો નિર્ણય એક ઉજ્વળ, સફળ તથા અદ્વિતિય એવા માળખાની રચના અને વિકાસમાં પરિણમ્યો. માત્ર આપણા દેશમાં જ નહિ પરંતુ વિશ્વના અનેક દેશોએ સહકારી ધોરણે થયેલા આ દૂધ સહકારી મંડળીઓના માળખાને વધાવ્યું, વખાણ્યું તેમજ તેનું અનુકરણ પોતાને ત્યાં પણ કરવાના પ્રયાસ કર્યા. કેટલી મોટી ઘટના કે ક્રાંતિના મંડાણ ગુજરાતની ધરતી પરથી થયા અને તેનું પાયામાંથી ચણતર કરવાનું કામ ત્રિભુવનદાસ પટેલ જેવા ક્રાંતદ્રષ્ટા મનિષિએ કર્યું તે એક ઇતિહાસનું સુવર્ણ અક્ષરે લખાયેલું ઝળાહળા પ્રકરણ છે. આ ભવ્ય ઇમારત સમાન માળખાના વિકાસના પાયામાં ત્રિભુવનદાસ પટેલ જેવા સમર્પિત વ્યક્તિના લોહી-પસીનો પડેલા છે. શ્રી એચ. એમ. પટેલ ત્રિભુવનદાસભાઇ માટે મંતવ્ય વ્યક્ત કરતા કહેતા કે જો ત્રિભુવનદાસ બીજા કોઇ આગેવાન જેવા હોત તો તેમણે ડૉ. કુરિયનને શોધી કાઢ્યા ન હોત અને શોધ્યા હોત તો પણ ટકવા ન દીધા હોત. ત્રિભુવનદાસે કુરિયનને જાળવી રાખ્યા. તેમના કામમાં ક્યાંયે દખલ ન કરી. આ ત્રિભુવનદાસની મહાનતા છે. એમની આ ઉદારતા – મહાનતાનો ફાયદો માત્ર ગુજરાતને જ નહિ પરંતુ સમગ્ર દેશને થયો. ત્રિભુવનદાસભાઇનું જીવન જોઇએ તો ગંગાની પવિત્ર ધારા સમાન સૌને માટે કલ્યાણકારી હતું. ગુજરાત કોઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આપણાં સૌના અભિનંદન તથા પ્રશંસાને પાત્ર છે કે તે સંસ્થાએ ત્રિભુવનદાસ પટેલનું એક સુંદર દસ્તાવેજી મૂલ્ય ધરાવતુ પુસ્તક પ્રા. ચંદ્રકાન્ત પટેલની સહાય અને તેમની મહેતનથી તૈયાર કરાવ્યું. માત્ર સહકારી પ્રવૃત્તિ સાથે જ સંકળાયેલા લોકો માટે જ નહિ પરંતુ સામાજિક કાર્યોમાં જોડાયેલા કોઇપણ વ્યક્તિ માટે ત્રિભુવનદાસ પટેલનું જીવન પ્રેરણાના સ્થાયી તથા જીવંત સ્ત્રોત સમાન છે. ડૉ. કુરિયન જેવા આંતર રાષ્ટ્રીય ખ્યાતિપાત્ર મહામાનવ હમેશા કહેતા અને પોતાની આત્મકથામાં પણ લખે છે કે ત્રિભુવનદાસભાઇ ખેડૂતોના હિતમાં કામ કરવા માટે ઉચ્ચ પ્રામાણિકતા તથા નિષ્ઠા ધરાવે છે. ત્રિભુવનદાસ પટેલ સાથે કામ કરવું તે આદરણિય બાબત છે. ત્રિભુવનદાસભાઇનું જીવન સર્વતોમુખી રાષ્ટ્રને સમર્પિત હતું.
ત્રિભુવનદાસ પટેલ એક સુખી – સંપન્ન કુટુંબના હોવા છતાં તેમની જીવન જીવવાની શૈલિમાં સાદગી તથા સૌજન્ય પ્રભાવિત કરે તેવા હતા. સરકારી કામગીરીના ભાગ તરીકે અમૂલની મુલાકાતે જવાનું થાય કે મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના નિયામક મંડળની બેઠકમાં હાજરી આપવાનું થાય ત્યારે ત્રિભુવનદાસ પટેલ જેવા મનિષિને મળવાનું તેમજ તેમની સાથે સહકારી પ્રવૃત્તિ તેમજ સામાજિક કાર્યો અંગેની વિવિધ બાબતો અંગે એકથી વધારે વખત ચર્ચા કરવાની તક મને પણ મળી છે. તે સમયે તેઓ કોઇ હોદ્દો સ્વેચ્છાથી ધરાવતા ન હતા પરંતુ સહકારી પ્રવૃત્તિની સાંપ્રત સ્થિતિ તેમજ વિવિધ સામાજિક પ્રશ્નો અંગેની તેમની જાણકારી અસાધારણ લાગી હતી. કાળના સતત વહેતા પ્રવાહ પર આવા લોકોજ પોતાના પગલાની છાપ મૂકીને જતા હોય છે.
સરદાર વલ્લભભાઇ પટેલ જેવા નેતાની દ્રષ્ટિ, મોરારજી દેસાઇ જેવા અનુભવી સામાજિક નેતાનો સહયોગ તથા ત્રિભુવનદાસ પટેલ જેવા સર્વાંગ સમર્પિત વ્યક્તિના યજ્ઞકાર્યથી આજે પરિણામ જગ જાહેર થયું છે. ખેડા જિલ્લાના દૂધ ઉત્પાદકોની પહેલ તેમજ ત્રિભુવનદાસ – કુરિયનની અસાધારણ સૂઝ તથા કાર્યનિષ્ઠાને પંડિત નહેરુ તથા શાસ્ત્રીજી જેવા દેશના પ્રધાનમંત્રીશ્રીઓના આશીર્વાદ મળ્યા. આ બન્ને નેતાઓ સ્પષ્ટ રીતે જોઇ શક્યા કે સહકારી પધ્ધતિએ ‘અમૂલ પેટર્ન’ થી થતો વિકાસ સામુહિક કલ્યાણમાં પરિણામશે. દેશ અને દુનિયાએ ગુજરાતે બતાવેલો માર્ગ સ્વીકાર્યો છે, વખાણ્યો છે અને તેનું અનુકરણ કરવા પ્રયાસ કર્યા છે. કવિ શ્રી ઉમાશંકરે આ જગત – નાગરિક ગુજરાતીને સુયોગ્ય રીતેજ બીરદાવ્યો છે.
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિન્દભૂમિના નામે જેની ઉછળે ના છાતી?
તે નહિં નહિંજ ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી.
રાજ્યમાં સહકારી સ્તરે જે માળખાનું નિર્માણ થયું તે લાંબી વિચારણા તથા મનોમંથન બાદ ત્રિસ્તરીય માળખાની રચના થઇ. પાયાના પથ્થરનું કામ તો ગામડામાં દૂધ સહકારી મંડળી જ કરે. તેનો વહીવટ ચૂંટાઇને આવેલા સભાસદો જ કરે. જિલ્લા કક્ષાએ સંઘની રચના થઇ. ફેડરલ સ્ટ્રકચરમાં દરેક હિસ્સાનું આગવું મહત્વ છે. સંઘ પણ મહદ્ અંશે મંડળીઓના પ્રતિનિધિઓનો હોય છે. ફરી મહત્વની વાત એ કે લોકશાહી ઢબે ચૂંટાયેલો હોય છે. જટીલ તથા મોટા મૂડી રોકાણની જરૂર રહે તેવા પ્રોસેસીંગ પ્લાન્ટસ આવા જિલ્લા સંઘો ચલાવે છે. અમૂલ કે દૂધસાગર આવા મહત્વના જિલ્લા સંઘો છે. મિલ્ક માર્કેટીંગ ફેડરેશન આવા ૧૭ સભ્યોનું બનેલ રાજ્યકક્ષાનું ફેડરેશન છે. લગભગ ૧૭૦૦૦ પ્રાથમિક દૂધ મંડળીઓ તથા ૧૭ સંઘોનું બનેલું આ સુગ્રથિત માળખું રાજ્યકક્ષાના તેમના ફેડરેશનના સબળ, અસરકારક તથા કાર્યક્ષમ માધ્યમથી દેશનું સૌથી વિશાળ ખાદ્ય પદાર્થોનું બજાર ધરાવતું સુપ્રસિધ્ધ માળખું છે. કેટલીયે ઇન્ટરનેશનલ હરીફ કંપનીઓને આ ધરતીપુત્રોની માલિકીનું તંત્ર હંફાવે છે. વર્ષ ૨૦૧૨-૧૩ નું આ ફેડરેશનનું વેચાણ ૨.૫૪ બીલીયન યુ. એસ. ડોલર હતું ! ધરતીપુત્રોની આ ધરબાયેલી આંતરિક શક્તિનો અહેસાસ સરદાર સાહેબને હતો અને સરદાર સાહેબની અમૂલ્ય સલાહમાં અતૂટ શ્રધ્ધા ત્રિભુવનદાસ પટેલને હતી તે કેવી ગૌરવ લઇ શકાય તેવી ઘટના છે ! ૩૨ લાખથી વધારે સંખ્યામાં દૂધ ઉત્પાદકોની શક્તિથી જ આ શ્વેતક્રાંતિનો ગુજરાતમાં થયેલો સૂર્યોદય દેશ તથા દુનિયાએ જોયો – અનુભવ્યો.
ગુજરાતની સમગ્ર સહકારી પ્રવૃત્તિમાં ત્રિભુવનદાસભાઇ, પ્રમોદભાઇ દેસાઇ, વૈકુંઠભાઇ મહેતા કે મોતીભાઇ ચૌધરી જેવા અગ્રજોએ સાદગી, નિષ્ઠા તથા પ્રામાણિકતાના આભ ઊંચા સંસ્કારોનું સિંચન કર્યું તે કદાચ આ મહાનુભાવોની સૌથી મોટી સિધ્ધિ છે. જાહેર વહીવટના કામોમાં ગાંધી ચીંધ્યા માર્ગે ચોકસાઇપૂર્વક તેમજ એક એક પઇનો હિસાબ સંપૂર્ણપણે પારદર્શક રીતે રાખવામાં આવે તે તરફ આ બધા નેતાઓએ સંપૂર્ણ ધ્યાન આપ્યું આપ્યું અને તેનું ઉજળું તથા અનુકરણિય ઉદાહરણ પોતાના વર્તનથી જ પૂરું પાડ્યું. વહીવટમાં કાર્યક્ષમતા જળવાય તે માટે સુયોગ્ય ટેકનોક્રેટસની પસંદગીમાં તેમના વ્યક્તિગત ગમા –અણગમા ક્યારે પણ માર્ગમાં બાધક ન બન્યા. કાર્યકુશળ અધિકારીઓને નિર્ણયો કરવાનીપણ પૂર્ણ સ્વતંત્રતા તેમણે આપી. ઉપરાંત જે વિસ્તારમાં સહકારી સંસ્થા કાર્ય કરતી હોય તે વિસ્તારના સામુહિક વિકાસના કામોમાં પણ સહકારી મંડળીઓને જોડવાનો માર્ગ આ બધા મહાનુભાવોએ બતાવ્યો. સમાજનું સાર્વત્રિક કલ્યાણ તેમની નજરમાં હમેશા રહેલું હતું. મંડળી સાથે જોડાયેલા સભ્યોનું હિત તે હમેશા તેમની અગ્રતા હતી.
ગુજરાતની અસ્મિતા સાથે વણાયેલી આ લોકશક્તિની સિધ્ધિઓની પરંપરા કોઇપણ સમયકાળમાં પ્રસ્તુત છે, ઉપયોગી તો છેજ. સામાજિક જાગૃતિ હશે તો આ પાવક જ્વાળા હમેશા ઉન્નતિ અને કલ્યાણનો માર્ગ દેખાડતી રહેશે. ત્રિભુવનદાસ પટેલ જેવા અનેક વીર ગુજરાતીઓએ કર્મઠ જીવન જીવીને આ માર્ગને ઉજાળ્યો છે.
ગંગોત્રીનો પ્રવાહ જીવંત છે…
લોકોને ઉપયોગી તથા લોકો માટે સ્વસ્થ જીવન જીવવા માટે જરૂરી એવા પાયાના કામોમાં લોકોજ આગેવાની કરે અને સરકારી તંત્ર જ્યાં જરૂર હોય ત્યાં ત્વરાથી સહાયરૂપ થાય તો આપણે ખરા અર્થમાં આઝાદ થયા ગણાઇએ તેવી વાત વિનોબાજી તથા રવિશંકર મહારાજ અનેક પ્રસંગોએ કહેતા. આ વાતનું સારા એવા પ્રમાણમાં અમલીકરણ થયું હોય તેવા દાખલાઓ પણ સરકારી કામગીરી કરતાં મારા ધ્યાન પર અનેકવાર આવ્યા છે. તેમાંથી પ્રેરણા મળી છે તેમજ કામ કરવાનો ઉત્સાહ પણ વધ્યો છે. પીવાના પાણીની વહેંચણી ગ્રામ્ય સ્તરે કરવાના કામમાં કચ્છના અનેક ગામોમાં થયેલ કામગીરી જોઇને હમેશા સંતોષનો ભાવ થતો હતો. સરકારની નાણાકીય – તાંત્રિક મદદ તો ‘‘વાસ્મો’’ ના માધ્યમથી મળે પરંતુ કામની સફળતાનો ખરો યશ મહદઅંશે જે તે ગામના લોકોનેજ આપવો પડે તેવી સ્થિતિ જોવા મળી છે. પાણીનું કામ અને તે પણ કચ્છમાં સારી રીતે થાય તે વિશેષ મહત્વની વાત છે. કારણ કે પીવાના કે ખેતીના કામ માટે પાણીની અછત એ સુકા અને ઓછા વરસાદનું પ્રમાણ ધરાવતા વિસ્તારો માટે પ્રાણપ્રશ્ન હોય છે.
અબડાસા તાલુકાનું આમ તો નાનું એવું ગામ કનકપર પરંતુ ગામલોકોએ કામ મોટું અને મહત્વનું કર્યું. ગામે પોતાની જરૂરિયાત ધ્યાને લઇ એક કૂવો એવા સ્થળે બનાવ્યો કે જ્યાં કનકાવતી નદીના પ્રતાપે તળનું પાણી મળી શકતું હતું. ગામનાજ રહીશોની પાણી સમિતિએ ચર્ચા વિચારણા કરીને પોતાના પીવાના પાણીના સ્ત્રોતને ધ્યાનમાં લઇને પીવાના પાણીની જાળવણી તેમજ તેની વહેંચણી માટે સર્વગ્રાહી યોજના તૈયાર કરી. વાસ્મો તથા કાન્તીભાઇ શ્રોફ (કાન્તીકાકા)ની હૂંફ તો ખરીજ ! ગામલોકોની જાગૃતિ અને તેમાં પણ ઘણાં કિસ્સામાં મહિલાઓની જાગૃતિને કારણે આવી લોક ઉપયોગી યોજનાના અમલીકરણમાં ગુણવત્તાનું ધોરણ પણ ઊંચું રહે છે. આ તેનો વિશેષ ફાયદો છે. આવું એકાદ સારું કામ થાય એટલે આજ ગ્રામજનોમાં આત્મવિશ્વાસનું ઘોડાપૂર આવે છે. પછી તો ગામની શાળા પણ જિલ્લાની શ્રેષ્ઠ શાળા જાહેર થઇ. ગામની શેરીઓની સફાઇ તેમજ કચરાના નિકાલની પણ સ્થાયી વ્યવસ્થા થઇ. હરીયાળી પણ સ્વાભાવિક રીતેજ વધી. નાના ગામે પોતાની સ્વતંત્ર ડ્રેનેજ વ્યવસ્થા કરીને ભલભલા જાણકાર તાંત્રિક લોકોને સ્તબ્ધ કરી દીધા ! લોકજાગૃતિ – લોકભાગીદારીની પાવક ગંગોત્રીનો પ્રવાહ ગામેગામમાં વસતા અનેક ત્રિભુવનદાસ પટેલ જેવાજ કર્મઠ લોકોએ જીવંત રાખ્યો છે. તેમને સલામ. આવા લોકો કબીર સાહેબની વાણી માત્ર સાંભળતા નથી પરંતુ વાણીનું સત્ય જીવી જાણે છે.
બાતે તિમિર ન ભાજઇ,
દીવા, બાતી, તેલ.
વાતો કે માત્ર ફરિયાદ કરવાથી અંધકાર દૂર ન થાય. તે માટે તો દીવાસળી, વાટ અને તેલ ભેગા કરવા પડે !
***
Leave a comment