ક્ષણના ચણીબોર
: મુંબઈ રાજ્યના પ્રથમ સોલિસિટર : ચીમનભાઈ ચકુભાઈ શાહ:
1937 માં બ્રિટિશ હુકુમતે મને કમને ભારતના રાજ્યોમાં પ્રાંતિક સરકારોની રચના માટે સંમતિ આપી
હતી. આ વ્યવસ્થામાં મુંબઈ પ્રાંતમાં કોંગ્રેસની સરકાર બાલા સાહેબ ખેરના નેતૃત્વમાં અસ્તિત્વમાં આવી. મંત્રીમંડળની રચના કરવામાં આવી. કનૈયાલાલ મુનશી તે સરકારમાં ગૃહ મંત્રી તરીકે કામ કરતા હતા.આ સમયે મુંબઈની સરકારે એક ઐતિહાસિક નિર્ણય કર્યો.સામાન્ય રીતે સરકારના સોલિસિટર તરીકે કોઈ અંગ્રેજ કામ કરતા હોય તેવી પ્રથા હતી. મુંબઈ સરકારે વિચાર્યું કે કોઈ હિન્દુસ્તાનના પાત્રતા ધરાવતા વ્યક્તિને સોલિસિટર બનાવવામાં આવે જે વહીવટની પ્રથામાં ખુબજ મહત્વનું સ્થાન ગણાય છે. સરકારે આ સ્થાન માટે ચીમનભાઈ ચકુભાઈ શાહની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો.આ રીતે ચીમનભાઈ સરકારના પ્રથમ હિન્દી સોલિસિટર થયા.સરકારી રીત ભાત તેમજ નિયમોના બંધન તેમને કામ કરવા માટે મોક્ળાશ આપતા ન હતા. આમ છતાં કનૈયાલાલ મુનશીના અગ્રહને કારણે તેઓએ એ સ્થાન સ્વીકાર્યું અને અસરકારક રીતે કામ પણ કર્યું.જેમણે પોતાના જીવનનું ઘડતર અનેક પડકાર વચ્ચે સ્વ બળે કર્યું હતું તેવા ચીમનભાઈ આજની યુવા પેઢી માટે ઉદાહરણ બની શકે તેવા છે. લીંબડી જિલ્લો સુરેન્દ્રનગર ના નાના એવા ગામ પાણશીણામાં તેમનો જન્મ 1902 માં થયો હતો તેમનું કુટુંબ જૈન સંપ્રદાય તેમજ તેની પદ્ધતિઓમાં માનીને જીવન વ્યતિત કરનાર હતું. ઝાલાવાડના નાના એવા ગામ પાણશીણામાં જન્મ લઈને રાજ્યના પ્રથમ સોલિસિટર બનવાનું તેમને સદભાગ્ય પ્રાપ્ત થયું તેના મૂળ કારણમાં તેમની નિષ્ઠા અને જીવન પ્રત્યેના અભિગમમાં હતી. માણસ ઈચ્છે તો ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ પ્રગતિના ઊંચા સોપાન સર કરી શકે છે તેનું જીવતું જાગતું ઉદાહરણ એ ચીમનભાઈ ચકુભાઈ શાહની જીવનયાત્રા છે.કોઈપણ વ્યક્તિ નિર્ધાર કરે અને તેને અનુરૂપ મહેનત કરે તો સફળતાના શિખરો સર કરી શકે છે એ જાણતી વાત છે કવિ શ્રી ઉમાશંકર જોશીના શબ્દો અહીં સ્મૃતિમાં આવે છે
એકવાર શઢ ભર્યા ફુલ્યા અને વાયરા ખીલ્યા પછી હોડીને દૂર શું? નજીક શું?
અભ્યાસ એ તેમનો જીવનભરનો મનગમતો વિષય રહ્યો અને જીવન મંત્ર બની રહ્યો. મેટ્રિક થયા પછી કોલેજમાં જવાનો પ્રસંગ આવ્યો. મુંબઈમાં એ દિવસોમાં એલ્ફિસ્ટન કોલેજમાં ભણવું એ ગૌરવપૂર્ણ ઘટના ગણવામાં આવતી હતી. ચીમનભાઈનો નિર્ધાર એ કોલેજમાં અભ્યાસ આગળ વધારવાનો હતો. આ કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે કોઈ નિષ્ણાત અંગ્રેજ કેળવણીકાર સામાન્ય રીતે રહેતા હતા. કાલબાદેવીની એક ચાલમાં રહેતા કિશોર માટે કોલેજ સુધી જવા આવવાની જાહેર વાહનની સુવિધા હતી. પરંતુ આ કિશોરને તે પણ પરવડે તેવી ન હતી .આથી તેઓ પગે ચાલીને ઘરથી કોલેજ સુધી જતા હતા. કોલેજના પ્રથમ વર્ષનું રીઝલ્ટ સારું આવ્યું અને તેથી તેમને શિષ્યવૃત્તિ મળી અને આગળ અભ્યાસ વધારવાની સવલત સદભાગ્યે થઈ. હિમ્મતે મરદા તો મદદે ખુદા એ વાક્ય તેમના જીવનના લગભગ દરેક વળાંક પર જોવા મળે છે. કોલેજ કાળમાં તેમના સાથીઓમાં જે તેજસ્વી ગણાતા હતા તેવા અશોક મહેતા , યુસુફ મહેર અલી, મીનુ મસાનીઅને કવિ બાદરાયણ હતા.
એક પ્રતિષ્ઠિત કોલેજ માંથી ચીમનભાઈ એમ.એમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા. કોલેજના પ્રિન્સિપાલ તેમની શક્તિથી સારી રીતે જાણકાર હતાં. આથી તેમણે ચીમનભાઈને કોલેજમાં અધ્યાપક તરીકે જોડાવા માટે આગ્રહ કર્યો. કોઈ પ્રતિષ્ઠિત કોલેજમાં અધ્યાપક થવું એ મહત્વની વાત હતી. પરંતુ ચીમનભાઈના જીવનમાં સતત એવું જોવા મળે છે કે તેઓએ જે નક્કી કર્યું હોય તે પ્રમાણે જ પોતાનું જીવન ચક્ર ગોઠવતા હતા. તેમની ઈચ્છા સોલિસિટર થવાની હતી આથી તેમણે સોલિસીટરનો અનુભવ મેળવીને પોતાની સ્વતંત્ર ફર્મ ઊભી કરી જીવનમાં સતત આગળ વધતા રહ્યા. એક ઐતિહાસિક કહી શકાય તેવી ઘટના બની. ચીમનભાઈ જાહેર જીવનના પ્રવાહો નજીકથી જોતા હતા અને તેનું મૂલ્યાંકન પણ કરતા રહેતા હતા. તેમણે સોશિયાલીઝમ ઇન ઇન્ડિયા નામે એક સુંદર અને સુદીર્ઘ લેખ લખ્યો. આલેખ તેમણે તે સમયના ભારતના પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુને વાંચવા માટે મોકલ્યો. જવાહરલાલ તે દિવસોમાં સમાજવાદી વિચારો તરફ દોરવાયેલા હતા.તેમને લેખના વિચારો પસંદ પડ્યા . નેહરૂજીએ ચીમનભાઈ નો લેખ જયપ્રકાશ નારાયણને મોકલી આપ્યો.ઉપરાંત કહ્યું કે લેખના વિચારો એક નવી દિશા આપે તેવા છે. તેમણે જયપ્રકાશને વિનંતી કરી કે આ લેખ કોણે લખ્યોછે અને તે શું કરે છે તેની તપાસ કરવી જોઈએ. જય પ્રકાશજી આથી ચીમનભાઈની ની શોધ કરતા કરતા તેમને મળવા માટે તેમની ઓફિસમાં ગયા. આ લેખ પુસ્તિકા રૂપે પણ પછીથી છપાયો. પંડિત જવાહરલાલ નહેરુએ તેની પ્રસ્તાવના પણ લખી. 32 વર્ષની ઉંમરમાં ચીમનભાઈ દેશના બે દિગ્ગજ રાજકીય પુરુષો પંડિત નહેરુજી અને જયપ્રકાશજીને પોતાની વિચાર શક્તિથી પ્રભાવિત કરી શક્યા તે સામાન્ય વાત નથી. આ પછી ચીમનભાઈ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્પોરેટર તરીકેની ચૂંટણી 1946 અને 1948 એમ બે વખત લડ્યા. તેઓએ મુંબઈ શહેરના પ્રશ્નોને વાચા આપી. સૌરાષ્ટ્રના એક નાના ગામમાં જન્મેલા વ્યક્તિ ભારતની બંધારણ સભામાં સભ્ય તરીકે લેવામાં આવ્યા તે બાબત તેની શક્તિનું દર્શન કરાવે છે. લોકસભાની ચૂંટણી પણ લડ્યા અને જીત મેળવી. કનૈયાલાલ માણેકલાલ મુનશીના આગ્રહથી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ ની કારોબારીમાં પણ રહ્યા. જોકે ખૂબ જ જાણીતું સામયિક એટલે પ્રબુદ્ધ જીવન એ આપણા સૌના ધ્યાનમાં છે. પ્રબુદ્ધ જીવનના તંત્રી તરીકેનો કાર્યભાર તેમણે સંભાળ્યો અને તેમની લેખન પ્રવૃત્તિ નિયમિત બની ગઈ.અનેક વિષયોને આવરી લઈને તેમણે એક જુદા જ દ્રષ્ટિકોણથી તત્કાલીન સમસ્યાઓને મૂલવીને રજૂ કર્યા. જોકે તેમની તબિયત બાબતમાં હંમેશા કોઈને કોઈ નાના મોટા પ્રશ્નો રહેતા હતા. આંતરડામાં કેન્સરની ગાંઠનું નિદાન થયું.ઓપરેશન તો થયું પરંતુ શરીરની વિશેષ કાળજી લેવી પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ મુંબઈ બહાર જવાનું આ કારણસર તેમણે મર્યાદિત કર્યું. તેઓ એક સિદ્ધહસ્ત લેખક ઉપરાંત ખૂબ સારા વક્તા પણ હતા. ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા પર તેમનો નોંધપાત્ર પ્રભાવ હતો. તેઓ સ્વાતંત્ર્યના આજીવન ઉપાસક રહ્યા. આથી દેશમાં જ્યારે કટોકટી લાદવામાં આવી ત્યારે પ્રબુદ્ધ જીવનમાં તેમણે અસરકારક રીતે તેના વિરોધમાં લેખ લખી પોતાનો અવાજ બુલંદ કર્યો.આઠ દાયકાથી વધારે તેમનો જીવનકાળ રહ્યો એ સતત પ્રવૃત્તિમાં રહ્યો.1982માં તેઓ આપણી વચ્ચેથી હંમેશને માટે વિદાય થયા .
વસંત ગઢવી
તા. 16 જૂન 2026
Leave a comment