ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી-સંસ્કૃતિ

ભાઈ ! તારો બહેકે ફૂલડાંનો બાગજી:

                       ગુજરાતના મહત્વના લોકકવિઓની યાદી ભગતબાપુના ઉલ્લેખ સિવાય પુરી થતી નથી. બાપુએ પોતાની વિશાળ તથા ભાતીગળ કલ્પનાશક્તિથી કાવ્યોના પુષ્પો ખીલવ્યા છે. આ પુષ્પોની મહેક આજે પણ અકબંધ છે. સદાકાળ સૌરભ મેળવવાનું સરનામું એ કવિ દુલા ભાયા કાગના કાવ્યો છે. ઝવેરચંદ મેઘાણીએ કાગવાણી ભાગ-૧ની પ્રસ્તાવનામાં કવિ કાગની રચનાઓના સામર્થ્ય વિશે લેખા જોખા કર્યા છે. મેઘાણીભાઈને લાગે છે કે કવિ કાગ જેવા સાંપ્રત સર્જકોની રચનાઓનું સ્થાન આપણાં પાઠ્ય પુસ્તકોમાં છે. આપણો ઉજળો વારસો ભાવિ નાગરિકો સુધી પહોંચે તેનું મેઘાણીને મન વિશેષ મહત્વ છે. માનવજીવનના ઉજળા તથા સ્થાયી મૂલ્યોનો મહિમા કવિ કાગ (ભગતબાપુ)ના ભજનોમાં વ્યાપક રીતે જોવા મળે છે. કંઠ-કહેણી અને કવિતાનો સુયોગ ભગતબાપુના પ્રભાવી વ્યક્તિત્વમાં હતો. બાપુના કંઠેથી વહેતી ‘લોક-રામાયણ’ અનેક લોકોએ આકાશવાણીના સબળ માધ્યમથી માણી છે. આજે પણ તેના તરફનું આકર્ષણ બરકરાર છે. માત્ર લોકપ્રિયતાની દ્રષ્ટિએ નહિ પરંતુ સમાજના વિવિધ ક્ષેત્રો પર અસર કરનાર એક દિગ્ગજ કવિ તરીકે બાપુની ગણના થાય છે. તેમની વાણીનો પ્રવાહ તો અદભુત છે જ પરંતુ તેમની પ્રતિભા પણ તેમને અન્ય સર્જકોથી જુદા પાડે છે. બાપુના ગામ મજાદર(કાગધામ)માં ગુજરાતી સાહિત્ય પરિષદનું યાદગાર તથા ઐતિહાસિક અધિવેશન છ દાયકા પહેલા થયું હતું. જયભિખ્ખુએ તેના મધુર સંભારણા લખ્યા છે. ગુજરાતભરના સાહિત્યકારોની પરિષદમાં જયારે કવિ કાગ બોલ્યા ત્યારે પરિષદના તત્કાલીન પ્રમુખ મોહનલાલ મહેતા (સોપાન) ખુબ જ પ્રસન્ન થયા. કવિ કાગને તેમણે ‘અમારા શ્રેષ્ઠ કવિઓમાં એક’ એમ કહીને ઉમંગથી બિરદાવ્યા. સોપાને કહ્યું કે લોકસાહિત્ય તેમ જ શિષ્ટ સાહિત્ય વચ્ચેની ભેદરેખા પણ અહીં વિરામ પામે છે. આ રીતે જુઓ તો કવિ કાગની સર્જનશક્તિ તથા રજૂઆતની શક્તિ થકી લોકસાહિત્યની પણ એક ઓળખ ઉભી થઇ. લોકસાહિત્યની સ્વીકૃતિ બાપુના કાવ્યો થકી વિશેષ વ્યાપક તેમજ મજબૂત થઇ. લોકસાહિત્ય કે ચારણી સાહિત્યમાં સત્વ તો હતું જ. સમગ્ર મધ્યયુગમાં ચારણ કવિઓ સાહિત્ય સર્જન થકી મશાલ પકડીને ઉભા હતા. વીરત્વના યશોગાન તેમની ઉજળી કલમના પ્રતાપે જગત સુધી પહોંચ્યા હતા. લોકકવિઓના એક મોટા વર્ગ થકી સમાજને શાસ્ત્રોના સારની સમજ સુપાચ્ય થાય તે રીતે પહોંચી હતી. લોક તથા શ્લોકનું અનુસંધાન લોકકવિઓએ કર્યું હતું. ભજનાનંદી સંતો તેમાં શિરમોર સમાન હતા. ભગતબાપુની એક સમર્થ ઓળખ તેમના ભજનો થકી થઇ હતી. ‘આવકારો મીઠો આપજે’ જેવા સરળ પરંતુ અર્થસભર ભજનથી તેમણે લોક-હૈયામાં સ્થાન મેળવ્યું છે. જીવનના સંસ્કારો, મૂલ્યો તથા માનવીય ગુણોની ઉત્તમ વાતો તેમના ભજનો થકી વિશાળ જનસમૂહ સુધી પહોંચી છે. આ રીતે જુઓ તો ભગતબાપુ દીર્ઘકાલીન જીવંત કવિ છે. તેમની રચનાઓ સાંપ્રત સમયમાં પણ મૂલ્યવર્ધન કરી શકે તેવી છે. રાજ્ય દરબારેથી લોક દરબારમાં જવાની આ એક ઘટના હતી. આ સમગ્ર પ્રક્રિયામાં બદલતા સામાજિક તેમજ રાજકીય કાળના પ્રવાહોમાં ભવિષ્યને સ્પષ્ટ રીતે જોઈ શકવાની આ એક ‘કાગદ્રષ્ટિ’ હતી તેમ લાગવું સહજ છે.

                મેઘાણીભાઈએ લખ્યું છે તેમ એક ચારણ કવિની કવિતા ખારવાઓના જીવન તથા તેમની વ્યથા સુધી પહોંચે તે પણ કોઈ સામાન્ય વાત નથી. શ્રમિકો તથા પીડિતોની વાતો કવિ કાગે ઝીણી નજરે નિહાળી છે, ચકાસી છે અને પછી તેને કાવ્યમાં વહેતી મૂકી છે. સમાજની અસમાનતા આથી આ કવિને આંખના કણાની જેમ ખટકી છે.

કપડાં કેરા ભંડાર ભરીયા

ઉપર ઝડીયા તાળા.

ફાટેલ લુગડે કાયા સંતાડે

આ દેશની બેનને બાળા…

અક્કલ કાં હાલી ભરીને ઉચાળા…?

              દેશની આ સ્થિતિમાં ૧૯૧૫માં ગાંધીજીનું આગમન થયું. કવિને ગાંધીજીની વાતોમાં રસ પડ્યો. ભારતના ભાવિનું દર્શન તેમને ગાંધીની વાણીમાં થયું. એકવાર સર પ્રભાશંકર પટ્ટણી કવિ કાગને કહે છે : “દુલાભાઇ, આજે ગાંધીજીની નોબતનો અવાજ પુરા વિશ્વને અસર કરે છે.” સ્નેહી તથા આદરણીય એવા પટ્ટણી સાહેબની વાત કવિના મનમાં સતત ઘૂંટાતી રહે છે. તે વિચાર પ્રક્રિયામાંથી કાવ્યનું સર્જન થાય છે.

માતાજીની નોબતું વાગે

સુતા સૌ માનવી જાગે

લીલુડાં માથડાં માંગે.

એક જોદ્ધો એવો જાગીઓ

જેણે સૂતો જગાડ્યો કાળ

પગ પાતાળે શિષ આકાશે

હાથ પહોંચ્યા દિગ્પાળ…

       ગાંધીયુગના પ્રભાવથી કવિ તરબતર થયા છે. ગાંધીજીની સાથે જ કવિને રવિશંકર મહારાજના સ્નેહાદરને કારણે વિનોબાજી તેમ જ ભૂદાન તરફની લાગણીઓ પણ બળવત્તર બની. જો કે શરૂઆતમાં જમીનદારોની જમીન લેવામાં આવે તે બાબત તરફ કવિનો અણગમો કે વિરોધ હતા પરંતુ આ સમગ્ર બાબતમાં રવિશંકર મહારાજના સંસર્ગથી પરિવર્તન થયું. આ વાતનું સુચારુ વર્ણન કવિએ જ કયું છે.

રવિશંકર કી મુરલી કો,

રુચિર સુન્યો જબ રાગ.

હિલસ્યો હીય ભૂદાનમેં

રીઝ્યો કાગ સુ નાગ.

            નૂતન યુગના એંધાણને પારખી જનારા કવિ કાગને પંડિત સુખલાલજી ‘યથાભાષા તથાકારી’ ગુણો ધરાવતા સર્જક તરીકે ઓળખાવે છે. ભૂદાનમાં કવિને શ્રદ્ધા ન હતી પરંતુ મહારાજ સાથેના મેળાપ બાદ કવિ કાગ ભૂદાનમાં જમીનનું દાન ભૂમિ વિહોણાને ભાવથી આપે છે. વિચારને અનુરૂપ વર્તનનું આ ઉજળું તેમજ અનુકરણીય ઉદાહરણ છે.

             ચારણ કવિઓની ભક્તિ શક્તિ સ્વરૂપ જોગમાયાઓ તરફ હંમેશા વહેતી રહે છે. કવિ કાગનો ભક્તિભાવ પણ આજીવન જગદંબા તરફ વળેલો રહ્યો. સમાજમાંથી વ્યસનો દૂર થાય તે માટે કવિશ્રીએ કરેલા આજીવન પ્રયાસોની વાત જયમલ્લભાઇ પરમારે વિગતે લખી છે. કવિ કાગનું આ બાબતનું યોગદાન પણ તેમને નૂતન યુગના કવિ તરીકે અગ્રહરોળમાં પ્રસ્થાપિત કરે છે. આઈ શ્રી સોનબાઇ જેવા પ્રતાપી વ્યક્તિત્વનો સૂર્ય પણ ભગતબાપુના જીવનકાળ દરમિયાન મધ્યાન્હે તપતો હતો. આથી ભગતબાપુએ આઈમાના ઓવારણા લઈને માતાજીની વિચારધારાને અનુરૂપ અનેક સુંદર કાવ્યોનું સર્જન કર્યું હતું. માની ઉપાસનાના આ કાવ્યો અમરત્વને વરેલા છે. સવા શતાબ્દી પછી પણ કવિ કાગ ઉજળા અને અનોખા કવિની સ્વીકૃતિ જાળવી શક્યા છે.

વસંત ગઢવી

તા. ૩૦ જાન્યુઆરી ૨૦૨૬

Leave a comment

Blog at WordPress.com.

Up ↑