સંતવાણી કે ભજનનો પ્રવાહ કદી ઝાંખો થયો નથી. આજે પણ ભજન સાંભળવા માટેનું આકર્ષણ બરકરાર રહેલું છે. સદીઓથી ગુંજતો રહેલો આ સૂર તથા સ્વરનો નાદ એ અનેક ભજનીક સંતોની આજીવન તથા અખંડ ઉપાસનાનું ઉજળું પરિણામ છે. ભજન એ સંતોની કવિતા છે. એ કવિતામાં કોઇ પંથનો આગ્રહ નથી. કોઇ એકજ દેવની સ્તુતિ નથી. તેમાં તો માત્ર ‘‘શરણાગતિ, મસ્તી તેમજ પ્રભુવિરહના પદો ગવાયા છે. ગુરુભક્તિ છે. જીવનની લોલુપતા, સ્વાર્થાંધતા તથા જડતા ઉપર મર્મ –પ્રહારો છે.’’ (ઝવેરચંદ મેઘાણી : સોરઠી સંતો) ભજનવાણી મુખ્યત્વે અનુભવ, નિરીક્ષણ તેમજ જીવનના વાસ્તવિક વહેવારમાંથી પ્રગટતી હતી. આથીજ તેમાં અનુભૂતિનું દર્શન થતું હતું. ભજન એ આપણી સાર્વજનિક સંપત્તિ છે.
ભજનની લોકપ્રિયતા ઓછી ન થવાના અનેક કારણો છે. સામાન્ય રીતે ગ્રામ્ય પરિવેશમાં તેમજ માહોલમાં મનોરંજનના જે કેટલાક સહજ – સરળ તથા ઓછા કે બીન ખર્ચાળ સાધનો છે તેમાં ભજનનો સમાવેશ થાય છે. ભજનની પ્રથા કદાચ ગામડાઓમાં ઓછી થઇ હોય તેમ બનવા સંભવ છે છતાં પણ તે નામશેષ થઇ હોય તેવું નથી. ચેનલોની ભરમાર છતાં ભજનનો એક વિશાળ ચાહક વર્ગ છે. કચ્છ – સૌરાષ્ટ્રના કોઇ ગામડામાં આજે પણ મોટાભાગે અજવાળી બીજ કે કેટલીકવાર પૂનમની રાત્રીએ ઊંઘ ઊડી જાય તો દૂરથી કોઇ ભજનનો સ્વર તથા સંગીતના મધુરા સૂરો હવાને શણગારતા હોય તેવા કાને પડે છે.
ભજનનો વેપાર
ધણી ! તારા નામનો આધાર
કરમન ! ભજનનો વેપાર જી !
‘‘લોકવાણીનો અંતિમ પરિપાક એ આ ભજનવાણી’’ છે. (મેઘાણી : સોરઠી સંતવાણી) ખરેખર બાર બીજના ધણીના સ્મરણની આ દિવ્ય પળો છે. શાસ્ત્રોનું દોહન કરીને આ સંતવાણીનું પ્રાગટ્ય થયું છે. નારાયણસ્વામી આ ઉજળી પરંપરાના મજબૂત વાહક હતા. દાસ સત્તાર જેવા અનેક મર્મી કર્તાઓની સરળ છતાં ચિત્ત વેધક વાણી નારાયણના માધ્યમથી વિશાળ લોકસમૂહ સુધી પહોંચતી હતી.
ચેત સમજ મન હરિકા ભજન કર
ભજન કરે સુખ થાય
રામને શીદ ને ભુલી જાય.
મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ
શીદને તું ગભરાય..
રામ ભરોસો રાખ હ્રદયમાં
સુખ દુ:ખ આવે ને જાય…
રામને શીદને ભુલી જાય..
માનવીને માનવ હોવાનું ગૌરવ અપાવે તેવું કાર્ય મહાત્મા ગાંધીએ નજીકના ભૂતકાળમાં કર્યું. પરંતુ માનવ જીવનના ઊંચા મૂલ્યોને ઉજાગર કરવાનું આવુંજ કાર્ય આપણાં સંતો – ભક્તોએ સાત આઠ સદીથી અવિરત રીતે કરેલું છે. આમ કરવા પાછળ કોઇપણ પ્રકારની દુન્વયી અપેક્ષા તેમને ન હતી. આથી વિનોબાજી સંત સાહિત્યને વિશ્વાનુભૂતિ તેમજ સકલાનુભૂતિના સ્પર્શ સાથેનું સાહિત્ય ગણાવે છે. સંત સાહિત્યના આપણાં ઉત્તમ ઉપાસકોમાં મીરાં, ભાણ સાહેબ તેમજ નહસિંહ જેવા મોટા ગજાના સર્જકો તથા અલખના આરાધકો હતા. સંત સાહિત્યની આ ધારા ગંગોત્રીની પવિત્ર ધારા જેમ અખંડ તેમજ વેગીલા પ્રવાહથી ચાલતી રહી છે. સંતવાણીના આ સાધકો – ધારકોની સ્મૃતિ કરીએ ત્યારે ગુજરાતમાંથી નારાયણ સ્વામીની સ્મૃતિ થયા સિવાય આ યાદી પૂરી થતી નથી. (૧૯૩૮ થી ૨૦૦૦)
નારાયણ સ્વામીની સંતવાણીમાં વિશાળ જનમેદનીની હાજરી રહેતી હતી તે વાત આપણાં સૌની નજર સામે છે. સંતવાણીના કાર્યક્રમો થવા એ કોઇ નવી કે અજાણી બાબત નથી. પરંતુ આટલી વિશાળ માનવ મેદનીની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની વાણીનો પ્રવાહ તેમજ તેમની વિશિષ્ટ શૈલિને કારણે હતો તેવો સાહિત્ય રસીકોનો મત છે. ભજનો જે રીતે અગાઉ રજૂ થતા હતા તેનાથી એક જુદીજ શૈલિ નારાયણબાપુએ અપનાવી અને ભજન પ્રેમીઓએ રજૂઆતની આ રીતને હૈયાના ઉમળકાથી વધાવી લીધી. ભજનોની વિવિધતા એ તેમની ખૂબી હતી. અનેક સર્જકોને નારાયણની વાણીના મજબૂત માધ્યમથી વિશાળ ભાવકવર્ગ સુધી પહોંચવાની તક મળી છે. તેમાના કેટલાક નામી તથા સુપ્રસિધ્ધ સર્જકો છે. પરંતુ કેટલાક ઓછા જાણીતા એવા સર્જકો પણ નારાયણની રજૂઆતમાં સ્થાન પામ્યા છે. કેટલાક ખ્યાતનામ સર્જકો તેમજ અભિવ્યક્તિના પણ દિગ્ગજો એવા ધન્યનામ વ્યક્તિઓએ લોકસાહિત્ય – ચારણી સાહિત્યમાં રજૂઆતની વિશિષ્ટ આભાનું દર્શન કરાવ્યું છે. જેમકે કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ)ની પ્રસ્તુતિ માણીએ ત્યારે કોઇ ઠાકર મંદિરની ઝાલર જેવો નક્કર છતાં મધુર સ્વર કાન સાથે અથડાય છે. મેરૂભા ગઢવીને સાંભળીએ ત્યારે જાણે કે અરબી સમુદ્રનો મધ્યરાત્રીનો શાંત, ગંભીર છતાં ઘેઘૂર લય સાંભળતા હોઇએ તેમ દીસે છે. પ્રાણલાલ વ્યાસ કે મુગટલાલ જોશી તેમના સ્વર થકી એક જુદી અને આકર્ષક છટાનું દર્શન કરાવે છે. જેની ગળાની મીઠી તથા અદ્વિતીય મીઠાશથી રાજકોટનું રેડિયો સ્ટેશન શોભી ઊઠતું હતું તેવા હેમુ ગઢવીની શૈલિ તો અનેક નવલોહીયા કલાકારો માટે અનુકરણીય રહી છે. આજ પ્રકારે નારાયણસ્વામીની ભજન પ્રસ્તુતિની શૈલિ સંતવાણીના અસંખ્ય ચાહકોએ આકંઠ માણી હતી તેમજ પ્રમાણી હતી. સ્ટેજ પર નારાયણની હાજરી માત્રથી શ્રોતાઓમાં એક ઊંડી પ્રસન્નતા તેમજ પ્રશંસાના ભાવ સહજ રીતેજ પ્રગટ થતા હતા. બાપુના એક એક શબ્દને દાદ આપનારો એક મોટો વર્ગ હતો અને આજે પણ છે. નારાયણસ્વામી તેમના હ્રદયના સિંહાસન પર આજે પણ જીવંત છે. ગંગાસતી, પ્રીતમ, નાઝીર, ભોજો ભગત, કવિ દાદ, અમરદાસ, નરસિંહ, દાસ સતાર, મીરા, દાસ મીઠો જેવા અનેક સ્વનામ ધન્ય સર્જકોની અમૃતવાણી બાપુના કંઠે વહેતી રહી છે.
નારાયણ સ્વામીના ભજનોએ કચ્છ – સૌરાષ્ટ્રના અનેક લોકોને ઘેલું લગાડ્યું હતું તેમ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. નારાયણ એકજ બેઠકે અખંડ ધણીની આરાધના સમગ્ર રાત્રી દરમિયાન પૂરા ભાવ તેમજ ભક્તિ સાથે કરતા હતા. સમગ્ર કાર્યક્રમનું એક આભામંડળ રચાતું હતું. રાત્રીના પ્રહરો જાણે ક્ષણોમાં પસાર થઇ જતા હતા. ગણેશ વંદનાથી શરૂઆત કરીને જુદા જુદા પ્રહરોમાં રાગ – રાગીણીના ખૂબીપૂર્વકના ઉપયોગથી સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લાગી જતા હતા. સામાન્ય રીતે નારાયણ સ્વામીના ભજન ક્ષેત્રમાં પદાપર્ણ પહેલા સંતવાણીના જે કાર્યક્રમો થતા હતા તેમાં નારાયણના આગમન પછી મોટા ફેરફારો થવા પમ્યા હતા. ભજનોના વિશાળ ચાહક વર્ગની સતત ઉપસ્થિતિને કારણે તેમની સંતવાણીના કાર્યક્રમોમાં એક ભીન્ન સ્વરૂપ તેમજ શૈલિનું સમાજને દર્શન થયું હતું. ભજનોની પ્રસ્તુતિને સંગીતના સુચારૂ સહયોગથી વિશેષ આકર્ષક બનાવવામાં આવી હતી. દૂર સુદૂરથી અનેક સંતવાણી અને નારાયણના ચાહકો ભજનભાવની અનુભૂતિ કરવા સંતવાણીની શ્રુંખલાનો ભાગ બન્યા હતા. ભજન પ્રસ્તુતિની એક નૂતન શૈલિનું દર્શન નારાયણ – બાપુની વાણીમાં સૌને થતુંહતું. ભજનના સત્વપૂર્ણ શબ્દોથી અંધારી રાત્રીને શણગારવામાં આવી હોય તેમ સૌને લાગતું હતું. સાંભળવા તથા સમજવા જેવા એ વાણીના શબ્દો છે.
હોય ભલે, દુ:ખ મેરુ સરીખુ મા !
રંજ એનો ના થાવા દેજે,
રજ સરીખુ દુ:ખ જોઇ બીજાનું
રોવાને બે આસું દેજે..
હે જગજનની.. હે જગદંબા !
માત ભવાની શરણે લેજે.
સંતવાણીના ધન્યનામ સર્જકોએ ‘હું’ શબ્દને ગૌણ ગણીને જગતના તમામ જીવો સાથે એકાત્મ તેમજ ઉદારતાના ભાવોનું દર્શન કરાવેલું છે. આથીજ આ વાણીની શાન અને બાન આજે પણ અડીખમ ઊભા છે. નારાયણ સ્વામીના ભજનોમાં સંતવાણીના સર્જકોની વાણીનું દર્શન થવા પામે છે. નારાયણના મીઠાં સ્વરની સવારીએ આ વાણી વિશાળ જનસમુદાય સુધી પહોંચી છે.
ઝવેરચંદ મેઘાણીએ ‘‘ચારણો તથા ચારણી સાહિત્ય’’ વિશે લખ્યું છે તે મુજબ અનેક ચારણ કવિઓએ કાવ્ય દર્શન તેમજ કાવ્ય સર્જન સહજતાના સુમેળથી કરેલું છે. ચારણોના લોહીમાંજ કવિત્વ શક્તિએ સ્થાયી નિવાસ કરેલો છે. આથી એ શક્તિ પેઢી દર પેઢી સુધી વિસ્તરતી કે પ્રસરતી રહેલી છે. ભક્ત કવિ ઇસરદાસ કે બ્રહ્માનંદ સ્વામીથી કવિ દુલા ભાયા કાગ સુધીની મર્યાદિત સમયની યાત્રાનું દર્શન કરીએ તો પણ એ યાત્રા ભવ્ય તેમજ ભાતીગળ લાગે છે. સર્જન ઉપરાંત ઉત્તમ અભિવ્યક્તિનું વરદાન અનેક વાણી ઉપાસકોને મળેલું છે. નારાયણ સ્વામી પણ આ ઉજળી પરંપરાના એક મજબૂત મણકા સમાન હતા. તેમના સંસારી નામ શક્તિદાનથી નારાયણાનંદ સરસ્વતી સુધીની તેમની દીર્ઘ તેમજ પ્રતિષ્ઠાપૂર્ણ યાત્રાથી એક અદ્વિતીય તેમજ ભાતીગળ કથાનું દર્શન થાય છે. સરધારના સુપ્રસિધ્ધ સંત હરીહરાનંદજી સાથેનો તેમનો મેળાપ અને સંસારી શક્તિદાનના જીવનમાં પરિવર્તન એ કોઇક કુદરતી સાંકેતિક ઘટના જેવો ક્રમ છે.
જીવન જ્યારે અનુભવનું ભાથું મેળવે અને તેમાં શ્રધ્ધા તેમજ જ્ઞાનનું ઉમેરણ થાય ત્યારે ભક્તિરસ કે ભજનરસ માનવ જીવનમાં મજબૂતીથી પ્રવેશ કરે છે. આ પળે જીવનના સ્નેહની સરિતા એ સર્વશક્તિમાન શક્તિ તરફ ગતિ કરે છે. આવો ભાવ થાય તો અને ત્યારેજ સાંસારિક વળગણોમાંથી મુક્તિ મળે છે. આ વાત નારાયણસ્વામીના જીવનમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. તાલ તથા સ્વર સાથેજ ભાવનું સહજ પ્રાગટ્ય થાય ત્યારે ભજનની પ્રસ્તુતિ એક અનોખા શિખરે પહોંચે છે. શબ્દ – સ્વર તથા ભાવનું આ ઉત્તુંગ શિખર છે. મંજીરા – હારમોનિયમ તથા ઢોલક કે તબલાના સહયોગે અલખની આરાધના કરવાનો આ ઉમદા અવસર છે. ભજનવાણીમાં તણાતાં અગણિત લોકોને સમયનું ધ્યાન રહેતું નથી. નારાયણના ભજનો એ પૂર્ણ રાત્રીના આભૂષણ સમાન હતા. નારાયણસ્વામીની શૈલિનું અનુકરણ કરીને અનેક કલાકારોને પોતાની રચના રજૂ કરતા જોયા છે. તેમની ભજનને રજૂ કરવાની શૈલિ સૌથી નિરાળી હતી. ભજન ઉપરાંત કેટલીક ગઝલો પણ નારાયણસ્વામીના સુમધુર કંઠથી વ્યાપક લોકસમૂહ સુધી પહોંચી છે. આમાંની એક ‘નાઝીર’ ની ગઝલ અનેક લોકોની સ્મૃતિમાં સચવાઇને પડી છે.
ખુશી દેજે જમાનાને,
મને હરદમ રૂદન દેજે.
અવરને આપજે ગુલશન
મને વેરાન વન દેજે.
ખુદાયા આટલી તુજને વિનંતી છે
આ નાઝીરની, રહે જેનાથી
અણનમ શીષ મુજને એ નમન દેજે.
મધ્યકાલિન સંતોએ પોતાના અંતરમાંથી પ્રગટેલા ભજનભાવથી વિશાળ જનસમુદાયને ભીંજવ્યો છે. આ સંતોની પરંપરા તેમની વિદાય પછી પણ સતત વિકસતી તેમજ મહોરતી રહી છે. ગોરખનાથ, રામાનુજ, રૈદાસ, કબીર, ભાણ સાહેબ કે મીરાંની પરંપરાનેજ નારાયણ જેવા અનેક નાના મોટા ગજાના ભજનીકોએ જીવંત રાખી છે. તેઓ આ સંતોની ઉજળી પરંપરાના મજબૂત વાહકો સ્વેચ્છાએ બન્યા છે. આપણે જેમને કદી વિસરી ન શકીએ તેવા સમર્થ ભજનીકો અમરદાસ ખારાવાળા, યશવંત ત્રિવેદી, ઇસ્માઇલ વાલેરા કે વેલજીભાઇ ગજ્જર જેવા અનેક ધન્યનામ લોકોએ આ ભજન પ્રવાહની ધારા સતત વહેતી રાખી છે. એક મજબૂત પરંપરાને તેમણે ટકાવી રાખી છે. અખંડ ધણીની તેમણે ઉપાસના કરી છે. દેવાયત પંડિત કહે છે :
નોતા રે મેરુ ને નોતી મેદની,
નોતા જે દી ધરતીને આકાશ રે,
ચાંદો ને સૂરજ જેદી હોય નોતા
ધણી મારો તે દી આપોઆપ રે..
ભજન કે સંતવાણી એ આપણી પરંપરાનું એક જીવંત પાસુ છે. છેક મધ્યકાલિન ગુજરાતી સાહિત્યથી શુભ શરૂઆત કરીએ તો ભજનનો નાતો આપણાં આમ આદમી કે લોકસમૂહ સાથે મજબૂત તાણાવાણાથી બંધાયેલો છે. લોક સાહિત્ય કે સંત સાહિત્ય સાથે જેમનો ધરોબો ન હતો તેવા શાક્ષરોને ઝવેરચંદ મેઘાણીએ ‘સોરઠી સંતવાણી’ ના અભ્યાસુ માધ્યમથી ભજનવાણીનો પરિચય કરાવ્યો છે. છે. ગાઇનેજ જેને પૂર્ણ રીતે માણી શકાય તેવું આ સાહિત્યનું રુચિપૂર્ણ તથા સ્વીકૃત માધ્યમ છે. ‘‘ભજન એ સ્વાનુભવની અપેક્ષા રાખે છે અને સ્વાનુભવ એ નદીના તળીયે તળીયે ગતિ કરતો હોય છે. તેને સપાટીની હિલચાલ સાથે ઝાઝો સંબંધ નથી.’’ (નરોત્ત પલાણ : ભજન સાહિત્યનો ઇતિહાસ) ગોરખનાથથી આરંભાયેલી આ પરંપરા છે. સાધુની ભાષામાં ભજનોનો ભાવ ઘૂંટાયો છે. સતી તથા કવયિત્રી તોરલ (૧૪૫૦ થી ૧૫૫૦નો સમયગાળો) તથા ભાણ સાહેબની સમર્થ ગુરુ પરંપરાના શિષ્યોએ આ ભજનવાણીને ચાર ચાદ લગાડ્યા છે. રવિ સાહેબ – ખીમ સાહેબ – મોરાર તથા દાસી જીવણ જેવા ઘડાયેલા તથા કસાયેલા લોકોએ ભજનવાણીને ભક્તિના વાઘા પહેરાવીનેવહેતી કરી છે. ભજને સમાજને એક તાંતણે બાંધી તેનું ઘડતર કરેલું છે. નજીકના ભૂતકાળમાં નારાયણસ્વામીએ આ પ્રાચીન પરંપરાની પુન: પ્રતિષ્ઠા સ્વબળે કરી છે. ભજનવાણી કે સંતવાણીના કાર્યક્રમમાં આટલા મોટા વિશાળ લોકસમુદાયની ઉપસ્થિતિ એ નારાયણસ્વામીની મજબૂત પ્રસ્તુતિની તેમજ વ્યાપક લોકપ્રિયતાની પુન: પ્રતિતિ કરાવે છે. રજૂઆતનો આવો દોર એ અગાઉ જોવા ન મળ્યો હોય તેવો હતો. નારાયણસ્વામીની શૈલિને દેશ તથા પરદેશમાં લોક સ્વીકૃતિની મહોર લાગી છે.
સંત સાહિત્યની જ્યારે અને જ્યાં વાત થાય ત્યાં આ ઉજળી તથા અડીખમ પ્રથાના અનેક પાસાના સહેજે દર્શન થાય છે. સૌરાષ્ટ્ર અનેક કચ્છમાં તો આ ધારાના અનેક ધન્યનામ સર્જકો તેમજ વાહકો થઇ ગયા. ભજનગંગામાં ધર્મ છે પરંતુ તેમાં સંકીર્ણતા નથી. અલખ ધણીની આ ઉપાસનામાં આધ્યાત્મિક્તા સાથેજ ત્યાગ તેમજ પરગજુતાના ઉમદા ગુણોનું દર્શન થાય છે. અઘરું લાગતું વેદાન્તનું તત્વજ્ઞાન અહીં સહેજે સમજાય તેવી શૈલિ તથા શબ્દોમાં રજૂ થાય છે. ‘‘બહુરંગી ચુંદડી’’ કે ભાતીગળ મેઘધનુષ્ય જેવી આ ધારા છે. ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એ પરંપરા જાળવીને ભજન કરો અને ભોજન કરાવો એ પરંપરાને સંતવાણીના સાધકોએ કે સંતોએ જાળવી છે. આ સંદર્ભમાં ગોરખનાથજીનું એક ભજન ખૂબ લોકભોગ્ય થયું છે.
બસ્તીમેં રહેના અબધૂ
માંગીને ખાના રે જી,
ટૂકડે મેં સે ટૂકડા કરી દેના
મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો
લાગી વેરાગી રામા,
જોયું મેં તો જાગી હો…જી…
સંત સાહિત્ય હોય કે બંગાળના બાઉલોનું સાહિત્ય હોય પરંતુ લોકજીવન પર તેનો વ્યાપક પ્રભાવ જોવા મળેલો છે. ગુરુદેવ ટાગોરની અમુક રચનાઓ પર બાઉલોની વાણીનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે. ક્ષિતિમોહનસેને મધ્યયુગી સાધનાઓ તેમજ સાહિત્ય પર પ્રભાવક કામ કરેલું. નાવીકોના ગીતોના જુદાજ ઢાળની અસર સચિનદાની અમુક રચનાઓ પર સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. મકરંદ દવે તથા સ્વામી આનંદ વચ્ચેના પત્રવ્યવહારમાં પણ અનેક સંતો – ભજનીકોની વાણીનો પ્રવાહ વણી લેવામાં આવ્યો છે. લગભગ ૧૫૦ થી વધારે સંતકવિઓ તથા સાત હજારથી વધુ ભજનોનું સંશોધન – સંપાદન તથા ધ્વનિમુદ્રણનું નોંધપાત્ર કામ ડૉ. નિરંજન રાજ્યગુરુએ કરેલું છે. આ વિશાળ ક્ષેત્રમાં જેટલું પણ કામ થાય તેટલું ઓછું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નંદસંત કવિઓ ઉપર પણ નજીકના ભૂતકાળમાં માધવપ્રિય સ્વામીએ મહત્વનું કામ કર્યું છે. કંઠસ્થ પરંપરાના બળુકા માધ્યમથી ભજનવાણી અવિરણ વહેતી તથા પ્રસરતી રહી છે. જોકે ભજનના મૂળ મર્મને સમજીને તેને અસલી ઢાળમાં રજૂ કરી શકે તેવા ગણ્યાંગાંઠ્યા સાધકોજ રહ્યા છે. સમગ્ર ભજન સાહિત્યમાં ‘શબદ’ નું મહત્વ તેમજ ‘શબદ’ નો મહીમા અનોખો છે. આ શબદના ઉપાસક નર-નારીઓનું અનુસંધાન નારાયણ સાથે થાય છે તે બાબત તેના મહીમાની પ્રતિતિ કરાવે છે. શબદ (શબ્દ) ક્યાંથી મળતો હશે ? શબદની ગતિ શી હશે ? આવા પ્રશ્નોનો સંતોષકારક ઉત્તર કબીરસાહેબ જેવા સમર્થ સાધકે કરેલો છે જે સાંભળવા તથા સમજવા જેવો છે.
શબ્દ કહાં સે ઉઠત હૈ,
કહાં જાત સમાઇ,
હાથ પાંવ જિનકો નહિ
ઉસે કૈસે પકડ્યો જાઇ.
શબ્દ નાભિસે ઉઠત હૈ
શૂન્યમેં જાત સમાઇ,
હાથ – પાંવ વાકો નહિ,
ઉસે સુરતાસે પકડ્યો જાઇ.
મન-વચન અને કર્મના સંયુક્ત બળથી ભજન સાધનાના સંતોએ આ પરંપરાની મશાલ જીવંત તેમજ ઝળહળતી રાખી છે. નારાયણસ્વામી જેવા વર્તમાન કાળના સાધક આ ઉજળી પરંપરાની મજબૂત કડી સમાન છે.
સંત હરિહરાનંદજી સાથેનો તરુણ શક્તિદાનનો પરિચય ૧૯૪૯માં થયો હોવાનું નોંધાયું છે. પ્રથમ પરિચયેજ બન્નેને એકબીજા તરફ એક વિશેષ ભાવ થયો. ‘‘આગુની ઓળખાણ’’ હોય તેવી પ્રતિતિ થઇ. પ્રથમ દર્શનેજ થતો આદરભાવ એ આપણાં માનસ પર સ્થાયી તથા ઊંડી અસર છોડી જાય છે. આવી અસર ઘણાં કિસ્સાઓમાં જીવન પરિવર્તન પણ કરાવે છે. નરેન્દ્ર નામના તરુણને પહેલીજ મુલાકાતમાં સ્વામી રામકૃષ્ણ દેવ પાસેથી પોતાના અનુત્તર પ્રશ્નનો જવાબ મળી રહે છે અને યુવાન નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનીને દેશનું અધ્યાત્મ પંથે માર્ગદર્શન કરે છે. કેટલીક આશંકાઓ તથા પ્રશ્નો સાથે સમર્થ તથા વિદ્વાન રાજ્યકવિ લાડુદાનજી શ્રીજી મહારાજને મળે છે. પ્રથમ મુલાકાતની જાદુઇ અસરથી તમામ વૈભવ છોડી લાડુદાન બ્રહ્માનંદ સ્વામીનું સ્વરૂપ ધારણ કરે છે. જેઓ આજે પણ તેમના અદ્દભૂત કીર્તનો થકી જીવંત છે. અહીં હરિહરાનંદબાપુના સંપર્કમાં આવતાંજ તરુણ શક્તિદાનને વિશેષ ખેંચાણ થાય છે. ‘‘આ છોકરો ભજન બહુ સારા બોલે છે.’’ કોઇએ બાપુને શક્તિદાનનો પરિચય આપતા કહ્યું. ચારણનું ખોળિયું અને સંતની ચેતનાએ ચમત્કાર કર્યો. ત્રણ ચાર ભજનો તેમણે બાપુને સંભળાવ્યા. બાપુ જ્ઞાની હોવા ઉપરાંત મર્મજ્ઞ પણ છે. તરતજ શક્તિદાનને સરધાર આવવા નિમંત્રણ મળ્યું. આ એક ગેબી આદેશ હતો. કદાચ કુદરતની કોઇ યોજના હતી. સરધારના સન્યાસ આશ્રમમાં શિવને રીઝવવા શક્તિદાન પોતાની તમામ સૂઝ તેમજ શક્તિથી ગાવા લાગ્યા. સાધુ – સંતો તો નારાયણના સ્વરને સાંભળી પ્રસન્ન થયાજ. શક્તિદાનને પણ આ નૂતન સ્થળ ખૂબ ગમી ગયું. જીવનભર શિવ ઉપાસનાના અનેક ભજનો નારાયણના કંઠે જીવંત રહ્યાં અને વિશાળ લોક સમુહને ભક્તિભાવમાં ખેંચતા રહ્યાં.
ભોલે તેરી જટામેં
ભાતી હૈ ગંગધારા..
કૈલાસ કે નિવાસી નમું
બારબાર હું, આયો શરણ
તીહારે પ્રભુ તારતાર તું. (કવિ દાદ)
સાંસારિક વ્યવહારો વચ્ચે અલખની આરાધનાના આ ભાવતા ઉપક્રમો શક્તિદાને ચાલુ રાખ્યા. ‘‘માહી પડ્યા તે મહાસુખ માણે’’ જેવી આ સ્થિતિ હતી. તેમાંથી બહાર નીકળવાની ઇચ્છા કે માર્ગ હવે સાંકડા થતા જતા હતા. આજ કુદરતી સંકેત હતો. વિધિ નિર્માણ હતું. હરિહરાનંદજીના આગ્રહથી તેમજ માતાપિતાની ઇચ્છાના પગલે યુવાન શક્તિદાને પ્રભુતામાં પગલા માંડ્યા. ધર્માભિમુખ અને પરગજુતા એવા જન્મજાત ગુણો ધરાવતા નાથુબા સાથેના આ લગ્ન એક સુભગ સંયોગ હતો. નાથુબાબહેન પણ ગળથૂંથીમાંજ ચારણ આઇઓના સંસ્કાર પામીને ઉછરેલા હતા. નારાયણસ્વામીને સન્યાસને માર્ગે જવામાં તેઓ બીલકુલ બાધારૂપ બન્યા ન હતા. પોતાના પુત્રો કે પુત્રીઓના વિવાહ પ્રસંગે પણ નારાયણબાપુ ન આવે તેની ઊંડે ઊંડે પણ કડવાશ કે અણગમો નાથુબાની વાતચીત કે વ્યવહારમાં કોઇએ જોયો નથી. સિધ્ધાર્થને બુધ્ધત્વ પ્રાપ્ત કરવામાં સરળતા થાય એટલે જીવનમાં એકલા રહેવાની વ્યથા યશોધરાએ ભોગવી હશે. મોટાભાઇ તથા આરાધ્ય દેવ શ્રીરામની સેવામાં વીર લક્ષ્મણ વન વિચરણ કરે તેની પીડા ઉર્મિલાએ પણ ભોગવી હશે. જીવનમાં અનેક ચડાવ ઉતારમાં નાથુબાબહેને પણ ફરિયાદ કર્યા સિવાય સંઘર્ષ કર્યો હશે. આજે પણ કરતા હશે. આવા માતૃસ્વરૂપો સૌથી પહેલા આપણાં વંદનના અધિકારી છે. બે પુત્રો તેમજ એક પુત્રીના પિતા બનવાનો સ્વાભાવિક ઘટના નારાયણના જીવનમાં રહ્યો. આપણાં મધ્યયુગના અનેક સંતોએ ગૃહસ્થાશ્રમ ધર્મ પણ પૂરી નિષ્ઠાથી પાળ્યો હતો. જો કે નારાયણ સહિતના આ બધા જીવો બાહ્ય દ્રષ્ટિએ બંધાયેલા હતા છતાં અંતરથી મુક્ત તેમજ આત્મસ્થ હતા. તેમને બાહ્ય દેખાવો કે ગતાનુગતિક્તામાં રસ ન હતો. ગુરુ પ્રતાપે તેમને મુક્તિનો માર્ગ કે શ્રેયનો માર્ગ સૂઝી ગયો હતો.
મુક્તિની જુક્તિ મારાં
ગુરુએ બતાવી. સમજી રે
સમજી એમાં સમરથ થાવું..
મારે હરિના ભજન માટે
હિમાળે ન જાવું. (હરિદાનજી બાપુ)
હાર્મોનિયમ ઉત્તમ રીતે વગાડવા માટે જાણીતા થયેલા નારાયણ સ્વામી શરૂઆતમાં જાતે હાર્મોનિયમ વગાડતા ન હતા. જીવણ રબારી નામના જાણીતા ભજનીક તથા સંગીતજ્ઞ પાસેથી તેઓ હાર્મોનિયમ શીખ્યા અને પારંગત થયા. હરિહરાનંદબાપુના આશીર્વાદ તેમજ ભીતરથી ઉછળતા અવિરત ભાવને કારણે નારાયણ સ્વામી પોતાની અલગ શૈલિની પ્રસ્તુતિ માટે સૌરાષ્ટ્ર કચ્છમાં પ્રસિધ્ધ થયા. તેમની ખ્યાતિને હવે કોઇ સીમાડા રહ્યા ન હતા. દેશ વિદેશમાં તેમના સંતવાણીના કાર્યક્રમો સતત યોજાતા રહેતા હતા. શાસ્ત્રીય સંગીતની પધ્ધતિસરની કેળવણી લીધી અને ભજનોને એક નવલુ સ્વરૂપ મળ્યું. લીલાખાના ગ્રામજનોના આગ્રહથી અને સામતભાઇના સ્નેહથી લીલાખામાં એક આશ્રમની સ્થાપના કરી. આ સ્થળે તેઓએ બે વર્ષ જેટલો સમય પસાર કર્યો તેમ નોંધાયુંછે. જે આત્મા સાંસારિક બંધનોમાં બંધાયો ન હતો તે જગતના કોઇ બંધનમાં રહે તેમ ન હતા. કદી કોઇ ભૌતિક વળગણો બાપુને પકડી શક્યા નથી. મુક્ત તેમજ સ્વૈરવિહારી જીવે જીવનને સંપૂર્ણ માણવા માટે તેમજ પરમની પ્રાપ્તિ માટે સૂર તથા સ્વરનો સહયોગ નક્કી કર્યો હતો. આથી સર્પ જેમ કાંચળીનો ત્યાગ કરે તેમ સહજ રીતે તેમણે સંસાર છોડ્યો હતો. તેમનો જીવ છતની છોળો વચ્ચે ન હતો પરંતુ અભાવો વચ્ચે શોભી રહેલી ખાનદાની અને ગરવાઇમાં હતો.
ચાલો વિદુર ઘેર જાઇ,
ઓધવજી ચાલો વિદુર ઘેર જાઇ.
બંટીનો રોટલો ને તાંજળિયાની
ભાજી, રૂચિભર ભોજન પાઇ..
ચાલો વિદુર ઘેર જાઇ.
બાપુની સંતવાણી જ્યાં મળે ત્યાં તેમની વાણી પર ઓળઘોળ થનાર ભાવકો ‘ઘોળ’ કરતા હતા. ચલણી નોટોનો જાણે વરસાદ વરસતો હોય તેમ લાગતું હતું. બાપુ પોતે દુન્વયી બાબતોથી અલિપ્ત હતા. જે કંઇ મળે મળે તેમાંથી અન્નક્ષેત્ર ચલાવતા તથા આશ્રમની વ્યવસ્થા ગોઠવતા હતા. ૧૯૮૬માં તેમણે પૂજ્ય મોરારિબાપુની કથાનું વિશાળ આયોજન કર્યું હતું. કથામાં દરરોજ રાત્રીએ નારાયણ જે વાણીનો પ્રવાહ વહેવડાવતા હતા તે અનેક લોકોની સ્મૃતિમાં સ્થાયી થયેલી છે. બાપુ પછી પ્રદિપાનંદ સરસ્વતીજીએ આશ્રમનું સુચારુ સંચાલન કર્યું હતું.
નારાયણસ્વામી જે સંતવાણીની સાધના આજીવન કરીને ગયા તે વાણીની ઓળખ આપણી આ ધરતી અને ધરતીપુત્રોને સૌકાઓથી છે. આ વાણી એ કોઇ આયાતી જણસ નથી. કોઇની ઉછીની લીધેલી વિચારધારા પણ તેમાં નથી. આપણી સંસ્કૃતિનો એક અભિન્ન તથા ઉજળો ભાગ એ આ સંતવાણી છે. મહાન આચાર્ય શંકરાચાર્ય પછી ગોરખનાથ તેમજ નાથ સંપ્રદાયનો ઉદય થયો. આ ધારાના સંતોનું જીવન કે તેમની વિચારયાત્રા બંધિયાર જળાશય જેવી ન હતી. તેમના જીવન તથા વાણીનો પ્રવાહ તથા પ્રભાવ ભાગીરથીના પ્રવાહ જેવો નિરંતર તેમજ સમાજને પોષક હતો. આવા યાત્રાળુ સંતોએ પોતાની સહજ અધ્યાત્મ યાત્રાના ભાગ તરીકે ભાગીરથીના પાવક નીર સમાન્ય જનસમુદાય સુધી પહોંચાડ્યા. ઝવેરચંદ મેઘાણી તેને ચૌદમી સદીનો વ્યાપક તથા વિસ્તૃત ચમત્કાર ગણે છે. આ સંતોએ પોતાનો સંદેશો લોકસમુદાય સુધી પહોંચાડવા ગીતોનો ઉપયોગ કુશળતાપૂર્વક કર્યો. આ સંતોનું સ્થાન જનસમુહની વચ્ચે હતું. લોકગંગાના તેઓ એક મહત્વનો તથા નોંધપાત્ર હિસ્સો બની ગયા હતા. માનવ માનવ વચ્ચેના ઐક્ય માટેના તેઓ દૂત હતા. મૂળભૂત સત્યો તથા શાશ્વત મૂલ્યોનું તેમને મન અધિક મહત્વ હતું. આ સંતોની પહોંચ તો અપાર હતી તેમ કબીર સાહેબ કહે છે. આ સંતોની ગતિ તો દેવોને પણ દુર્લભ હતી.
વેદ થકે બ્રહ્મા થકે થકે સેસ મહેસ,
ગીતા હૂ કી ગમ નહિ તહં સંત કિયા પરવેસ.
આ વાણીના વાહકો દંભ કે ભ્રષ્ટ આચરણને મૂળમાંથીજ છેદ કરવાના મતના હતા. વિધિ – વિધાનો કે ક્રિયાકાંડોથી તેઓ પર હતા. અખંડ ધણીના એકનિષ્ઠ આરાધકો હતા. કપરા સમયમાં પણ આ મજબૂત સંતોએ લોકોનો જુસ્સો જાળવી રાખ્યો હતો. આથીજ ‘‘ભારતીય સાહિત્યની મૂર્ધન્ય ઓળખ એ સંતસાહિત્ય છે’’ તેવું ડૉ. નાથાલાલ ગોહિલનું વિધાન યથાર્થ છે. સંતવાણીના વિશિષ્ટ પ્રકારો બાબત જયમલ્લ પરમારે ‘ઊર્મિ-નવરચના’ ના અંકોમાં તેમજ ‘સંતસાહિત્ય’ વિષયક ખાસ લેખોમાં પણ આ સાહિત્યની વિગતે છણાવટ તેમજ મૂલ્યાંકન કરેલું છે. ભજનવાણીમાં ભજનના પ્રકારભેદ પણ મહત્વના છે. ભજનનો કે સંતવાણીનો પ્રારંભ સામાન્ય રીતે ગૌરીપુત્ર ગણેશની વંદનાથી થાય છે. ગણેશ બેસાડવાની આ પ્રથા આપણાં અનેક શુભ પ્રસંગોમાં પણ હજુ સુધી જળવાઇ રહી છે. કાર્ય પ્રારંભ કરતાંજ ગણેશ પ્રત્યે શ્રધ્ધા તેમજ આદરથી ભાવ વ્યક્ત થાય છે. કેટલીક ભજન રચનાઓ પ્યાલા પ્રકારની હોય છે. સદ્દગુરુનો શિષ્યને આ પાવક પ્રસાદ છે. ગુરુના જ્ઞાન તથા સિધ્ધિનું અવતરણ કૃપાના આ પ્યાલા થકી શિષ્યને પ્રાપ્ત થાય છે. ભજનનો એક પ્રકાર એ આગમવાણી છે. તેમાં ભવિષ્યના ભેદને ઓળખવા કે પામવાનું કામ થાય છે. આગમનું રહસ્ય સૌને કદાચ સુલભ ન પણ હોય. આગમ કે અભેદના ઉપાસક તરીકે દેવાયત પંડિતનું મોટું નામ છે. જો કે આપણી સંતવાણીની સમગ્ર યાત્રામાં ભાણસાહેબના સંતો કે ‘ભાણફોજ’ નો પ્રભાવ રહેલો છે. રવિ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ કે દાસી જીવણ જેવા સંતોની વાણીથી આપણું સંતસાહિત્ય જીવંત રહ્યું છે. ગંગાસતી કે સતી લોયણ જેવા સ્ત્રી સંતોએ પણ મુક્ત મને પોતાના વિચારોથી સંતવાણીને સમૃધ્ધ બનાવી છે. ભજનના ભીતરના ભાવ વિશ્વને ઉકેલવાનું મહત્વનું કામ મકરંદ દવે પણ કરી ગયા જે આજે પણ પ્રભાવી લાગે છે. નરસિંહના વૈષ્ણવજનના ગુણો ધરાવતા પરબના સંત દેવીદાસ જેવા સંતો તેમની કહેણી તથા કરણીના મજબૂત અનુસંધાનથી માનવદેહનો મહિમા કરીને ગયા. કચ્છના સુપ્રસિધ્ધ સંત ડાડા મેકણ પાણી તથા રોટલાની સામગ્રી ખંભા ઉપર રાખી રણમાં ભૂલા પડેલા પ્રવાસીઓને તેમની ક્ષુધા સંતોષી ઉજ્વળ જીવનકાર્યની પ્રેરણા આપે છે. આથી તેમની શબ્દ પ્રસાદીમાં પણ અવિરત સેવાની સૌરભ પ્રગટ્યા કરે છે. આ વાણીની સરવાણીમાં એક જુદીજ શક્તિ છે. કબીર સાહેબે ભીતરની મીઠાશનો ભાવ ગાયો છે.
જીવન હમારા આદિકા
પલ પલ કરહુ યાદ
અંત ફલેગી માહલી
ઉપર કે સબ બાદ.
મરાઠીના મજબૂત પાયા નાખવાનું કામ જ્ઞાનદેવે કર્યું તેમ કહીએ તો ગુજરાતી ભાષાને પણ એક ભીન્ન ગૌરવશિખરે પહોંચાડવાનું કાર્ય નરસિંહે કર્યું તેમ જરૂર કહી શકાય. આધ્યાત્મિક રીતે જાગનાર નરસિંહ માટે જગત શૂન્ય બની જાય છે. પંદરમી સદીના પ્રકાશ જેવા નરસિંહને હરિદર્શન અત્ર તત્ર સર્વત્ર થાય છે.
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ,
જૂજવે રૂપે અનંત ભાસે,
દેહમાં દેવ તું તેજમાં તત્વ તું
શૂન્યમાં શબ્દ થઇ વેદવાસે.
અનેક સંતોની આ સંતવાણી કે ભજનવાણી નારાયણના શ્રીમુખેથી સાંભળવી તે સોનામાં સુગંધ ભળ્યા જેવી ઘટના છે.
માત્ર બે ધોરણ સુધીની કેળવણી પામેલા સંત નારાયણ અક્ષરજ્ઞાની કદાચ ન હોય પરંતુ આત્મજ્ઞાની હતા. આમ છતાં એમની સાથેની વ્યક્તિગત મુલાકાતોમાં તેઓ હળવા તેમજ હસમુખા હતા. તેમની મુલાકાતોના જે અવસરો પ્રાપ્ત થયા છે તેમાં મારા વ્યક્તિગત અનુભવો છે જે સ્મૃતિમાં રહ્યા છે. તેમના બિદડા આશ્રમના નિવાસસ્થાન દરમિયાન તેમને મળવાનું વિશેષ થતું હતું. આ જગાએજ એકવખત પ્રેમ તથા પ્રસન્નતાના કારણે તેમણે સંગીતના સાધનો સિવાય કવિ દાદની કૃતિ ‘‘કૈલાસ કે નિવાસી’’ સંભળાવી હતી. તેમના ગળાની મીઠાશ તેમજ સ્વરની વિવિધતા અસાધારણ હતી. મઢડા સ્થિત જગદંબા સ્વરૂપા આઇ સોનબાઇમા તરફનો તેમને વિશેષ ભાવ જીવનભર જળવાઇ રહ્યો હતો. ભગવતી આઇ શ્રી સોનબાઇમાના આગ્રહથીજ નારાયણ સ્વામીએ લાંબા સમય બાદ અન્ન ગ્રહણ કરવાનું શરૂ કર્યું હતું તેવું નોંધાયું છે. શિવરાત્રીના પાવન પ્રસંગે ગિરિરાજ ગિરનારની તળેટીમાં જે પવિત્ર તેમજ ભક્તિમય માહોલ સર્જાય છે તેમાં એક વિશેષ આકર્ષણ નારાયણ સ્વામીની સંતવાણીનું રહેતું હતું. અનેક લોકો દૂર સુદૂરથી નારાણયના શ્રીમુખે ગવાતા અર્થસભર ભજનોનો લહાવો લેવા નિયમિત રીતે જૂનાગઢ પહોંચી જતા હતા તે જાણીતીબાબત છે. સપ્ટેમ્બર-૨૦૦૦ માં નારાયણ બાપુએ સ્વધામ તરફ પ્રયાણ કર્યું ત્યારે અનેક લોકોએ સંતવાણીના આ બેતાજ બાદશાહને ગુમાવ્યાનો રંજ અનુભવ્યો હતો. સ્વર્ગમાંથી ભૂલા પડીને પુથ્વી પર આવેલા કોઇ ગંધર્વ સમાન વ્યક્તિત્વની આ ભારે ખોટ સમગ્ર સમાજે અનુભવી હતી. આ ખોટ ભરપાઇ થઇ શકે તેવી નથી. ભજનના આરાધકોએ નારાયણ બાપુને નજર સમક્ષ રાખીને ભજનની આરાધના કરવી જોઇએ. તેમને જીવનમાં ‘સંતપણું’ મળ્યું તે માટે તેમણે કરેલો ત્યાગ તથા ગાયમાતા તરફની ભક્તિ એ શિરમોર સમાન હતા. ‘‘જગતમાં સંતપણું રે એ તો નથી મફતમાં મળતું’’ એ ન્યાયે નારાયણના વ્યક્તિત્વનું પૂર્ણ દર્શન કરીએ ત્યારે તેઓ મૂઠી ઊંચેરા ભાસે છે. નારાયણ સ્વામીના યોગદાનથી આપણી સંતવાણી રળિયાત થઇ છે.
વસંત ગઢવી
ગાંધીનગર.
તા. ૮ ઓગસ્ટ ૨૦૨૪.
Leave a comment