નાના એવા બગવદર ગામમાં એક અનોખા અને રસપ્રદ પ્રસંગના એંધાણ મળે છે. બગવદરના મેરાણી ઢેલીબેનને ત્યાં અને ગામ સમસ્તમાં એક ઇંતેજારીનો તથા ઉત્સુક્તાનો માહોલ ઊભો થયો છે. મેઘાણી જેવા મહેમાન ઢેલીબેનને ત્યાં આવીને ઉતર્યા છે. ‘‘ધોળા ધોળા લૂગડામાં મોટી મોટી આંખો વાળા’’ મેમાનને જોઇનેજ આવકાર દેવાનું મન થાય તેવી પ્રતિતિ ઢેલીબેનને થઇ છે. ઢેલીબેન તેમના મીઠા કંઠે અસલ ઢાળમાં લોકગીતો ગાતા જાય અને મહેમાન સ્ફુર્તિથી પોતાની નોંધપોથીમાં આ ગીતો ટપકાવતા જાય. ગાયા સિવાય ઢેલીબેનને ગીતોના શબ્દો સૂઝે નહિ એટલે ગાતા જાય અને મેઘાણી પૂરી પ્રસન્નતા સાથે આ ગીતો ઝીલતા જાય. સ્વાન્ત: સુખાયનો કેવો મોટો અનુભવ આ બન્ને સાહિત્યના જીવોને થયો હશે ? પરંતુ હવે મેમાન જમવા બેસે છે એ પ્રસંગ તો ઢેલીબેનના શબ્દોમાંજ સાંભળવો વિશેષ ગમે તેવો છે.
‘‘ (મેઘાણીભાઇ) જમવા બેઠા. મહેમાન માટે રીવાજ પ્રમાણે પાટલો ઢાળ્યો હતો. પણ આ મહેમાન પાટલે ન બેઠા ! હું ચુલા પાસે નીચે બેસીને રોટલા ઘડતી હતી તેથી પોતે પણ પાટલો ખસેડીને ભોંય પર બેઠા. પાટલા પર બેસવાનો આગ્રહ કર્યો તો કહે : રોટલા ઘડનાર નીચે બેસે અને ખાનાર ઊંચે – પાટલા ઉપર બેસે એ ક્યાંનો ન્યાય ? ’’ શ્રી નરોત્તમભાઇ પલાણ ઢેલીબેનની રૂબરૂ મુલાકાતનો સંદર્ભ આપીને લખે છે : ‘‘ વયો વૃધ્ધ ઢેલીબેનની આંખમાંથી મેઘાણીભાઇની જીવંત તસવીર મેં પીધી ! ’’ વર્ષો પછી પોતાના મોંઘેરા મહેમાનને યાદ કરી ઢેલીબેન ભાવ વિભોર થયા હતા.
લોકસાહિત્યને મેઘાણી જેવા રુજુ હ્રદયના સંશોધક મળ્યા તે સાહિત્યનો એક વિરલ તથા સુખદ યોગાનુયોગ છે. ધારદાર સાહિત્યનું નિર્માણ કે તેનું અસરકારક સંશોધન સુવિધાપૂર્ણ જગાએ બેસીને ન થાય તે માટે તો ધરતીનો ખોળો ખૂંદવો પડે. મેઘાણીભાઇએ તેમ કર્યું. હજુ જાણે ગઇકાલેજ આપણી વચ્ચેથી અલવિદા કહીને ગયેલા એવા કર્મશીલ લેખક – વિચારક મહાશ્વેતાદેવીએ પણ આમ જ કર્યું. આપણાં ચારણી સાહિત્યના સંદર્ભમાં જોઈએ તો રતુભાઇ રોહડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી માટે અમૂલ્ય હસ્તપ્રતો એકઠી કરવા માટે કરેલા વ્યાપક પ્રયાસોનું અહીં સ્મરણ થાય છે. સાહિત્યકારો અને સમાજ આવા કર્મયોગી સર્જકોના કપરા કર્મયોગથી અનેક ઉજળા પડછાયા નિહાળી શક્યા. અણખેડ્યા પંથ અને અણદીઠી ભોમની ખેપો કરીને શબ્દના મેઘાણી નામધારી આ સોદાગરે સાહિત્ય એકઠું કર્યું. કવિ શ્રી પિંગળશીભાઇ લીલાએ લખ્યું છે તેમ મેઘાણીએ ધરણીના પડને ઢંઢોળીને નેકટેકની ખાતર ખપી ગયેલા અનેક વીરલાઓની વાતોને જગત સમક્ષ રજૂ કરી છે.
કોણ હવે કોદાળી લઇ
ધરણી – પડ ઢંઢોળે,
કોણ હવે સમશાન જગાડી
ખપી ગયેલાં ખોળે,
કોણ હવે કહેવાનો
ગરવી ગૌરવની કહાણી
અમર લોકથી આવ્ય
અમારા શાયર મેઘાણી.
જીવનમાં પાંચ દાયકા પણ પૂરા ન કરી શકનાર આ મહાન શાયર – સંશોધકે અનેક વિષયોનું ખેડાણ કરીને તેનું નવનીત સમાજને વહેંચ્યું છે. મેઘાણીભાઇના વ્યક્તિત્વમાં એક વશીકરણ હતું. બાંધી દડીનું શરીર, સ્વપ્નદર્શી આંખો તથા કાઠિયાવાડી ઢબનો સાફો (પાઘડી) તેમના વ્યક્તિત્વને ઓર નીખાર આપતા હતા. આ નખશિખ લોકસાહિત્યકાર શાંતિનિકેતનમાં ગયા તો ત્યાં પણ તેમને સાંભળવા સંસ્થા નિવાસીઓ ટોળે વળતા હતા. પહાડના આ બાળકનું વ્યક્તિત્વ તથા કૃતિત્વ પહાડી હતા. સૌરાષ્ટ્ર – ફૂલછાબ તથા જન્મભૂમિમાં તેમની કલમ મહોરી ઉઠી હતી. પોતે પોતાના ઇમાન પર મુસ્તાક રહ્યા અને શબદના સોદાગરોને તે રાહે ચાલવા ઇશારો કર્યો.
હૈયા કેરી ધારણે તારે
ઉર ઊઠે જે સૂર જી
એજ સૂરોને ઇમાની ભાઇ !
ગાયા કર ચકચૂક…
જી… જી… શબદના વેપાર.
આપણાં સાહિત્યને જન જન સુધી પહોંચાડવાના કામમાં આકાશવાણી (AIR) એ ખૂબ મહત્વનું અને સુદીર્ઘ યોગદાન આપેલું છે. Public Broadcasterની જવાબદારી સ્વીકારી અને તેનું હેતુપૂર્ણ રીતે વહન કરવું તે પડકારયુક્ત કાર્ય છે. સાહિત્યના – સંગીતના પ્રસારણ માટે આકાશવાણીમાં થયેલા અનેક પ્રયાસો એ એક અલગ તથા ઉજળા ઇતિહાસનો વિષય છે. કોઇપણ સાહિત્યીક કૃતિનું રેડિયો નાટકના સ્વરૂપે પ્રસારણ સાંભળીએ ત્યારે તેમાં મહત્વનું યોગદાન આપનાર ચં. ચી. મહેતા સૌની નજર સામે તરે છે. આપણાં વિશાળ દેશમાં દરેક પ્રદેશની વિશેષ સંસ્કૃતિને અનુરૂપ ભિન્ન ભિન્ન પ્રકારનું સાહિત્ય હોય છે. તુકારામની છાપ જે મરાઠી ભાષાના પદને લાગી હોય કે નરસિંહની ભાત જે ગુર્જરી ગીતોમાં ઊભરી હોય તે આપણી મોંઘેરી વિરાસત છે. રેડિયો તથા લોક કલાકારોના માધ્યમથી તે લોક સુધી પહોંચી શકી છે. હેમુભાઈ ગઢવીના ઘૂંટાયેલા તથા મીઠા સ્વરના ગીતો તેમજ નાનજી મિસ્ત્રી જેવા કસબીઓની કમાલ જાહેર કાર્યક્રમો ઉપરાંત આકાશવાણીના માધ્યમથી જનસમૂહ સુધી અસરકારક રીતે પહોંચી છે. આજ રીતે ઢેબરભાઇ તથા રતુભાઇ જેવા સાહિત્યપ્રેમીઓની દીર્ઘદ્રષ્ટિને કારણે અને કવિ શ્રી દુલા ભાયા કાગ જેવાની રજૂઆતની અસાધારણ શૈલીને કારણે રાજકોટને રેડિયો સ્ટેશન મળ્યું. રાજકોટ રેડિયો સ્ટેશન તરફથી સાહિત્યના અનેક સ્વરૂપોની સાથે લોકસાહિત્યનું જે પ્રસારણ થયું છે તેણે મેઘાણીભાઇના બળકટ લોકસાહિત્યને પાંખો પૂરી પાડી છે. રજૂઆતની શૈલિનું પણ એક આગવું મહત્વ હોય છે તે વાત સર્વ સ્વીકૃત છે. મેઘાણીભાઇ રચીત તથા સંશોધિત સાહિત્યની સરવાણીને હેમુ ગઢવી – ઇસ્માઇલ વાલેરા તથા વેલજી ગજ્જર જેવા સમર્થ વાહકોનો કંઠ મળ્યો તે સોનામાં સુગંધ મળ્યા જેવું કાર્ય થયું. મેઘાણીભાઇના ગીતો જાણે હેમુભાઇના કંઠમાં સોળે કળાએ મહોરી ઊઠ્યાં હતા. લોકો પર આજે પણ હેમુ ગઢવીના અવાજનું વશીકરણ છવાયેલું છે.
આભમાં ઊગેલ ચાંદલો ને
જીજાબાઇને આવ્યા બાળ
બાળુડાને માત હિંચોળે
ધણણર ડુંગરા ડોલે.
શિવાજીને નિંદરું નાવે
માતા જીજાબાઇ ઝૂલાવે.
મેઘાણીભાઇએ જીવનના સંધ્યાકાળે સંતોની અમૃત વાણીનું જે સંશોધન કર્યું હતું તે સદાકાળ યાદગાર ભજનોએ લોક સમૂહને ઘેલો કર્યો. નારાયણ સ્વામી, યશવંત ત્રિવેદી કે પ્રાણલાલ વ્યાસ જેવા મેઘ કંઠીલા કલાધરોએ આ રચનાઓની પ્રસ્તુતિ કરી તેમને ચાર ચાંદ લગાડી દીધાં. આકાશવાણી આ માટે ઉત્તમ માધ્યમ બની રહી.
હેમુ ગઢવી માત્ર છત્રીસ વર્ષની વયે અકાળેજ ડાયરામાંથી ઊભા થઇને વસમું પ્રયાણ કરી ગયા. હેમુભાઇના કંઠની લોકપ્રિયતાની પ્રતિતિ એ વાત પરથી થાય છે કે માત્ર છત્રીસ વર્ષની વયમાં જગતમાંથી એક્ઝિટ કરી જનાર આ મહાન કલાધરને આજે પણ લોકો સ્નેહપૂર્વક સંભારે છે. હેમુભાઇ રહ્યા નહિ તેની ખોટ સમાજને સાલતી રહી છે. હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિની ઉજવણી નીમીત્તે યોજવામાં આવેલા કાર્યક્રમોને જે વ્યાપક લોક પ્રતિસાદ મળ્યો તે આ વાતની ફરી ખાતરી કરાવે છે. જન્માષ્ટમીના દિવસેજ કૃષ્ણની બંસરીમાંથી છૂટો પડેલો સુર જાણે ફરી કૃષ્ણની બંસરીમાં ભળી ગયો. મેઘાણીભાઇ લોક સાહિત્યને ગદ્ય – પદ્ય સ્વરૂપે પ્રગટ કરવામાં નૂતન શૈલિનું નિર્માણ કરી ગયા. હેમુ ગઢવીએ પણ પ્રસ્તુતિની એક નવતર શૈલિ વિકસાવી જેને લોકએ આકંઠ માણી અને દિલોજાનથી વધાવી.
શામળદાસ કોલેજ ભાવનરગમાં ૧૯૧૨ થી ચારેક વર્ષનો સમય મેઘાણીભાઇએ પસાર કર્યો. ગાવાનો અને અભિનય કરવાનો શોખ ત્યારેજ પ્રગટ થતો હતો. કલાપી તેમના પ્રિય કવિ હતા. મહાકવિ નાનાલાલના રાસ થકી તેમની લોકગીતો તરફની રસવૃત્તિ વિશેષ સચેત બની હતી. કવિની રસવૃત્તિ તેમના નિરંતર જનસંપર્ક તથા લોકસંવાદને આભારી છે. શ્રમીકોના ગીતોનું એક અનેરુ આકર્ષણ તેમને હમેશા રહ્યું છે. ભાવનગરના વસવાટ દરમિયાન એક ચણતરકામ પર કામ કરતી મજૂરણ બહેનોને તેમણે જોઇ. મજૂરણો ચણતર કામ કરવા માટે ટિપ્પણી લઇને પરિશ્રમનો પરસેવો વહાવતી હતી. ચણતર માટેનો માલ ખાંડતાં ખાંડતાં તાલ અને સૂરમાં ગીતના શબ્દો રેલાવી પોતાના આકરા પરિશ્રમનો થાક ઓછો કરતી હતી. મેઘાણીના સંશોધક જીવને તો શ્રમિકો પાસેથી તાજા – નવા શબ્દો મળ્યાં.
કરસનજી તેડા મોકલે રે
રાધા ! મારે મોલે આવ.
ઝીણા ઝરમર મેહ રે
ઝીણા ઝરમર મેહ.
જાઉં તો ભીંજાય ચૂંદડી રે
નહિતર તૂટે રે સનેહ
ઘોળી ભીંજાય મારી ચૂંદડી
રે મારે તો રાખવો સનેહ.
બહેનોના આ ટીપ્પણી નૃત્યમાં જાણે કે રાધા અને કાન વચ્ચેના સંબંધોનું માધુર્ય રસાતું હતું – ઘૂંટાતું હતું. વિદ્વાનોની વાણીને પણ જે દોહ્યલું છે તેવું શબ્દ માધુર્ય અને ભાવ માધુર્ય આ મજૂરણોની વાણીમાંથી ટપકતું હતું અને મર્મી મેઘાણી કૃતકૃત્ય થઇને તે ઝીલતાં હતા.
મેઘાણીભાઇ અને હેમુ ગઢવીનું સ્મરણ ઓગસ્ટ માસમાં વિશેષ થાય તે સ્વાભાવિક છે. હેમુભાઈના કંઠ થકી તથા આકાશવાણીના માધ્યમ થકી રસધારની કથાઓ તથા ગીતોને પાંખો મળી છે. મેઘાણીભાઇની જન્મજયંતિ તથા હેમુભાઇની પુણ્યતિથિ આ મહીનામાં આવે તે વાત સાહિત્યરસીકોના ધ્યાન બહાર જતી નથી. જગતના લોકો કોઇને માનમોભો – નાણાં કે સત્તા આપે છે. ઘણાં લોકો આવા માનમોભાથી લાભાન્વીત થાય છે. પરંતુ જગતના લોકો સ્નેહ તો કોઇ કોઇ વીરલાઓનેજ આપે છે. એક વિશાળ લોક સમૂહ આ બન્ને સાહિત્યકર્મીઓ પર ઓળઘોળ થયા છે. આજે પણ આ બંને કલાધરો માટે લોકોનો સ્નેહ યથાવત છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા. ૧૬ ઓગસ્ટ ૨૦૨૩
Leave a comment