આપણા દેશનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ અનેક રીતે વિશ્વના સ્વાતંત્ર્ય સંગ્રામોમાં અલગ પડે તેવો છે. સંગ્રામના જુદા જુદા સ્વરૂપ તેમજ પદ્ધતિ પણ જોવા મળે છે. દીર્ઘકાળ માટે સતત ચાલતી રહી તેવી આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. છેક ૧૮૫૭થી ૧૯૪૭ સુધીનો સંઘર્ષયુગનો વિચાર કરીએ તો આ ભાતીગળ સંગ્રામના અનેક જુદા જુદા ચિત્રો સામે આવ્યા કરે છે. વિપરીત સંજોગોમાં સમર્પણનો શ્રેષ્ઠ ભાવ મનમાં ધરીને અનેક નામી-અનામી લોકોએ આ સંગ્રામમાં કફન બાંધીને ઝંપલાવ્યું હતું. તેમના હૈયામાં સ્વતંત્રતા માટેનું અનોખું ખેંચાણ હતું. ઝવેરચંદ મેઘાણીએ લખ્યું હતું તેમ સ્વંતત્રતાની મીઠી સુગંધ અનેક વીરોનાં આત્મસમર્પણનું કારણ બની હતી.
તારા નામમાં ઓ સ્વતંત્રતા !
મીઠી આ શી વત્સલતા ભરી.
મુરદા મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી.
દેશના મુખ્ય સ્વાતંત્ર્ય સંગ્રામની જયારે વાત કરીએ ત્યારે તેની સાથે જોડાયેલા અનેક નાના કે મોટા પ્રાદેશિક સંઘર્ષો પણ સહેજે સ્મૃતિમાં આવે છે. એ સંઘર્ષોનું સ્વરૂપ પ્રાદેશિક હોય તો પણ આ લડતોની અસર સમગ્ર દેશ પર થઇ હતી. આ લડતોનું જે લોકો નેતૃત્વ કરતા હતા તેમાના મોટા ભાગના રાષ્ટ્રીય કક્ષાએ પણ સંગ્રામને દોરવણી આપનારા હતા. ગાંધીજીના આગમન પછી કિસાનોને ગળીના ઉત્પાદન માટે ફરજ પાડતો ધારો તેમજ તે સામેનો સંગ્રામ બિહારમાં લડવામાં આવ્યો. આમ છતાં આ લડતની અસર સમગ્ર દેશ પર થઇ હતી. ડો. રાજેન્દ્રપ્રસાદ તથા આચાર્ય ક્રિપલાની જેવા લોકોએ આ લડતમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બધા નેતાઓ જ રાષ્ટ્રીય ફલક પર પણ મોટી પ્રતિભાઓ તરીકે પછીથી ઉભરી આવ્યા હતા. બારડોલી સત્યાગ્રહના સરદાર સમગ્ર દેશના સરદાર તરીકે પ્રસ્થાપિત થયા હતા. આ રીતે જુદા જુદા રાજ્યોના આવા સ્વાતંત્ર્ય સંગ્રામ થકી રાષ્ટ્રીય ચળવળનું એક મજબૂત માળખું બન્યું હતું. પદ્ધતિઓમાં ફેરફાર હોઈ શકે પરંતુ મૂળ ભાવનાનું બળ સૌને એક તાંતણે બાંધતું હતું. શુદ્ધ ભાવે થયેલા સત્યાગ્રહ એળે ગયા નથી તેની ઇતિહાસ સાક્ષી પુરે છે. લોકમાન્ય તિલકની વિદાય અને મહાત્મા ગાંધીનો વિસ્તરતો પ્રભાવ એ સ્વાતંત્ર્ય સંગ્રામના લાંબા સમયગાળાના મહત્વના પડાવ હતા. સ્વાતંત્ર્ય માટેની લડતો સત્યાગ્રહના માર્ગે તથા સાધનશુદ્ધિના આગ્રહ સાથે ચલાવવાની વાત ગાંધીજીના પ્રભાવથી અસંખ્ય દેશવાસીઓને સમજાતી હતી. તેનો સ્વીકાર પણ થતો જતો હતો. સામાજિક જાગૃતિના આ સમયમાં કેટલીક પ્રાદેશિક લડતોએ મહત્વનો રંગ પૂર્યો હતો. સૌરાષ્ટ્રમાં થયેલી સ્વાતંત્ર્ય માટેની લડતોનું મૂલ્યાંકન પણ આ સંદર્ભમાં કરવું જોઈએ.
સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને સૌરાષ્ટ્રમાં થયેલી લડતો એ દેશના સ્વાતંત્ર્ય ઇતિહાસની એક મહત્વની કડી છે. સૌરાષ્ટ્રની એક ખાસ પરિસ્થિતિ હતી. બ્રિટિશ હકુમત ઉપરાંત બસ્સોથી વધારે દેશી રજવાડાઓ અહીં વંશપરંપરાગત રીતે શાસન કરતા હતા. તેમાંથી કેટલાક આપખુદ દેશી રાજ્યોના નિરંકુશ નિર્ણયો લોકોને પરેશાન કરતા રહેતા હતા. અમુક રાજ્યોમાં ન્યાયિક પ્રક્રિયાનું કોઈ ખાસ માળખું ન હતું અથવા તો નામમાત્રનું હતું. આથી સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓને હિસ્સે કપરું કામ આવેલું હતું. આવી કપરી સ્થિતિમાં દમનના કોરડા સામે ટકી રહીને સૌરાષ્ટ્રના જે સ્વાતંત્ર્ય સંગ્રામ લડાયા તેની કડીબદ્ધ વિગતો જોવી અને જાણવી રસપ્રદ છે. વિદુષી જયાબહેન શાહે આ બાબતમાં સારી એવી જહેમત લઈને વિગતો પ્રકાશિત કરી છે(સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો. પ્રકાશન: સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ, રાજકોટ). સૌરાષ્ટ્રની આ લડતોનો ઇતિહાસ લખવામાં બીજા અનેક લેખકો-ઇતિહાસવિદોએ પણ મહત્વનું યોગદાન આપેલું છે. સરકારે જયારે સ્વાતંત્ર્ય સૈનિકો માટે તામ્રપત્ર તથા પુરસ્કાર આપવાની યોજના કરી ત્યારે પણ એક યાદી તૈયાર થઇ. પરંતુ પુરસ્કાર લેવા માટે ન આવનાર સત્યાગ્રહીઓની પણ સારી એવી સંખ્યા છે. આથી ઇતિહાસવિદોના કામનું એક આગવું મહત્વ છે. સત્યાગ્રહ સાથે જ રચનાત્મક કાર્યો પાછળ જાતને હોમી દેનારાઓનો પણ એક સારો એવો વર્ગ તૈયાર થયો. કેટલાક સત્યાગ્રહો તથા તેની સાથે જોડાયેલા આગેવાનો વિશેષ જાણીતા છે. કેટલાકની વિગતો પૂર્ણ રીતે પ્રકાશમાં આવી નથી. આમ હોવા છતાં એટલું ચોક્કસ કહી શકાય કે લોકોને કટિબદ્ધ કરવામાં તથા શાસન પાસેથી ન્યાયની અપેક્ષા રાખીને તે માટે અવાજ ઉઠાવવાની નિર્ભયતા આ સત્યાગ્રહોએ પ્રજા માનસમાં ઉભી કરી હતી. સામાજિક દુષણો સામે પણ જાગૃતિ કેળવવાનું મહત્વનું કાર્ય આ સત્યાગ્રહો થકી થયું હતું. ભવિષ્યમાં સ્વાધીન ભારતના વહીવટમાં ઉપયોગી થઇ શકે તેવા આગેવાનોનું નિર્માણ આ લડતો થકી થઇ શક્યું હતું. સર્વ શ્રી ફૂલચંદભાઈ શાહ, બળવંતભાઈ મહેતા, નારણદાસભાઈ ગાંધી, નાનાભાઈ ભટ્ટ, દર્શક, રતુભાઇ અદાણી, ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી, દરબાર ગોપાલદાસ, ઇસ્માઇલભાઈ નાગોરી, જોરસિંહ કવિ, પુર્ણિમાબહેન પકવાસા, મણિલાલ કોઠારી જયમલ્લ પરમાર તેમજ નિરંજન (નાનભા) વર્મા જેવા અનેક ધન્યનામ લોકોએ આ સત્યાગ્રહી સંઘર્ષોની ધુરા સાંભળી હતી. જે જે સ્થળોએ આ લડતો ચાલી ત્યાં વ્યાપક જનજુવાળ ઉભો કરવામાં તેને સફળતા મળી હતી. સામાન્ય રીતે સૌરાષ્ટ્રના ગામડાઓમાં તે સમયે બહેનો ઘરની બહાર નીકળે તેવી પણ સામાજિક સ્થિતિ કે પ્રથા ન હતી. કેટલાક રાજ્યોમાં દેશી રજવાડાઓનું અન્યાય તથા આપખુદ વલણ ઉડીને આંખે વળગે તેવું હતું. આવા સામાજિક સંદર્ભમાં બહેનો પણ મોટી સંખ્યામાં લડતોમાં જોડાય અથવા લડતોને બળ અને પ્રોત્સાહન મળે તેવી વ્યવસ્થા સ્વેચ્છાએ કરે તે અસાધારણ ઘટના હતી. ઝવેરચંદ મેઘાણીની સંગ્રામ ગીતોની નાની પુસ્તિકા ‘સિંધૂડો’ પ્રકાશિત થઇ અને તેના ગીતો ગામડે-ગામડે ગુંજવા લાગ્યા. બ્રિટિશ સરકારે આ પુસ્તિકા પર પ્રતિબંધ મુક્યો. પરંતુ સ્વાતંત્ર્ય સેનાનીઓએ તેની અસંખ્ય નકલો તૈયાર કરીને ગામેગામ પહોંચાડી. સરકારનો પ્રતિબંધ નિરર્થક બની રહ્યો. જુસ્સાને જાગૃત કરનારા ‘સિંધૂડો’ના કાવ્યો લોકભોગ્ય બન્યા હતા. અહીં નિર્ભયતા તથા સમર્પણનો જુસ્સો હતો. ભયને અહીં સ્થાન ન હતું. મેઘાણીએ લલકાર્યું:
બીક કોની? બીક કોની?
બીક કોની? માં તને,
ત્રીસ કોટી બાળકોની
ઓ કરાડી મા તને.
ભિન્ન ભિન્ન સત્યાગ્રહ કદાચ ઓછા કે વધતા જાણીતા હોય તો પણ તે દરેકનું એક આગવું મૂલ્ય છે. આવા દરેક સત્યાગ્રહની પાછળ રહેલી ભૂમિકા મહત્વની છે. જગજાગૃતિ એ દરેક સત્યાગ્રહનો પ્રાણ છે. કાર્યકર્તાઓના નિર્માણની એક આખી પ્રક્રિયા આ સત્યાગ્રહો થકી થવા પામી છે. ત્યાગ, તપશ્ચર્યા અને વીરતાના ગુણોનું આ દરેક સંઘર્ષમાં દર્શન થયા છે. જન્મભૂમિ મીડિયા ગ્રુપના સ્થાપક શેઠ સાહેબના પ્રયાસોથી સૌરાષ્ટ્ર અને પછી ‘ફૂલછાબ’ થકી જાગૃતિ ઉભી કરીને ચેતનવંતી રાખવાના યાદગાર પ્રયાસ થયા. જેનો મહત્વનો ફાળો પણ રહ્યો. કોઈ પણ લડતને વ્યાપક બનાવવા માટે સ્થાનિક અખબારોનું આગવું મૂલ્ય છે. સત્યાગ્રહની લડતોના સંદર્ભમાં જોઈએ તો અખબારો સિવાય સંદેશ વ્યવહાર માટેનું કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. ગાંધીજીએ આ સ્થિતિ પારખીને જ ‘નવજીવન’ તથા ‘યંગઇન્ડિયા’ જેવા સમાચારપત્રો શરુ કર્યા. અહીં સૌરાષ્ટ્રમાં અમૃતલાલ શેઠ પોતાની માન-મોભાદાર નોકરી છોડીને પત્રકારત્વમાં સ્વેચ્છાએ દાખલ થયા. ‘સૌરાષ્ટ્ર’ની રાણપુરથી શરુ થયેલી યાત્રા ઐતિહાસિક બની રહી. આજે પણ ‘જન્મભૂમિ’ જૂથના અખબારો આ ઉજળા વારસાને જાળવીને જીવંત તથા ધબકતા રહ્યા છે.
સૌરાષ્ટ્રની આ સ્વાતંત્ર્ય માટેની લડતોમાં એક મહત્વની લડત એ ‘લીંબડીની લડત’ તરીકે જાણીતી થયેલી છે. પ્રમાણમાં નાના ગણી શકાય એવા સ્થળે પણ શાસન અને લોક વચ્ચેનો સંઘર્ષ ખુબ રસપ્રદ રહ્યો છે. આ લડતનું એ પણ મહત્વ છે કે કેટલાક રાષ્ટ્રીય નેતાઓ પણ આ લડતના એક ભાગ તરીકે નાના-મોટા કાર્યમાં જોડાયા હતા. લીંબડીના સત્યાગ્રહની વાત હોય એટલે સ્વાભાવિક રીતે જ રસિકભાઈ પરીખનું તેમાં મહત્વનું યોગદાન રહ્યું. કેટલાક રાજવીઓના વહીવટમાં જે આપખુદતાનું વલણ વધતું જતું હતું તે રાજ્યોમાં જ જગજાગૃતિના બળે આવા આપખુદ વલણ સામે લડવાની તૈયારી થઇ હતી. લીંબડીની લડતનો ગાળો પણ ૧૯૩૮થી ૧૯૪૦ વચ્ચેનો રહ્યો છે. લીંબડીના તે સમયના ઠાકોર સાહેબ દોલતસિંહજી ઉંમર થવાના કારણે દૈનિક રાજ્યવહીવટમાં પૂરતું ધ્યાન આપી શકતા ન હતા. રાજવીના બંને યુવરાજો વહીવટના અનુભવી ન હતા. પ્રજાની નાડ પારખવાની પણ તેમની શક્તિ મર્યાદિત હતી. કેટલાક રાજવીઓ ઝડપથી બદલાતા કાળના પ્રભાવને પારખી શક્યા ન હતા. લોકોની ધીરજનો અંત હવે નજીકમાં છે તે સ્પષ્ટ હકીકત પણ રાજવીના પુત્રો સત્તાના મદના કારણે સમજી કે સ્વીકારી શકતા ન હતા. લોકોને ભારે કરવેરા તથા રાજ્યમાં કાયદાની ડામાડોળ સ્થિતિને કારણે ભારે અસંતોષ રહેતો હતો. આખરે સ્થાનિક આગેવાનોએ ડિસેમ્બર-૧૯૩૮માં જાહેરસભા ભરીં પ્રજામંડળની સ્થાપના કરી. અહીં એ બાબત નોંધપાત્ર છે કે લીંબડી જેવા નાના નગરમાં પણ ૭૦૦૦ લોકો આ સભામાં રાજ્યના ડરની પરવા કર્યા સિવાય હાજર રહ્યા. એકઠા થયેલા આ સમૂહમાં લગભગ ૧૦૦૦ બહેનો હતી. જયારે મહિલાઓ સામાન્ય રીતે ઘરની બહાર નીકળવાનું પણ ટાળતી હતી તેવા સમયે બહેનોની આટલી મોટી હાજરી એ નોંધપાત્ર છે. લીંબડીની લડતમાં ગોપાલદાસ દેસાઈ-દરબાર સાહેબ તથા ઢેબરભાઈ સહીત મહત્વના લોકોનું યોગદાન રહ્યું. સૌરાષ્ટ્રની લગભગ દરેક લડતમાં મહાત્મા ગાંધી તથા સરદાર સાહેબનું માર્ગદર્શન રહ્યું છે. આ લીંબડીની લડતમાં પણ બાપુએ આગેવાનોને સલાહ આપી. ગાંધીજીએ કહ્યું કે રાજવી સામેની લડત માટે પુરી સજ્જતા હોય અને સમય આવ્યે કદાચ હિજરત કરવી પડે તેમ હોય તો તેની માનસિક તૈયારી સાથે લડત શરુ કરવાનો વિચાર કરવો જોઈએ. પ્રજા પરિષદની બેઠક બોલાવવાની પણ બાપુની સલાહ હતી. બાપુના માર્ગદર્શન પ્રમાણે શરુ થયેલી આ લડત વ્યાપક જનસમૂહના સમર્થનને કારણે દિવસે દિવસે મજબૂત બનતી ગઈ. રાજ્ય તરફથી સામ-દામ-દંડ-ભેદના તમામ પ્રયોગ થયા પરંતુ લોકો મક્કમ રહ્યા. પ્રજા પરિષદની બેઠક બોલાવવામાં આવી. મુંબઈથી લીલાવતી મુનશી તથા બેરિસ્ટર શાંતિલાલ શાહ પણ બેઠકમાં હાજર રહ્યા. રાજ્ય તરફથી આચરવામાં આવતી સામુદાયિક હિંસાને વખોડવામાં આવી. અનેક લોકો રાજ્યના ત્રાસના કારણે હિજરત કરી ગયા. અસંખ્ય લોકો આ સંઘર્ષમાં દેખાવો કરતા ઘાયલ થયા. અનેક લોકોની મિલકતો જપ્ત થઇ. લોકોને ભારે દંડ ભરવાનું કહેવામાં આવ્યું. અંતે લોકબળની સાતત્યપૂર્ણ શક્તિને કારણે લડતનો અંત આવ્યો. શાસનમાં ફેરફાર થયો. પ્રજાબળનો વિજય થયો. આ સમગ્ર લડતમાં સ્થાનિક આગેવાનોનું યોગદાન અને પ્રજાની જાગૃત શક્તિ એ મહત્વના પરિબળો રહ્યા.
સૌરાષ્ટ્રમાં જુદા જુદા સ્થળોએ શાસનકર્તાઓના આપખુદ વલણ સામે સત્યાગ્રહ થયા. લીંબડીના સત્યાગ્રહ ઉપરાંત રાજકોટ સત્યાગ્રહ પણ એટલો જ મહત્વનો છે. રાજકોટના તત્કાલીન રાજવી ધર્મેન્દ્રસિંહજીની શાસન વ્યવસ્થા સામે ૧૯૩૮થી ૧૯૪૦ના સમયગાળા દરમિયાન થયેલો આ સત્યાગ્રહ અનેક રીતે મહત્વનો હતો. આ સત્યાગ્રહમાં કસ્તુરબા ભાગ લેવા માટે આવ્યા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે વખતે ત્રંબા તરીકે જાણીતા નાના ગામની જેલમાં કસ્તુરબા તેમજ સરદાર સાહેબના પુત્રી મણિબહેનને કેદ કરવામાં આવ્યા હતા. રાજકોટની પ્રજાની સ્થિતિ જોઈને મહાત્મા ગાંધી પોતે રાજકોટ આવ્યા અને લોકોની સાથે તેમની વેદનામાં ભાગીદાર બન્યા. લડતના એક તબક્કે જયારે ગાંધીજીએ ઉપવાસ કરવાનું જાહેર કર્યું ત્યારે સમગ્ર દેશમાં તેની અસર થઇ. દિલ્હીથી વાઇસરૉયે સૌરાષ્ટ્રના રેસિડેન્ટ(રાજકોટ સ્થિત બ્રિટિશ સત્તાના પ્રતિનિધિ) મારફત બાપુને સંદેશ મોકલ્યો. આ સંદેશમાં તેમને બાપુને ઉપવાસ કરવાના નિર્ણયમાં ફેરવિચારણા કરવા કહ્યું. વાઇસરૉયે પોતે પણ રાજકોટના રાજવી સાથે આ બાબતમાં વાત કરશે તેવી હૈયાધારણ આપી. વાઇસરોયની સહાય કરવાની હૈયાધારણ પછી બાપુએ ઉપવાસ તો છોડ્યા પરંતુ રાજકોટ લડતનું પરિણામ લોકોની માંગણી પ્રમાણે આવ્યું નહિ. ગાંધીજીને આ બાબતની ઊંડી વેદના રહી જે તેમણે લખી અને પ્રસિદ્ધ કરી. વિધિની એ વક્રતા હતી કે રાજકોટના રાજવી સાથે બાપુને પેઢીઓ જૂનો સંબંધ હતો. રાજવી લાખાજીરાજ સાથે બાપુને આત્મીયતા હતી પરંતુ કાળબળે પોતાનું કાર્ય કર્યું. અસાધારણ લોક ભાગીદારી સાથે રાજકોટની લડત લડવામાં આવી. લડતનું ફળ મેળવવામાં વિલંબ થયો. પરંતુ સૌરાષ્ટ્રના કેન્દ્ર સમાન રાજકોટમાં આ લડત થઇ તેની વ્યાપક અસર સમગ્ર પ્રદેશ પર થઇ. ગાંધીજી અને કસ્તુરબાએ લડતમાં ભાગ લીધો. તેથી આ સત્યાગ્રહ સમગ્ર દેશમાં જાણીતો થયો. સૌરાષ્ટ્રના સત્યાગ્રહોમાં આ પણ એક મહત્વનો તેમજ ઐતિહાસિક સત્યાગ્રહ છે.
સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામની લડતોમાં કેટલીક મહત્વની લડતો નીચે મુજબ ગણાવી શકાય.
૧. વઢવાણ પ્રજા પરિષદની લડત(૧૯૨૯)
૨. ખાખરેચીની લડત(૧૯૨૯)
૩. ધોલેરા મીઠા સત્યાગ્રહ(૧૯૩૦)
૪. મોરબી સત્યાગ્રહ.
૫. ભાવનગરની વિદેશી કાપડ પરની પ્રતિબંધની લડત(૧૯૩૦)
૬. ધ્રોલનો ઝંડા સત્યાગ્રહ.
૭. ધ્રાંગધ્રાની યાદગાર લડત(૧૯૩૧)
૮. વલ્લભીપુર સત્યાગ્રહ.
૯. આરઝી હકુમત તથા જૂનાગઢની મુક્તિની અવિસ્મરણીય લડત.(૧૯૪૭).
અનેક ઇતિહાસકારોએ સૌરાષ્ટ્રની આ લડતો તથા તેના મહત્વ વિષે લખ્યું છે. દરેક લડત પોતાની રીતે આગળ રહી છે. જૂનાગઢની આરઝી હકૂમતની લડત એ એક અલગ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. જયાબહેન શાહ ઉપરાંત ડો. એસ. વી. જાની, ડો. પ્રદ્યુમન ખાચર તેમજ શંભુપ્રસાદ દેસાઈનું પણ લડતોના ઇતિહાસ આલેખનમાં મહત્વનું યોગદાન છે. ‘ઊર્મિ નવરચના’ માસિકના માધ્યમથી પણ જયમલ્લ પરમારે આ ઐતિહાસિક લડતોના સંભારણા સમયાંતરે તાજા કર્યા છે.
સૌરાષ્ટ્ર એ ૨૨૨ દેશી રજવાડાઓનો પ્રદેશ હતો. એ બાબત પણ નોંધપાત્ર છે કે આ રાજવીઓ પૈકી રાજકોટ રાજ્યના રાજવી લાખાજીરાજ, ગોંડલના દીર્ઘદ્રષ્ટા રાજવી ભગવતસિંહજી, મારી પ્રજાનું કલ્યાણ થજો એ મંત્ર સાથે શાસન કરનાર ભાવનગરના રાજવી કૃષ્ણકુમારસિંહજી જેવા શાસકોએ પ્રજાહિતની પૂર્ણ ખેવના સાથે રાજ્યવહીવટ કર્યો હતો. રાજ્યના લોકોનો બ્રિટિશ સત્તા સામેનો આવાજ ગૂંગળાવવા માટે તેઓ ઉત્સુક ન હતા. રાજકીય મુત્સદીગીરીથી તેઓ બ્રિટિશ સત્તાધીશો સાથે પણ સંબંધ રાખતા હતા. પ્રજામતની હંમેશા ખેવના કરતા હતા. મોરબી રાજ્યના વાઘજી તથા લખધીરજી જેવા શાસકોએ પોતાના રાજ્યોનું આધુનિકરણ કરવા અનેક કાર્યો કર્યા હતા. બ્રિટિશ હિંદમાં જે અસહકારનો મહત્વનો દોર શરુ થયો તેની અસર દેશી રજવાડાઓ પર પણ થઇ. કેટલીક મહત્વની સંસ્થાઓએ સૌરાષ્ટ્રની આ લડતોને દિશા આપવામાં મહત્વની ભૂમિકા બજાવી. ૧૯૨૧માં કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થઇ. એક સંસ્થાગત માળખું ઉભું થવાથી સૌરાષ્ટ્રની તમામ લડતોને બળ મળ્યું. સમયસર માર્ગદર્શન પણ મળ્યું. કાઠિયાવાડ રાજકીય પરિષદના પ્રમુખ તરીકે મહાત્મા ગાંધી, વિઠ્ઠલભાઈ પટેલ જેવા મહાનુભાવો રહ્યા. આથી પરિષદની પ્રવૃત્તિઓ વ્યાપક બની અને સમગ્ર પ્રદેશમાં તેનો પ્રભાવ પણ પથરાયો. સ્વાતંત્ર્યની તમામ લડતોને દિશા તથા વેગ મળ્યા. સૌરાષ્ટ્રમાં શિક્ષણ સંસ્થાઓના ક્ષેત્રમાં પણ દર્શક, નાનાભાઈ ભટ્ટ, ગિજુભાઈ બધેકા તથા હરભાઇ ત્રિવેદી જેવા શિક્ષણવિદોએ શૈક્ષણિક સંસ્થાઓનું મજબૂત સંસ્થાગત માળખું ઉભું કર્યું. રચનાત્મક કામો માટે તેમજ સ્વાતંત્ર્યની લડતો માટે સમર્પિત તથા કેળવાયેલ માનવબળ તૈયાર કરવામાં આ શિક્ષણ સંસ્થાઓએ મહત્વનું કાર્ય કર્યું. મહાત્મા ગાંધીના જન્મદિવસે ૧૯૨૧માં ‘સૌરાષ્ટ્ર’ પત્રની શરૂઆત રાણપુરથી થઇ. જનજુવાળ ઉભો કરવામાં ‘સૌરાષ્ટ્ર’ તેમજ ફુલછાબે મહત્વનો ભાગ ભજવ્યો. રાષ્ટ્રીય આંદોલનના સમગ્ર સમયગાળા દરમિયાન રચનાત્મક કાર્યોના માધ્યમથી રાષ્ટ્રીય ઘડતરનું કાર્ય પણ થયું. રાજકિય જીવન તથા રચનાત્મક કાર્યક્રમોનો આ સુભગ સમન્વય હતો. “સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ” એ એક મહત્વની સંસ્થા ઉભી કરવામાં આવી જે આજે પણ કાર્યરત છે. સૌરાષ્ટ્રની લગભગ દરેક લડતમાં મહિલા કાર્યકરોની પણ મહત્વની ભૂમિકા રહી. મહિલાઓ ઘરની ચાર દીવાલોમાંથી નિર્ભયતા સાથે બહાર આવે તે મહત્વની જાગૃતિ હતી. રાજવીની જોહુકમી સામેના ખાખરેચી સત્યાગ્રહ તથા શરાબના પીઠા પર પિકેટિંગ કરવામાં મહિલાઓએ મહત્વની ભૂમિકા ભજવી. શરાબનો વેપાર કરનારા વર્ગનું ધોરણ સામાન્ય હતું. પોતાના વ્યવસાય સામે પડકાર ઉભો થતા તેમણે પિકેટિંગ કરતી સત્યાગ્રહી મહિલાઓ સામે ઘણું અપમાનજનક વર્તન કર્યું. છતાં બહેનો ધીરજ ગુમાવ્યા સિવાય પોતાની કામગીરીમાં મક્કમ રહી. ભક્તિબા દેસાઈ, લાભુબહેન મહેતા, વિજ્યાબહેન પંચોલી, દેવબહેન પટ્ટણી તથા ફૂલચંદભાઈ શાહના વયોવૃદ્ધ માતાએ સત્યાગ્રહમાં ઝંપલાવી નીડરતા તથા નિર્ભયતાનો સંદેશ પ્રસરાવ્યો. “પોતાના રક્ષણ માટે બહેનો શોર્ય દાખવે” એવા મહાત્મા ગાંધીના સંદેશની અસર સૌરાષ્ટ્રની તમામ મહિલાઓ પર થવા પામી હતી. મહિલાઓની જાગૃતિ એ આ સમગ્ર લડતનું એક મહત્વનું પરિબળ રહ્યું હતું.
સૌરાષ્ટ્ર એ સંત, સતી અને શૂરવીરોની ભૂમિ છે. અહીંનું વાયુમંડળ એક ભિન્ન સૌરભ ધરાવે છે. અહીંના કેટલાક બહારવટિયાઓ પણ તેમની અમુક બાબતોમાં ખાનદાની તેમજ મૂલ્યનિષ્ઠા માટે જાણીતા છે. અહીંની સ્વાતંત્ર્યની લડતોને મહાત્મા ગાંધીનું સતત માર્ગદર્શન મળ્યું છે. ઝવેરચંદ મેઘાણી જેવા સમર્થ સ્વાતંત્ર્યસેનાની તથા સર્જકે પોતાની કાવ્ય રચનાઓ દ્વારા આ સમગ્ર સંગ્રામમાં પ્રાણ ફૂંક્યા છે. આથી આ તમામ નાના કે મોટા સંઘર્ષોનું અનોખું ઐતિહાસિક મૂલ્ય છે. આ લડતોનો ઇતિહાસ રસપ્રદ તથા રોચક છે. સૌરાષ્ટ્રની આ ધરતીનું મૂલ્ય સમજવા માટે કવિ ત્રિભોવન ગૌરીશંકર વ્યાસની સુપ્રસિદ્ધ રચનાના થોડા શબ્દો સ્મૃતિમાં આવે છે.
પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે
મધ્યમાં એશિયાની અટારી !
હિંદદેવી તણી કમર પર ચમકતી
દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી.
પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા
ગર્જતી જલનિધિ ગાન સરણી,
ભારતી ભોમની વંદુ તનયા વડી
ધન્ય હો ધન્ય ! સૌરાષ્ટ્ર ધરણી.
વસંત ગઢવી
૮ ઓગસ્ટ ૨૦૨૩
Leave a comment