ક્ષણના ચણીબોર:”રાજકોટમારુંવતનછે, મારેત્યાંજવુંજજોઈએ”- કસ્તુરબા.

  “સરદાર સાહેબ જેવો હું આપનો અનુયાયી ન બની શકું? મને આપનો પુત્ર માનજો”. રાજકોટના રાજવી લાખાજી રાજે મહાત્મા ગાંધીને સંબોધીને આ વાત કરી હતી. રાજવીની ગરવાઇ અને મનની નિર્મળતા તેમના આ વ્યવહારમાં ટપકતી જણાય છે. ઇતિહાસ કેવા અણધાર્યા વળાંક લે છે તેની પ્રતીતિ રાજકોટના જ સંદર્ભમાં થાય છે. ઇતિહાસના બીજા એક વળાંકે પરિસ્થિતિ તદ્દન જુદી છે. રાજકોટના આ રજવાડા સામે જ મહાત્મા ગાંધીને ૧૯૩૮-૩૯માં સત્યાગ્રહનું બ્યુગલ ફુંકવું પડે છે. સમગ્ર સૌરાષ્ટ્રના ઇતિહાસમાં આ લડાઈ મહત્વની છે. ‘રાજકોટની લડત’ તરીકે આ સંઘર્ષ સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામનો એક મહત્વનો હિસ્સો છે. લડતનો ઇતિહાસ તેની અલગ અલગ ઘટનાઓ તથા અણધાર્યા વળાંકને કારણે રસપ્રદ બન્યો છે. વિદુષી જયાબહેન શાહે આ લડતનો ઇતિહાસ કાળજીપૂર્વક લખ્યો છે. હકીકતોની ગોઠવણી રસપ્રદ છે. “સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સૈનિકો અને લડતો”(પ્રકાશન:સૌરાષ્ટ્ર સેવા ટ્રસ્ટ, રાજકોટ)એ જયાબહેનનું વાંચવા યોગ્ય પુસ્તક છે. ઘણી બધી જાણીતી તેમજ ઓછી જાણીતી બાબતોનું જયાબહેને આલેખન કર્યું છે. પુસ્તકનું નવસંસ્કરણ પણ થયું છે. દેવેન્દ્રભાઈ દેસાઈ તથા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના કાર્યવાહકો આ કામ માટે અભિનંદનને પાત્ર છે. ગાંધીજીના સંઘર્ષને સમાંતર દેશી રાજ્યો સામેની આ લડતો ચાલી હતી. આ બંને લડતો થકી લોક જાગૃતિ થવા ઉપરાંત કસાયેલા કાર્યકરોની એક હરોળ પણ તૈયાર થઇ હતી. સૌરાષ્ટ્ર રાજ્યના સુચારુ ગણાતા વહીવટમાં આ લડતોના કારણે ઘડાયેલા કાર્યકરોનો મહત્વનો ફાળો રહ્યો હતો. અમૃતલાલ શેઠ, બળવંતભાઈ મહેતા, રસિકભાઈ પરીખ, ફુલચંદ શાહ જેવા અનેક સ્વનામધન્ય કાર્યકરોએ દેશી રજવાડાઓ સામેના આ સંઘર્ષોમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. જો કે લાખાજીરાજ તેમજ દરબાર ગોપાળદાસ દેસાઈ જેવા રાજવીઓ પણ હતા. આ રાજવીઓએ બ્રિટિશ સરકારની શેહ શરમ રાખ્યા સિવાય પ્રજામતની સાથે ઉભા રહ્યા હતા. ભાવનગર જેવા રાજ્યે તો પ્રજાના હિતમાં અનેક પગલાઓ ભરી લોકોને મુક્તિ તેમજ સમૃદ્ધિના શ્વાસ લેવામાં અનુકૂળતા કરી આપી હતી. 

                          કાળની ગતિ ન્યારી છે. મહારાજા લાખાજીરાજ ગયા. લાખાજીરાજની ગેરહાજરી રાજકોટની જનતા માટે આકરી પુરવાર થઇ. લાખાજીરાજ પછી રાજકોટ રાજ્યની ધુરા સંભાળનાર રાજવી ધર્મેન્દ્રસિંહજી રાજ્યના વહીવટમાં પૂરતો રસ લેતા ન હતા. તેમના અંગત જીવન બાબતમાં પણ લોકમત સારો ન હતો. રાજવીઓ જયારે નબળા પડે ત્યારે સ્વાભાવિક રીતે જ દીવાનનો સત્તા પ્રભાવ વિસ્તરતો હતો. રાજકોટના દીવાન તરીકે ત્યારે વીરા વાળા હતા. તેઓ વહીવટી ક્ષેત્રના અનુભવી હતા. પરંતુ જયારે રાજ્યનું ખર્ચ વધવા લાગ્યું ત્યારે તેમણે આવકનો સ્ત્રોત મજબૂત કરવા નવા કરવેરા નાખ્યા. ખેડૂતો સહીત રાજ્યના અનેક લોકો પર આ કરવેરાની અસર થતી હતી. અહીં મીઠા પર અંગ્રેજોએ નાખેલા કરની વાત યાદ આવે છે. મીઠા પર નાખવામાં આવેલા અસાધારણ વેરા સામેજ ગાંધીજીએ બ્રિટિશ સત્તાને પડકારી હતી. ઐતિહાસિક દાંડીકૂચ માટેનું કારણ મીઠા પરના વેરાનું હતું. સૌરાષ્ટ્રના નેતા તથા કાયદાના ઊંડા અભ્યાસુ ઢેબરભાઈએ રાજ્યના કરવેરા બાબત સર્વે કર્યો. આ છાનબીનનું પરિણામ તેમણે લોકોની અદાલતમાં રજુ કર્યું. રાજ્યના ખર્ચા જેમાં રાજવીના અંગત ખર્ચા પણ હતા તે ગેરવાજબી તથા લોકોના આર્થિક હિત વિરુદ્ધ જણાયા. સ્પષ્ટ વિગતો પ્રકાશમાં આવી. ઢેબરભાઈએ બ્રિટિશ એજન્સી તેમજ રાજવીનું આ બાબતમાં ધ્યાન દોર્યું. તે સમયના સમાચારપત્રોમાં ઢેબરભાઈના સર્વે રિપોર્ટની પ્રસિદ્ધિ થઇ. આ સ્થિતિ જોઈને અનેક લોકોને તેમાં રાજ્યનો દોષ નજરે દેખાયો. રાજકોટ તથા સમગ્ર કાઠિયાવાડમાં વાતાવરણ ઉગ્ર થયું. લોકોએ પિકેટિંગના કાર્યક્રમો હાથ ધરી સત્તાધીશો તરફનો પોતાનો સ્પષ્ટ અણગમો જાહેર કર્યો. હડતાલોનો દોર શરુ થયો. અનેક ધરપકડો થઇ. લાઠીચાર્જના બનાવો વચ્ચે સામાન્ય લોકો પીસાતા રહ્યા. નવેમ્બર-૧૯૩૯માં રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદનું અધિવેશન ભરવામાં આવ્યું. રાજકોટ ઉપરાંત મુંબઈમાં પણ સંગ્રામ સમિતિનું ગઠન કરવામાં આવ્યું. લડતે વેગ પકડયો. રાજકોટની લડતમાં બળ પુરવા માટે કસ્તુરબા રાજકોટ આવ્યા. મણિબહેન પણ સરદારસાહેબની સૂચનાથી કસ્તુરબા સાથે હતા. રાજકોટ રેલવે સ્ટેશન પર જ તેમની ધરપકડ થઇ. જેલમાં ગયેલા સત્યાગ્રહીઓ તરફ રાજ્યનું વલણ અન્યાયી તથા આકરું રહ્યું. પરિસ્થિતિમાં સુધારો ન થતાં ૧૯૩૯ની ૨૬મી જાન્યુઆરીએ સદીના મહામાનવ ગાંધી રાજકોટ સત્યાગ્રહમાં ભાગ લેવા રાજકોટ પહોંચ્યા. રાજકોટ રાજવી કુટુંબ તેમજ રાજકોટ શહેર સાથે પણ એક આગવો નાતો ધરાવતા મહાત્મા ગાંધીને રાજકોટની સ્થિતિની પીડા હતી. “મને રાજ્યનો દુશ્મન ન ગણાશો” બાપુએ ઠાકોર સાહેબ પર સંદેશો મોકલ્યો. પરિસ્થિતિમાં ફેર ન પડતા બાપુએ ઉપવાસ શરુ કર્યા. પુરા દેશનું ધ્યાન રાજકોટની લડત પર કેન્દ્રિત થયું.વાઇસરૉયે દિલ્હીથી પોતાના પ્રતિનિધિ મારફત મહાત્માને ઉપવાસ છોડવા વિનંતી કરી. બાપુએ ઉપવાસ છોડયા. ગાંધીજીએ ઉપવાસ તો છોડ્યા, પરંતુ ત્યારબાદ પણ લોકોને સંતોષ થયા તેવું કોઈ પરિવર્તન રાજ્ય તરફથી જોવા મળ્યું નહિ. બાપુને રાજકોટની લડતના પરિણામ અંગે અજંપો રહ્યો. રાજકોટ રાજ્યનું વલણ સમગ્ર ઘટના દરમિયાન સ્પષ્ટ ન રહ્યું. સમાધાન થયા પછી પણ તેની શરતોના અમલ માટે રાજ્યે તૈયારી દાખવી નહિ. પ્રજામાં રોષ હતો. તેના મૂળ કારણમાં રાજ્યનું અન્યાયી વલણ હતું. સૌરાષ્ટ્રનીસ્વાતંત્ર્ય માટેની રાજકોટ સહિતની તમામ લડાઈઓમાં લોક જાગૃતિનું પરિબળ કેન્દ્રમાં રહ્યું. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનું કેન્દ્રસ્થાન છે. આથી રાજકોટમાં જે લડત ચાલી તેની અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર વધતા ઓછા અંશે થવા પામી હતી. મહિલાઓ સહીત સમગ્ર સમાજ સંઘર્ષ માટે સજ્જ થવા પામ્યો હતો. 

                    રાજકોટના સત્યાગ્રહ બાબતે તથા રાજવીના વલણ બાબતે સરદાર સાહેબે યાદગાર શબ્દો કહ્યા. “…રાજકોટે સંતને ઉપવાસ કરાવ્યા છે તથા દુભવ્યા છે. તેનો ઇન્સાફ ઈશ્વર કરશે”.

વસંત ગઢવી 

તા. ૨ ઓગસ્ટ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑