અમદાવાદની ગુજરાત કોલેજનો એક આગવો દબદબો વર્ષો સુધી રહ્યો છે. અનેક સ્વનામધન્ય પ્રાધ્યાપકોએ આ સંસ્થાને તથા તેના શિક્ષણના સ્તરને ઉન્નત કર્યું છે. વિનોદ કિનારીવાલા જેવા શહીદે પોતાનું લોહી રેડીને આ ભૂમિને પવિત્ર કરી છે. જે પ્રસંગની આપણે આ લેખમાં વાત કરીએ છીએ તે ૧૯૫૫ના વર્ષની ગુજરાત કોલેજની બનેલી ઘટના છે. ગુજરાત કોલેજના અધ્યાપકો ડ્રેસ કોડમાં માનનારા અને પોતે અન્યથી અલગ છે તેવું સતત માનવાવાળા હતા. બ્રિટિશ ટાઈમના પહેરવેશની પ્રથા હતી તેમજ તેને વળગી રહેવામાં મોટાભાગના અધ્યાપકો પોતાનું મહત્વ ગણતા હતા. દેશ તો ૧૯૪૭માં આઝાદ થયો પરંતુ બ્રિટિશ પ્રથાઓના પ્રભુત્વની ગુલામીમાંથી મુક્ત થવાનું કામ સહેલું ન હતું. આથી સ્થાનિક હવામાનની અનુકૂળતાની અવગણના કરીને પણ કોટ-પેન્ટ-ટાઈ જેવા વસ્ત્રોનો અધ્યાપકો ગૌરવભેર ઉપયોગ કરતા હતા. પરંતુ આવા વાતાવરણમાં અહીં એક કૌતુક સમાન ઘટના બની. ૧૯૫૫માં ગુજરાત કોલેજનું બીજું સત્ર શરુ થયું ત્યારે ત્યાં નવા જોડાયેલા એક અધ્યાપક વર્ગમાં આવ્યા. અધ્યાપક તેમના ઉચ્ચ શૈક્ષણિક લાયકાતના પરિણામે ક્લાસ વન ગેઝેટેડ અધિકારીની ઉપલી કક્ષામાં આવતા હતા. સરકારી કોલેજ હતી જે આજે પણ છે. આથી કોટ-પેન્ટ-ટાઈનો મોભાદાર ગણવેશ પહેરવો એ તેમના માટે સહજ હતો. વિદ્યાર્થીઓ તેમજ સાથી અધ્યાપકોની પણ આવી જ અપેક્ષા હતી. નવા અધ્યાપક ગણિતનો અભ્યાસ કરાવવાના હતા. પરંતુ આખી વાતમાં નવાઈની ઘટના એ બની કે આ અધ્યાપક મહાશય શુદ્ધ ખાદીના કફની-લેંઘો પહેરીને કોલેજમાં આવ્યા. તેમને ધ્યાનથી જોનારાઓની આંખો આશ્ચર્યથી પહોળી થઇ. ખાદીના સફેદ વસ્ત્રોમાં સજ્જ તથા કસાયેલા શરીરવાળા આ અધ્યાપક વર્ગમાં ગણિત ભણાવવા માટે પુરા આત્મવિશ્વાસ સાથે દાખલ થયા. ૧૯૫૫માં પણ વિદ્યાર્થીઓ તરફથી અધ્યાપકોની મજાક થાય તે સ્વાભાવિક હતું. આથી વર્ગમાં શાંત થઈને બેઠેલા વિદ્યાર્થીઓએ ક્લાસમાં રહેલા બ્લેક બોર્ડ પર સાફ-સુથરા મોટા અક્ષરોમાં લખ્યું હતું: “સાહેબ તો લેંઘો પહેરીને આવ્યા છે.” નવા આવેલા અધ્યાપકે બોર્ડ પરના આ લખાણને વર્ગમાં બેઠેલા બધા સાંભળી શકે તેવા મોટા અવાજે વાંચ્યું. ત્યારબાદ વિદ્યાર્થીઓ તરફ મોં ફેરવીને ઉભા રહ્યા. અધ્યાપકના મુખ પરની સ્વસ્થતા એક જ સરખી હતી. વિદ્યાર્થીઓને હતું કે થોડા કડાકા-ભડાકા થશે. તેમ પણ ન થયું. અધ્યાપકે ફરી કહ્યું કે સાહેબ તો લેંઘો પહેરીને આવ્યા છે અને પછી વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહ્યું: “તમારી ઈચ્છા હશે તો કાલથી લેંઘો પણ ઉતારીને આવીશ !” વર્ગમાં વિદ્યાર્થીઓના હાસ્યનો વિસ્ફોટ થયો. થોડી ક્ષણો પછી વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટ સાથે આ નવા તથા અનોખા અધ્યાપકને વધાવ્યા. એક જ વાક્યથી તેમણે વિદ્યાર્થીઓના દિલ જીતી લીધા હતા. પી. સી. વૈદ્યના નામથી જેમને ગુજરાત ઓળખે છે તેવા આ ગણિતના અધ્યાપક આપણાં ઝળહળતા શિક્ષણવિદોની અગ્રહરોળમાં આવે છે. તેમનું નામ આપણાં શિક્ષણના ઇતિહાસમાં ઝળહળતું છે. વૈદ્ય સાહેબના આ સંભારણાઓનું પુસ્તક ખુબ જ સુંદર રીતે અરુણ વૈદ્ય તરફથી લખાયું છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે તેનું પ્રકાશન(આપણી મોંઘેરી ધરોહર: ૨૦૧૬) કરીને એક ઉમદા કાર્ય કરેલું છે. ગુજરાતના વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકો માટે વૈદ્ય સાહેબનું ચરિત્ર વાંચીને પ્રેરણા લેવા જેવું છે. જૂનાગઢ જિલ્લાના શાહપુર ગામમાં વૈદ્ય સાહેબનો જન્મ ૨૩ મે ૧૯૧૮ના દિવસે થયો હતો. જો કે તેમનો ઉછેર સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી ગણાતા ભાવનગરમાં થયો હતો.
એક અધ્યાપકની શિક્ષણ તરફની કેવી અનોખી નિષ્ઠા હોય તેનો ખ્યાલ વૈદ્ય સાહેબનું જીવન કર્મ જોતા સ્પષ્ટ થાય છે. બાળપણમાં પડેલા સંસ્કાર તથા વિચારોની અસરથી બાળકનું ઘડતર થાય છે. પિતાએ બાળક પ્રહલાદમાં જગાવેલી જ્ઞાન માટેની અવિરત ઝંખના એ તેમના પિતાનું મહત્વનું યોગદાન હતું.
જીવનના બીજા તબક્કામાં વૈદ્ય સાહેબ પર ભાવનગરમાં વસતા સ્વામીરાવ એટલે કે પૃથ્વીસિંહનો પ્રભાવ હતો. સ્વામીરાવે અનેક યુવાનોને ખડતલ બનાવ્યા. તેમાંના એક વૈદ્ય સાહેબ હતા. દેશભક્તિના તેમજ ખાદીના સંસ્કાર તેમને પૃથ્વીસિંહ પાસેથી મળ્યા. પંજાબના પૃથ્વીસિંહ ભાવનગરમાં રહ્યા અને અખાડાની પ્રવૃત્તિ લોકપ્રિય બનાવી તે પણ કૌતુક કથા જેવી વાત છે. પૃથ્વીસિંહ દેશને આઝાદ કરાવવા માટે ગદર પાર્ટીનો ભાગ બન્યા તથા અંગ્રેજો સામે સંઘર્ષ શરુ કર્યો. દેશની મુક્તિ એ આ નવલોહિયા ગદર પાર્ટીના યુવાનોનું સ્વપ્ન હતું. પૃથ્વીસિંહને તેની આકરી કિંમત ચૂકવવી પડી. બ્રિટિશરોએ તેમની તથા તેમના સાથીઓ સામે કેસ ચલાવ્યો. પૃથ્વીસિંહને કાળાપાણીની આકરી સજા થઇ. જીવનમાં રોજ મૃત્યુના કારમા ઓછાયાનો અનુભવ થાય તેવી આ સજા હતી. વીર સાવરકરને પણ આવી જ સજા થઇ હતી. આંદામાનની ઐતિહાસિક જેલમાં યાતનાઓથી ભરેલી એવી જિંદગી જીવવાનું પૃથ્વીસિંહના નસીબમાં આવ્યું. તેમને એક જેલમાંથી બીજી જેલમાં લઇ જતાં પૃથ્વીસિંહ જીવના જોખમે બ્રિટિશ સત્તાને હાથતાળી આપીને ભાગી છૂટ્યા. તેઓ છુપાવેશે ભાવનગરમાં રહ્યા. પૃથ્વીસિંહને રાજ્યમાં રહીને સક્રિય રહેવા દેવા એ ભાવનગર રાજ્યની ઉદારતા હતી. પૃથ્વીસિંહની મૂક્તિ માટે મહાત્મા ગાંધીએ પણ વોઈસરૉય લોર્ડ લિનલિથગોને પત્ર લખ્યો હતો. ગાંધી વિચારની અસરથી તેમજ ગાંધીજીના આગ્રહથી મુંબઈમાં યુવાનોને ખડતલ બનાવવાનો ઉપક્રમ શરુ થયો. આ કાર્યમાં પૃથ્વીસિંહની ઈચ્છાથી વૈદ્ય સાહેબ જોડાયા. શિબિરમાં વ્યાયામ સાથે જ આખા કેમ્પસને સાફ રાખવું તેમજ બાગકામ કરવાનો શ્રમ નિયમિત રીતે વિદ્યાર્થીઓ પાસે વૈદ્યસાહેબ કરાવતા હતા. શિક્ષણના ઉમદા કાર્ય સાથે જ યુવાનોના શરીર પણ ખડતલ બને તેવું આ આયોજન આજે વિશેષ માર્ગદર્શક બને તેવું છે. કસરત માટે ઊંચી ફી ભરીને જીમમાં જવાના બદલે જીવનમાં ઉત્પાદકીય શ્રમને પણ મહત્વનું સ્થાન આપવાનો આ પ્રયાસ હતો. ગણિતના શિક્ષણનો જયારે ઉલ્લેખ થાય ત્યારે પી. સી. વૈદ્યના સંદર્ભ સિવાય એ વાત અધૂરી રહેશે. ‘સુગણિતમ:’ નામનું સામાયિક એ વૈદ્યસાહેબની ચિરસ્મૃતિ સમાન છે. વૈદ્યસાહેબની કાર્યનિષ્ઠાનો લાભ ગુજરાત યુનિવર્સીટી તથા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનને પણ મળ્યો હતો.
વસંત ગઢવી
તા. ૬ જૂન ૨૦૨૩
Leave a comment