ક્ષણના ચણીબોર:સુતરનેતાંતણેહિન્દનેસ્વરાજ્ય: મહાત્માગાંધીનોસંકલ્પ:

 રેંટિયો રંકને જીવાડે છે. તેવી વાત મહાત્માએ કરી છે. અનેક વખત તેમજ ભારપૂર્વક કરી છે. દેશના લાખો-કરોડો લોકોને રોજગારી મળે તે બાપુ માટે અગ્રતાનો વિષય હતો. મોટા ઉદ્યોગોના પ્રમાણમાં નાના તથા મધ્યમ કદના ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગો એ ઓછા મૂડી રોકાણે પોષણક્ષમ વળતર અપાવે છે. આપણાં જ ભૂતકાળના સંદર્ભમાં વાત કરીએ તો વસ્ત્રકલા તેમજ વણાટકલા એ આપણાં દેશમાં ગૃહ ઉદ્યોગ તરીકે સ્થાપિત થયેલા હતા. વસ્ત્રકલા તેમજ વણાટકલા પરની બે નાની પુસ્તિકાઓ હમણાં જોવા મળી. પુસ્તીકાઓની વિગતો જોતાં ફરી મહાત્માના “સુરતને તાંતણે સ્વરાજ્ય” વાળી વાતનું પુનઃ સ્મરણ થયું. (વસ્ત્રકલા: વણાટકલા: ડો. પી. એ. પરમાર, ડો. મીનાક્ષી ગુપ્તા, એલ. એ. પરમાર) ત્રણે લેખકોએ ઘણી કાળજી તથા મહેનત કરીને વણાટકલા ઉદ્યોગની ઝીણામાં ઝીણી વિગતો એકઠી કરવાની મહેનત કરી છે. પુસ્તિકામાં ડો. બાબાસાહેબ આંબેડકરનું એક અર્થ-સભર વિધાન ટાંકવામાં આવેલું છે. બાબાસાહેબ કહે છે: 

                        “યાદ રાખો. આપણાં પૂર્વજો ખાદીના સાચા નિર્માતા હતા… વલ્કલના નિર્માતા હતા…આ ધંધાને કારણે તેમનો નિર્વાહ થતો હતો. આપણાં ધંધામાં જે લોકો સામેલ ન હતા તેમની લાજ પણ આપણાં પૂર્વજોએ બચાવી છે.”

                  અસંખ્ય લોકોને જેમાંથી રોજગારી મળી શકે તેવા નાના નાના પ્રયાસોનું ઘણું મોટું મહત્વ છે. દરેક હાથને કામ તથા દરેકને પેટ પૂરતા ભોજનની ટકાઉ વ્યવસ્થા ન થાય તો સમાજના સ્વસ્થ તથા સુમેળભર્યા સંબંધો ટકાવવા મુશ્કેલ બને છે. મહાત્મા ગાંધીએ અમદાવાદ ખાતે ચાલેલા એક પ્રસિદ્ધ કેસમાં પોતાના વ્યવસાયની ઓળખ આપતા પોતાને ખેડૂત તથા વણકર ગણાવ્યા હતા. આથી દેશના અસંખ્ય લોકોનું પોષણ આવા નાના દેખાતા ઉદ્યોગથી થતું હતું તે મહત્વની ઘટના છે. આજના સંજોગોમાં પણ સરકારો માટે નાના તેમજ મધ્યમકદના ઉદ્યોગોને ટકાવી રાખવાનો તથા મજબૂત કરવાનો મોટો પડકાર છે. વિનોબાજીને પ્રથમ પંચવર્ષીય યોજનાનો ડ્રાફ્ટ  તત્કાલીન પ્રધાનમંત્રીની સૂચનાથી બતાવવામાં આવ્યો પણ બાબાને તે પસંદ ન પડ્યો તેનું કારણ અપાતા વિનોબાજીએ જણાવ્યું કે આપણાં જેવા દેશ માટે દરેક હાથને કામ મળી રહે તેની ખાતરી કરાવતું આયોજન એ જ ખરું આયોજન છે. ગાંધીજીએ ‘કાંતણયજ્ઞ’ નામ આપીને વણાટના વ્યવસાયને એક વિશેષ ગરિમા આપી છે. ગાંધીજી સ્પષ્ટ રીતે જોઈ શક્યા કે વણાટકામ અનેક લોકોને સરળતાથી રોજગારી પુરી પડી શકે છે. તેમાં સમયની માંગ પ્રમાણે આધુનિક સાધનોના ઉપયોગનો પણ મહાત્મા ગાંધીને કોઈ છોછ ન હતો. 

                      આ સંદર્ભમાં બાપુની ગોળમેજી પરિષદ સમયની એક મુલાકાત યાદ આવે છે. ગોળમેજી પરિષદ(૧૯૩૧)ની વિશ્વપ્રસિદ્ધ ઘટનામાં એ જાણીતી વાત છે કે મહાત્મા પૂર્વ લંડનમાં વંચિતોનો જ્યાં વિશેષ વસવાટ છે ત્યાં રોકાયા. હિન્દના કરોડો દરિદ્ર નારાયણોનાં પ્રતિનિધિ માટે આ ઉચિત સ્થળ હતું. બીજી ગોળમેજી પરિષદ એ એક અર્થમાં ભારત તથા ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણેક માસ ચાલેલી “જટિલ શતરંજની રમત” હતી તેવું મહાદેવભાઈ દેસાઈએ “મારુ જીવન એ જ મારી વાણી”માં નોંધ્યું છે. હિન્દુસ્તાનને સ્વતંત્રતા આપવાની દાનત ઇંગ્લેન્ડને ન હતી. ગાંધીજી પણ આ પરિષદમાં જવું કે ન જવું તેની અવઢવમાં હતા. આખરે હિન્દુસ્તાનનું દ્રષ્ટિબિંદુ જગત સમક્ષ રજુ થઇ શકે તેવા આશયથી અનેક લોકોના આગ્રહથી ગાંધીજી ઇંગ્લેન્ડ જવા તૈયાર થયા. ગરીબો વચ્ચે રહ્યા અને હિન્દુસ્તાનના કરોડો લોકોની હમદર્દીનું તેમને દર્શન કરાવવાના પ્રયાસ કર્યા. ગાંધીજીની આ મુલાકાતની એક મહત્વની વાત એ તેમના લેંકેશાયર તથા માંચેસ્ટરના કાપડઉધોગ સાથે જોડાયેલા મિલમજૂરો સાથેની મુલાકાતની છે. મહાત્મા ગાંધીએ દેશના વણાટ ઉદ્યોગને બચાવવા વિદેશી કાપડના બહિષ્કારનો સંકલ્પ કરાવ્યો હતો. આ બહિષ્કારને કારણે ઇંગ્લેડના ઉપર જણાવેલ બે પરગણા(SUBURBS)ના અનેક મજૂરો બેકાર બની ગયા હતા. કારણ કે આ મિલોના કાપડના ઉત્પાદન માટે હિન્દુસ્તાન એક સૌથી મહત્વનું અને મોટું બજાર હતું. ઇંગ્લેન્ડના આ બેકાર બનેલા મજૂરોમાં ગાંધીજીના આ વિદેશી કાપડના બહિષ્કારના એલાન સામે સ્વાભાવિક રીતે જ રોષ હતો. ગાંધીજીના પરમ મિત્ર એન્ડ્રુઝનો મત હતો કે મહાત્માએ આ દુઃખી મજૂરો વચ્ચે જવું જોઈએ. ગાંધીજીએ ઇંગ્લેન્ડના આ મજૂરોને પોતાનો દ્રષ્ટિકોણ સમજાવવો જોઈએ તેમ એન્ડ્રુઝનો આગ્રહ હતો. યોગાનુયોગ ગાંધીજીને ગોળમેજી પરિષદમાંથી થોડો સમય મળ્યો એટલે આ વ્યથિત મજૂરો વચ્ચે જવાનું તેમણે સ્વીકાર્યું. ગાંધીજી સામે કોઈ ભારે વિરોધ કે અભદ્ર ગણાય તેવું વર્તન ન થાય તેની ચિંતા ઇંગ્લેન્ડની સરકારને હતી. આથી સરકારે બે ખાસ ડિટેક્ટિવ અંગરક્ષકોને ગાંધીજીની સલામતી માટે મુક્યા હતા. ગોળમેજી પરિષદમાં ગાંધીજી બ્રિટનની સરકારના નિમંત્રણથી ગયા હતા તેથી state guest હતા. આથી બ્રિટનની સરકારની આવી ચિંતા સ્વાભાવિક પણ હતી. સપ્ટેમ્બર-૧૯૩૧માં ગાંધીજી લંડનથી ડાર્વિન પહોંચ્યા. માંચેસ્ટરના કાપડની મિલોના માલિકો સાથે ગાંધીજીને ચર્ચા થઇ. તેમણે કહ્યું કે મધપૂડાની જેમ ગુંજતી હતી તે અમારી મિલો બંધ પડી છે. ગાંધીજી પુરી સ્વસ્થતા સાથે બેકાર મજૂરોની વચ્ચે ગયા. મહાત્માએ અહીં હિન્દના વણાટના કામ સાથે સંકળાયેલા કારીગરોની દારુણ સ્થિતિની વાત કરી. તેમણે કહ્યું કે હિન્દના વિદેશી કાપડના બહિષ્કારને કારણે અહીં બેકારી થઇ છે તેનું મને દુઃખ છે. પરંતુ હિન્દુસ્તાનના કરોડો કારીગરોમાં ભૂખમરો કે અડધો ભૂખમરો છે. તેમની આંખોમાં કામના અભાવે ભારોભાર નિરાશા છે. આથી કાપડના વણાટનું કામ જ તેમને જીવી શકે તેવી રોજગારી અપાવી શકે તેમ છે. ઇંગ્લેડના મજૂરોના અંતરમાં પણ કરુણાનો ભાવ મહાત્માની સચ્ચાઈને કારણે જાગી શક્યો. મિલના મજૂરોએ એકઠા થઈને મહાત્મા ગાંધીને વધાવ્યા. લેંકેશાયરના મજૂરોની આર્થિક હાડમારી છતાં મહાત્માના સંવાદની સચ્ચાઈ તેમને અસર કરી ગઈ. આ મજૂરોની પણ ઉદારતાનું અહીં દર્શન થાય છે. વણાટ તથા વણકરોની સૂઝ આપણી ઉજળી ધરોહર છે.

વસંત ગઢવી

તા. ૧ મે ૨૦૨૩     

Leave a comment

Blog at WordPress.com.

Up ↑