:માતૃદર્શનનોપ્રાગટ્યદિવસ: એકમહામૂલીસ્મૃતિ:

  ૧૪ જાન્યુઆરી ૧૯૮૪નો એ શુભ દિવસ હતો. અમદાવાદના ગુજરાત યુનિવર્સીટીના કોન્વોકેશન હોલમાં એક યાદગાર પ્રસંગ યોજવામાં આવ્યો હતો. પ્રસંગ ‘ઉગમણાં ઓરડાવાળી’  મા સોનલના દળદાર પુસ્તકના વિમોચનનો હતો. સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતના અનેક વિસ્તારમાંથી ચારણ તથા ચારણેતર સમાજના અનેક લોકો આ પવિત્ર પ્રસંગના સાક્ષી થવા માટે આવ્યા હતા. ‘માતૃદર્શન’ નામનો આ ગ્રંથ લખનાર દ્રષ્ટા અને ઋષિ સમાન વ્યક્તિત્વ તથા વિચાર ધરાવતા પીંગળશી પરબતજી પાયક આ સમગ્ર પ્રસંગના કેન્દ્રસ્થાને હતા. પોતાના ચરિત્ર લેખન માટે આઈમાએ પિંગળશીબાપુ પર પોતાની પસંદગી ઉતારી હતી.

                      ‘માતૃદર્શન’ લખવાનો ઇતિહાસ પણ રસપ્રદ છે. લાગણીઓ તેમજ સંબંધોની રખાવટના ઉજળા પાસાઓ તરફ સહેજે ધ્યાન જાય તેવો આ પ્રયાસ છે. જિંદગીની જૈફ વયે પહોંચેલા પિંગળશીબાપુ (ભાવનગર બોર્ડિંગના વિદ્યાર્થીઓ માટે ભાઈ)ના જીવનમાં પૂજ્ય આઈની વિદાય એક પુરી ન શકાય તેવો ખાલીપો મૂકીને ગઈ. મા ના દરેક કામમાં અને ક્યારેક થોડી નારાજગી સાથે પણ પૂરક બનીને જીવતર જીવનાર પિંગળશીબાપુને મા ની ગેરહાજરીમાં પોતાનું જીવતર અધૂરું લાગતું હતું. નાની મોટી બીમારી પણ ખરી. આ સ્થિતિમાં માના જીવનનો એક કડીબદ્ધ ઇતિહાસ લખાય તેવો સતત આગ્રહ પૂજ્ય ભાઈને સોમનાથભાઈ દવે સાહેબ તેમજ પિંગળશીબાપુના બંધુ રામજીભાઈ પાયક તથા બંધુ સમાન સ્નેહ ધરાવતા સામતભાઇ વરસડા તરફથી કરવામાં આવતો હતો. પિંગળશીભાઈને પણ થયું કે કદાચ આ કાર્ય કરવામાં જગદંબા તેમને નિમિત્ત બનાવવા માંગતી હશે. લખાણની શક્તિ ભાઇમાં અપાર હતી. એ GIFTED  WIRTER  હતા. ભાષા પરનું પ્રભુત્વ હતું. વિશાળ વાંચન અને જીવતરના આટાપાટામાંથી ઘડાઈને ખુબ અનુભવ સમૃદ્ધ બન્યા હતા. રામજીબાપુ તથા સામતભાઈના આગ્રહમાં ભાઈના બે શિષ્યોએ વિશેષ બળ પૂર્યું. કનુભાઈ શામળ(પાટડી) અને શંભુદાન દેથા(નરોડા-અમદાવાદ) એ બંને ભાઈની લાગણીઓને સમજીને હંમેશા તેમને અનુકૂળ થવાના પ્રયત્ન કરતા હતા. ભાઈને પ્રિય એવા મોરારદાન પાયક તેમજ ભરતભાઈ પાયક પણ બાપુને પુસ્તકના કાર્ય માટે હસતા હસતા પણ વિવેક સાથે આગ્રહ કરતા હતા. સાણંદવાળા શ્રી જોરુભા ચૌહાણ તથા ગઢવી સોસાયટીમાંથી બાલાભાઈ વરસડાએ પણ ભાઈને આ ચરિત્ર લખવા વખતોવખત વિનંતી કરી. બંનેએ સહાયભૂત થવા પણ ખાતરી આપી. અંતે તો આઈ સોનલની કૃપાથી ગઢવી સોસાયટીમાં સામતભાઇ વરસડાના નિવાસ્થાને આ કાર્ય શરુ થયું. થોડા સમય પછી શ્રી ખોડીદાનભાઈ ઝૂલા પ્રચંડ લોક આધાર સાથે ગુજરાત વિધાનસભામાં બીજીવાર ચૂંટાયા. ઝૂલા સાહેબની કોંગ્રેસ પાર્ટીમાં સિનિયોરીટી અને શ્રી માધવસિંહ સોલંકીનો તેમના પર વિશ્વાસને કારણે રાજ્યના મંત્રી મંડળમાં લેવાયા. આથી સાહેબના બંગલે રહીને ભાઈએ પોતાના પુસ્તકનું કામ આગળ ચલાવ્યું. આજના પ્રમાણમાં ટેક્નોલોજીનો વિકાસ ઓછો એટલે પ્રુફ રીડીંગ જેવા કામમાં પણ ખાસ્સો સમય પસાર થાય. આમ છતાં આઈમાની અમીદ્રષ્ટિને કારણે તબિયતની ઓછી-વધતી પ્રતિકૂળતા વચ્ચે પણ પિંગળશીબાપુએ પોતાના ઉત્તમોત્તમ જીવનકાર્ય જેવું આ પવિત્ર લેખન પૂરું કર્યું. આવા ઉજળા કામનું ઉચિત લોકાર્પણ પણ થાય તેવો ઘણાં સ્નેહીજનોનો આગ્રહ હતો. આવા એક સારસ્વત કામમાં ગુજરાતના પ્રતિષ્ઠિત સારસ્વતોને બોલાવવાનું નક્કી થયું. કનુભાઈ શામળ(પાટડી) આ વાતનું સ્મરણ કરતા કહે છે કે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિ ઉમાશંકર જોશીને વિમોચન પ્રસંગે હાજરી આપવા વિનંતી કરવાનું નક્કી થયું. પિંગળશીબાપુ, સામતભાઇ વરસડા તેમજ કનુભાઈ ઉમાશંકરભાઈને મળવા ગયા. તેમણે ઉત્સાહપૂર્વક સાનુકૂળ પ્રત્યુત્તર આપ્યો. ઉમાશંકર હાજરી આપવા તરત જ સંમત થયા તેનું એક કારણ કનુભાઈ કહે છે. જે સાંભળીને ગૌરવ થાય તેવું છે. ઉમાશંકરભાઈએ કનુભાઈને લોકાર્પણનો પ્રસંગ પૂરો થયા પછી જણાવ્યું કે તેમણે આમંત્રણ લઈને આવનાર ત્રણે લોકોને પોતાના બંગલાના દરવાજેથી પ્રવેશ કરતા જોયા. પછી કવિ ઉમાશંકર જોશી ઉમેરે છે કે પિંગળશીભાઈને જોતાં ઉમાશંકરભાઈના મનમાં એવો વિચાર આવ્યો કે સફેદ વસ્ત્રધારી અને દાઢીવાળા ઋષિ સમાન વ્યક્તિ જે માંગણી કરે તે સ્વીકારવી. વ્યક્તિત્વની તથા વિચારશીલતાની કેવી આભા હશે તે વિચારતાં પ્રસન્નતા થાય છે. કેવા હશે આ લોકો? ભગતબાપુ તેમની ઓળખ આપે છે:

ધીર ગંભીરા ધારણવંતા

પાપમાં  જેના ન પાંવ.

ઉજળા હૈયા, વાતના વેધુ,

દિલ જેના દરિયાવ,

છોરુંને માત સમજાવે

આવા કોઈ ચારણો આવે.

            ઝૂલા સાહેબ, રામભાઈ કાગ, ગુજરાતના સુવિખ્યાત કેળવણીકાર યશવંત શુક્લ તથા અનેક મહાનુભાવોની હાજરીમાં માતૃદર્શનનું વિમોચન થયું. કવિ ઉમાશંકરે પોતે જે ભૂમિ સાથે જોડાયેલા હતા તે ભૂમિના રત્ન સમાન સંત કવિ સાંચાજી ઝુલાને આદરસહ યાદ કર્યા. પૂ. આઇમાંના ચરિત્રથી પ્રભાવિત થયા.

              પૂજ્ય પિંગળશીભાઈનો આપણાં સમાજ પરનો આ ઉપકાર અમૂલ્ય છે. આથી માતૃદર્શનના વિમોચનનો ઐતિહાસિક પ્રસંગ વિસરી જવા જેવો નથી. માતૃદર્શન ગ્રંથના માધ્યમથી પૂ. આઈના જીવનની અનેક ઘટનાઓનો જીવંત તથા અધિકૃત ચિતાર મળે છે. અહીં કોઈ કીવદંતિઓ નથી પરંતુ ઠોસ હકીકતો છે. તે તેનું ખરું મૂલ્ય છે. પૂ. આઈના શબ્દોનું મહત્વ ચિરકાળ સુધી ટકે તેવું ઉર્જામય છે. કેટકેટલી અગવડો તથા ટાંચા સાધનો છતાં પણ પૂ. આઇનો સમાજ તરફ્નો કૃપા-સાગર સતત છલકતો રહ્યો તે અહોભાવ ઉપજાવનારી બાબત છે. પૂ. આઇએ હસતા મુખે સમાજના કલ્યાણ માટે વેઠેલી અનેક અગવડોની નાની મોટી કથાઓ છે. સ્વ. હરીદાનભાઈ રત્નુ(રાયધણપર-કચ્છ), વાલજીબાપા(સિંઘોડી) તેમજ પૂ. આઈના ભત્રીજા દાદબાપુ મોડ પાસેથી આવી વાતો સાંભળવા મળી છે. આવા અનેક કારણોસર ભગતબાપુએ આ ‘જાગતી જ્યોતિ’ની આજીવન અખંડ ઉપાસના કરી છે. આવા ઉત્તમ પુસ્તકોના અભ્યાસથી જીવનમાં સંસ્કારનું ઉમેરણ થાય છે. આપણી યુવાપેઢી સુધી આ પુસ્તક પહોંચાડવા જેવું છે.

વસંત ગઢવી

તા. ૪ એપ્રિલ ૨૦૨૩

Leave a comment

Blog at WordPress.com.

Up ↑