“જ્યાં જ્યાં જુલમ હોય ત્યાં ત્યાં તે નિવારવાના…રાજતંત્રોમાં પ્રજાને કલ્યાણકારક હોય તેવા ફેરફારો કરાવવાના ….છતાં પણ ખાનગી જીવન સંબંધમાં અપવાદ સિવાય તે તરફ અમારું અખબાર પોતાની નજર બંધ રાખશે…અમલદારોની જાતને પણ ટીકાથી મુક્ત રાખવા પ્રયત્નો કરીશું” આવા ઉત્તમ વિચાર અને વાયદા સાથે સૌરાષ્ટ્ર જૂથના પત્રકારત્વનો જન્મ થયો. અમૃતલાલ શેઠને સૌરાષ્ટ્ર-ગુજરાતના પત્રકારત્વના પિતા કહીએ તો તેમાં સંપૂર્ણ ઔચિત્ય છે. મહાત્મા ગાંધીનો જન્મ ઓક્ટોબરમાં થયો. અમૃતલાલ શેઠનો જન્મ પણ ૨૫ ઓક્ટોબર-૧૮૯૧ના રોજ થયો. આથી ગાંધીજીની સ્મૃતિ સાથે જ ઓક્ટોબર માસમાં સૌરાષ્ટ્રના સિંહ અમૃતલાલ શેઠની સ્મૃતિ થાય છે. પત્રકારત્વની એક આગવી પ્રતિભા મહાત્મા ગાંધી તેમજ લોકમાન્ય ટિલક જેવા મોટા ગજાના નેતાઓએ પત્રો-સામયિકો ચલાવીને કરી હતી. પત્રકારત્વ કેટલાક ઉમદા હેતુઓ સાથે એક વ્યવસાય નહિ પરંતુ ધર્મ સમજીને કરવામાં આવતું હતું. આમ કરવા જતાં કેટલાક વર્તમાનપત્રો તથા સામયિકોને ભાગે રાજ્યના ગુસ્સાનો ભોગ બનવાનું પણ આવ્યું હતું. ૧૯૭૫માં લદાયેલી કટોકટી તથા ‘ભૂમિપુત્ર’ જેવા પત્રની તેની સામેની લડાઈ એ પ્રમાણમાં નજીકના ભૂતકાળનું ઉદાહરણ છે. સ્થાપિત હિતોને સ્વતંત્ર તથા વાચાળ પત્રકારત્વ પસંદ આવતું નથી તે આપણો અનુભવ છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ ગુજરાત ગૌરવગાથા શ્રેણી શરુ કરી છે જે આવકારપાત્ર છે. આ શ્રેણીના એક મણકા તરીકે યશસ્વી પત્રકાર અમૃતલાલ શેઠના જીવન તથા કાર્યોને સંબંધિત એક પુસ્તિકા અકાદમીએ પ્રકાશિત કરી છે. અનુભવી અને લેખનકાર્યમાં કુશળ એવા ભુપેન્દ્રભાઈ દવે(સુરેન્દ્રનગર) તરફથી ગાગરમાં સાગર સમાય તે રીતે અમૃતલાલ શેઠના જીવનનું નિરૂપણ થયું છે. શેઠ સાહેબની સાથે જ અહીં તત્કાલીન ઝાલાવાડ પ્રદેશના ફૂલચંદભાઈ શાહ, સ્વામી શિવાનંદજી, સ્વામી આનંદ તથા મણીભાઈ કોઠારી જેવા ઝાલાવાડના વીર સપૂતોનું સ્મરણ થાય છે. આવળ-બાવળની આ ધરતીમાં અનેક મોંઘેરા રત્નો પાક્યા છે.
અમૃતલાલ શેઠને આ સંઘર્ષના માર્ગે લઇ જવામાં ૧૯૨૧માં બનેલી એક ઘટનાએ મહત્વનો ભાગ ભજવ્યો હતો. તે સમયે સમગ્ર દેશમાં ગાંધીજીની લડતે ચેતના પુરી હતી. જન-જનમાં અને ગામે ગામમાં જાણે કે વિરાટ ચેતના તથા જાગૃતિનું દર્શન થયું હતું. ગાંધીજીએ જાણે કે સુતેલા કાળને જગાડ્યો હતો. કવિ શ્રી કાગે આ નવજાગૃતિના સંદર્ભમાં લખ્યું હતું:
એક જોધ્ધો એવો જાગીઓ
કે જેણે સૂતો જગાડ્યો કાળ,
પગ પાતાળે શીષ આકાશે
હાથ પહોંચ્યા દિગપાળ…
માતાજીની નોબતું વાગે
સુતા સૌ માનવી જાગે
લીલુડાં માથડાં માંગે…
બરાબર આ જાગૃતિના સમય-ગાળામાં જ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા રાજ્યના દિવાનની કરડી નજર આ ગાંધીજી પ્રેરિત જાગૃતિ પર પડી હતી. બ્રિટિશ અમલદારો કે કેટલાક રાજવીઓને પ્રજાની જાગૃતિ તરફ અણગમો હતો. જાગૃત થયેલી જનતા નિયંત્રણમાં ન રહે તેવી દહેશત આ દેશી તથા વિદેશી બંને શાસકોને હતી. આથી ધ્રાંગધ્રામાં આ પ્રવૃત્તિને કેવી રીતે સાંખી લેવાય? લડતના આગેવાનો સામે ધ્રાંગધ્રા રાજ્યે કૂટનીતિ આચરી લડતના આગેવાનોને ધ્રાંગધ્રા આવવા નિમંત્રણ આપ્યું અને ત્યાર પછી તેમને ગેરકાયદેસર રીતે નજરકેદ કરવામાં આવ્યા. અમૃતલાલ શેઠે પોતાની નજર સામે થયેલી આ ઘટના સામે વિરોધનો શંખનાદ કર્યો. આ સમગ્ર ઘટનાના દરેક પાસા વિશે વિગતો તૈયાર કરી આવા લેખિત અહેવાલો મુંબઈ તથા રાજકોટના વર્તમાનપત્રોને મોકલ્યા. પરંતુ શેઠ સાહેબને આશ્ચર્ય તથા અફસોસ એ વાતનો થયો કે આ વર્તમાનપત્રોએ આ અહેવાલની કોઈ વિગતો પ્રસિદ્ધ ન કરી. વર્તમાનપત્રોનું આવું વલણ દેશસેવાના કામમાં ઉપયોગી નથી તેની પ્રતીતિ અમૃતલાલ શેઠને થઇ. જો લોકજાગૃતિનો જુવાળ પેદા કરી દેશની સેવા કરવી હોય તો નવાં વર્તમાનપત્રો શરુ કરવા પડશે તેની તેમને પ્રતીતિ થઇ. “જુલમ કરનારાઓના દિલ થરથરે અને તેમના સિંહાસનો ડોલવા લાગે” તેવા વર્તમાનપત્રનું નિર્માણ કરવાનું તેમણે બીડું ઉઠાવ્યું. આ માર્ગ મહાત્મા ગાંધીએ બતાવેલો હતો. વર્તમાનપત્ર શરુ કરવાનો નીર્ધાર કર્યા પછી પણ તેના સાધનો-નાણાં કેવી રીતે ઉભા કરવા તે પ્રશ્ન સામે ઉભો જ હતો. શેઠ આ હેતુ માટે મુંબઈ ગયા. “અમારા લોહીથી લખાય” તેવું વર્તમાનપત્ર શરુ કરવાની ટહેલ નાખી. આ કાર્યક્રમમાં મંચ પર બેઠેલા એક ભાઈએ અમૃતલાલ શેઠને કહ્યું કે “તમે જ આવું વર્તમાનપત્ર બહાર પાડો !” શેઠે કહ્યું કે તે માટે નાણાં જોઈએ. પ્રશ્ન પૂછનાર વ્યક્તિએ કહ્યું કે કેટલા પૈસા જોઈએ? લગભગ ૨૦થી ૨૫ હજારની શરૂઆતની જવાબદારી છે. આ બાબતમાં પ્રશ્નકર્તાએ કહ્યું કે “પૈસાની જવાબદારી અમારી, તમે કામ શરુ કરો” બસ, આ પછી અમૃતલાલ શેઠે કદી પાછું વાળીને જોયું નથી. રાણપુરના એક વિશાળ મકાનમાં મહાત્મા ગાંધીની જન્મજયંતિના શુભ દિવસે(બીજી ઓક્ટોબર-૧૯૨૧) “સૌરાષ્ટ્ર”નો પ્રારંભ થયો. બાપુના આશીર્વાદ મળ્યા. મહાત્મા ગાંધી પોતે પણ ૧૯૨૫માં રાણપુર ગયા ત્યારે ‘સૌરાષ્ટ્ર’ના મહેમાન થયા હતા. “જ્યાં જ્યાં અમે જુલમ કે નાઇન્સાફી જોઈશું ત્યાં ત્યાં અમારું સઘળું બળ અમે વાપરીશું” તેવો વાયદો આ નવજાત શિશુ સમાન સમાચારપત્રના માધ્યમથી અમૃતલાલ શેઠે કર્યો. સૌરાષ્ટ્રમાં પાંગરેલી અને રાજકોટ તથા મુંબઈ સુધી પહોંચેલી આ પત્રકારત્વની સંઘર્ષમય કથાનો આ પ્રારંભ હતો. ‘ફૂલછાબ’, ‘રોશની’ તથા ‘જન્મભૂમિ’ જેવા ખ્યાતિપ્રાપ્ત અખબારોના મૂળ ‘સૌરાષ્ટ્ર’ થકી જ નખાયા હતા. સૌરાષ્ટ્રના આ તંત્રી ખિસ્સામાં પિસ્તોલ રાખી નીડરતાથી વિસ્તારમાં ફરતા અને કથાઓ શોધીને તેને યથાતથ રજુ કરતા હતા. પ્રજાયુગના અવાજના નૂતન ધબકારનો આ ધમાકેદાર પ્રારંભ હતો. ધોલેરા સત્યાગ્રહની દિલધડક વાતો ‘સૌરાષ્ટ્ર’ના માધ્યમથી જગતે જાણી. મુંબઈ જઈને “જન્મભૂમિ” શરુ કરવાનું કાર્ય પણ અમૃતલાલ શેઠે કર્યું. ૧૯૫૪માં શેઠ સાહેબ આપણી વચ્ચેથી ગયા. અમૃતલાલ શેઠનું જીવન એક ઉમદા હેતુને સિદ્ધ કરવા માટેના સતત તેમજ સળંગ ઘર્ષણ સમાન હતા.
વસંત ગઢવી
તા. ૯ સપ્ટેમ્બર ૨૦૨૨
Leave a comment