સંસ્કૃતિ :મોરારજીદેસાઈ: નૈતિકતાનીદીવાદાંડી:

   દેશના રાજકીય તથા સામાજિક જીવનમાં જેમનું યોગદાન કદી વિસ્મૃત થાય તેવું નથી તેવા ગુજરાતના બે સમર્થ પુરુષોની સ્મૃતિ અવારનવાર થતી રહે છે. આ બંને મહાનુભાવોની સમાધિ સ્થળ દિલ્હીમાં યમુના કિનારે અન્ય વિશિષ્ઠ જનો સાથે નથી. યમુના કિનારે તેમના સમાધિ સ્મારકો કેટલાક કારણોસર નથી પરંતુ જો હોત તો દિલ્હીની શોભામાં તેનાથી અભિવૃદ્ધિ થઇ હોત. સરદાર પટેલ તથા મોરારજી દેસાઈ એવા નેતાઓ હતા કે જેમનું સ્થાન દેશના ઇતિહાસમાં મજબૂતીપૂર્વક સ્થાપિત થયેલું છે. ફેબ્રુઆરી માસમાં મોરારજીભાઈની જન્મજયંતિ આવે છે. દેશના અનેક ભાગોમાં કેટલાક લોકો આદરપૂર્વક મોરારજીને યાદ કરતા હશે. સંત પુરુષના અનેક લક્ષણો ધરાવતા મોરારજી એ ગાંધીયુગના વિચારોના સમર્પિત ચાહક હતા. એક કાબેલ વહીવટ્કર્તામાં હોય તેવા તમામ ગુણ મોરારજી ધરાવતા હતા. સરદાર પટેલ તથા પંડિત નહેરુ એમ બંનેનો વિશ્વાસ તેઓ પ્રાપ્ત કરી શક્યા હતા. 

       મોરારજી દેસાઈ સમયની આરપાર જોઈ શકે તેવા નેતા હતા. ખેડૂતો માટે કલ્યાણલક્ષી એવા કાયદાઓની આજે પણ વાતો થયા કરે છે. પરંતુ જમીનમાં પોતાનો લોહી-પસીનો વહાવતા ગણોતીયાઓના રુણરાહત માટે છેક ૧૯૩૯માં મોરારજીએ મુંબઈ રાજ્યના મહેસૂલમંત્રી તરીકે શરૂઆત કરી હતી. ગણોતિયાઓને પોતે ખેડેલી જમીનમાં સ્થિરતા આપવાનું આ દીર્ઘજીવી પગલું હતું. તેનો ઉલ્લેખ બા. જ. પટેલે તેમના એક લેખમાં ૧૯૭૩માં કર્યો હતો. ગણોતિયાને જમીનના માલિક હક્ક આપવાની આ પહેલ હતી. આ રીતે દ્રષ્ટિ સંપન્ન મહેસુલી કાયદાઓ એ મોરારજીની સૂઝ-સમજ તેમજ ગણોતિયાઓ તરફની નિસ્બતનું પરિણામ હતું. ભવિષ્યમાં સૌરાષ્ટ્ર સરકારે આ રાહ પર આગળ ચાલીને જ ગણોતિયાઓને મળતા હક્કો વિશેષ અસરકારક બનાવ્યા હતા. આથી જમીનની વહેંચણી ન્યાયી રીતે થઇ શકી હતી. દેશ આઝાદ થયો ત્યારબાદ મોટર-બસ વાહનવ્યવહારને પણ રાજ્યના નિયંત્રણમાં લાવવાનું કામ મોરારજીની દ્રષ્ટિને કારણે થઇ શક્યું હતું. ગુજરાતમાં આજે પણ તેની અસર જોવા મળે છે. આ રીતે જ ગુજરાત સહીત દેશના કેટલાક રાજ્યોમાં દારૂબંધીની નીતિનો આગ્રહપૂર્વક અમલ કરાવવામાં મોરારજીનો હિસ્સો નોંધપાત્ર છે. દારૂબંધીની તરફેણ કે વિરોધમાં અનેક પ્રકારની દલીલો થતી આવે છે. બંને તરફની દલીલોમાં સત્યનો અંશ પણ હશે. પરંતુ દેશમાં અનેક સ્થળોએ મહિલાઓએ હંમેશા દારૂબંધીની તરફેણ કરી છે. દારૂબંધીના કાયદાના અમલીકરણમાં જરૂર કેટલીક ક્ષતિઓ હશે. તેના માઠા પરિણામ પણ આવ્યા હશે. પરંતુ અમલીકરણની મર્યાદાઓના કારણે શુભ હેતુ સાથેના પગલાંનું અવમૂલ્યન કરી શકાય નહિ. સહકારી ક્ષેત્રે સહકારી ધોરણે જ ખાંડ ઉદ્યોગને શેરડી પકવતા ખેડૂતોના હિતમાં ચલાવવાના નિર્ણયને મોરારજીએ બળ પૂરું પાડ્યું હતું. ગુજરાતનો સંગીન સહકારી ડેરી ઉદ્યોગ એ મોરારજી તથા ત્રિભોવનદાસ પટેલની દેખરેખ હેઠળ પાંગરી ઉઠેલો છે. કટોકટીકાળમાં બંધારણમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા તેને પણ પ્રથમ તક મળતા મોરારજીએ મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત કર્યા હતા.

        બા. જ. પટેલે તા. ૦૭-૦૨-૧૯૮૫ના દિવસે લખેલા અને પ્રસિદ્ધ થયેલા એક લેખમાં અભ્યાસુ વૃત્તિથી એક વાત તારવી આપી છે. તેઓ કહે છે કે શ્રીમંત વર્ગના પંડિત મોતીલાલ નહેરુ પોતાનો એક બંગલો દેશને અર્પણ કરે તો તેની વાત અનેક ફોરમમાં અનેક લોકો કર્યા કરે છે. મોરારજીભાઈ પણ તેમની આર્થિક સ્થિતિ સામાન્ય હોવા છતાં વલસાડનું પોતાનું માલિકીનું મકાન અને જમીન બાલમંદિર તથા બહેનોના ઉત્થાન માટેની પ્રવૃત્તિમાં સંપૂર્ણ નમ્રતાથી અર્પણ કરે છે. સાથે પ્રવૃત્તિ ચલાવવાના રૂપિયા દસ હજાર(તે સમયના) આપે છે. પોતાને લાંબી કારકિર્દી દરમિયાન મળેલી તમામ ભેટ ગુજરાત વિદ્યાપીઠને અર્પણ કરે. સાથે વ્યક્તિગત બચત પણ વિદ્યાપીઠને અર્પણ કરે. પોતાના વારસદાર તરીકે ગુજરાત વિદ્યાપીઠને ઠરાવે એ સામાન્ય વાત નથી. પુત્ર કાંતીભાઈને કોઈ રાજકીય પદ કે પ્રતિષ્ઠા અપાવવાની વાત તો આ મહામાનવથી જોજનો દૂર રહી છે. જે કંઈ કર્યું તેની પણ પ્રસિદ્ધિ કરવાનો કોઈ વિચાર મોરારજીને આવ્યો નથી.  મોરારજી આવી બાબતોમાં જલકમળવત્ત હતા તેમ જરૂર કહી શકાય. શરદ પવારે તેમની સ્મૃતિઓમાં લખ્યું છે કે મોરારજીને મુંબઈમાં ક્યાં રહેવું તે પ્રશ્ન હતો. ઘણી સમજાવટ તથા આગ્રહથી તેમને સરકારી ફ્લેટ ફાળવી આપવામાં આવ્યો હતો. આ બાબતમાં પણ મોરારજીભાઈએ કાળજી લીધી હતી કે તેમની હયાતી બાદ સત્વરે આ ફ્લેટ રાજ્ય સરકારને પરત આપવામાં આવે. દિવંગત નેતાના નિધન બાદ તે જ મકાન કે બંગલાને વિદાય થયેલા નેતાજીના સ્મારક માટે માંગવાની પ્રથા પણ કેટલાક કિસ્સામાં સાંભળવા મળી છે. પરંતુ મોરારજી જુદી માટીના માનવી હતા. 

       મોરારજીભાઈ ૧૯૧૮થી ૧૯૩૦ના સમયગાળામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે રહ્યા. આ સમય દરમ્યાન પણ અંગ્રેજ અધિકારીઓની ખુશામત કરવાનું તેમના કિસ્સામાં કદી બન્યું નથી. સ્પષ્ટ વક્તા તરીકેના સહજ સ્વભાવથી તેમની નિમણૂકના સ્થળો પણ દૂરના કે અસુવિધાવાળા રહેવા પામ્યા હતા. આમ પણ અનાવિલ જ્ઞાતિના એટલે તે રીતે પણ સત્ય માટે લડાકુ વૃત્તિ લોહીમાં વણાયેલી હતી. સ્વામી આનંદે ધારદાર ભાષામાં લખેલા કેટલાક અનાવિલ જ્ઞાતિના પાત્રો વિષે વાંચીએ તો આ અલગ મિઝાઝના માનવીઓનો વિશેષ પરિચય થાય છે. 

     મોરારજી ૧૯૩૭માં મુંબઈ રાજ્યના મહેસુલ મંત્રી બન્યા. ૧૯૩૭ની આ અર્થસભર યાત્રા ૧૯૭૯ સુધી ચાલી. ૧૯૭૯માં તેમણે ભારતનું વડાપ્રધાનપદ ખાસ સંજોગોમાં છોડ્યું. વિષયની પકડ તથા ઝડપી નિકાલની સૂઝ એ તેમનામાં સહજ રીતે વણાયેલી બાબતો હતી. અમલ માટેની મક્કમતા એ તેમના સ્વભાવના અભિન્ન ભાગ સમાન હતી. કાર્યક્ષમ, જન સામાન્ય માટે સંતોષપ્રદ, અભ્યાસુ તથા ઓછી ખર્ચાળ વહીવટની પ્રથા માટે દેશવાસીઓએ મોરારજી તરફ મીટ માંડવી પડશે.   

આપણા એક સમર્પિત અધિકારી હસમુખ શાહ મોરારજીભાઈ સાથે કામ કરતા હતા. તેમણે જે સંસ્મરણો લખ્યા છે તેના પરથી ખ્યાલ આવે છે કે મોરારજીભાઈની સામાન્ય જન માટેની સંવેદના કેટલી તીવ્ર તથા ઊંડી હતી. મહામના મોરારજીભાઈની સ્મૃતિને વંદન કરવાનો આ સમય છે.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑