વાટે…ઘાટે:મહાત્માગાંધીઅનેરોમારોલાં:

 મહાત્માજીની યુરોપના જુદા જુદા દેશોની મહત્વની મુલાકાતો ગોળમેજી પરિષદમાંથી પાછા ફરતા થઇ હતી. આ મુલાકાતોમાં સ્વિટઝર્લેન્ડની તેમની મુલાકાત એક પ્રકારે વિશિષ્ટ કહી શકાય તેવી હતી. સ્વિટઝર્લેન્ડમાં બાપુ મહર્ષિ રોમા રોલાંને મળવાના હતા. (Romain Rolland) રોમા રોલાં તેમના કાળના મહાન સાહિત્ય સમ્રાટ, સંગીતશાસ્ત્રના પ્રખર જ્ઞાતા, ઇતિહાસકાર, નવલકથાકાર તો હતા જ, પરંતુ તેઓ એકાંતને સેવનારા પ્રજ્ઞાપુરુષ હતા. સાધુજન હતા. (૧૮૬૬ થી ૧૯૪૪) બાપુ અને રોલાં અગાઉ કદી મળ્યા ન હતા. જોકે પત્રવ્યવ્હારથી તેઓ સતત વિચારવિમર્શ કરતા રહેતા હતા. ‘જોન ક્રિસ્ટોફ’ નામની નવલકથાથી રોમા રોલાં પ્રસિદ્ધ હતા. બિથોવનના સંગીત વિશેના રોમા રોલાંના લખાણો ભારે મૂલ્યવાન ગણાય છે.  સત્યના ચાહક તેમજ ઉપાસક સર્જકો સાથે બને છે તેવુંજ વલણ વ્યવહારુ જગતે રોમા રોલાં સાથે કર્યું છે. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે લખેલી કેટલીક સ્પષ્ટ વાતો જે તે સમયના  શાસકોને  કડવી લાગી હતી. આથી આ દીર્ઘદ્રષ્ટા સર્જકને પોતાના દેશ ફ્રાન્સમાં રહેવું મુશ્કેલ થઇ પડયું હતું. તેમણે અંતે ફ્રાન્સ છોડવું પડયું હતું અને સ્વિટઝર્લેન્ડમાં વાસ કરવો પડયો હતો. છેક ૧૯૨૩માં તેમણે મહાત્મા ગાંધી વિશે એક પુસ્તક લખેલું જેને વ્યાપક આવકાર જગતના અનેક દેશોમાંથી મળ્યો હતો. મિસ સ્લેડ(મીરાંબહેન) પણ આ પુસ્તકથી જ ગાંધી વિચારના  સંપર્કમાં આવ્યા હતા. બંને પ્રજ્ઞાવાન પુરુષો એકબીજા  સાથે નિયમિત પત્રવ્યવહાર કરે છે. આથી ગાંધીજીએ તેમને મળવાની આ તક ઝડપી લીધી છે. 

  રોમા રોલાંને મળવા બાપુ તથા તેમના સાથીઓ સ્વિટઝર્લેન્ડમાં પાંચેક દિવસ માટે રહ્યા. વિલનવ નામના નાના ગામમાં મહર્ષિ રોલાં રહેતા હતા. દુર્ભાગ્યવશાત રોમા રોલાં શરીરે અપંગ હોવાથી મહાત્મા તેમને મળવા તેમના આરામ કરવાના રૂમમાં જતા હતા. 

       સમગ્ર વિલનવ ગામમાં એ વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી કે મહાત્મા ગાંધી રોમા રોલાંને મળવા આવે છે અને આ ગામના મહેમાન થવાના છે. ગાંધીજી રોમા રોલાંને મળવા કે અન્ય કોઈ કારણોસર ગામમાંથી નીકળે તેની રાહ જોઈને મહિલાઓ, પુરુષો કે બાળકો નાના નાના ઝુમખામાં મહાત્માને નજરોનજર જોવા માટે આતુરતાથી ઉભા રહેતા હતા. તેમાંના અનેક લોકો ગાંધીજી સમક્ષ ગીતો ગાવા, વાયોલિન વગાડવા કે ગાંધીજીને ફૂલ આપવા ઇચ્છતા હતા. કોઈ કોઈ વળી બાપુને પ્રશ્ન પૂછવા પણ આતુર હતા. રંગબેરંગી પુષ્પોથી લદાયેલા એક નાનકડા મકાનમાં રહેતા વૃદ્ધ પુરુષ ગાંધીજી પસાર થાય તેની સતત રાહ જોતા હતા. ગાંધીજીના સાથીઓને તેઓ કહેતા:” આ સરસ ગુલછડી મેં મિસ્ટર ગાંધી માટે જ રાખી છે હો ! તેઓ અહીંથી નીકળતા મારી આ ગુલછડીનો સ્વીકાર કરે તો મારા આ નાના બગીચાના પંખીઓ પણ તેમને બતાવવા છે. ગાંધીજીને આ પંખીઓ જરૂર ગમશે.” એક ઓસરે નહિ તેવી આશા સાથે આ વ્યક્તિ આ લંગોટધારી મહાત્માની સતત પ્રતીક્ષામાં રહે છે. બાપુ જયારે રોમા રોલાંના નાના એવા બંગલામાં નાસ્તો કરવા બેસે ત્યારે એક સારંગીવાળો બંગલાની સીડી પર અડધે ઉભો રહી પ્રેમથી સારંગી સંભળાવતો હતો. વૃંદગાનમાં ગાનારા કેટલાક સ્ત્રી પુરુષોએ બંગલાની બહાર ઉભા રહી મીઠા સૂરોમાં બાપુ તથા રોમા રોલાંને ગીતો સંભળાવ્યા હતા. એક વાર તો ખુદ રોમા રોલાંએ બાપુને પિયાનો પર ગાઈને જગપ્રસિદ્ધ સંગીતજ્ઞ બિથોવનના ગીતો સંભળાવ્યા તેમજ સમજાવ્યા હતા. બાપુને પસાર થવાના માર્ગે આવતી શાળાના નાના મોટા ભૂલકાઓ મહાત્માની રાહ જોઈને તેમના હસ્તાક્ષર મેળવવા ઉભા રહેતા હતા. રોમા રોલાંના રૂમમાં સૂર્યનો પ્રકાશ સારી રીતે મળી રહે તેવી બાંધકામની રચના હતી. પુસ્તકો અસંખ્ય હતા. તેમના રૂમમાં કેટલીક સુંદર શિલ્પાકૃતિઓ હતી. આ શિલ્પો ટોલ્સટોય, ગોર્કી, ગાંધીજી, રવીન્દ્રનાથ ટાગોર તેમજ આઈન્સ્ટાઈન વગેરેની હતી. હિમાચ્છાદિત આલ્પ્સના શિખરો તેમજ હરિયાળા મેદાનો અને સુંદર સરોવરોથી શોભતું સ્વિટઝર્લેન્ડ આ બે મહાપુરુષોના મિલનથી વિશેષ રળીયામણું બન્યું હતું. સામેજ દેખાતા જિનિવા સરોવરના નિર્મળ વારીથી રોમા રોલાંના નાના એવા બંગલા વિશેષ રળિયામણા લાગતા હતા. આ બધી શીતળતા વચ્ચે રોમા રોલાંના હૈયે પ્રથમ વિશ્વયુઘ્ધથી થયેલ માનવસમાજની ખુવારીનો દાવાનળ સળગતો હતો. ગાંધીજી સાથેની મુલાકાતથી કોઈક નવીજ શીતળતાની આશા હૈયે ધરી રોમા રોલાં બેઠા હતા. મીરા બહેન, મહાદેવભાઈ દેસાઈ તેમજ પ્યારેલાલ બાપુની સાથે હતા. રોમા રોલાંએ ગાંધીજીની પ્રથમ (અને અંતિમ પણ) મુલાકાતના સંદર્ભમાં યાદગાર શબ્દો લખ્યા. આ શબ્દોમાં આ વિદ્વાતજનની પ્રતીતિ કોઈપણ આવરણો સિવાય પ્રગટ થઇ છે. રોમા રોલાં લખે છે. 

        “ચશ્માંવાળા અને બોખા એ નાનકડા માણસે સફેદ શાલ ઓઢી હતી. એમના ઉઘાડા માથા પર વરસાદના છાંટા પડેલા હતા. ખડખડાટ હસતા તેઓ મારી પાસે આવ્યા. મારી આસપાસ હાથ વીંટાળ્યો. તેમનું આછા ધોળા વાળવાળું માથું મારા ગાલને અડ્યું. વિચાર કરતા મને આનંદ થાય છે કે સેન્ટ ડોમિનિક કે સેન્ટ ફ્રાંસીસના ચુંબન જેવુ એ હતું.” ગાંધી પ્રત્યે આ મહામાનવનો આવો ભાવ એ બાપુની નિર્મળતા અને વિનમ્રતા સિવાય બનાવો મુશ્કેલ છે. મહાત્માની આ ઓળખ તથા તેમના પ્રત્યેનો રોમા રોલાંનો આદર દરેક ભારતીયને ગૌરવ અપાવે તેવો ભવ્ય છે. 

 યુરોપની તત્કાલીન સ્થિતિ વિશે વાત કરતા બાપુ રોમા રોલાંને કહે છે: ” મારી તો દ્રઢ માન્યતા છે કે અહિંસા જ યુરોપને બચાવશે. નહિ તો વિનાશ સિવાય બીજો આરો નથી.” બંને ક્રાંતદ્રષ્ટા મિત્રો એકબીજાના પૂરક હતા. તે સમયના સ્વિટઝર્લેન્ડના જાણીતા શાંતિવાદી તેમજ રચનાત્મક કાર્યકર પીઅર સેરેસોલ સાથે પણ બાપુને લાંબા સંવાદ થયા. 

                                                                                                       વસંત ગઢવી                                                                                                      ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑