ક્ષણના ચણીબોર:ગાંધીજીઅનેમહાદેવભાઈ:

  દરેક વર્ષની ત્રીસમી જાન્યુઆરીએ બાપુ સાથે જ મહાદેવ દેસાઈની સ્મૃતિ થાય છે. “મહાદેવ વહેલા ગયા” કોઈએ કહ્યું. બાપુ આ વાત સાથે સંમત ન થયા. તેમણે કહ્યું : “મહાદેવનું કામ પૂરું થઇ ચૂક્યું હતું. તેમણે પચાસ વર્ષમાં સો વર્ષનું કામ કર્યું હતું. તે વધુ વખત શા માટે રહે?” બાપુની આ વાતનો પડઘો ગુરુદેવ ટાગોરની પંક્તિઓમાં સંભળાય છે. મૂળ બંગાળીમાં લખાયેલું ગીત મહાદેવભાઈએ ગુજરાતીમાં ભાવાનુવાદ કરી લખ્યું છે. જીવનમાં જે પ્રયાસો થાય, ઉપાસના કે તપ થાય તેનું કદાચ આખરી પરિણામ નજરે ન પણ આવે છતાં એ પ્રયાસો કદી નિષ્ફળ જતા નથી. નિષ્ઠાથી થયેલા આવા પ્રયાસ કદી વ્યર્થ જતા નથી. આવો ભાવ આ સુંદર પંક્તિઓમાં છે.

         જીવને જે પૂજા પુરી ન થાયે. 

         જાણું હું જાણું તે યે વ્યર્થ ન જાયે. 

         જે કળી ખીલ્યા વિણ ઝરે છે ધરણીએ 

         જે નદી મરુસ્થળે ખોવાઈ જાયે.

         જાણું હું જાણું તે યે વ્યર્થ ન જાયે. 

         ૧૮૯૨ની પહેલી જાન્યુઆરીએ આ ધરતી પર પ્રથમ શ્વાસ લેનાર ગાંધીજીના સચિવ મહાદેવભાઈ દેસાઈનું વિશેષ સ્મરણ જનયુઆરીમાં થાય તે સ્વાભાવિક છે. મહાદેવભાઈની ગાંધી તરફની આજીવન નિષ્ઠા એ તેમને ગાંધીજીના અન્ય સાથીઓથી જુદો પાડે છે. પોતાના વ્યક્તિત્વને ગાંધીના વ્યક્તિત્વમાં પૂર્ણ વિલીનીકરણ કરનાર મહાદેવભાઈ ગાંધીયુગના એક અદ્ધિતીય સિતારા સમાન છે.

        મહાદેવભાઈએ તેમના પિતા હરિભાઈ પાસેથી જીવનભાથું બાંધ્યું હતું. માતાનો દેહાંત થતા પિતા હરિભાઈએ બાળકને માતાપિતાનો પ્યાર આપ્યો હતો. હરિભાઈએ પ્રાથમિક શાળામાં શિક્ષક અને ગણિત રસપૂર્વક ભણાવવામાં હંમેશા તત્પર રહેતા હતા. એક પ્રાથમિક શાળાના શિક્ષકને પોતે આપેલી કેળવણી ઉપર કેવો ભરોસો હતો તેની વાત નારાયણ દેસાઈએ લખેલા એક વાસ્તવિક દ્રષ્ટાંત પરથી સ્પષ્ટ થાય છે. સુરત જિલ્લાના વાલોડમાં હરિભાઈ પાસે ગણિત શીખ્યો હતો તેવો એક વિદ્યાર્થી તે વખતે લેવામાં આવતી ફાઇનલ પરીક્ષામાં ગણિતમાં નાપાસ થયો. શિક્ષક હરિભાઈ મળ્યા ત્યારે તે વિદ્યાર્થીએ આ  સમાચાર તેમને આપ્યા. હરિભાઈ આ સમાચાર સાંભળીને વિચારમાં પડી ગયા. ત્યારબાદ સ્વગત બોલતા હોય તેમ ધીરેથી કહે છે: “મારી પાસે ભણેલો વિદ્યાર્થી ગણિતમાં નાપાસ થાય નહિ.” શિક્ષક હરિભાઈએ જાતે ફી ભરીને પેલા વિદ્યાર્થીનું પેપર ફરી ચેક કરાવ્યું. આથી ચકાસણી થતા ખ્યાલ આવ્યો કે વિદ્યાર્થી ગણિતમાં પાસ થયો હતો પરંતુ કોઈ ભૂલ થતા તેને નાપાસ જાહેર કરવામાં આવ્યો હતો. કેવો આત્મ-વિશ્વાસ ! હરિભાઈ જેવા અનેક શિક્ષકોની નિષ્ઠાને કારણે જ શિક્ષણના આ વ્યવસાયને એક આગવી પ્રતિષ્ઠા અને સામાજિક સ્વીકૃતિ મળ્યા હશે. આજે તો શિક્ષણના મહદંશે થયેલા વ્યાપારીકરણને કારણે આ સ્થિતિ જોવા મળતી નથી તે એક અકળાવનારી વાસ્તવિકતા છે. મહાદેવભાઈના પિતાની સાથે જ મહાદેવ પર જેની અસર પડી હતી તેવા તેના પિતરાઈભાઈ છોટુભાઈને યાદ કરવા જોઈએ. સ્વામી આનંદે છોટુભાઈની કથા “મહાદેવથી મોટેરા” કહીને ખુબજ સુંદર રીતે લખી છે. નીડર તથા તોફાની ગણાય તેવા છોટુભાઈ આદિવાસીઓમાં “સોટુકાકા” તરીકે લોકપ્રિય હતા. આદિવાસીઓની સેવા માટે છોટુભાઈએ આજીવન ભેખ લીધો હતો. મહાદેવભાઈની ચીર વિદાયની ઊંડી અસર છોટુભાઈ પર થઇ હતી. આમ છતાં પોતાની વિનોદી શૈલીમાં મહાદેવની વાતો કરી તેઓ મહાદેવભાઈના અર્ધાંગના દુર્ગાબહેનનો શોક ઓછો કરવાના પ્રયત્નમાં રહેતા હતા. 

             મહાદેવ ભણવામાં ખુબ હોશિયાર એટલે તેમને પ્રાથમિક શાળામાં આગળ ભણવા જૂનાગઢ મોકલવાનું નક્કી થયું. મહાદેવના એક કાકા જૂનાગઢ નોકરી કરે તેથી ત્યાં મોકલવાનો વિચાર થયો. આજે ઘોઘા-દહેજ તથા ઘોઘા-હજીરા રો-રો સર્વિસની વાત આંખ સામે જોઈ શકીએ છીએ. યાંત્રિક સાધનસામગ્રી તથા ટેક્નોલોજીના વિકાસને કારણે આ સર્વિસ ઝડપી તથા આરામદાયક પણ બની છે. પરંતુ આ સેવાનું મૂળ સ્વરૂપ આજથી સવાસો વર્ષ પહેલાની આ કથામાં જોવા મળે છે. મહાદેવના વતનથી દાંડી બંદર નજીક થતું. આ બંદર પરથી છેક ઘોઘા(ભાવનગર) સુધી મુસાફરો લાવવા-લઇ જવાનું કામ એક મછવો કરતો હતો. આથી બંને ભાઈઓ-મહાદેવ તેમજ છોટુભાઈ- કાકી સાથે ઘોઘા થઇ ભાવનગર જવા દાંડીથી નીકળ્યા. ભાવનગરથી જૂનાગઢ અભ્યાસ માટે જવાનું હતું. મછવામાં મુસાફરી દરમ્યાન ખાવા માટે ભાતું તેમજ પીવાનું પાણી લેવું પડે. દસથી અગિયાર વર્ષની ઉંમરના મહાદેવની આ જીવનની પહેલી મુસાફરી હતી. મછવામાં આખી રાત મુસાફરી કરી બીજા દિવસે સવારે ઘોઘા પહોંચી શકાતું હતું. જો કે પવનની પ્રતિકૂળતાને કારણે આ મુસાફરી બીજા દિવસે સવારે પુરી થવાના બદલે છેક સાંજે પુરી થઇ. બારેક કલાકના આ વિલંબમાં ખોરાક વગર તો ચલાવવું થોડું સરળ ગણાય પરંતુ પૂરતા પાણીના અભાવમાં દિવસ કાઢવાનું કામ મુશ્કેલ હતું. બંને કિશોરભાઈઓના જીવનનો આ પહેલો પરંતુ અઘરો ટેસ્ટ હતો. આજના સંદર્ભમાં આવી વ્યવસ્થા અને આટલો સમય એ વિસ્મયકારક લાગે એ સ્વાભાવિક છે. પરંતુ આવી તમામ ભૌતિક અસુવિધાઓ વચ્ચે પણ મહાદેવ-છોટુભાઈ જેવા દિગ્ગજ વ્યક્તિઓનું ઘડતર થતું હતું. 

          બાપુના સમગ્ર જીવન તેમજ પ્રવૃતિઓના એક અભિન્ન અંગ સમાન મહાદેવ હતા. મહાદેવભાઈના યોગદાન સિવાયનું મહાત્મા ગાંધીજીનું જીવન કલ્પી પણ શકાતું નથી. આથી જ મહાદેવભાઈ ગયા ત્યારે રાજાજીએ લખેલું કે “બાપુ અનાથ થઇ ગયા.” જગતના સૌ લોકોની સ્મૃતિમાં બાપુ સાથે જ મહાદેવભાઈ  રહેવાના છે. મહાદેવભાઈ માટે વિનોબાજીએ લખેલા શબ્દો મહાદેવની સિદ્ધિ સમજવામાં ઉપયોગી થાય તેવા અર્થસભર છે. વિનોબાજી લખે છે: ” લક્ષ્મણ વિના રામનું કામ થાત જ નહિ. આ સમજીને જ રામ લક્ષ્મણને પોતાની સાથે લઇ ગયા હતા. તુલસીદાસે લખ્યું છે તેમ રામના  યશના ઝંડા માટે લક્ષ્મણ દંડ સમાન બની રહ્યા. મહાદેવભાઈની પણ આવી જ યોગ્યતા હતી તેમ કહી શકાય.”

Leave a comment

Blog at WordPress.com.

Up ↑