ફરી ૩૦મી જાન્યુઆરીના દિવસે દેશ મહાત્માને શ્રધ્ધાંજલિ આપશે. બાપુના જીવનના છેલ્લા દિવસોની ગતિવિધિઓ સમજવા માટે મનુબહેનની ડાયરી (દિલ્હીમાં ગાંધી) ખૂબજ ઉપયોગી તેમજ અધિકૃત દસ્તાવેજ છે. માત્ર ગાંધીજીના અંતિમ કાળની ડાયરીજ મનુબહેને લખી હોત તો પણ તેઓ અમરત્વને વર્યા હોત. મનુબહેને તો આ મહાકાર્ય ઉપરાંત અનેક અર્થસભર કાર્યો કર્યા. ગુજરાતની આ ૧૫-૧૬ વર્ષની દિકરીએ બાપુના છેલ્લા દિવસોની તલસ્પર્શી કથા લખીને સમગ્ર માનવજાત પર પોતાનું ઋણ ચડાવ્યું છે. શ્રી મોરારજી દેસાઇના મતે મનુબહેનનો આ મોટો ઉપકાર છે. આ ડાયરીના શબ્દે શબ્દની સચ્ચાઇ છે અને તેની વિગતોને મહાત્માની મહોર લાગી છે તે પણ એક અવિસ્મરણિય ઘટના છે.
મનુબહેને આલેખી છે તે ઘટનાઓ જોતાં મહાત્મા ગાંધી નામના આ મહાનાયકના જીવનના છેલ્લા દિવસોમાં અપાર મનોવ્યથા છે. ડાયરીમાં લખાયેલી વિગતોમાં બાપુના લોકો, મહાનુભાવો કે રાજકીય નેતાઓ સાથેના સંવાદોમાં જે વ્યથાનો ભાવ વખતોવખત ટપકે છે તે મનમાં ગ્લાનિ ભરી દે તેવો છે. ડાયરીમાં નોંધાયેલી એક વાતચીતમાં ગાંધીજી કહે છે : ‘‘આજ સુધી હું ૧૨૫ વર્ષ માટે જીવવાની ઇચ્છા રાખતો હતો. આજે તેવી ઇચ્છા નથી… લોહીના એક ટીપા વગર જે દેશે સ્વરાજ્ય હાંસલ કર્યું તેના પર અમુક લોકો પાણી ફેરવી રહ્યાં છે.’’ અંતિમ કાળ સમીપ આવ્યાની પ્રતિતિ આ મહાત્માને થઇ હશે તેમ લાગ્યા કરે છે. એકથી વધારે વખત મહાત્માએ પોતાને થતી વ્યથા જૂદા જૂદા પ્રસંગોએ વાણીમાં ઉતારી છે. મનુબહેને તે ઝીલીને તે ઐતિહાસિક વાતોને અમર કરી છે. દેશની દરેક કોમ વચ્ચે એકતા અને ભાઇચારો કેળવાય તે હેતુ એ મહાત્માજીના જીવનનું ચાલકબળ હતું. પરંતુ ૧૯૪૫ થી ૧૯૪૭ના સમયગાળામાં પોતાની આ મહેચ્છા તેમને વેરણછેરણ થતી જણાવા લાગી. આઝાદી મળ્યા બાદ પોતાની આસપાસનાજ કાર્યકર્તાઓમાં પદઝંખના તેમજ વ્યક્તિગત મતભેદો જોઇને બાપુના હૈયાને ઠોકર લાગી હોય તેવું સ્પષ્ટ મનુબહેનની નોંધો જોતાં જણાય છે. અનેક લોકોએ કૃત્રિમ રીતે ધારણ કરેલા દંભના આવરણો પણ ખસી જતાં જોવા મળે છે. આ બધી વ્યથા વચ્ચે પણ તે સદીના આ મહામાનવ બાળકની જેમ ઊંઘી શકે છે. પાંચ વર્ષના શિશુ એવા પોતાના પૌત્ર સાથે તોફાનમસ્તી કરી શકે છે. આ ઉમ્મરે તથા આવી વિકટ સ્થિતિમાં પણ રોજ સવારે બંગાળી ભાષા શિખવામાં સમય કાઢે છે તે ગાંધીના અદ્વિતીય વ્યક્તિત્વની શાખ પૂરાવે છે. આઇનસ્ટાઇને સાચુંજ કહેલું કે ભાવિ પેઢીઓ કદાચ ભાગ્યેજ માનશે કે આવો કોઇ માણસ સદેહે આ ધરતી પર વિચરણ કરતો હશે.
મનુબહેનનો ડાયરી લખવાના કામ સાથે જૂનો અનુભવ પણ જોડાયેલો હતો. ૧૯૪૨ની લડત દરમિયાન બાપુ તથા કસ્તુરબા આગાખાન મહેલની જેલમાં હતા. બ્રિટીશ સરકારે કસ્તુરબાની સેવા માટે મનુબહેનને જેલમાં રહેવા પરવાનગી આપી હતી. બાપુ અને બા મનુબહેનના દાદા તથા દાદી થતા હતા. કસ્તુરબા પોતાની રોજનીશી લખતા પરંતુ માંદગીને કારણે તેમણે આ કામ મનુબહેનને સોંપ્યું હતું. બા કહે તેમ તેમણે ડાયરી લખવાની હતી. બાપુ પણ ડાયરીનું લખાણ ચકાસીને પોતાના સલાહ સૂચન આપતા હતા. જે તે સમયે આ કાર્યનું મહત્વ નાની કિશોરીને સ્વાભાવિક રીતેજ સમજાતું ન હતું. પોતાનું આ ‘બુધ્ધુપણું’ પછીથી મનુબહેનને આશીર્વાદરૂપ જણાયું છે. મનુબહેનની ડાયરી લખવાના કાર્યમાં ફાવટ ક્રમશ: વધતી જતી હતી. આ જોઇને મહાત્માને મહાદેવભાઇની સ્મૃતિ તાજી થતી હતી. મનુબહેન લખે છે કે ‘‘મહાદેવકાકાની યાદ તાજી થતાંજ અનેક બાબતોમાં નિર્લેપ રહેલા આ મહાત્મા ગંભીર બની જતાં હતાં.’’ જિંદગીમાં પડેલા કેટલાક ઊંડા ઘાવ મહાત્મા માટે પણ અવિસ્મરિણય હોય છે.
મનુબહેને લખેલી ડાયરીના પ્રસંગોમાંથી પસાર થતાં તત્કાલિન કાળનું ચિત્ર નજર સામે સ્પષ્ટ થાય છે. ડિસેમ્બર-૧૯૪૭ની એક સાંજે પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ બાપુને મળવા આવે છે. પંડિતજીને આજે આખો દિવસ તાવ હતો તેમ સાથે આવેલા ઇન્દિરાજીએ કહ્યું. બાપુએ ચર્ચા શરૂ કરતા પહેલા ગરમ પાણી અને મધ પંડિતજીને પીવરાવ્યા. ઇન્દિરાજીએ કહ્યું કે તાવ હોવા છતાં પંડિતજી ઓફિસમાંજ હતા અને સખત કામ કરતા હતા. ગાંધીજીને મળ્યા પછી પંડિતજી હળવા થાય છે તેમ પણ ઇન્દિરાજીએ ઉમેર્યું. જેમના સ્વભાવ સાથેજ વિનોદ વણાયેલો હતો તેવા બાપુએ પંડિત નહેરુને કહ્યું : ‘‘પેન્શન લેવા જેવડા થયા ત્યારે તમારા બધા પર અઢકળ કામ આવી પડ્યું છે ! આવો ઊંધો રિવાજ આપણાં દેશમાં છે…’’ બધા હળવા થઇને રાત્રે ૧૧ વાગે છૂટ્ટા પડ્યા.
આ દિવસોમાંજ કેટલાક લોકો બાપુ પાસે આવ્યા. તેઓ વર્તમાન સરકારની કામગીરીની ટીકા કરતા હતા. બાપુએ સહસાજ કહ્યું : ‘‘આ સંજોગોમાં આપણે એ સરકારમાં જવાહરલાલ કે સરદારની જગાએ હોઇએ તો વધારે સારું કરી શકીએ ખરા ? એમ હોય તો હું નહેરુ તથા સરદારને રાજીનામા આપવા કહું’’ આવનારા લોકોને વર્તમાન સ્થિતિની ગંભીરતા સમજાવવામાં બાપુ એક સફળ બારિસ્ટરની જેમ દલીલ કરતા હતા. આ જન્મજાત નેતા સંવાદના માધ્યમથી લોકમત ઘડવાનું વિકટ કાર્ય કરતા હતા. આ દિવસોમાંજ સાંજની એક પ્રાર્થનાસભામાં સુબ્બુલક્ષ્મીએ ‘‘હરિ તુમ હરો જનકી ભીર’’ બાપુએ સાંભળ્યું. ભજન સાંભળીને તેમણે ઊંડી પ્રસન્નતાનો તેમજ પરમતત્વ સાથેના અનુસંધાનનો અનુભવ કર્યો. ડાયરીમાં લખાયેલા નાના કે મોટા અનેક પ્રસંગોમાં તે કાળની સ્થિતિ અને બાપુના અસ્તિતત્વની સમગ્ર કાળ પર થતી જાદુઇ અસરનો ખ્યાલ આવે છે. ઇતિહાસના એક યુગપુરુષની વ્યથામાંથી પણ નૂતન ભારતના નિર્માણ માટેનો એક ભગીરથ પ્રયાસ જોઇ – અનુભવી શકાય છે. મનુબહેનનું વિરાટ દર્શન કાળના પ્રવાહમાં વિસ્મૃત થઇ શકે તેવું નથી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
તા.૨૧/૧૨/૨૦૨૧.
Leave a comment