: સંસ્કૃતિ : : મિર્ઝા ગાલિબ : આગવા અંદાજના શાયર :  

ગાલિબની જન્મજયંતિ ડિસેમ્બર માસની ૨૭મી તારીખે આવે છે. (૧૭૯૭) તેમની જન્મજયંતિના આ સમયે મહાન શાયરની સ્મૃતિને વંદન કરવાનો સમય છે. ઉર્દૂની ઉત્તમ રચનાઓની જ્યારે પણ ચર્ચા થાય ત્યારે ગાલિબના ઉલ્લેખ સિવાય તે ચર્ચા અધૂરી રહે છે. સામાન્ય રીતે કવિઓ – સર્જકો કે કલાના કસબીઓ પોતાની એક આગવી ખુમારીમાં જીવતા હોય છે. ગાલિબના જીવનનો આવો એક પ્રસંગ હરીન્દ્ર દવેએ નોંધ્યો છે જે શાયરના આગવા અંદાજની પ્રતિતિ કરાવે છે. ગાલિબને દિલ્હી કોલેજમાં ફારસીના અધ્યાપક તરીકે નીમવામાં આવ્યા. માન-મોભા ઉપરાંત સારું એવું વળતર પણ મળે તેવી આ જગા હતી. પરંતુ કોલેજમાં તેઓ ત્યારની પ્રથા મુજબ પોતાની પાલખીમાં ગયા ત્યારે ઉચિત્ આદર સત્કાર ન થયો તે કારણસર તેઓ તે નોકરીનો આકર્ષક પ્રસ્તાવ ઠુકરાવી દીધો. સામી બાજુ વાસ્તવિક જીવનમાં ક્યારેક મકાનનું છાપરું પણ તેઓ ચોમાસા પહેલા ઠીકઠાક કરાવી શકતા ન હતા. નાણાં ભીડ ભોગવતા હતા. છાપરું રીપેર ન થતાં ઘરમાં પાણી ચૂવે એ સ્વાભાવિક હતું. પોતાના ઘરમાં આ રીતે ચોમાસામાં ચૂતા પાણીને જોઇને તેઓ એક મિત્રને લખે છે :  ‘‘ આજ દિવસ સુધી તો માત્ર કહેવતજ સાંભળી હતી કે ખુદા દેતા હૈ તો છપ્પર ફાડકે દેતા હૈ, પરંતુ આજે પાણી છાપરું વિંધીને ઘરમાં પડ્યું ત્યારે આ કહેવતનો મને જાત અનુભવ થયો ! ’’ અકળાવનારી સ્થિતિને પણ આવા નિર્લેપ ભાવથી આલેખવાની ગાલિબની શક્તિને કારણેજ તેઓ ‘‘ અંદાજે બયાં ઓર ’’ ધરાવતા વિશિષ્ટ કવિ હતા. અગ્નિકુંડમાં કોઇ પુષ્પ મહોરી ઉઠે તો તે ચમત્કાર ગણાય. ગાલિબનું જીવન તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે પુષ્પની જેમ ખીલીને મહેક્યું હતું.

ગાલિબનું નામ મિર્ઝા અસદુલ્લાહબેગ ખાં હતું. તેઓ મિર્ઝા નૌશાને નામે પણ ઓળખાતા હતા. તેમના મોસાળ આગ્રામાં આ દિગ્ગજ શાયરનો જન્મ થયો હતો. દુર્ભાગ્ય જાણે આ શાયરના નસીબમાંજ લખાયેલું હતું. તેઓ માત્ર પાંચ વર્ષની વયના હતા ત્યારેજ પિતાની છત્રછાયા ગુમાવી. કાકાના સાનિધ્યમાં તેઓ મોટા થયા. કાકાનો આશ્રય પણ તેમણે થોડા વર્ષો બાદ ગુમાવ્યો. જીવનની આધિ – વ્યાધિ અને ઉપાધિ તેમને સતત પજવતી રહી. તેમના શબ્દોમાં આથીજ આ વ્યથા તીવ્ર સ્વરૂપે પ્રકટી હતી.

લિખતા હું અસદ સાઝિશે

દિલસે સખુને ગર્મ,

તો રખ સકે ન કોઇ

મેરે હર્ફ પર અંગુશ્ત.

શાયર કહે છે મારા (કદાચ તેમના વાસ્તવિક જીવન જેવાજ) ઉપમાથી ગરમ થયેલા શબ્દો કોઇ આંગળી મૂકે તો દાઝી જાય તેવા છે.

શાયર ગાલિબના લગ્ન ૧૮૧૦માં લગભગ તેર વર્ષની વયે થયા. તેમનું લગ્ન ઉમરાવ બેગમ સાથે થયું. શાયરે લખ્યું : ‘‘ મારા પગમાં બેડી પડી. સ્થાયી કેદનું ફરમાન જારી થયું. ’’ દિલ્હી શહેર હવે તેમનું રહેણાંક થયું. કાકાના મૃત્યુ પછી તેમને મળતું પેન્શન પણ બંધ થયું. મળવાપાત્ર પેન્શન ન મળતાં સરકારને અપીલ કરી. કલકત્તા બ્રિટીશ સરકારનું હેડક્વાર્ટર હોવાથી ત્યાંની મુસાફરી કરી. ૧૮૨૮માં દાખલ કરાયેલી અપીલનો ચૂકાદો ૧૮૪૪માં આવ્યો. મહેનત નિષ્ફળ ગઇ. અપીલનો અસ્વીકાર થયો. દરેક નબળી બાબતમાં ક્યારેક એકાદ સારી બાબત પણ થતી જોવા મળે છે. પેન્શન માટેની દિલ્હીથી કલકત્તાની મુસાફરી તો અર્થસભર ન રહી પરંતુ એક અણધાર્યો ફાયદો પણ થયો. કવિ અહીં કલકત્તામાં ઝડપથી બદલાતા સમયના પ્રવાહને નિહાળી શક્યા. ભવ્ય વારસો ધરાવતી મોગલ સત્તાના અંતને નજીક આવતો તેઓએ અનુભવ્યો. તે સાથેજ પશ્ચિમના પરિચય સાથે વિકસેલા નૂતન જીવનવહેણ તેમજ વિજ્ઞાનયુગને ક્રમશ: મજબૂત થતો તેઓ જોઇ શક્યા. તેમના કવિ હ્રદય પર આ નૂતન સૂર્યોદયના કિરણો ઝીલાયા.

શાયરને જીવનમાં અનેક વિષના ઘૂંટડા પીવા પડ્યા હતા. તેમને સાત સંતાન થયા પરંતુ એકપણ સંતાન લાંબું આયુષ્ય ભોગવી ન શક્યું. બાળવયમાંજ તેમના મૃત્યુ થયા. પોતાની સાળીના એક પુત્રને દત્તક લીધો. તે પણ યુવાનીમાં ડગ માંડતાંજ ખુદાના દરબારમાં ગયો. દિલ્હીની મહામારીમાં અનેક પરિચિતો અલવિદા કરી ગયા. જૈફવયના શાયર આ ઊંડી વ્યથાને વ્યક્ત કરતા પોતાના મિત્રને લખે છે. મહામારીમાં થયેલી ખુવારીનો તેમાં નિર્દેશ છે. પરંતુ ગાલિબના આગવા અંદાજના શબ્દોમાં તે પ્રગટે છે. લખે છે : 

‘‘ભાઇ, આ મહામારી કેવી ? મારી જેવા સીત્તેર વર્ષની વયના વૃધ્ધને પણ એ મારી ન શકી ?’’

અઢારસો સત્તાવનમાં હિન્દુસ્તાન આળસ મરડીને અંગ્રેજ શાસકો વિરૂધ્ધમાં ખડું થયું. ક્રાંતિ ભોગ માગે છે. દિલ્હી લડતનું કેન્દ્ર હતું. ગાલિબે અનેક મિત્રોને ક્રાંતિની વેદી પર સ્વેચ્છાએ હોમાતા જોયા. પરંતુ ૧૮૫૭ના ઐતિહાસિક સંગ્રામનું ઇચ્છીત પરિણામ ન આવ્યું. દિલ્હીના રૂપરંગ બદલાયા. બહાદુરશાહ ઝફરના શાસનનો સૂર્યાસ્ત થયો. શાયરને દિલ્હી શહેર વિલુપ્ત થતું હોય તેવો ભાસ થયો. એક પત્રમાં તેમણે  લખ્યું :

‘‘ દિલ્હીનું અસ્તિત્વ કેટલીક ઘટનાઓ પર આધારીત હતું. લાલ કિલ્લો, ચાંદની ચોક, જુમ્મા મસ્જિદની બજાર, યમુનાના પુલની સફર તથા ફુલવાળાઓનો મેળો ક્યાં દેખાય છે ? હવે દિલ્હી ક્યાં રહ્યું ? હા, આ શહેર ભારતવર્ષની તવારીખમાં હતું. ’’ શહેરની ઘટનાઓ તથા શહેર સાથેનો શાયરનો સંબંધ કેટલો ઉત્કટ હશે ! ગાલિબ ૧૫મી ફેબ્રુઆરી, ૧૮૬૯માં ખુદાના દરબારમાં ગયા. સુખી ઘરની દિકરી એવા તેમના પત્ની પણ વેદના ભોગવવા ઝાઝું ન રહ્યા. ૧૮૭૦માં તેઓે પણ ચિરવિદાય લીધી. પોતાના પુરોગામી કવિ મીર તકી મીરને અંજલિ આપતા આ ઉદાર હ્રદયના શાયર લખે છે : 

રેખતેકે તુમ્હી ઉસ્તાદ

નહિ હો ગાલિબ,

કહતે હૈ અગલે જમાનેમૈ

કોઇ ‘મીર’ ભી થા.

ગાલિબના પત્રો એ પણ તેમના સર્જનનો મહત્વનો ભાગ છે. તેઓ પોતાની કાવ્ય રચનાઓથી સુપ્રસિધ્ધ થયા છે. ‘દીવાન – એ – ગાલિબ’ સંગ્રહથી શાયર આજે પણ જીવંત છે. પોતાના સર્જનોથી ખુશબો ફેલાવતા રહે છે.

વસંત ગઢવી

ગાંધીનગર.

તા.૧૩/૧૨/૨૦૨૧.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑