: સંસ્કૃતિ : : દિપોત્સવમાં સંવેદનશીલતા સિંચવાનો સમય : 

દિપોત્સવનું સ્વાગત કરવાનો સમય છે. જીવનની એક સમાન ઘરેડમાંથી બહાર નીકળીને નિરાંતના શ્વાસ લેવા માટે અનેક પ્રકારના ઉત્સવો તથા તહેવારોનું આયોજન જગતભરમાં કરવામાં આવે છે. નવરાત્રીના સામુહીક ઉલ્લાસનું પર્વ હમણાંજ પૂરું થયું. દિપાવલી એ આપણો એક સર્વવ્યાપક સામાજિક ઉત્સવ છે. આંગણામાં પૂરાતી રંગોળિયો આપણાં મનના ઉલ્લાસનું પ્રતિબિંબ ઝીલે છે. આ તમામ હકીકતોનો સ્વીકાર કરીએ તો પણ સમાજમાં દેખાતી અને ક્રમશ: વધતી જતી આર્થિક ખાઇનો વિચાર આવતાં એક પ્રકારની ખિન્નતાનો પણ અનુભવ થાય છે. સમાજના એક વર્ગની છાકમછોળ જીવનશૈલિ સામે એક મોટા વર્ગને બે છેડા મેળવવાની મુશ્કેલી પડે છે. તહેવારોનો ઉલ્લાસ જનજનમાં જગાવવા માટે આર્થિક સમૃધ્ધિની અસમાન વહેંચણીના પ્રશ્નને સ્વીકારવો પડશે તેમજ સમજવો પડશે. સમજીને તેના દીર્ઘકાલીન ઉપાયો વિશેષ ગતિથી તેમજ અસરકારક રીતે કરવા પડશે.

વંચિતોની વેદનાને સમજીને તથા તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરીને ગાંધીજીએ માર્ચ ૧૯૩૦ માં દાંકીકૂચનો પ્રારંભ કરતા પહેલા એક ઐતિહાસિક પત્ર બ્રીટીશ હિન્દના શાસક લોર્ડ ઇરવીનને લખ્યો. એક તરફ ભીષણ ગરીબી તથા બીજી તરફ અનિયંત્રિત અમીરી તરફ આંગળી ચિંધીને મહાત્માએ જણાવ્યું કે શાસનમાં સંવેદનશીલતાનો અભાવ છે. તેથી મીઠા જેવી જીવનજરૂરી વસ્તુ પર ગેરવાજબી હદે ઊંચો કર વસૂલવામાં આવે છે. બ્રિટીશ શાસન ખર્ચાળ તથા શોષણયુક્ત હોવાથી તેનો અંત લાવવાનો નિર્ધાર ગાંધીજી કરે છે. સમાજમાં Haves અને Haves not ની આ અકળાવનારી અસમાનતા સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકે નહિ. મહાત્મા ગાંધીએ કહ્યું હતું તેના આઠ દાયકા પછી પણ આવકની આ અન્યાયી અસમાનતાનો મુદ્દો તો આજે પણ ઊભો છે. સમાજ – શાસન માટે આ સતત પડકારનો વિષય રહેલો છે. આ પ્રશ્ન હળવો કરવા ઘણું થયું હોય તો પણ ઘણું કરવાનું બાકી છે તેવી લાગણી હમેશા સકારણ જોવા મળે છે. ઉત્સવોમાં એક તરફ દેખાદેખીને કારણે થતાં અનિયંત્રિત ખર્ચ તથા બીજી તરફ તહેવાર કે ઉત્સવને ઉજવવા માટેની આર્થિક તેમજ પર્યાવરણ સંબંધિત સમસ્યા સાથે જીવતો સમાજ એ વાસ્તવિકતા છે. કિસાનોની આત્મહત્યાના કિસ્સાઓ તેમજ મધ્યમ તથા તદ્દન ઓછી તથા અનિયમિત કમાણી કરનાર વર્ગની તરફ દ્રષ્ટિ કરીને જોવાની જરૂર છે. આજે પણ તેમના આર્થિક તેમજ સામાજિક વ્યવહારો નીભાવવામાં તેમને કપરા પડકારો સામે આવે છે. શહેરો કે નગરોમાં બનતી આત્મહત્યાની ઘટનાઓમાં પણ મોટા ભાગે આર્થિક સ્થિતિ કારણભૂત બને છે. કોઇને આ ઘટનાઓ કદાચ સંખ્યાની દ્રષ્ટિએ બહુ વ્યાપક ન લાગે. પરંતુ તે પ્રકારનું મૂલ્યાંકન કરવું તે સામાજિક શાંતિ તેમજ સૌહાર્દ જાળવવા માટે ઉપયોગી થશે નહિ. આ બાબતની વ્યથા કવિઓ – વિચારકોએ હમેશા સમાજ સમક્ષ રજૂ કરી છે. આવીજ એક પ્રસ્તુતિ ‘‘આંધળીમાના કાગળ’’ થી પ્રસિધ્ધ થયેલા કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીની છે. તહેવાર તો સૌની સાથે ઉજવવો છે. હૈયામાં હોંશ પણ છે પરંતુ તે માટે સારા કપડાની બે જોડ પણ એક શ્રમ કરીને પેટ ભરતી કિશોરી પાસે નથી. દિવાળી છે તેમજ મોટો ઉત્સવ છે એટલે નવા ન મળે તો વસ્ત્રની એક જોડ જે છે તેને ધોવાનો મનમાં વિચાર છે. એક ગુમનામ શ્રમજીવી કિશોરીની સાધન – સગવડના અભાવની દારુણ અભિવ્યક્તિ કવિશ્રીએ અસરકારક તથા યાદગાર રીતે કરી છે. આ યાદગાર પંક્તિઓ માત્ર આ કિશોરીનેજ લાગુ પડતી હોય તેવું નથી અનેક વંચિત સમુહના કિશોર તથા કિશોરીઓને પણ આ વાત લાગુ પડે છે.

દિવાળીના દિન આવતા જાણી

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

માથે હતું કાળી રાતનું ધાબું

માગી તાગી કર્યો એકઠો સાબુ

કોડી વિનાની હું કેટલે આંબુ

રુદિયામાં એમ રડતી છાની….ભાદરમાં….

ઘાઘરો પહેરેને ઓઢણું ધૂવે,

ઓઢણું પહેરેને ઘાઘરો ધૂવે

બીતી બીતી ચારે કોર્યમાં જૂએ

એના ઉઘાડા અંગમાંથી

એનો આતમો ચૂવે.

લાખ ટકાની આબરુંને

એણે સોડમાં તાણી….ભાદરમાં….

ઊભા ઊભા કરે ઝાડવા વાતું

ચીભડા વેચીને પેટડા ભરતી

ક્યાંથી મળે એને ચીથરું ચોથું

વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું

આ પડી જતી નથી કેમ મોલાતું !

શિયાળવાની વછૂટતી વાણી….ભાદરમાં….

તહેવારોનો હર્ષ પ્રગટ કરવાનું એક હાથવગું માધ્યમ પહેરવાના કપડા છે. કવિ કહે છે કે આ શ્રમજીવી દિકરીને નવા કપડા પહેરવા માટે ન હોય તો જે કપડા છે તેનેજ ધોઇને ફરી પહેરવાના છે. આ રીતે મનને મનાવવાનો પ્રયાસ છે. આવી સ્થિતિમાં સાધન વંચિત દીકરી જીવે છે અને ઝઝૂમે છે. પ્રકૃતિ પણ આ ઘટનાની શાક્ષી બનીને ઊભી છે. સ્થિતિની કરૂણતાનો ચિતાર કવિના શબ્દોથી જીવંત થઇને સામે આવે છે. આપણાં સર્જકો માટે આ વિષય હમેશા મહત્વનો રહેલો છે. મર્મી કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીના શબ્દો પણ આ વાતનોજ પ્રતિધ્વનિ સુંદર શબ્દોમાં રજૂ કરે છે.

ધરતીના પટે પગલે પગલે

મૂઠી ધાન વિના નાના બાળ

મરે, પ્રભુહીન આકાશેથી

આગ ઝરે. અહોરાત કરોડ કરોડ

ગરીબોના પ્રાણ ધનીકોને હાથ રમે

ત્યારે હાય રે હાય કવિ ! તને

પૃથ્વીને પાણી તણાં શેણે ગીત ગમે ?

સેન્સેક્સની ચઢ-ઉતર સાથે જેને ભાગ્યેજ કશી નિસબત છે તેવા મોટા સમૂદાયના કલ્યાણ માટેની આપણી સામાજિક તથા સામુહિક લાગણી દીપોત્સવની ગરિમા વધારી શકે. કર્તવ્ય ભલે સામુદાયિક હોય પરંતુ શરૂઆત તો વ્યક્તિગત રીતેજ કરવી પડશે. વાસ્તવિકતા સામે ઉદાસીનતા કે ઉપેક્ષા સાથે કવિ શ્રી ઉમાશંકર જોશીએ જેનો નિર્દેશ કર્યો છે તે ‘‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ’’ જાગે તેની રાહ જોવી એ આત્મઘાતી છે. આથી સહાનુભૂતિ તથા સંવેદનશીલતા અનુભવીને આ દિશામાં એકાદ નાના પ્રયાસથી દિપોત્સવને વધાવીએ.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૦૯/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑