: વાટે….ઘાટે…. : : નૂતન વર્ષને હૈયાના ભાવથી વધાવવાનો સમય :

નવા આ વરસના

બાપા, રામ, રામ !

રાત દિ રામને સંભારતા

કરજો ભાવતી લીલાલેર

નવા વરસના… રામ રામ !

ખેતર ખેડી ખાતર પૂરજો

વાલો વરસે અનરાધાર

સાચુકલાં બિયારણ વાવજો

કે ધાન ઉતરે અપરંપાર

નવા વરસના… રામ રામ !

ઊભું વરસ દિવાળીજ રે

જેના રુદિયામાં રામ

હરખ સંતોષ ગાજે સામટો

ખોરડું ને આખું ગામ…

નવા વરસના… રામ રામ !

આપણાં સમર્થ સર્જક મુકુન્દરાય પારાશર્યની આ સુંદર પંક્તિઓ છે. અનંત કાળને આપણે આપણી સૂઝ તથા સગવડ પ્રમાણે નામકરણ કરીએ છીએ. આ નામાભિધાન ક્યારેક ઋતુઓના નામથી હોય છે તો ક્યારેક તહેવારો કે પ્રસંગો પરથી પણ હોય છે. કાળને તેથી ક્યાં કશો ફરક પડે છે ? આપણે સંધ્યા કે સૂર્યાસ્ત માણતા હોઇએ ત્યારે વિશ્વના અન્ય કોઇ ખૂણાના આપણા ભાંડુઓ ઉગતા સૂર્યને વધાવતા હોય છે. આથી કવિ કહે છે કે આ અસિમિત કાળનો જે ભાગ આપણાં હિસ્સામાં આવ્યો છે ત્યાં રામને સંભારીને કર્તા ભાવ સિવાય ભાગમાં આવ્યું છે તે કર્મ ભાવથી કરતા રહીએ તો જીવનમાં આનંદ કે સંતોષની શોધ કરવા બહાર ભટકવું પડે નહિ. આ ભાવ પ્રગટ થાય તો અંતરમાં અજવાળું પ્રગટ થયેલુંજ સમજવું. કર્મનો મહીમા ગીતાકારે ગાયો છે. જીવનની છેલ્લી સંધ્યાએ મહાત્મા ગાંધી કલકત્તા અને નોઆખલીમાં હતા. સ્વતંત્રતાનું સ્વાગત કરવા માટે દિલ્હીમાં ચાલતી ઉજવણીઓ  કરતા તેમને આ દુ:ખી ભાંડુઓના આંસુ લૂછવાનું કામ વિશેષ જરૂરી લાગ્યું હતું. બાપુને પણ કર્તાભાવનો વળગાડ ન હતો. નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રમાં બનતી કેટલીક ઘટનાઓ તેમને પસંદ ન હતી. પરંતુ જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરીને સમાજમાં થતું ઘર્ષણ કે વિસંવાદ ટાળવા તેઓ અનાસક્તિ તથા પૂર્ણ નિષ્ઠાથી ઝઝૂમતા હતા. જગતને જીવતી જાગતી આ મહામાનવમૂર્તિમાં સમાજ જીવન કે જાહેર જીવનની અનેક સમસ્યાઓનો ઉકેલ દેખાતો હતો.  

કિસાન પુત્રનો ખેતર ખેડવાનો પુરુષાર્થ હશે અને સાચા બિયારણની વાવણી કરી હશે તો ધન ધાન્યની મણા રહેશે નહિ. આપણી નિષ્ઠા અને મહેનતનો પ્રતિસાદ આપવામાં પરમ તત્વની કદી ચૂક થતી નથી. આપણું કામ તો ખરા દિલથી અને પરિશ્રમથી બીજ રોપવાનું છે. એકવાર બીજ રોપાયા પછી તો કુદરતના સઘળા તત્વો પોતપોતાની ફરજ નિભાવશે તેવો સાંઇ મકરંદનો સધિયારો છે. 

વેર્યા છે બીજ અમે છૂટ્ટે હાથે

હવે વાદળ જાણેને વસુંધરા !

કવિ બીજી એક મહત્વની વાત ઉપરના કાવ્યમાં કરે છે. તે વાત ધ્યાન દઇને સાંભળવા જેવી છે. સાચુકલાં બીજ રોપવાની વાત ક્રાંતદ્રષ્ટા કવિ કરે છે. ‘‘ જેવું વાવો તેવું લણો ’’ વાળું આપણું અનુભવનું ડહાપણ ભૂલવા જેવું નથી. બીજ સાચું હોય તોજ તેનું ફળ કલ્યાણકારી બને. નહિતર કદાચ ધાન અપરંપાર ઉતરે તેવું બને પરંતુ સંતોષની સાચુકલી સમૃધ્ધિ તો દૂરજ રહે. વ્યક્તિગત તો ઠીક પરંતુ સામુહિક કાર્યમાં પણ સાચા બીજ રોપવાની ગાંધીજી માત્ર વાત કરીને અટક્યા નથી. તે બાબતને પ્રયોગથી પ્રમાણભૂત પણ કરી છે. 

મુકુન્દરાય પારાશર્યનો ઉલ્લેખ કરીએ ત્યારે તેમણે લખેલી સત્યકથાઓનો ઉલ્લેખ થવો સ્વાભાવિક છે. ‘સત્યકથા’ એવું અર્થસભર નામ બચુભાઇ રાવતે નક્કી કર્યું અને મુકુન્દરાય પાસે આગ્રહપૂર્વક આ વાતો લખાવીને બચુભાઇએ આપણાં પર ઋણ ચઢાવ્યું છે. સત્યકથાઓ છપાવવા માટે પૂજ્ય મોટાનો આગ્રહ અને મજબૂત ટેકો એક સંતની આધ્યાત્મિક તથા વૈચારિક ભૂમિકાની ઊંચાઇનું દર્શન કરાવે છે. મુકુન્દભાઇના કથન પ્રમાણે આ વાતો તેમણે પોતાના મોટીબા પાસેથી સાંભળીને ટપકાવેલી છે. કુટુંબના વડીલો તથા કિશોરો અને તરૂણો વચ્ચેનો જાગૃત સંવાદ એ આપણી એક અર્થસભર તથા વણલીખી પરંપરા હતી. અનેક વ્યક્તિઓને આવા અમીઘૂંટનું પાન કરવાનું સદ્દભાગ્ય સાંપડ્યું છે. કંઠોપકંઠ કહેવાતી આ વાતોએ સમાજની સભ્યતા તથા સ્વસ્થતાને સાચવી રાખવામાં કે તેને સંકોરવામાં મૂંગી છતાં અસરકારક મદદ કરી છે. આજે આવી પ્રથા અનેક કારણોસર નામશેષ થવાના આરે છે પરંતુ તેથી સાંપ્રત કાળમાં તે પ્રસ્તુત નથી તેમ કહી શકાશે નહિ. આ કથાઓ માટે તેમનો કર્તુત્વનો દાવો સહેજ પણ નથી પરંતુ તેમનો વસ્તુતત્વ તરફનો લગાવ ભાવકોને પણ સહજતાથી ખેંચી જાય તેવો સર્વગ્રાહી છે. સત્યકથાઓનું સત્વ તેમને વિશ્વ સાહીત્યમાં મૂકી શકાય તેવું મજબૂત છે.

સત્યકથાઓના પાત્રો આજના સમયના ઝાકમઝોળ કે બાહ્ય દેખાવના ઠઠારા સિવાય પોતાની જીવનયાત્રા શાંત તથા સ્વસ્થ ચિત્તે કરી શકે છે તે વાત મહત્વની છે. ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ તેમજ આર્થિક ઉપાર્જનના પ્રયાસો અનિવાર્ય છે. પરંતુ તેની સાથે સાથે જીવન જીવવા માટેની એક સ્વસ્થ તથા સમ્યક દ્રષ્ટિ ન કેળવાય તો સમાજને કેટલીક નવી તેમજ કોઇ કોઇ કિસ્સામાં ભયાવહ સ્થિતિનો સામનો કરવો પડે છે. 

નૂતન વર્ષના રામ-રામ કવિ મુકુન્દરાયની કાવ્ય પંક્તિઓ સાથે કરતા સત્યકથાઓના નાના-મોટા સ્વયંપ્રકાશિત પાત્રોનું તેજ આપણાં વ્યક્તિગત તેમજ સામુહિક જીવનમાં પ્રગટે તથા આપણું જીવતર ઉજાળે તેવી પ્રાર્થના નૂતન વર્ષના મંગલ મૂહુર્તે કરવી અસ્થાને નથી.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૯/૦૯/૨૦૧૯.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑