: વાટે….ઘાટે…. : : હેમુ ગઢવી : કૃષ્ણની બંસરીનો મધુર સૂર :

અનેક મહાનુભાવોની જન્મજયંતિ સમાજ ઉજવતો હોય છે. આવી ઉજવણીના માધ્યમથી સમાજ જે તે વ્યક્તિ તરફનો પોતાનો આદરભાવ વ્યક્ત કરે છે. પરંતુ જન્મજાત લોક કલાકાર હેમુ ગઢવીની ૫૦મી પુણ્યતિથિ પણ સમાજ અને સરકારે સાથે મળીને ૨૦૧૫-ઓગસ્ટમાં દબદબાભેર ઉજવી તે ભાગ્યેજ બને એવી ઘટના છે. જે વ્યક્તિનું કુલ આઅયુષ્યજ ૩૬ વર્ષનું હોય તેની ૫૦મી પુણ્યતિથિનો ઉત્સવ પૂ. મોરારીબાપુના સાનિધ્યમાં ઉજવાય તે એક ગૌરવપ્રદ ઘટના છે. હેમુભાઇના યોગદાનના ગૌરવ સાથે સમગ્ર લોકસાહિત્યની ચિરંજીવીતાનું આ ભાતીગળ દર્શન છે. સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે જન્મ લઇને આકાશવાણીના બળુકા માધ્યમથી સમગ્ર આલમમાં વિસ્તરી જતો હેમુભાઇનો સ્વર ‘ન ભૂતો ન ભવિષ્યતી’ જેવી વિરલ ઘટના છે. રાજકોટ લોકમેળાની ભાતીગળ ઉજવણીની વચ્ચે જન્માષ્ટમીના દિવસે (ઓગસ્ટ-૧૯૬૫) કૃષ્ણની બંસરીનો આ છૂટો પડેલો સૂર ફરી તેમાં વિલિન થઇ ગયો. અનેક ચાહકોના દિલ ઉપર વજ્રાઘાત થયો. કવિ ઉમાશંકરે લખ્યું છે તેમ કાળદેવતાએ જાણે અંગૂઠે વાઢ મૂક્યો હતો !

કાળને તે કહીએ શું ?

જરીકે નવ ચૂકીયો,

પાંચ આગળીઓમાંથી

અંગુઠે વાઢ મૂકીઓ.

જીવનમાં પાંચ દાયકા પણ પૂરા ન કરી શક્યા તેવા ઝવેરચંદ મેઘાણી નામના મહાન શાયર – સંશોધકે અનેક વિષયોનું ખેડાણ કરીને તેનું નવનીત સમાજને વહેંચ્યું છે. હેમુભાઇના વશીકરણ કરે તેવા મધુર કંઠથી આ સાહિત્ય જન જન સુધી પહોંચી શક્યું છે. મેઘાણીભાઇના વ્યક્તિત્વમાં એક વશીકરણ હતું. બાંધી દડીનું શરીર, સ્વપ્નદર્શી આંખો તથા કાઠિયાવાડી ઢબનો સાફો (પાઘડી) તેમના વ્યક્તિત્વને ઓર નીખાર આપતા હતા. આ નખશિખ લોકસાહિત્યકાર શાંતિનિકેતનમાં ગયા તો ત્યાં પણ તેમને સાંભળવા સંસ્થા નિવાસીઓ ટોળે વળતા હતા. પહાડના આ બાળકનું વ્યક્તિત્વ તથા કૃતિત્વ પહાડી હતા. સૌરાષ્ટ્ર – ફૂલછાબ તથા જન્મભૂમિમાં તેમની કલમ મહોરી ઉઠી હતી. પોતે પોતાના ઇમાન પર મુસ્તાક રહ્યા અને શબદના સોદાગરોને તે રાહે ચાલવા ઇશારો કર્યો.

હૈયા કેરી ધારણે તારે

ઉર ઊઠે જે સૂર જી

એજ સૂરોને ઇમાની ભાઇ !

ગાયા કર ચકચૂક

જીજીશબદના વેપાર.

આપણાં સાહિત્યને લોક સુધી પહોંચાડવાના કામમાં આકાશવાણી (AIR) એ ખૂબ મહત્વનું અને સુદીર્ઘ યોગદાન આપેલું છે. Public Broudcuster ની જવાબદારી સ્વીકારી અને તેનું હેતુપૂર્ણ રીતે વહન કરવું તે પડકારયુક્ત કાર્ય છે. સાહિત્યના – સંગીતના પ્રસારણ માટે આકાશવાણીમાં થયેલા અનેક પ્રયાસો એ એક અલગ તથા ઉજળા ઇતિહાસનો વિષય છે. કોઇપણ સાહિત્યીક કૃતિનું રેડિયો નાટકના સ્વરૂપે પ્રસારણ સાંભળીએ ત્યારે તેમાં મહત્વનું યોગદાન આપનાર ચં. ચી. મહેતા સૌની નજર સામે તરે છે. રેડિયોમાં રજૂ થતી સંગીતમય નાટીકાઓ સાંભળીએ ત્યારે હેમુભાઇની સ્મૃતિ થાય છે. આપણાં વિશાળ દેશમાં દરેક પ્રદેશની વિશેષ સંસ્કૃતિને અનુરૂપ ભિન્ન ભિન્ન પ્રકારનું સાહિત્ય હોય છે. તુકારામની છાપ જે મરાઠી ભાષાના પદને લાગી હોય કે નરસિંહની ભાત જે ગુર્જરી ગીતોમાં ઊભરી હોય તે આપણી મોંઘેરી વિરાસત છે. આજ રીતે લોક થકી સ્વીકૃત થયેલા લોકગીતો આપણી શોભા છે. રેડિયો તથા લોક કલાકારોના માધ્યમથી તે લોક સુધી પહોંચી શકી છે. નાનજી મિસ્ત્રી જેવા કસબીઓની કમાલ જાહેર કાર્યક્રમો ઉપરાંત આકાશવાણીના માધ્યમથી જનસમૂહ સુધી અસરકારક રીતે પહોંચી છે. આજ રીતે ઢેબરભાઇ તથા રતુભાઇ જેવા સાહિત્યપ્રેમીઓની દીર્ઘદ્રષ્ટિને કારણે રાજકોટને રેડિયો સ્ટેશન મળ્યું. રાજકોટ રેડિયો સ્ટેશન તરફથી સાહિત્યના અનેક સ્વરૂપોની સાથે લોકસાહિત્યનું જે પ્રસારણ થયું છે તેણે મેઘાણીભાઇના બળકટ લોકસાહિત્યને પાંખો પૂરી પાડી છે. રજૂઆતની શૈલિનું પણ એક આગવું મહત્વ હોય છે તે વાત સર્વ સ્વીકૃત છે. મેઘાણીભાઇ રચીત તથા સંશોધિત સાહિત્યની સરવાણીને હેમુ ગઢવી – ઇસ્માઇલ વાલેરા તથા વેલજી ગજ્જર જેવા સમર્થ વાહકોનો કંઠ મળ્યો તે સોનામાં સુગંધ મળ્યા જેવું કાર્ય થયું. મેઘાણીભાઇના ગીતો જાણે હેમુભાઇના કંઠમાં સોળે કળાએ મહોરી ઊઠ્યાં હતા. 

આભમાં ઊગેલ ચાંદલો ને

જીજાબાઇને આવ્યા બાળ

બાળુડાને માત હિંચોળે

ઘણઘણ ડુંગરા ડોલે.

શિવાજીને નિંદરું નાવે

માતા જીજાબાઇ ઝૂલાવે.

મેઘાણીભાઇએ જીવનના સંધ્યાકાળે સંતોની અમૃત વાણીનું જે સંશોધન કર્યું હતું તે સદાકાળ યાદગાર ભજનોએ લોક સમૂહને ઘેલો કર્યો. નારાયણ સ્વામી, યશવંત ત્રિવેદી કે પ્રાણલાલ વ્યાસ જેવા મેઘ કંઠીલા કલાધરોએ પણ આ રચનાઓની પ્રસ્તુતિ કરી તેમને ચાર ચાંદ લગાડી દીધાં. હેમુભાઇ સહીતના આ તમામ કલાધરોની શિવ ઉપાસનાના આ પવિત્ર મહીનામાં સ્મૃતિ વંદના કરીએ તો આત્મસંતોષ થાય તેવું છે. 

હેમુ ગઢવી માત્ર છત્રીસ વર્ષની વયે અકાળેજ ડાયરામાંથી ઊભા થઇને વસમું પ્રયાણ કરી ગયા. હેમુભાઇના કંઠની લોકપ્રિયતાની પ્રતિતિ એ વાત પરથી થાય છે કે માત્ર છત્રીસ વર્ષની વયમાં જગતમાંથી એક્ઝિટ કરી જનાર આ મહાન કલાધરને આજે પણ લોકો સ્નેહપૂર્વક સંભારે છે. હેમુભાઇ રહ્યા નહિ તેની ખોટ સમાજને સાલતી રહી છે. મેઘાણીભાઇ લોક સાહિત્યને ગદ્ય – પદ્ય સ્વરૂપે પ્રગટ કરવામાં નૂતન શૈલિનું નિર્માણ કરી ગયા. હેમુ ગઢવીએ પણ પ્રસ્તુતિની એક નવતર શૈલિ વિકસાવી જેને લોકએ આકંઠ માણી અને દિલોજાનથી વધાવી. આજે પણ તેની એટલીજ લોક સ્વીકૃતિ છે. 

મેઘાણીભાઇ અને હેમુ ગઢવીનું સ્મરણ ઓગસ્ટ માસમાં વિશેષ થાય તે સ્વાભાવિક છે. મેઘાણીભાઇની જન્મજયંતિ તથા હેમુભાઇની પુણ્યતિથિ આ મહીનામાં આવે તે વાત સાહિત્યરસીકોના ધ્યાન બહાર જતી નથી. બન્ને કલાધરોની સ્મૃતિમાં આજે પણ નિયમિત રીતે કાર્યક્રમો થાય છે. જગતના લોકો કોઇને માનમોભો – નાણાં કે સત્તા આપે છે. ઘણાં લોકો આવા માનમોભાથી લાભાન્વીત થાય છે. પરંતુ જગતના લોકો સ્નેહ તો કોઇ કોઇ વીરલાઓનેજ આપે છે. એક વિશાળ લોક સમૂહનો સ્નેહ હેમુ ગઢવીને મળી શક્યો છે. હેમુ ગઢવીની સ્મૃતિ કદી પણ લોક હ્રદયમાંથી વિસ્મૃત થાય તેવી નથી.      

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

તા.૦૮/૦૮/૨૦૧૮.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑