: વાટે….ઘાટે…. :  લખજો ! ખાક પડી આંહી કોઇના લાડકવાયાની :

વીરા ! તે તો રંગ રાખ્યોઃ

પ્રસંગ વખતે તેં મુકિતનો સ્વાદ ચાખ્યો.

બી ના ! બી ના ! પુકારી

નિજ બંધુજનને ભવ્ય પેગામ ભાખ્યો.

દિવસ પહેલી જૂલાઇ (૧૯૪૬)નો હતો. સાબરમતી હંમેશના નિર્લેપ ભાવથી બંન્ને કાંઠાની મર્યાદામાં વહી જતી હતી. પોતાના શીતળ જળની ભીનાશ નદીની રેતમાં વસેલા નગરના લોકોને કેમ ભીંજવી શકતી નહિ હોય તેનું આશ્ચર્ય અને ઉદૃવેગ કદાચ આ ગિરીરાજની પુત્રી અનુભવતી હશે. આ દિવસે કોમ કોમ વચ્ચેના તણાવની આગમાં શહરેની શાંતિ નંદવાઇ હતી. દૂર બેઠેલા આ નગરના અને હવે તો વિશ્વના બની ચૂકેલા સંત ગાંધીનું ચિંતામય ધ્યાન પણ પોતાના સ્થાપેલા આશ્રમોને સાચવીને બેઠેલા નગરની ગતિવિધિ તરફ હતું. ભગવાન જગન્નાથ તેમના વાર્ષિક ક્રમ મુજબ રથમાં બેસીને નગરના સર્વ જન તરફ અમીભાવ વરસાવતા પસાર થઇ રહેલા હતા. આમ છતાં કેટલાક લોકોની આંખમાં અને હૈયામાં રહેલું ખૂન્નસ નાના મોટા છમકલા સ્વરૂપે પ્રગટ થતું હતું. વસંતરાવ અને રજબઅલી નામના બે ખુદાના બંદાઓ વેરઝેરની આગને અટકાવવાના અનેક પ્રયાસો કરીને તે દિવસની સાંજે કોંગ્રેસ હાઉસ આવીને બેઠા હતા. બંન્ને તનથી ઓછા પણ મનથી વિશેષ થાકેલા હતા. ભાઇની સામે બીજા ભાઇનું ખુન્નસનું કારણ આ બંન્ને બંદાઓ કોઇ રીતે સમજી શકતા ન હતા. છતાં ભૂમિગત વાસ્તવિકતાથી સહેજ પણ અજાણ ન હતા. આ સમય ઉપદેશ આપવાનો નહિ પરંતુ વેરઝેરના આ અગ્નિને નાથવા માટે કંઇક કરી છૂટવાનો હતો. આથી જ તેઓ વણથાક્યા-વણહાર્યા આ ધર્મયુધ્ધમાં લડતા હતા. તેઓ માનવતાવાદી હતા અને માનવતા એજ તેમનો ધર્મ હતો. માનવ માત્ર તેમની પ્રીતિને પાત્ર હતો. શહેરના કેટલાક લોકોના ગાંડપણને અટકાવવા તેઓ મક્કમ પ્રયાસો કરતા હતા. બંન્ને મિત્રો પોતાનો થાક ઉતારે તે પહેલાં કોંગ્રેસ હાઉસમાં સમાચાર મળ્યા કે શહેરના એક વિસ્તારમાં ફરી એક છમકલું થયું છે અને પરિસ્થિતિ વધારે વણસે તેવી હાલત છે. બંન્ને મિત્રો સ્થળ પર જઇને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટેના પ્રયાસ કરવા તરત જ તૈયાર થયા. કેટલાક વડીલ આગેવાનોએ સ્થળ પર આ સમયે જવાના ભયસ્થાનો સમજાવી આ યુવાનોને રોકવા પ્રયાસ કર્યો. કોઇએ પ્રથમ પોલીસ બોલાવવાની સલાહ પણ આપી. પણ સાદ સાંભળીને રોકાવાનું આ વીરોના લોહીમાં ન હતું. તેઓ ચાલતાં ચાલતાં સ્થળ પર જવા નીકળી પડયા. બીજા બે કાર્યકરો પણ તેમની પાછળ ગયા. સમયનો સાદ અને તેનો ગર્ભિતાર્થ તેમણે પારખ્યો હશે ? 

ઝિંદા રહને કે મૌસમ

બહુત હૈ મગર,

જાન દેનેકી રુત રોઝ

આતી નહિ.

બંન્ને મિત્રો માત્ર મનથી નહિ પરંતુ તનથી પણ સશકત હતા. વસંતરાવ તો શહેરના નામાંકિત અખાડિયન હતા. બીજા મિત્ર રજબઅલી પણ છ ફૂટની ઊંચાઇ અને ખડતલ બાંધો ધરાવતા હતા. કાળ પણ થોડી ક્ષણો માટે મોતને વહાલું કરવા જનાર આ બંન્ને વીરોની મદમસ્ત ચાલ જોવા થંભી ગયો હશે. ટોળાના ગાંડપણ સામે બે ચાર વ્યકિતઓ અંતે કેટલું કરી શકે ? પ્રતિકાર તો તેમને કરવો ન હતો જે કાર્ય કરવા ધારતા હતા તે સમજાવટ માટે પ્રયાસ કરી જોવાનો હતો. ઝનૂનને સમજાવટ અને શાંતિના આયુધોથી રોકી ન શકાયું. તેથી ઉલટું થયું. શાંતિદૂતો સમાન આ ફરિશ્તાઓ પર જ નિર્દયી હુમલો થયો. છેલ્લા શ્વાસ સુધી સક્રિય રહીને તેઓ અંતે ધરતી પર ઢળી પડ્યા. પોલીસના આગમન બાદ વાડીલાલ સારાભાઇ હોસ્પિટલમાં બંન્નને સારવાર માટે ખસેડવામાં આવ્યા. સારવાર શરૂ થાય તે પહેલાં જ બંન્ને મિત્રો વીરગતિને પામ્યા. નગરમાં વાયુવેગે આ સમાચાર પ્રસરી ગયા. અનેક લોકોની આંખો ભીની થઇ. વીર તથા માનવતાવાદી મિત્રો સાથે જ જીવ્યા અને સાથે સાથેજ મૃત્યુને પણ ભેટયા. કોમી હૂતાસણે બે બત્રિસ લક્ષણાનો ભોગ લીધો. નગર એક કદી વિસરી ન શકાય તેવી કલંકમય ઘટનાનું  સાક્ષી બની રહયું. 

વસંત-રજબની શહાદત પછી સર્વ શ્રી ઇન્દ્રવદન ઠાકોર, જયંતી દલાલ તથા ઇશ્વરભાઇ દવેના પ્રયાસોથી બંન્ને શહીદોની સ્મૃતિમાં એક સ્મારક ગ્રંથ લખવાનો આવકારપાત્ર તથા દીર્ધદૃષ્ટિયુકત નિર્ણય થયો. આવા ઐતિહાસિક ગ્રંથના સંપાદનનું કાર્ય શ્રી ઝવેરચંદ મેઘાણીને સોંપવામાં આવ્યું તે સોનામાં સુગંધ ભળ્યા જેવું કામ થયું. મેઘાણીભાઇની કલમની શકિત અને સંપાદનની શકિતનો પરિચય ગુજરાતને કદી આપવો પડે તેમ નથી. મેઘાણીભાઇ આ શહીદોની વીરતાપૂર્ણ શહાદતથી વ્યથિત થયા હતા. આથી સંપાદનના આ કાર્યમાં પણ મેઘાણી એક ઊંડી લાગણી તથા સમર્પણ ભાવથી જોડાયા. મેઘાણીભાઇએ તેમની નાદુરસ્ત તબિયતની પરવા કર્યા સિવાય આ ગ્રંથનું સુંદર સંપાદન કર્યું. બંન્ને શહીદોના જીવનની અનેક વિગતો આ સ્મારક ગ્રંથને કારણે ભાવિ પેઢીઓ સુધી પહોંચી શકશે. ગ્રંથનું સંપાદન-પ્રકાશનનું કાર્ય જાન્યુઆરી-૧૯૪૭માં પૂરું થયું. જાણે કે આ કાર્ય માટેજ જીવતા રહયા હોય તેમ કાર્ય પૂરું થયા બાદ માર્ચ-૧૯૪૭માં લોકકવિ મેઘાણી વસંતરાવ-રજબઅલીને જાણે કે રૂબરૂ થવા અનંતની યાત્રાએ ઉપડી ગયા. તાજેતરમાં અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ મૂલ્યવાન પુસ્તકનું પુનઃપ્રકાશન કરવામાં આવ્યું.  ઉપરાંત ગાયકવાડ હવેલીના પોલીસ પરિસરમાં શહીદોની સ્મૃતિને ઉજાગર કરતાં એક સંગ્રહાલયનું પણ નિર્માણ કરવામાં આવ્યું. આ કાર્યમાં જાણીતા યુવાન અને અભ્યાસુ પ્રાધ્યાપક ર્ડા.રિઝવાન કાદરીએ ઘણી જહેમત ઉઠાવી છે. મેઘાણીભાઇ સંપાદિત ગ્રંથમાં અનેક સત્ય ઘટનાઓ ધરબાઇને પડેલી છે. 

વસંતરાવ હેગિષ્ટેનો જન્મ ૧૯૦૬ માં અમદાવાદમાં થયો હતો. રજબઅલીનો જન્મ ૧૯૧૯ માં કરાંચીમાં થયો હતો. શિક્ષણ રજબઅલીએ લીંબડી-ભાવનગરમાં લીધું હતું. બન્ને જીગરજાન મિત્રો હતા. માનવતા એજ તેમનો ધર્મ હતો. દરેક માનવીને તેઓ ચાહતા હતા. ઇન્સાનીયતને ઉજળી કરીને તેઓ અનંતની યાત્રાએ ગયા. નીરજના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે. 

અબતો મઝહબ કોઇ

ઐસા ભી ચલાયા જાયે,

જીસમેં ઇન્સાન કો

ઇન્સાન બનાયા જાયે.

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑