જોહાનિસબર્ગથી ડરબન જતા બેરીસ્ટર ગાંધીની આમ તો આ એક રૂટીન મુસાફરી જ હતી. તે મુસાફરી શરૂ થઇ ત્યારે તેની સાથે કોઇ વિશેષ ઘટના કે વિચાર સંકળાયેલા ન હતા. પરંતુ ભાવીના ગર્ભમાં આ મુસાફરી એક અજોડ તથા અદ્વિતીય ઘટના બની રહે તેવા છૂપા સંકેત હતા. કાળની ગતિ આમ પણ ન્યારી છે તે વાતની અહીં પ્રતિતિ થાય છે. મુસાફરી જોહાનિસબર્ગથી શરૂ થતી હતી. રેલ્વે સ્ટેશને એક સામાન્ય પ્રથા છે તે મુજબ ગાંધીજીના મિત્ર પોલાક સફર પર જતાં ગાંધીને વળાવવા માટે આવેલા હતા. સ્ટેશને પોલાકે એક નાની પુસ્તિકા ગાંધીજીના હાથમાં મૂકી. મુસાફરી દરમિયાન આ પુસ્તિકા વાંચી જવા પોલાકે ગાંધીજીને સલાહ પણ આપી. અહીં સુધીની બધી વાત તો નોર્મલ કે ચીલાચાલુ જણાય છે. પરંતુ તોફાન હવે આવવાનું હતું. મિત્ર પોલાકે આપેલા આ પુસ્તકને વાંચ્યા પછી ગાંધી એક નવા વિચારોની આંધીમાં ઘેરાઇ ગયા. પુસ્તકના પ્રતાપે રાતની ઊંધ પણ બગડી. વૃધ્ધ અને અશકત વ્યકિત તથા મૃત વ્યકિતને જોઇને બુધ્ધે જેમ મહાભિનિષ્ક્રમણ કર્યું તેમ સુખી-સંપન્ન તથા સફળ બેરિસ્ટર ગણાતાં ગાંધી પણ એક નૂતન તથા મંગળમય યાત્રા માટે તૈયાર થઇ ગયા. માર્ગ અજાણ્યો હતો. સાધનો અને શકિત હજુ એકઠા કરવાના હતા. પરંતુ લક્ષ સ્પષ્ટ હતું. નિરધાર અડગ હતો. સત્ય-અહિંસા અને સ્વાર્પણના દુનિયાએ જોયા કે અનુભવેલા નહિ તેવા આયુધો સાથે ગાંધીએ વિશ્વકલ્યાણ માટે જીવનના એક નૂતન માર્ગે ડગલા માંડ્યા. રસ્કિનની પોલાકે આપેલી પુસ્તિકામાં પ્રબોધેલા વિચારો અનુસારનું જીવન વ્યતિત કરવાનો ગાંધીનો નિર્ણય મહાભારતની કથાના ભિષ્મ પ્રતિજ્ઞા જેવો છે. ગાંધીજીએ આત્મબળના ભાથે અને આત્મદીપના અજવાળે આ નૂતન માર્ગ પર ડગલા માંડ્યા અને તેના આ નૂતન પ્રયાણથી દુનિયાની અનેક બાબતો બદલી. આ બદલાવની શરૂઆતનું પ્રથમ વિરાટ પગલું એટલે ફિનિકસના નામ સાથેની નવી વસાહત. પોતાની રાખમાંથી પણ પેદા થવાની શકિત ધરાવતા પક્ષી ફિનિકસના નામ સાથે આ નવી વસાહતને જોડીને ગાંધીએ સમગ્ર વિશ્વને મજબૂત સંદેશ આપ્યો. કદાચ બળીને રાખ થઇ જઇએ તો પણ અમારું અસ્તિત્વ ભૂંસાઇ જવાનું નથી તેવી ગગનભેરીનો નાદ દક્ષિણ આફ્રિકાની ભૂમિ ઉપર ગાંધીએ ગજાવ્યો. જગતના કાન અને આંખ આ નૂતન પ્રયાણને નીરખવા અને આંકવા સચેત થયા. સાદું મજૂરીનું ખેડૂતનું જીવન વ્યતિત કરવા માથે કફન બાંધીને નીકળેલા પોરબંદર રાજયના આ દિવાનના દિકરાના વધામણાં કાળ દેવતાએ પણ કદાચ કર્યા હશે. મોહનમાંથી મહાત્મા બનવાની પ્રક્રિયાનો શુભારંભ ફિનિકસથી થયો. ગાંધી વિચારના આજીવન ઉપાસક રામનારાયણ નાગરદાસ પાઠકે મોહનમાંથી મહાત્મા તરીકે પ્રસ્થાપિત થતા મોહનદાસ ગાંધીની કથા કાળજીપૂર્વક લખીને આપણા પર ઋણ ચડાવેલું છે. સુવિખ્યાત વાર્તાકથક તથા સર્જક રામનારાયણભાઇના સાદા, ઘરાળુ અને છતાં વિચારવાહી ગદ્યથી ગાંધી જીવનની વિવિધ છટાઓ પ્રગટ થવા પામી છે તેવું આચાર્ય યશવંત શુકલનું વિધાન સકારણ છે. આપણી ભાષાના સમર્થ સર્જક રામનારાયણ (રામભાઇ) પાઠકે પોતાની સાદી, સરળ પરંતુ સચોટ શૈલીમાં લગભગ એંસી જેટલા પુસ્તકો આપેલા છે તે બાબત તેમને સમર્થ ગદ્યકાર તરીકે પ્રસ્થાપિત કરે છે. ઇ.સ.૧૯૮૮ના જૂલાઇ માસની ચોથી તારીખે તેઓ અનંતની યાત્રાએ ઉપડી ગયા. તેથી જૂલાઇ માસમાં તેમનું વિશેષ સ્મરણ થવું સ્વાભાવિક છે. તેમની વિદાયને ત્રણ દાયકા થવા આવ્યા છે. પરંતુ તેમના અનેક સર્જનોને કારણે તેઓ અક્ષરદેહે હંમેશા આપણી વચ્ચે-આપણી સાથે જીવંત રહેશે. ર્ડા. ઉષાબેન પાઠકે તેમના વિદ્વાન પિતાશ્રીની સ્મૃતિમાં ‘‘સ્મરણોની પાંખે’’ નામથી સ્મૃતિગ્રંથ પ્રગટ કરીને પિતૃતર્પણનું એક ઉજળું અને યાદગાર કામ કરેલું છે. રામભાઇ તથા તેમના ધર્મપત્ની નર્મદાબેનના ચરિત્ર ભાવિ પેઢીઓને જીવતરનું ઘડતર કરવામાં માર્ગદર્શક બને તેવા છે. રામભાઇ જેવા ગાંધીના ગોવાળોએ બાપુની વિદાય પછી પણ બાપુને પ્રિય હતા એવા સમાજસેવાના કાર્યો કરીને ગાંધી-વિચારને સતત જીવંત તથા ધબકતા રાખ્યા છે. ગાંધી ગયા તે પછીના સમયમાં પરિવર્તનના વિવિધ સ્વરૂપો સમાજ જીવન સામે આવ્યા. તેમાંના કેટલાક આવકારદાયક તો કેટલાક લાંબા ગાળે સમાજ માટે હિતકારી ન હોય તેવા હતા. આવા વિધ વિધ પ્રવાહો વચ્ચે પણ રામભાઇ-નર્મદાબેન જેવા સાધકોએ સાચી દિશા પારખીને ગાંધી વિચારનો દિવો ઝળહળતો રાખ્યો. સમસ્યાઓને સમજીને વ્યાપક સમાજહિતમાં તેના ઉકેલ માટે યથાશકિત અને અવિરત પ્રયાસ કર્યા. બાપુને પ્રિય એવી સતત કર્મ કરતા રહેવાની વૃત્તિ તેમણે જીવતરથી સહેજ પણ અળગી ન કરી. કવિ વેણીભાઇ પુરોહિતના શબ્દો આ સંદર્ભમાં યાદ આવે છે.
થાકે ન થાકે છતાંયે
હો માનવી, ન લેજે વિસામો
ને ઝૂઝજે એકલ બાંયે
હો માનવી, ન લેજે વિસામો
ઝાંખા જગતમાં એકલો પ્રકાશજે
આવે અંધાર તેને એકલો વિદારજે
છોને આ આયખું હણાયે
હો માનવી, ન લેજે વિસામો
રામભાઇ તથા નર્મદાબેન વિશે લખતા પ્રા. પુરોષત્તમ ગણેશ માવળંકરે તેમને ‘‘ભાવ-ભૂખ્યાં’’ અને ‘‘ભાવ-સમૃધ્ધ’’ દંપતી તરીકે ઓળખાવીને પોતાનો આદર વ્યકત કર્યો છે. ગાંધી ગુણે આ દંપતીનું જીવન હંમેશા ભવ્ય તથા શોભાયમાન રહયું. રામભાઇએ જે પુસ્તકો લખ્યા તેમાં રહેલા ઊંડાણ તથા સત્વની અનેક સાહિત્યકારોએ મુકત મને પ્રશંસા કરેલી છે. રામભાઇની લખવાની શકિત બાબતમાં રતુભાઇ અદાણીએ સારો પ્રસંગ ટાંકયો છે. એક વખત રામભાઇ સખત બીમાર હતા. સ્થિતિ ચિંતા કરાવે તેવી હતી. તેઓ પુનઃ સ્વસ્થતા પ્રાપ્ત કરવામાં સમય લેશે તેવું પણ લાગતું હતું. આ સંજોગોમાં તેમને ઝડપથી બેઠા કરવા માટે નર્મદાબહેનને એક ઉપાય કરવો ઉચિત લાગ્યો. તેમણે કહયું કે પાઠક સાહેબ મનપસંદ લખાણ કરવામાં ઓતપ્રોત થઇ જાય તો શારીરિક વ્યાધિઓ ગૌણ બની જતી હોય છે. આ માંદગી આવી તે સમયે તેઓ ગાંધીજી પર પુસ્તક લખી રહયા હતા. રતુભાઇ અને નર્મદાબહેને તેમને આરામથી બેસીને લખી શકે તેવી વ્યવસ્થા કરી આપી. નર્મદાબહેનના નિદાન પ્રમાણે જ ચમત્કારિક પરિણામ આવ્યું. બાપુના વિચારોને અક્ષરદેહ આપવાના લખાણ કાર્યે જાણે ઔષધનું જાદુઇ કાર્ય કર્યું. ર્ડાકટર દર્દીને તપાસવા આવ્યા ત્યારે પથારીવશ હોવાને બદલે બેસીને સ્વસ્થતાથી લખાણ કરતા દર્દી મહાશયને જોઇને આશ્ચર્યચકિત થયા ! નર્મદાબહેનના રામબાણ ઉપાયથી ધાર્યું પરિણામ આવ્યું. રામચરિત માનસ થકી રામનામનું મોતી પ્રાપ્ત કરનાર રામભાઇના વ્યકિતત્વમાં તુલસીએ વર્ણવેલા ગુણો હતા. આથી તેમનું જીવન કર્મઠ તથા તેજોમય હતું.
કામ, ક્રોધ મદ માન
ન મોહા, લોભ ન છોભ
ન રાગ ન દ્રોહા, જિન્હકે
કપટ, દંભ નહિ ભાયા, તિન્હકે
હરદય બસહુ રઘુરાયા.
રામભાઇ-નર્મદાબહેનના પ્રસન્ન દાંપત્યમાં નર્મદાબહેનની ચિર વિદાયથી રામભાઇના શેષ જીવનમાં એક શૂન્યાવકાશ ઊભો થયો. તેઓ એકલા પડી ગયા પરંતુ જીવનતત્વની ઊંડી સમજણથી તથા અનોખા આત્મબળથી શેષ જીવન જીવ્યા. તેમની પ્રવૃત્તિઓને તેમણે કદી ગ્રહણ લાગવા દીધું નથી એ મોટી વાત કહેવાય. આ દંપતીએ ગાંધીજીના રચનાત્મક કાર્યો કરતા રહેવાનો જે નિરધાર કર્યો હતો તે એકનિષ્ઠાથી નિભાવ્યો. રામભાઇ તેમના કાળમાં સર્વશ્રેષ્ઠ વાર્તાકથક ગણાતા હતા. તેમની પાસેથી વાર્તાઓ સાંભળવા અનેક લોકો તલપાપડ રહેતા હતા. ગાંધીવિચારને અનુરુપ જીવન વ્યતિત કરનાર રામભાઇ ગાંધીયુગના રત્ન સમાન હતા તેવું નિર્મળાબહેન રામદાસ ગાંધીએ લખ્યું છે તે રામભાઇના જીવનની ઊંચાઇ તથા તેમના વિચારોના ઊંડાણનો ખ્યાલ કરાવે છે. વઢવાણની રાષ્ટ્રીય શાળામાં ફૂલચંદભાઇ શાહ સાથે તેમણે ખભે ખભા મિલાવીને કામ કર્યું. સૌરાષ્ટ્ર સરકારમાં ઢેબરભાઇના આગ્રહથી તેમણે જૂનાગઢ જિલ્લામાં લોકોને સ્પર્શતી મહત્વની જાહેર કામગીરી કરી. આજીવન પ્રવાસી રામભાઇએ વ્યાપક પ્રવાસો કરીને દરેક દિશાએથી નૂતન વિચારો ઝીલ્યા છે.
ગાંધીયુગની આકાશગંગાના રામનારાયણ નાગરદાસ પાઠક જેવા તેજસ્વી તારલાઓને જોઇને અહોભાવ થાય સિવાય રહે નહિ. આ તેજસ્વી વ્યક્તિઓના જીવન કર્મઠ રહયા. તેમણે શ્રમનું ગૌરવ કર્યું. ગમે તે ભોગે અને ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેમણે જીવનના મૂલ્યોને જાળવી રાખ્યા. અડગ થઇને-અડગ રહીને જીવ્યા અને સમાજને તેનો ખોબે અને ધોબે લાભ પણ થયો. શાયર ‘ગની’ દહીંવાલાએ લખ્યું છે તેમ આવા લોકોની હંમેશા ખોટ વર્તાયા કરશે.
જો અડગ રહેવાનો નિશ્ચય
ધરતીના જાયા કરે, એ
પડે તો એનું રક્ષણ
એના પડછાયા કરે,
એટલું ઉન્નત જીવનનું ધ્યેય
હો સંતાપમાં, વાદળી એકાકી
જાણે ચૈત્રમાં છાયા કરે.
જિંદગીનો એજ સાચેસાચ
પડધો છે ‘ગની’, હોય ના વ્યકિત
ને એનું નામ બોલાયા કરે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment