સંસ્કૃતિ : : સોરઠનો કળાયેલ મોર: શાયર રુસ્વા મઝલૂમીઃ

મોહતાજ ના કશાનો હતો,

કોણ માનશે? મારોય એક

જમાનો હતો કોણ માનશે?

‘રૂસ્વા’ કે જે શરાબી મનાતો

રહયો જગે, માણસ બહુ

મજાનો હતો, કોણ માનશે?

      ઇસુના ૨૦૧૫નું વર્ષ અલવિદા કહેવા તૈયાર છે. ઠંડીના માહોલમાં સૂર્ય ઉર્જાનો અનેરો આનંદ લોકો હોંશભેર માણતા થયા છે. સમયના આ ભાગમાં તડકાનું અદકેરું મૂલ્ય છે તે વાત કવિ મનોજ ખંડેરીયાએ સુંદર શબ્દોમાં મઢી આપી છે.

ફાટું ભરીને સોનું

સૂરજનું ભરો હવે

પાછા ફરી ન આવશે

તડકા વસંતના

      તડકાની આ સર્વસુલભ ઉષ્મા માત્ર વિટામીન બી-૧૨ જ નથી. પરંતુ આકાશી ભાણની નિરંતર નીતરતી હેત વર્ષા છે. મોહમ્મદ કરીમ ચાગલા (એમ.સી.ચાગલા)જેવા મોટા ગજાના વિદૃવાન રાજપુરુષને ડિસેમ્બર તથા જીવનની પાનખરે અનેક આછાઘેરા રંગોની સ્મૃતિ આ સમયે તાજી કરી આપી તે સ્વાભાવિક છે. ચાગલા સાહેબે પુસ્તક સ્વરૂપે શબ્દબધ્ધ કરેલી જીવનની અનેક નાની મોટી ઘટનાઓની વાતોને Roses in December જેવું સૂચક નામ આપેલું છે. પાનખરમાં પણ તાજા અને મહેકતા ગુલાબની સ્મૃતિ જરૂર અનુભવી શકાય છે. ડિસેમ્બર સાથે જોડાયેલી આવી એક મીઠી તથા મહેકતી સ્મૃતિ રાજવી શાયર રૂસ્વા મઝલૂમીની છે. જૂનાગઢ જિલ્લાના પાજોદના આ સદાકાળ દરબાર સાહેબનું નામ ઇમામુદૃીનખાન હતું. ગાંધીજી જે વર્ષમાં આફ્રિકાથી પરત આવીને મુંબઇ બંદરે ઉતર્યા તે ૧૯૧૫ના વર્ષમાં ડિસેમ્બર માસની ૧૧મી તારીખે પાજોદ દરબાર સાહેબ શ્રી ઇમામુદૃીનખાનનો જન્મ થયો હતો. પાજોદ દરબાર કવિઓના કવિ અને રાજવીઓના રાજવી હતા. સર્વ શ્રી રજનીકુમાર પંડયા તથા બિરેન કોઠારીની કાળજીપૂર્વકની મહેનતથી દરબાર સાહેબની અનેક વાતો આપણાં સુધી પહોંચી છે. આશાપુરા ઔધોગિક જૂથના લોકો પણ આવા કાર્યને પ્રોત્સાહન તથા બળ પુરું પાડવા માટે આપણાં અભિનંદનને પાત્ર છે. ઉર્દૂ તથા ગુજરાતીમાં યાદગાર ગઝલો ઉપરાંત નવલિકાઓ તેમજ સ્મૃતિચિત્રો તથા ઘટનાઓનું વિપુલ સર્જન કરીને આ રાજવી શાયર કલાપીની જેમ સદાકાળ જીવંત તથા પ્રાસંગિક રહયા છે. આવા ધન્યનામ શાયરોની સ્મૃતિના અડિખમ મહેલો કલાપી કહે છે તેમ આજે પણ ઉન્નત મસ્તકે ઊભા છે.

કુરંગો જયાં કૂદે ટોળાં

પરિન્દાના ઊડે ટોળાં

કબૂતર ઘૂઘવે છે જયાં

અમારા મહેલ ઊભા ત્યાં.

      દેશ આઝાદ થયો ત્યારે બ્રિટીશ હકૂમત હેઠળનો વિસ્તાર તો આપોઆપ ‘યુનિયન ઓફ ઇન્ડિયા’ માં જોડાયો. પરંતુ જે પ્રદેશો સ્થાનિક રાજવીઓની હકૂમત હેઠળ હતા. તેમને વિકલ્પ પસંદ કરવાની તક મળી. કોઇ પણ રાજવી સ્વતંત્ર પણ રહી શકે અને પસંદગી મુજબ હિન્દુસ્તાન કે પાકિસ્તાનમાં જોડાઇ શકે તેવી વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જૂનાગઢના બાબી વંશના નવાબોનું શાસન હતું. જૂનાગઢ જિલ્લાના માણાવદર-બાંટવા અને સરદારગઢ તાલુકાઓ પણ જૂનાગઢના બાબી વંશના નવાબના સગાંઓને મળ્યા હતા. જૂનાગઢના તત્કાલીન શાસક નવાબ મહાબતખાને દીવાન શાહનવાઝ ભુટ્ટોની સલાહ પ્રમાણે પાકિસ્તાન સાથે જોડાવાનું પસંદ કર્યું. શામળદાસ ગાંધી તથા આરઝી હકૂમતે પ્રજાના સંપૂર્ણ સહકારથી નવાબનું આ સ્વપ્ન સિધ્ધ થવા ન દીધું તે એક રોમાંચક ઇતિહાસ છે. પરંતુ જૂનાગઢના આ અંતિમ શાસકના જ પિતરાઇ ખાનસાહેબ શ્રી ઇમામુદૃીનખાનજી (પાજોદ)એ રાજકોટના પ્રાદેશિક કમિશ્નરશ્રીને લખી જણાવ્યું કે પાકિસ્તાન સાથે જોડાવાની વાત તેમને મંજૂર ન હતી. આ પ્રજાવત્સલ રાજવીએ જણાવ્યું કે પ્રજાની ઇચ્છા વિરૂધ્ધ પાકિસ્તાન સાથેના જોડાણખત પર સહી કરવાનો તેમને અધિકાર પણ ન હતો! પાજોદ દરબારની આ પહેલ ભારત સરકારને તે કાળની વ્યૂહરચનામાં સમયસરના તથા ઉપયોગી પુરવાર થયા હતા. શાયરી અને સંવેદનશીલતા જેમને વારસામાં મળ્યા હતા તેવા આ પાજોદના છેલ્લા રાજવી પ્રજા કલ્યાણના રંગે રંગાયેલા હતા. ૧૯૩૫માં પાજોદની ગાદી સંભાળીને તેમણે આ પ્રજાલક્ષી વલણની સૌને ખાતરી કરાવી આપી હતી. સાંપ્રત સમયમાં કદાચ સૌને નવાઇ લાગે તેવા અન્યાયી વેરા પણ કેટલાક રાજવીઓ વસૂલ કરતા હતા. પાજોદમાં પણ કોઇ નાગરિકને ત્યાં લગ્ન પ્રસંગ હેાય તો તે વ્યક્તિએ રાજ્યને કર ભરવાનો રહેતો હતો. આ વેરાની પ્રથા દરબાર સાહેબે ૧૯૩૫ પછી રદ કરાવી હતી. પ્રજાને ગાડા-બળદ સહિત રાજ્ય તરફથી વેઠ પર બોલાવવામાં આવે તેવી પ્રથા હતી. દરેક માટે આવવુ ફરજિયાત હોવાથી કોઇ આનાકાની માટે તો અવકાશ જ ન હતો. દરબાર સાહેબે આ પ્રથામાં પણ સુધારો કરાવ્યો. આવા અનેક પ્રજાલક્ષી નિર્ણયોને કારણે રુસ્વા લોક હૃદય પર સ્નેહનું શાસન કરતા હતા. આથી જ રાજ્ય ગયું તો પણ પ્રજાનો અખંડ સ્નેહ તેમને મળતો રહ્યો. સુશાસનના નિર્ણયોમાં તેઓ ભગવતસિંહજી (ગોંડલ) તથા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર)ની પવિત્ર સ્મૃતિ તાજી કરાવે છે. પ્રજાનો સ્નેહ તેઓ રાયસાંકળીના દરબાર સાહેબ શ્રી ગોપાલદાસ દેસાઇની યાદ તાજી કરાવે તેવો પ્રાપ્ત કરી શક્યા હતા. પાજોદ દરબાર સાહેબ જીવનના અંતિમ શ્વાસ લગી સતત ઔદાર્ય તથા સ્નેહની પ્રતિતિ જગતને કરાવતા રહ્યા. કસોટીઓ તો જીવનમાં અનેક આવી પરંતુ તેઓ જ લખે છે તેમ શાયર ‘રુસ્વા’ હમેંશા ‘ખાલી’ છતા ‘ભરપૂર’ રહી શક્યા.

રંગ છું હું, રોશની છું, નૂર છું,

માનવીના રૂપમાં મનસૂર છું.

કૈં નથી તોયે જુઓ શું શું નથી

હું સ્વયં કુમકુમ છું, સિન્દૂર છું.

બંધ મુઠ્ઠી જેવું છે મારું જીવન,

આમ છું ખાલી છતા ભરપૂર છું.

હું ઇમામુદ્દીન ફક્ત ‘રુસ્વા’ નથી

ખૂબ છું બદનામ પણ મશહૂર છું.

      કવિઓમાં ઉપનામ ધારણ કરવાની એક સામાન્ય પ્રથા હતી. આ પ્રથા સાંપ્રતકાળમાં પણ પ્રવર્તમાન છે. પાજોદ દરબાર સાહેબે પોતાના ‘રુસ્વા મઝલૂમી’ ઉપમાન માટે ફરી ફરી સાંભળવી ગમે તેવી કથા કહી છે. રુસ્વાને બાંટવામાં યોજવામાં આવેલા એક પ્રસંગમાં એક ફકીરનો ભેટો થયો. ફકીર મઝલૂમશાહ ઓલિયા તરીકે ઓળખાતા હતા. રુસ્વાએ આ મસ્ત ફકીરને પાજોદ આવવાનું નિમંત્રણ આપ્યું. ફકીર યોગાનુયોગ દરબાર સાહેબના ઓચિંતા મહેમાન થયા. દરબાર સાહેબ મિત્રો સાથે પાર્ટી કરતા હતા. પાર્ટીમાં વીસ્કી લેવાનું ચલણ હતું. ફકીર આવ્યા એટલે વીસ્કીના ગ્લાસ આમન્યા ખાતર સંતાડીને દરબાર સાહેબે દિલના ઉમળકાથી ફકીરનો સત્કાર કર્યો. ફકીરને ચા આપવામાં આવી. ચા પીતા પીતા ફકીરે દરબારને કહ્યું તે શબ્દો સ્મૃતિમાંથી ખસે તેવા નથી. અલગારી ફકીર કહે છે: ‘‘ બેટે, તુમ લોગ જો પીતે થે વો પીઓ. જબ અલ્લાહ સે નહિ ડરતે તો ફકીર સે ડરને કી ક્યા જરૂરત ! બંદે સે ડરો નહી, પિતે વખ્ત જબ સાહબ સે ડરો તબ પિના છોડ દેના…!’’ ફકીરના નામ જેવી જ તેના શબ્દોમાં નિર્દોષતા હતી. મઝલૂમનો અર્થ નિર્દોષ તેવો થાય છે. ફકીરની સ્મૃતિ ચિરંજીવી કરવા અલગારી ફકીરના નામ પરથી રુસ્વા ‘મઝલૂમી’ બન્યા. જેમની જન્મ શતાબ્દીનું વર્ષ ચાલે છે તે ઘાયલ સાહેબ તથા શાયર રુસ્વાને પરસ્પર અસાધારણ સ્નેહ તથા આદર હતા. ઘાયલ સાહેબ કહેતા કે આ અમૃતલાલ લાલજી ભટ્ટ (ઘાયલ સાહેબનું નામ)ને વિખ્યાત શાયર બનાવનાર તો પાજોદ દરબાર છે. એકબીજા તરફની આવી લાગણીનું ભાગ્યે જ દર્શન થાય છે.

વતન તથા વતનના માનવીઓ સાથે અસાધારણ ઘરોબો ધરાવતા આ શાયરે જાહેરમાં કહેલું કે મુત્યુ બાદ તેમની દફનવિધિ  પાજોદના જ કબ્રસ્તાનમાં કરવામાં આવે. દિલ્હીના છેલ્લા મોગલ શહેનશાહ બહાદુરશાહ ‘ઝફર’ ની મહેચ્છાનો પડઘો પાજોદ દરબાર રુસ્વા સાહેબની આ ઝંખનામાં જોવા મળે છે. ‘રુસ્વા મઝલુમી’ તેમના સાહિત્ય સર્જનથી સદાકાળ જીવંત અને ધબકતા રહેવાના છે.

મજા કૈ આવી ગઇ છે

આ સાદાઇમાં ‘રુસ્વા’ !

કદી આડંબરોની પાસમાં

જાવું નથી ગમતું.

       આપણી ભાષાના સમર્થ શાયર ઘાયલ સાહેબે રુસ્વા મઝલૂમી માટે લખેલા શબ્દો ચિરંજીવી બને તેવા છે.

આન ને બાન એટલે રુસ્વા

ઠાઠ અને શાન એટલે રુસ્વા

નથી પાસે જમીન કે જાગીર

છતાં સુલતાન એટલે રુસ્વા

મીર ગાલિબનો દાગ મોમિનનો

એક દીવાન એટલે રુસ્વા.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑