સ્વસ્થ સમાજનું નિર્માણ કરીને તેને ટકાવી રાખવાની સમસ્યાએ દરેક યુગમાં લોકોને મથાવ્યા છે. સમાજ સ્વસ્થ ત્યારે જ કહેવાય કે જયારે સમાજનો સામાન્ય નાગરિક પોતાની જવાબદારી સમજે અને સ્વેચ્છાએ તેનો સ્વીકાર કરતો થાય. પર્લ બકે નવી દુનિયા એટલે નવા માનવી એવી સૂચક વાત કદાચ આજ સંદર્ભમાં કહી હશે. સરેરાશ નાગરિકનું ઘડતર કરવા માટે શિક્ષણનો આશરો લેવાની વાત અનુભવજન્ય સમજથી દૃઢ થયેલો છે. જયારે શિક્ષણનું મહત્વ એક પાયાના સાધન તરીકે સ્વીકારીએ ત્યારે ફરી આવા શિક્ષણની વ્યાપકતા તથા ગુણવત્તા બાબતના પ્રશ્નો શાસન તથા સમાજ માટે પડકારરૂપ બનેલા છે. આથી જ શિક્ષણને સર્વ સુલભ બનાવવા માટેના પ્રયાસો દેશ આઝાદ થયો તે પહેલાં મહારાજ સયાજીરાવ ગાયકવાડ તથા ભગવતસિંહજી (ગોંડલ) જેવા રાજવીઓએ હેતુપૂર્વક કર્યા તથા તેવા કાર્યો થકી તેઓ ઇતિહાસમાં અમર થયાં. અંગ્રેજી શાસને જોકે તેમની જરૂરિયાત મુજબનો work force મેળવવા માટે દેશની એક ચોકકસ શિક્ષણ પ્રથા હતી તેને નબળી પાડવાના પ્રયાસો કર્યા અને મહદૃઅંશે તેવા પ્રયાસો સફળ પણ થયા. આમ છતાં તે સમયગાળામાં ફાર્બસ સાહેબ તથા સર થિયોડોર હોપ જેવા કેળવણીકારોએ કેટલાક નકકર પ્રયાસોથી આપણી કેળવણીમાં નવું જોમ સિંચવાનો પ્રયાસ પણ કર્યો. દર્શકદાદા તેમજ નાનાભાઇ ભટ્ટ જેવા ગાંધીના ગોવાળોએ પણ શિક્ષણના આ પડકારરૂપ ક્ષેત્રને મજબૂત તથા સ્થાનિક જરૂરિયાતને અનુરૂપ બનાવવા માટે અનેકવિધ આયામો કર્યા. છેલ્લા સાત દાયકાથી તો શિક્ષણપ્રથાને જીવન ઉપયોગી તેમજ અસરકારક બનાવવાની સ્વતંત્રતા આપણાં જ હાથમાં છે. તેમ છતાં શિક્ષણના આધારભૂત માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવું સર્વસુલભ તેમજ ગુણવત્તાયુકત શિક્ષણ આપણે હજુ પણ પૂરું પાડી શકતા નથી. આવી લાગણી સતત વ્યકત થતી રહે છે. આ બાબત મહદ્અંશે સકારણ પણ જણાય છે. આ વાતનો ઉલ્લેખ ન્યાયમૂર્તિ ચન્દ્રશેખર ધર્માધિકારીજીએ ગુજરાત વિદ્યાપીઠમાં આપેલા એક પ્રવચનમાં પણ વિશદ્ રીતે કરેલો છે. ધર્માધિકારીજી જણાવે છે તેમ પ્રશ્નોના ઉકેલ માટેનું સાધન એ શિક્ષણ છે તે શિક્ષણ સ્વયં એક પ્રશ્ન બનીને આજે સમાજ સામે ઊભું છે. અનેક નિષ્ઠાવાન લોકોના પ્રયાસોના બળથી આ પ્રશ્નનો ઉકેલ આવશે તેવી શ્રધ્ધા રાખવી જો કે અસ્થાને નથી. કેટલાક પુણ્યશ્ર્લોક લોકોએ દેશ સ્વતંત્ર થયો ત્યારબાદ પણ આ દિશામાં કરેલા પ્રયાસો નોંધપાત્ર તેમજ અસરકારક રહેલા છે. આવા પ્રયાસોથી શિક્ષણને એક નોંધપાત્ર દિશા મળી પણ મળી શકી છે. દર્શક નાનાભાઇની જેમ જ શિક્ષણના આ ક્ષેત્રમાં પોતાના ઉજળા યોગદાન થકી કાર્યસિધ્ધિ મેળવનારા અનેક ધન્યનામ લોકો છે. તેઓ જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરીને ઘરેડમાં પડયા નથી. તેઓએ સાંપ્રત સ્થિતિ સામે ફરિયાદ પણ કરી નથી કે નિરાશાના ભાવથી હથિયાર હેઠા મૂકયા નથી. પોતાના વિચારો તેમજ આચરણથી આવા લોકોએ નવા ચિલા પાડ્યા છે. આ સંદર્ભમાં કેટલાક નામોનું ત્વરિત સ્મરણ થાય તેમાં સર્વ શ્રી ડોલરરાય માંકડ, પી.સી. વૈદ્ય, ઉમાશંકર જોષી, ધીરુભાઇ ઠાકર તેમજ પ્રાધ્યાપક તખ્તસિંહજી ગોહિલ(ગુરુજી) જેવા સાક્ષરો છે. તેઓએ શિક્ષણના આ યજ્ઞકાર્યમાં જે ફરજ કે હોદૃાઓ સંભાળ્યા તેવા સ્થાનોની ગરિમા વધી છે. આથી જ માંકડ સાહેબ કે વૈદ્ય સાહેબ કુલપતિ હતા તેમ કહીએ ત્યારે કુલપતિ પદની ગરિમા વધતી હોય તેવો અનુભવ થયા કરે છે. કપરી અને પડકારૂપ પરિસ્થિતિમાં પણ ગુજરાતના આવા શિક્ષણવિદોએ શિક્ષણનો ધ્વજ ઉજવળ તથા ઉન્નત રીતે લહેરાવ્યો છે. સમાજ તરફથી પણ આવા પ્રયાસોને સમર્થન મળેલું છે. આથી એવી શ્રધ્ધા જરૂર થાય છે કે સમસ્યારૂપ લાગતી શિક્ષણની આ બાબતમાં પણ સાચી દિશાના નકકર પ્રયાસો ગુણાત્મક ફેરફાર લાવી શકે છે. આ માર્ગ કઠિન છે, પડકારરૂપ પણ છે પરંતુ દુસાધ્ય નથી આ વાતની પ્રતિતિ આ બધા કેળવણીકારોના જીવનકાર્યો જોતાં જણાય છે. હાર્યા કે થાકયા સિવાય કદાચ એકલા હોય છતાં અણનમ રહેનારા કેળવણીના આ મહારથીઓએ કવિ વેણીભાઇ પુરોહિતના શબ્દો સાર્થક કર્યા છે.
તારે ઉલ્લંઘવાના મારગ ભુલામણાં
તારે ઉધ્ધારવાના જીવન દયામણાં
હિમ્મત ન હારજે તું કયાંયે
હે ! માનવી, ન લેજે વિસામો
ઝાંખા જગતમાં એકલો પ્રકાશ જે,
આવે અંધાર તેને એકેલો વિદારજે
છો ને આ આયખું હણાયે
હો માનવી, ન લેજે વિસામો,
થાકે ન થાકે છતાંયે હો માનવી
ન લેજે વિસામો
શિક્ષણને સાચી દિશા આપવા માટે અનેક મહારથીઓને ઝઝૂમતા જોયા છે તથા તેનો ઉજળો ઇતિહાસ લખાયો છે. આવા એક ઉજળા ઇતિહાસ સમાન જીવન ડોલરરાય માંકડનું છે. જાન્યુઆરી માસમાં તેમની જન્મજયંતિ આવતી હોવાથી તે પ્રસંગે તેમના નિષ્ઠાયુક્ત પ્રયાસોની તેજસ્વી લકીર ફરી ફરી સ્મૃતિમાં આવે છે. માંકડ સાહેબે કેળવણીના પ્રશ્નો સમજી-પચાવીને તેને ઉકેલ્યા છે. તેમનું ચરિત્ર સાંપ્રત કાળમાં પણ પ્રેરક તથા માર્ગદર્શક બને તેવું છે. શિક્ષણની સાંપ્રત સમસ્યાઓના ઉકેલવામાં તેમનું જીવનકાર્ય catalyst બની શકે તેવું છે. કચ્છના જંગી ગામે ૨૩ જાન્યુઆરી ૧૯૦૨ માં જન્મેલા અને ડો’કાકા તરીકે અલિયાખાડામાં સૌને પ્રિય થયેલા આ સાક્ષરે શિક્ષણની સમસ્યાઓને ઉકેલવા નક્કર તથા મૂળગામી પગલાં ભર્યાં. વિદ્યાર્થીઓને આ પિતાતુલ્ય ગુરુમાં અપાર શ્રધ્ધા હતી. અલિયાખાડા વિદ્યાલયના એક વિદ્યાર્થીના વાલી સમયસર નાણાં મોકલી શક્યા નહિ તેવો એક પ્રસંગ નોંધાયો છે. વિદ્યાર્થીને મૂંઝવણ થાય તે સ્વાભાવિક હતું. દરેક સમસ્યાનું સમાધાન એટલે માંકડસાહેબ તેવી શ્રધ્ધા દરેક વિદ્યાર્થીને રહેતી હતી. ડો’કાકાને આ આફત જણાવીને વિદ્યાર્થીએ જ તેનો ઉપાય સૂચવ્યો તેણે માંકડ સાહેબને કહ્યું કે તે હવે રસોડે એક જ સમય જમશે. કારણ કે તેણે પૈસા ભર્યા નથી. વાત્સલ્યથી ભરેલા ડો’કાકાએ ઓછા શબ્દોમાં જ વિદ્યાર્થીને જવાબ આપતા જણાવ્યું કે તેણે બંન્ને સમય રસોડે જમવું અને તેની ફી ભરવાની બાબતનો તેઓ ઉકેલ શોધી કાઢશે. પ્રસંગની આ વાત કદાચ નાની લાગે પરંતુ એ ખૂબ સૂચક તથા દિશાદર્શક છે. શિક્ષાર્થી સાથે જો શિક્ષક કે આચાર્યનો સ્નેહ સંબંધ હોય તથા બન્ને પક્ષ એકબીજાની તકલીફ તરફ સંવેદનશીલતા ધરાવતા હોય તો આવું શિક્ષણ એક સંવેદનશીલ નાગરિકનું ઘડતર કરવામાં ઉપયોગી પુરવાર થાય છે. આજે શિક્ષક તથા વિદ્યાર્થી વચ્ચે સંવેદનશીલતાનો સંબંધ ક્ષીણ થયો હોય તેમ લાગ્યા કરે છે. અનુકંપા કે સંવેદનશીલતા ધરાવતા નાગરિકો જો સ્વસ્થ સમાજની એક અનિવાર્ય જરૂરિયાત હોય તો આજે આપવામાં આવતું શિક્ષણ તથા તે માટે ગોઠવવામાં આવેલી પધ્ધતિઓ સામે ઘણાં પ્રશ્નાર્થ ઊભા થાય છે. સાધન સુવિધા સાંપ્રતકાળમાં જરૂર વધ્યા હશે. તેનો ફાયદો પણ થયો હશે, પરંતુ માનવીય મૂલ્યોની કુમળા માનસમાં રોપણી તથા જાળવણીની બાબતની અવગણના કરવી તે સ્વસ્થ સમાજને પરવડે તેવી બાબત નથી. શિક્ષણ એ જીવન સાથે જોડાયેલી બાબત છે. આથી તેના એકાંગી વિકાસને પૂર્ણ વિકાસ ગણવો તે બાબત ઉચિત નહિ ગણાય. કુમળી વયનો વિદ્યાર્થી જ છૂટથી મળતા જીવલેણ શસ્ત્રોને કારણે વિકસિત દેશમાં સહાધ્યાયીઓ પર હિંસક તથા બિહામણો હૂમલો કરે તે ઘટનાથી સમગ્ર વિશ્વના અનેક જાગૃત લોકો હેબતાઇ ગયા હતા. કેળવણી જો સમાજના અન્ય ઘટકો સાથે સંવેદનશીલતા અને સહાનુભૂતિનો મૂળભૂત ગુણ શિક્ષાર્થીમાં પ્રગટાવી ન શકે તો વિશ્વના કોઇ પણ ભાગમાં આવી ઘટના ફરી આકાર લઇ શકે છે. ગાંધીજીને શિક્ષિત લોકોમાં સંવેદનશીલતાનો અભાવ એ મોટી સમસ્યારૂપ બાબત લાગી હતી. છાત્રાલયેામાં શ્રમ-સ્વાશ્રય તથા પ્રાર્થનાનું મહત્વ આવશ્યક છે તેવી માંકડ સાહેબની પ્રતિતિ અને તે માટેના પ્રયાસો પણ ખૂબ જ દીર્ઘદૃષ્ટિયુક્ત છે. સમર્થ ઇતિહાસકાર તરીકે દર્શકે શ્રમની ઉપેક્ષાએ મહાન સંસ્કૃતિઓનું પતન કર્યું છે તેવી વાત તર્કબધ્ધ રીતે તેમજ ઉદાહરણ આપીને કરી છે. જે કેળવણી વ્યક્તિને કેળવે નહિ તો તેનું મૂલ્ય ઊંચુ ન આંકી શકાય. શ્રમ તથા સ્વાશ્રયના ઓજારોથી જ કૌશલ્યની પ્રાપ્તિ થઇ શકે છે. કેળવણીથી કૌશલ્ય પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી જ પોતાની જીવનનૌકાને સમયના અનેકવિધ વમળો વચ્ચે સ્થિર કરી શકે છે. વિદ્યાર્થીના જીવનમાં આત્મવિશ્વાસ પ્રગટાવી શકે છે. માંકડ સાહેબે જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ત્યાં આવા માનવીય મૂલ્યોનું ગૌરવ તથા જતન કાળજીપૂર્વક કર્યું.
શિક્ષણની આપણી સંસ્થાઓ તથા તેની સાથે જોડાયેલો અધ્યાપકગણ પોતાના ક્ષેત્રના જ આવા પૂર્વસૂર્યો તરફ સતત નજર નાખતો રહે તો તેના સુખદ તથા ઇચ્છિત પરિણામો આવવા અસંભવિત નથી. માંકડ સાહેબ જેવા આપણાં ઉજળા ગુરુજનોના પ્રયાસો સાંપ્રત કાળમાં હાલની આપણી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તથા જરૂર પડે ત્યાં હાલની સ્થિતિમાં જરૂરી ફેરફાર સાથે પણ અમલમાં મૂકવામાં આવે તો સુખદ પરિણામો મેળવવા અસંભવિત નથી. કવિ પ્રહલાદ પારેખ કહે છે તેમ હૈયામાં હામ ભરીને સાચી દિશાના ડગલા તો આપણે જ માંડવા પડશે. સમાજે તેમાં સક્રિય ભાગીદાર થવું પડશે.
બળને બાહુમાં ભરી હૈયામાં હામ ધરી
સાગર મોઝારે ઝુકાવીએ
આપણા વહાણના શઢને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ… હો ભેરુ મારા,
આપણાં ભરોસે આપણે હાલીએ.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment