વર્ષ ૨૦૧૫ વિદાય થઇ રહેલું છે. કાળની દરેક વહી જતી ક્ષણ સાથે કોઇ સ્મૃતિ સંકળાયેલી રહે છે. આથી સ્વાભાવિક રીતેજ પૂરા વર્ષની સમાપ્તિના આ સમયે વર્ષમાં જોયેલી તેમજ અનુભવેલી અનેક સ્મૃતિઓ તાજી થાય છે. જે માણ્યું છે તેનું સ્મરણ કરવું તે પણ એક લ્હાણું છે તેવું રાજવી કવિ કલાપીએ લખ્યું છે. વર્ષ – ૨૦૧૫ માં આવી એક ઘટના બની જે વિસરવી મુશ્કેલ છે. આ વર્ષમાં આપણી વચ્ચેથી શ્રી નારાયણ દેસાઇ જેવા તેજસ્વી તારકે વિદાય લીધી. ગાંધીના યજ્ઞકુંડના અજવાળા સમાન એક વ્યક્તિની વિદાય અનેક લોકોના દિલમાં ખિન્નતા જન્માવી ગઇ. મુત્યુને આપણાં વિચારોમાં મંગળમય ગણવામાં આવેલું છે. કવિ રાવજીએ લખ્યું છે તેમ ‘અજવાળા પહેરીને શ્વાસ’ ચાલી નીકળે છે. છતાં કોઇક વ્યક્તિની વિદાય સમગ્ર સમાજને ખાલીપણાનો અનુભવ કરાવે છે. ગાંધીનગર સાથે નારાયણભાઇનો એક વિશિષ્ટ નાતો રહેલો છે. ગાંધીકથાના અવિસ્મરણિય પ્રસંગે તેઓ આપણી વચ્ચે રહ્યા અને ગાંધી-વિચારોની સ્પષ્ટ તથા સુરેખ રજૂઆત કરી.
માંડી મેં તો મનના
ઉમંગ કેરી લહાણી રે
આવો જેને કરવી હોય
ઉજાણી રે.
મહાદેવ દેસાઇ તથા નારાયણ દેસાઇનું ગુજરાત ઋણી છે. પિતા-પુત્રના અનેક ઉપકારોનો બદલો વાળી શકાય તેવો નથી. નારાયણભાઇ એટલે ગાંધીની નિશાળમાં તૈયાર થયેલું એક જીવંત પાત્ર. કર્મ સાથે જ્ઞાનનો એવો સુભગ સમન્વય કે આશિષ નંદી તેમને ‘હરતી ફરતી જંગમ વિદ્યાપીઠ’ તરીકે ઓળખાવે છે. ગાંધી દશર્નને લોક દરબારમાં લઇ જવાનું કાર્ય નારાયણભાઇ જેવી પધ્ધતિથી કોઇએ કર્યું નથી. ગાંધી દર્શનને વાસ્તવમાં જીવી જવાનો સજગ પ્રયાસ વિનોબાજી તથા લોકનાયક જયપ્રકાશે ગાંધીજીની વિદાય પછી કર્યો. આજ માર્ગે અનેક ડગલા નારાયણભાઇએ પૂરા આત્મવિશ્વાસથી માંડ્યા. ગાંધી વિચારને કેન્દ્રમાં મૂકવાનો નક્કર પ્રયાસ નારાયણભાઇએ કરણી તથા કથની એમ બન્ને રીતે કર્યો. નારાયણભાઇનો આ પરિશ્રમ સાંપ્રતકાળના ઇતિહાસની ઉજળી ક્ષણો છે.
નારાયણ દેસાઇ જેટલા સબળ વક્તા હતા તેટલાજ સબળ ગદ્યકાર હતા. તેમની કલમની પ્રસાદીથી ‘મારું જીવન એજ મારી વાણી’ એવું અલૌકિક સત્ય ઉચ્ચારનારા ગાંધી સુધીતો આપણે પહોંચી શક્યા. ગાંધીજી ઉપરાંત ગાંધીયુગની આકાશગંગાના કેટલાયે તેજસ્વી તારકોના જીવનનું ભાતીગળ દર્શન આપણે નારાયણભાઇની કલમ પ્રસાદી થકી કરી શક્યા તે પણ એક મહત્વની ઘટના છે. જેમના સંસ્મરણો તેમણે લખ્યાતે સ્વાનુભવ થકી લખ્યા તે ચરિત્ર નિબંધોમાં જવલ્લે બનતી ઘટના છે. એક ઉદાહરણ તરીકે જોઇએ તો સરદાર સાહેબ માટે નારાયણ દેસાઇ લખે છે : સરદારની સરખામણી શ્રીફળ જોડે કરી શકાય. વજ્રથી કઠોર અને પુષ્પથી કોમળ એવું સરદારનું વ્યક્તિત્વ હતું. સરદાર સાહેબ વિશે પ્રકાશ પાડતા નારાયણભાઇ કહે છે કે આ ચરોતરના વીરને સત્તા માટેની અનાસક્તિ ગાંધી જેટલીજ હતી. નારાયણ દેસાઇના લખાણોમાં બહોળા અધ્યયન તેમજ તર્કબધ્ધ પ્રુથક્કરણનું સાતત્ય જોવા મળે છે. તેમના લાખાણો તેમજ વકતવ્યો લોકભોગ્ય રહ્યા છે. લોકસમૂહમાં ગાંધી-વિચારની સૌરભ તેમના લખાણોને કારણે તથા તેમના જીવનકાર્યોને કારણે પ્રસરી છે. કવિગુરુ ટાગોરના સુંદર શબ્દો નારાયણ દેસાઇને અર્પણ કરવા જેવા છે.
કૈંક અજાણ્યાંની ઓળખ દીધી
ને કૈંક ઉઘાડી તે ઘરની ડેલી
દૂરના સાથે ગોઠ કરાવી
ને પારકાને કીધ બંધવા બેલી.
સાબરમતી તથા સેવાગ્રામ આશ્રમોમાં ઘડાઇને તૈયાર થયેલા નારાયણ દેસાઇના જીવન તેમજ લખાણોમાં સત્ય પરત્વેની ગાંધી નિષ્ઠાનો રણકાર જોવા – સાંભળવા મળે છે. અનેક ભાષાઓનું જ્ઞાન તેમને હાથવગું છે. આપણા દેશનો પૂર્વ વિસ્તાર જ્યારે અનેક સમસ્યાઓથી ઘેરાયેલો હતો ત્યારે નારાયણભાઇ ત્યાં મુશ્કેલીઓ વચ્ચે મલમપટ્ટો કરવા વિચરણ કરતા હતા. એક સબળ સાહિત્યકાર તરીકે તેઓ અનેક સાહિત્ય સર્જકોને પણ માર્ગદર્શક બની રહ્યા હતા. સાહિત્યકાર એ સમાજથી વિમુખ ન હોવો જોઇએ તેવી વિનોબાજીની વાત નારાયણ દેસાઇના જીવનમાં વણાયેલી જોવા મળે છે. તુકારામ કે નરસિંહ જેવા સંત સર્જકોની જેમ નારાયણભાઇ તેમના સાહિત્ય સર્જનો તથા ગાંધી કથા થકી સમાજને જાગૃતિની દિશામાં દોરી શક્યા હતા. નારાયણ દેસાઇની સ્મૃતિ કરોડો ગુજરાતીઓના મનમાંથી ભૂંસાઇ શકે તેવી નથી.
Leave a comment