: ક્ષણના ચણીબોર : શિક્ષણના મહર્ષિ : નાનાભાઇ ભટ્ટ

શિક્ષણ સંબંધમાં અનેક સમસ્યાઓ આજે સમાજ તથા સરકાર સામે પડકારરૂપ બનીને ઊભા છે. શિક્ષણનો સમાન વ્યાપ તેમજ સામાન્ય વર્ગને પરવડે તેવું ગુણવત્તાયુક્ત શિક્ષણ તમામ સ્થળે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ થાય તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઇ શકે. આથી આવા સાંપ્રત સંદર્ભમાં નાનાભાઇ ભટ્ટ કે ગિજુભાઇ બધેકા જેવા શિક્ષણને સમર્પિત લોકોની સ્મૃતિ થાય છે. 

ગાંધીજીની કેળવણી અંગેની નઇ તાલીમની કલ્પનાને ભૂમિગત કરનાર નાનાભાઇ ભટ્ટના પરદાદાનું નામ ત્રિકમબાપા હતું. ત્રિકમબાપાની એક નોંધાયેલી ઘટના ફરી ફરી વાંચવી-સાંભળવી ગમે તેવી છે. ત્રિકમબાપા પોતાના સમયમાં એક વૈદ તરીકે સુવિખ્યાત હતા. ભાવનગર રાજયના રાજવૈદ તો ખરા જ પરંતુ વર્તન અને વ્યવહારથી લોકવૈદ હતા. દવા માટે રાતી પાઇ પણ લેવાની વાત તેમના જીવનમાં ન હતી. દર્દીઓ પોતાની સ્થિતિ અનુસાર રાજીખુશીથી તેમનું સન્માન કરતા. તેમાંથી જ કરકસરપૂર્વક પોતાનો જીવન વ્યવહાર ચલાવતા હતા. એક પ્રસંગે ત્રિકમબાપાને ભાવનગરના કેટલાક શ્રાવક ભાઇઓ એક બીમાર મુનિની સારવાર કરવા માટે બહારગામ લઇ ગયા, વૈદરાજ ગયા. સાધુ તેમની સારવારથી સ્વસ્થ થયા. સાધુ મહારાજના ભકત સમુદાયે વૈદરાજની સ્પષ્ટ ના હોવા છતાં સારવાર કરી તે માટે ત્રિકમબાપાના હાથમાં સન્માનપૂર્વક સોનાના બે કડા પહેરાવ્યા. ત્રિકમબાપા ભાવનગર પાછા ફરીને પોતાના ઘેર જવાના બદલે સીધા મહાદેવના મંદિરે ગયા. મહાદેવના ચરણોમાં સોનાના આ બંન્ને કડા મૂકીને જાણે ભારમુકત થયા હોય તેવી શાંતિ અનુભવીને પોતાના ઘેર ગયા. નાનાભાઇ આ પરિવારનો સંસ્કાર વારસો ધારણ કરતા હતા. અપરીગ્રહ જેમના લોહીમાં વણાયેલો હોય તે જ વ્યકિતમાં આવી નિર્મળ અનાસકિત પ્રગટી શકે. આજ કુંટુંબની પરંપરાના નાનાભાઇ ભટ્ટ અધ્યાપકની પદ પ્રતિષ્ઠાવાળી નોકરી છોડી શકે. પોતાના જ લોહી-પસીનાથી ઊભી કરેલી સંસ્થા દક્ષિણામૂર્તિ પણ કોઇ અપેક્ષા કે કડવાશ સિવાય છોડી શકે. નાનાભાઇના આ બંન્ને નિર્ણયો તથાગત બુધ્ધના મહાભિનિષ્ક્રમણ જેવા છે. નાનાભાઇ જેવા કેળવણીવિદૃની સ્મૃતિ આજના સંદર્ભમાં વિશેષ થાય તે સ્વાભાવિક છે. ઉછળતા સાગરમાં દૃઢતા અને  સમતાથી પોતાનું નાવડું ફંગોળનારા નાનાભાઇ એક વિરાટ શકિતનું સ્વરૂપ હતા. 

ગર્વથી ચકચૂર સાગરની

ખબર લઇ નાખવા

નાવડુ વમળો મહી

ફંગોળનારા કયાં ગયાં ?

કવિ ‘વિશ્વરથ’ના આ શબ્દો નાનાભાઇના જીવનને અનુરૂપ છે. કિનારે બેસી રહીને સલામતી અનુભવવાની વાત આ કાળા ભટ્ટના પુત્રે કદી સ્વીકારી નથી. ન્યાયમૂર્તિ ચન્દ્રશેખર ધર્માધિકારીજીએ થોડા સમય પહેલાં ચિંતા વ્યકત કરતા વાત કરી હતી કે શિક્ષણ એ સ્મસ્યાઓના ઉકેલ માટેનું મહત્વનું સાધન છે. ધર્માધિકારીજી કહે છે કે સમાજની સમસ્યાઓના ઉકેલ માટેનું આ સાધન પોતે જ એક સમસ્યા થઇને આપણી સામે ઊભું છે. શિક્ષણમાં ગુણવત્તા લાવવાનો પ્રશ્ન, શિક્ષણને affordable બનાવવાનો પ્રશ્ન, પદવીને કેળવણી સાથે જોડવા જેવા અનેક પ્રશ્નોનો સામનો આજે સમાજ તથા શાસન કરે છે. આવા સમયે નાનાભાઇ ભટ્ટે કરેલા પ્રયોગો તરફ એક નિરાંતવી નજર કરવી તે સાર્વત્રિક હિતમાં છે. નાનાભાઇએ ઊભી કરેલી સંસ્થાઓના માધ્યમથી તેમણે ગુજરાતના શિક્ષણનું સંસ્કાર ઘડતર કર્યું છે. સ્વામી આનંદે નાનાભાઇને વ્યાસ-વાલ્મીકીના વારસ કહેલા છે. આ ઋષિ પુરુષે શિક્ષણને જીવન સાથે જોડીને તેમાં પ્રાણ સંચાર કરેલો છે. ‘‘કેળવે તે કેળવણી’’ નો વ્યાપ વધે તો જ એક શકિતશાળી અને આત્મવિશ્વાસથી પાંગરેલી પેઢીનું નિર્માણ થઇ શકે. આવી કેળવણી થકી જ જવાબદાર નાગરિકનું નિર્માણ થઇ શકે. શિક્ષણ થકી કૌશલ્ય પ્રાપ્ત ન થાય તો દેશના સાધનોનો નિરર્થક વ્યય થવા ઉપરાંત શિક્ષણ પ્રાપ્ત કરેલા યુવાનોને કામે લગાડવાની વિકટ સમસ્યા સમાજ અનુભવે છે. વર્તમાન સમયમાં પણ શિક્ષણની નીતિ ઘડવામાં નાનાભાઇના વિચારો માર્ગદર્શક બને તેવા છે. મહર્ષિ દયાનંદ તથા શ્રી અરવિંદે જે રાષ્ટ્રીય કેળવણીની તરફેણ કરી હતી. તેનો વાસ્તવિક અમલ નાનાભાઇના ઠોસ પ્રયાસોમાં થયેલો જોવા મળે છે. શિક્ષણ બજારું ચીજ ન બની રહે તેની ચિંતા નાનાભાઇને આજીવન રહી હતી. એક સદી પહેલાં ડિસેમ્બર-૧૯૧૦માં ભાવનગરમાં શરૂ કરવામાં આવેલ ‘‘દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવન’’ નો ઉદેૃશ શિક્ષણને એક નૂતન દિશા તથા ગતિ આપવાનો મજબૂત પ્રયાસ હતો. શ્રી નથુરામ શર્માના આશીર્વાદ નાનાભાઇને આ કાર્ય કરવા માટે મળ્યા હતા. નાનાભાઇએ પ્રગટાવેલ શિક્ષણની પાવક જવાળાનો ઉજાસ ઘરેઘરનો તથા જનજનનો માર્ગદર્શક બની શકે તેવો છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑