કોઇપણ દેશની પ્રજાને પોતાનો ઇતિહાસ સમજવાની તેમજ તેને જાળવી રાખવાની એક મહેચ્છા રહેતી હોય છે. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશુ શીખ્યા નથી. આ વિધાનની યથાર્થતા અંગેની ચર્ચા બાજુ પર રાખીએ તો પણ એમ કહી શકાય કે ઇતિહાસ જાળવવાની તેમજ તેને પ્રસંગોપાત વાગોળવાની એક વૃત્તિ વિશ્વવ્યાપી છે તેમજ સર્વ સામાન્ય છે. કેટલાક બ્રિટિશ અમલદારો જયારે વિદેશી સત્તાના પ્રતિનિધિ તરીકે હિન્દુસ્તાનમાં ફરજ બજાવતા હતા. તેમને પણ આપણાં દેશના વૈવિધ્યપૂર્ણ ઇતિહાસમાં રસ પડયો હતો. આવા કેટલાક નામોમાં એલેકઝાંડર કિન્લોક ફોર્બ્સનું નામ અગ્રસ્થાને આવે છે. આ બ્રિટિશ અધિકારી ફાર્બસ સાહેબના નામથી લોકપ્રિય થયા હતા. તેઓએ અથાક મહેનત કરીને ‘રાસમાળા’ નું સંકલન કર્યું. રાસમાળા થકી દેશી રજવાડાઓ ઉપરાંત લોકસાહિત્યના તેમજ તત્કાલીન સંસ્કૃતિના અનેક પાસાઓ બાબતની માહિતીનું આયોજનબધ્ધ દસ્તાવેજીકરણ થયું. ફાર્બસ સાહેબ આ કાર્ય ચારણ જ્ઞાતિમાં જન્મેલા દેવાનંદ સ્વામીના શિષ્ય કવિ દલપતરામની સહાયના કારણે સારી રીતે પાર પાડી શકયા.
એક સમર્થ ઇતિહાસકાર પંડિત જવાહરલાલ નહેરૂ પોતાની પુત્રી ઇન્દિરા ગાંધીને લખે છે કે ઇતિહાસ વિશે જાણવું રોચક તથા આહલાદક છે. પંડિતજીએ કારાવાસ દરમિયાન પોતાની પુત્રીને જગતના ઇતિહાસનો પરિચય કરાવતા જે પત્રો લખ્યા તે વિશ્વના ઉત્તમ સાહિત્યમાં સ્થાન પામે તેવા સમૃધ્ધ છે. ઉપરાંત આપણાં અનેક શાસ્ત્રો તથા પુરાણોમાં પણ ઇતિહાસ ભરેલો પડયો છે. આમ ઇતિહાસની જાળવણીનું મહત્વ સાર્વત્રિક તથા સર્વકાલીન છે.
બ્રિટિશ ઇતિહાસકાર જેમ્સ ટોડે મેવાડ – મારવાડનો ઉંડો અભ્યાસ કરીને જે ઇતિહાસ લખ્યો તેનું મૂલ્ય આજે પણ સ્વીકારવામાં આવે છે. આ ઇતિહાસ મેળવવાના એક આધારભૂત સ્ત્રોત તરીકે ચારણ સાહિત્યકારોના સર્જનો ઉપર ઇતિહાસકાર ટોડે આધાર રાખેલો છે. ચારણો તેમના સાહિત્ય થકી ઇતિહાસના આલેખકો તો હતાજ પરંતુ પોતાની નિષ્ઠા તથા પ્રભાવના બળે આ ઇતિહાસનાજ એક ઉજ્વળ ભાગ સમાન પણ હતા. ચારણ કવિઓ સર્જીત રચનાઓએ ઇતિહાસની કેટલીક ખૂટતી કડીઓ – Missing Links – મેળવી આપવામાં મદદ કરી છે.
આપણે ઇતિહાસની જાળવણી યોગ્ય રીતે કરી શકયા નથી તેમ માનવામાં આવે છે. વિદેશી શાસકોએ લખેલો ઇતિહાસ કેટલાક કિસ્સામાં વાસ્તવિકથી દૂર લઇ જતો હોય તેમ પણ બની શકે. આ બધી સ્થિતિમાં તેમજ સાંપ્રત સમયમાં દસ્તાવેજીકરણ માટે Digital Format નો ઉપયોગ એ સમગ્ર માનવ સમાજને મળેલા અનોખા આશીર્વાદ છે. તાજેતરમાં જ રામચરિત માનસ ડિજિટલ ફોરમેટમાં પ્રકાશિત કરવામાં આવ્યું. એ જ રીતે ગાંધીજીના વિશાળ તથા સમૃધ્ધ સાહિત્યનું ડિજિટલ ફોરમેટમાં પ્રકાશન થોડા સમય પહેલાં જ થયું. રવિશંકર રાવળ તથા બચુભાઇ રાવતના તપ અને નિષ્ઠાથી શરૂ થયેલા તથા ટકેલા કુમારના જૂના અંકો હવે ડિજીટલ સ્વરૂપે મળતા શરૂ થયા છે. ડિજીટલ ફોરમેટનો ઉપયોગ આપણે ત્યાં શરૂ થયા પછી જે ગતિ પકડી છે તે નોંધપાત્ર તથા આવકારદાયક ઘટના છે.
સાહિત્યના ભિન્ન ભિન્ન સ્વરૂપો તથા તેની જાળવણી માટે ડિજિટલ ફોરમેટ ખૂબ જ ઉપયોગી તેમજ હાથવગું પૂરવાર થયું છે. ડિજિટલ ફોરમેટ શક્તિશાળી તથા cost effective છે. દુનિયાના દરેક ખૂણે થોડી ક્ષણોમાંજ પહોંચી શકવાની તેની શક્તિ છે. આ બાબતનો લાભ લઇને કેટલાક કિસ્સામાં હેતુપૂર્ણ અને આયોજિત વ્યવસ્થા થઇ છે. એક ઉદાહરણ તરીકે તેમાં પૂજય મોરારીબાપુની કથાઓ તથા અનેક સુંદર સાહિત્ય સત્રોનું ડિજિટલ ફોરમેટ તૈયાર કરવાની મજબૂત વ્યવસ્થા છે. વ્યાપક જનસમાજ સુધી આથી રામકથાઓ તેમજ ભદ્ર સાહિત્ય પહોંચી શકયું છે તથા સચવાયું છે.
લોકસાહિત્યની બાબતમાં દસ્તાવેજીકરણના અનેક પ્રયાસો થયા છે. આ બાબતનો પ્રથમ યશ શ્રી ઝવેરચંદ મેઘાણીને જાય છે. ટાંચા સાધનો તથા અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે કેટલાક અલભ્ય ગ્રંથોના પ્રકાશનનું વિકટ કાર્ય રાજ્યકવિ શંકરદાનજી દેથા કરી શક્યા તે પણ આ સંદર્ભમાં ઉલ્લેખ પાત્ર બાબત છે. ખેતસિંહજી મિસણ આવા દસ્તાવેજીકરણના કામમાં અસરકારક તથા પરિણામલક્ષી રહેલા છે. કચ્છમાં રાજ્યકવિ શંભુદાનજી અયાચી તથા જામનગરમાં રાજ્યકવિ માવદાનજી રત્નુએ પણ ઇતિહાસ – આલેખનમાં નોંધપાત્ર પ્રદાન કરેલું છે. મેઘાણીભાઇના કામમાં જયમલ્લભાઇ પરમાર તથા નિરંજન વર્મા (નાનભા)નું પ્રદાન ઉલ્લેખનીય છે. જામનગરમાં નિષ્ઠાથી ધૂણી ધખાવીને બેઠેલા કવિ શ્રી પિંગળશીભાઇ લીલાએ તેમની હયાતી દરમિયાન કાઠિયાવાઢ તથા ઘેડ પંથકની અનેક સંસ્કાર સિંચન કરેતેવી વાતો લખી. આ દિશામાં ઘણું કામ કરવાનું હજી બાકી છે. તેની પ્રતિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડોલરરાય માંકડને ઘણાં વર્ષો પહેલાં થઇ હતી. મેધાણીભાઇના ગયા પછી આ કામની ગતિમાં પણ ઘટાડો થયો હતો. આથી ૧૯૬૮માં માંકડ સાહેબે લોકસાહિત્યની અમૂલ્ય હસ્તપ્રતો એકઠી કરવાનું કામ શરૂ કર્યું. માંકડ સાહેબની દીર્ધ દૃષ્ટિને કારણે તેમણે આ કામની જવાબદારી ચારણી સાહિત્યના વિદૃવાન સંપાદક તથા લેખક રતુભાઇ રોહડિયાને સોંપી. શરૂઆતના ગાળામાં આપણાં સુપ્રસિધ્ધ કવિ દાદ પણ આ કામમાં જોડાયા હતા. રતુભાઇ આ કાર્ય માટે એકનિષ્ઠાથી સૌરાષ્ટ્ર ખૂંદી વળ્યાં. અનેક ચારણો તથા ચારણેતર સર્જકોના દ્વારે યુનિવર્સિટીએ હસ્તપ્રતો મેળવવાની ટહેલ નાંખી. સામાપક્ષે હસ્તપ્રતો ધરાવનારા અનેક સાહિત્ય પ્રેમીઓનો ઉજળો હોંકારો મળ્યો. કોઇપણ પ્રકારના નાણાંકીય વળતર સિવાય તેઓએ યુનિવર્સિટીને અમૂલ્ય હસ્તપ્રતો રતુભાઇ રોહડિયાના માધ્યમથી આપી. આજે આ હસ્તપ્રતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શ્રી ઝવેરચંદ મેઘાણી કેન્દ્રમાં જળવાયેલી છે.
આવી ૧૨૦૦૦ થી પણ વધારે કૃતિઓનો અમૂલ્ય ખજાનો યુનિવર્સિટીના કબજામાં આવ્યો. શરૂઆતના વર્ષોમાં આ પ્રોજેક્ટમાં સુપ્રસિધ્ધ સાહિત્યકાર ડૉ.પુષ્કર ચંદરવારકરનું કિંમતી માર્ગદર્શન મળ્યું. ત્યારબાદ ડૉ. બળવંત જાનીએ આ કામને સંભાળ્યું તેમજ હસ્તપ્રતોની જાળવણી માટેના જરૂરી ઉપાયો કર્યા. ઝવેરચંદ મેઘાણી કેન્દ્રની રચના રાજ્ય સહકારના નિર્ણયને કારણે થયા પછી આ કાર્યને વિશેષ ગતિ મળી. કેન્દ્રની રચના પાછળના હેતુઓમાં આ પ્રકારનું કાર્ય એ કેન્દ્રની મહત્વની જવાબદારી છે. મેઘાણી કેન્દ્રના સક્રિય નિયામક ડૉ.અંબાદાન રોહડિયાના જણાવ્યા અનુસાર આ હસ્તપ્રતોના ડિજિટલાઇઝેશનના કામમાં નોંધપાત્ર પ્રગતિ થઇ છે. યુનિવર્સિટીના કબજામાં જે હસ્તપ્રતો છે તેની વિસ્તૃત યાદી મેઘાણી કેન્દ્રની વેબસાઇટ પર મૂકવામાં આવેલી છે. ડૉ. રોહડિયાના જણાવ્યા અનુસાર ચારણી સાહિત્ય કે લોકસાહિત્યના અભ્યાસુઓ તથા સંશોધકોને હવે આ અમૂલ્ય સાહિત્ય તેના ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરને કારણે હાથવગું થશે. અનેક સાહિત્ય પ્રેમીઓ માટે આ એક સારા સમાચાર છે તેમ કહી શકાય. ડૉ.ઇશ્વરભાઇ દવે, રતુભાઇ રોહડિયા તેમજ પુષ્કર ચંદરવાકર જેવા સાહિત્યને સમર્પિત લોકોની નિષ્ઠા તેમજ પ્રયાસોને કારણે આ સાહિત્ય જનસમૂહ સુધી પહોંચી શકશે. ચારણો તથા ચારણેતર સમાજના લોકોએ કોઇ અપેક્ષા સિવાય પોતાની અમૂલ્ય હસ્તપ્રતો યુનિવર્સિટીને આપી છે. ચારણોની ઉજળી ઉદારતા સિવાય આ બાબત શક્ય બની ન હોત.
ચારણી સાહિત્યના ક્ષેત્રમાં ડિજીટલાઇઝેશનની અનેક સંભાવનાઓ પડેલી છે. જે થયું છે તેનાથી પણ અનેકગણું કામ થઇ શકે તેવું છે અને કરવા જેવું પણ છે. ભાવનગરના રાજ્યકવિ અને દિગ્ગજ સાહિત્યકાર પિંગળશીભાઇ નરેલાના અમૂલ્ય સર્જનને ડિજીટલ ફોરમેટમાં રૂપાંતરિત કરવાના કામમાં ભાઇ ધર્મદીપ તથા સિધ્ધાર્થ નરેલા નોંધપાત્ર પ્રયાસો કરે છે. માંડવી (કચ્છ) માં ભાઇ શ્રી વેજાંગ ગઢવી પણ તન-મન-ધનથી આપણું સાહિત્ય ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી આ અમૂલ્ય સાહિત્ય ભાવકો સુધી પહોંચાડવાનું કામ નિષ્ઠાથી કરે છે. રાજકોટના ઉત્સાહી અને કર્મશીલ યુવાન ભાઇ પ્રવિણ મધુડા તેમના સંપાદનના વૈવિધ્યપૂર્ણ રસથાળ થકી સાહિત્યને ગ્રંથબધ્ધ કરવાનું નોંધપાત્ર પ્રદાન કરી રહેલા છે. ભવિષ્યમાં આ પ્રકારના તમામ પ્રકાશનોને ડિજિટલ દેહ આપવો મુશ્કેલ બનશે નહિ. આ રીતેજ ભવિષ્યમાં આ કામ વિસ્તૃત કરી શકાય. આ સાહિત્યમાં વીરતા, બલિદાન તેમજ સૌંદર્યના ગંજ ખડકાયેલા છે. એક હસ્તપ્રતમાં સુંદર ઘટનાનું કાવ્યાત્મક નિરૂપણ છે. આણંદ નામના કવિ લખે છે કે એક સમયે ગ્રહણની ક્ષણે રાહુને ગૂંચવણ થાય છે. (આણંદ-કરમાણ પૈકીના હોઇ શકે) પૃથ્વી પરના અન્ય સૌંદર્ય તેમજ ચન્દ્રના સૌંદર્ય વચ્ચે ગૂંચવાય છે અને તેથી ગ્રહણની વેળા ચૂકી જવાય છે. તે વાત કવિતના સુંદર સ્વરૂપે મહારાજ સિધ્ધરાજ જયસિંહને સંબોધીને કવિ કહે છે.
માંડણ પિઉસે મન,
કરે ગ્રહ આંગણ સોતી,
અડીઅડ જંમ આકાસ,
માંગ જમ દીપે મોતી,
સોળકળ સંપૂટ ચન્દ્ર
ભાલ પણ સોહે
ખણ અધરિ ખણ અધરિ
રાહ ભૂલો મખ જૂએ
ટળ ગયો સંજોગ વળેલી આ,
હેક ત્રિપે ન થયું હરણ. (ગ્રહણ)
‘‘ ચારણ ’’ (રાજકોટ)ના અંકો ડિજિટલ ફોરમેટમાં મૂકવાના રામભાઇ જામંગના પ્રયાસો સફળ થયા છે. વિશ્વભરમાં વસતા સુજ્ઞ ચારણો આ પ્રકારની ડિજિટલ વ્યવસ્થાથી આપણાં સાહિત્યથી તેમજ આપણાંથી વિશેષ સ્નેહ અને આદરથી જોડાશે તેમ ચોક્કસ કહી શકાય. ઉપર જેમના નામોનો ઉલ્લેખ છે તે આપણાં પૂર્વસૂર્યો તેમજ અન્ય પણ અનેક કવિઓ – સર્જકોનું સાહિત્ય હજુ પણ ડિજિટલ ફોરમેટમાં રૂપાંતરિત કરવું બાકી છે. આથી તે દિશામાં અનેક આયોજિત પ્રયાસો કરવાની જરૂર છે. જે લોકો આજે આ પ્રયાસો કરી રહ્યા છે તેઓ આપણાં અભિનંદનના અધિકારી છે. Little done but vast undone જેવું આ ક્ષેત્ર છે. જે પ્રયાસો આજે થાય છે તે ઉત્સાહપ્રેરક છે. અનેક ઉગતા પ્રતિભાવંત કવિઓની રચના ‘વોટ્સ અપ’ પર જોઇને અંતરમાં આનંદ તથા ભવિષ્ય માટેની શ્રધ્ધા જન્મે છે. દેવીયાણને ડિજિટલ ફોરમેટમાં આકર્ષક રીતે રજૂ કરનાર રાજેન્દ્ર હેમુભાઇ રત્નુ તથા તેમની ટીમ હવે હરિરસ પર પણ કામ કરી રહી છે તે એક શુભ સંકેત છે. શ્રી હેમુ ગઢવીનું તેમજ ભગતબાપુનું વિપુલ રેકોર્ડિંગ રેડિયો સ્ટેશનમાં ઉપલબ્ધ છે. રાજેન્દ્રભાઇ રત્નુએ તાજેતરમાંજ તેમાનું કેટલુંક આકર્ષક રીતે ડિજિટલ ફોરમેટમાં રજૂ કરેલું છે. હેમુભાઇની ૫૦મી પુણ્યતિથિએ લાખો લોકોએ આ સાહિત્ય માણ્યું હતું તથા ખોબે અને ધોબે વધાવ્યું હતું. આ કાર્ય વ્યાપક રીતે થાય તથા તેમાં સંકલન જળવાય તો ઇચ્છિત પરિણામો સવેળા જોવા મળી શકે તેમ છે. અલગ અલગ રીતે થતા આવા પ્રયાસોની જાણકારી પણ ‘ચારણ’ ના માધ્યમથી તમામ સાહિત્યપ્રેમીઓને કરી શકાય.પૂ. આઇ શ્રી સોનબાઇમા નો તેમની તુલાવિધિ સમયનો સંકલ્પ સાહિત્ય સંવર્ધનનો હતો. એવી પ્રતિતિ થાય છે કે મા ના આશીર્વાદ થકીજ આ કામ નિરંતર ગતિ કરી રહેલું છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment