સંપૂર્ણ ક્રાંતિનું મારું સપનું
જમીન પર સાકાર થયેલું
જોવા, હું તો કદાચ આ
દુનિયામાં નહિ રહું
પરંતુ સમાજનો સૌથી
છેલ્લો માણસ જયારે
આબરૂભેર જીવન જીવી
શકશે, પોતાની શકિત
મુજબ મહેનત કરી શકશે
પોતાની આવશ્યકતા મુજબ
મેળવી શકશે ત્યારે મને
સંતોષ થશે.
- જયપ્રકાશ નારાયણ
દેશની આઝાદી મેળવવા માટેના મહાસંગ્રામના કેટલાક સેનાનીઓ એવા પણ હતા કે સ્વતંત્રતા મળ્યા બાદ રાજકીય સત્તાનો ભાગ બનવાનું તેમણે કદી સ્વીકાર્યું નહિં. કોઇ પદ કે હોદ્દાની તક સામેથી તેમના દ્વારે આવી ત્યારે પણ તેમણે દ્રઢતાપૂર્વક તેનો અસ્વીકાર કર્યો અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. ગાંધીજીના આ અનુયાઇઓ કે સહકાર્યકરોએ ચોકકસ સિધ્ધાંતોનું પાલન કરીને આજીવન સમાજનું માર્ગદર્શન કર્યું અને જરૂર પડી ત્યારે તે માટે સંઘર્ષ પણ કર્યો. રાજનીતિ કરતા લોકનીતિ તેમને પરિવર્તન માટેનું વિશેષ અસરકારક સાધન જણાયું. શ્રી જયપ્રકાશ નારાયણ આવા મહામાનવો પૈકીના એક હતા. ૧૧ ઓકટોમ્બર ૧૯૦૨ના દિવસે બિહારમાં જન્મ લેનાર આ નેતાએ ખરા અર્થમાં દેશનું નેતૃત્વ લગભગ પાંચ દાયકા સુધી કર્યું. મધ્યમવર્ગી કાયસ્થ કુંટુંબમાં જન્મેલા જયપ્રકાશની કેળવણીના અગત્યના વર્ષો અમેરિકામાં ગયા અને ત્યાં જ તેઓ માકર્સવાદની અસર નીચે આવ્યા. ૧૯૨૨ થી ૧૯૨૯ સુધીના વિદેશના અભ્યાસકાળ દરમિયાન તેઓ અનુસ્નાતક થયા. દાદા ધર્માધિકારી કહે છે તેમ જયપ્રકાશ એક એવા ગૃહસ્થ છે કે જેમનું હૃદય સંતનું છે.
વતનમાં પાછા ફર્યા બાદ દેશનું તે સમયનું વાતાવરણ જોઇને તેમણે ગાંધીજીની પ્રેરણાથી શરૂ થયેલા આઝાદી મેળવવા માટેના જંગમાં ઝૂકાવ્યું. ભારતના સામ્યવાદી પક્ષ સાથે વૈચારિક મતભેદ થતા તેઓ કોગ્રેસ સાથે જોડાયા. મજૂરોના પ્રશ્ન બાબત ઊંડી સમજ અને તેમની તે તરફની લાગણીને કારણે કોગ્રેસમાં પણ મજૂર વિભાગની જવાબદારી ઉપાડી. સમાજવાદી વિચારધારાનું મૂળ પણ તેમણે અચ્યુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા જેવા સુપ્રસિધ્ધ વિચારકો-કર્મશીલો સાથે ચર્ચા-વિચારણા કરીને રોપ્યું જે પછીથી એક મહત્વનું પરિબળ બન્યું.
૧૯૪૨ના ‘હિન્દ છોડો’ ના ઐતિહાસિક આંદોલન પ્રસંગે જયપ્રકાશનું વ્યકિતત્વ જાણે કે સોળે કળાએ ખીલી ઉઠયું. તેઓ તે સમયે હઝારીબાગની સેન્ટ્રલ જેલમાં હતા. જેલની ઉંચી દિવાલ કૂદીને તેઓ ભાગી છૂટયા અને ભૂગર્ભમાં રહીને અંગ્રેજ સત્તાને હંફાવી. આ સમયે લોકમાનસ પર અને ખાસ કરીને દેશના યુવાનો પર જયપ્રકાશના નામની તથા તેમના કાર્યોની ઉંડી અસર હતી. અંગ્રેજ સત્તાની સંપૂર્ણ આણ જયારે સમગ્ર દેશ પર પ્રવર્તતી હતી ત્યારે જેલમાંથી ભાગી છૂટયા બાદ લગભગ દસ-અગિયાર મહિના સુધી જયપ્રકાશ આઝાદીના જંગનું નેતૃત્વ ભૂગર્ભમાં રહીને કરી શકયા તે આશ્ચર્ય અને અહોભાવ જન્માવે તેવી ઘટના છે. જો કે ફરી ધરપકડ થયા બાદ લાહોરની જેલમાં બ્રિટીશ સરકારે તેમની સાથે અમાનવીય વ્યવહાર કર્યો તે જાણીતી બાબત છે.
જયપ્રકાશ અને પ્રભાવતીદેવીનું દાંપત્ય જીવન પણ પરસ્પર સન્માન અને સહયોગના એક જવલંત ઉદાહરણ સમાન છે. પ્રભાવતી ગાંધીજીના સમર્પિત અનુયાઇ અને જયપ્રકાશ દરેક બાબતને તર્કની સરાણે ચડાવીને જ સ્વીકારનારા સ્વતંત્ર મિજાજના માનવી. પરંતુ ઊભય પક્ષે સંપૂર્ણ સમજદારી તથા શાલિનતા હોવાથી એકબીજાના વૈચારિક સ્વાતંત્રયમાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ બંન્નેમાંથી કોઇએ પણ કર્યો નહિં. ખરા અર્થમાં એક આદર્શ દાંપત્યનું દ્રષ્ટાંત તેઓએ ભાવી પેઢીઓ સમક્ષ મૂકયું. દાદા ધર્માધિકારી લખે છે તેમ જય-પ્રભાની જોડ અજોડ છે.
એક કાળે જેમનું નામ નહેરુના અનુગામી તરીકે લેવાતું હતું તેવા જયપ્રકાશે કેન્દ્રના મંત્રીમંડળમાં જોડાવાનું નિમંત્રણ ન સ્વીકારીને સમાજ ધડતરના મુશ્કેલ કામમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું. સત્તા મેળવવાની રાજરમતમાં તેમનો જીવ કદી ઠર્યો નહિં. જીવનભર માનવ ગરિમાની પુનઃપ્રતિષ્ઠા કરવામાં તેમણે અંતરનો આનંદ અને ઉમળકો બતાવ્યા. વિનોબાજી પ્રેમપૂર્વક કહેતા કે જયપ્રકાશ એ આપણાં સર્વોદય આંદોલનમાં જોડાયેલા સંત છે. સંત જેવા આ મહાપુરુષના પ્રામાણિક પ્રયાસોથી જ બિહારના ઘણાં નકલવાદીઓનું હૃદય પરિવર્તન થયું તથા ચંબલ વિસ્તારના ખૂંખાર ડાકૂઓએ આત્મસમર્પણ કર્યું. ૧૯૭૪માં બિહારના છાત્રોએ તેમનું માર્ગદર્શન માગ્યું અને ભારતીય રાજનીતિના એક નવા મોડ ઉપર જયપ્રકાશના સ્વરૂપે નૂતન ક્રાંતિનો સૂર્ય ઝળહળી ઉઠયો. ૭૦ થી ૮૦ ના આ દસકામાં ૧૯૪૨ના સ્વાતંત્રય સંગ્રામના અનુભવી વીરનાયક જયપ્રકાશ ફરી લોકનાયક તરીકે પ્રસ્થાપિત થયા અને યુવાવર્ગનું માર્ગદર્શન કર્યું. સફળતા અને નિષ્ફળતાથી અલગ રીતે તેમનું વૈચારિક વ્યકિતત્વ હંમેશા સતત વિકસતુ જોવા મળે છે.
મહાત્મા ગાંધીએ એકવાર કહેલું કે સમાજવાદ વિશે જે જયપ્રકાશ નથી જાણતા તે આ દેશમાં બીજું કોઇ નથી જાણતું. ગાંધીજીએ એમ પણ લખ્યું કે જયપ્રકાશના કેટલાક મંતવ્યો સાથે તેઓ સંમત નથી પરંતુ તેમની અખૂટ દેશભકિત દરેક બાબતમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. નખશિખ માનવતાવાદી લોકનાયક જયપ્રકાશ નારાયણે પોતાના કાર્યોથી દેશના ગૌરવશાળી ઇતિહાસમાં એક અનોખું સ્થાન અને માન પ્રાપ્ત કર્યા છે. ગાંધીજી અને શાસ્ત્રીજી સાથે ઓકટોમ્બર માસમાં જયપ્રકાશજીનું સ્મરણ એક અનોખા આનંદ તેમજ ગૌરવની અનુભૂતિ કરાવે છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment