મેઘાણીભાઇને શ્રાવણની ભીનાશ જન્મ લેતાજ પ્રાપ્ત થઇ અને જીવનભર જળવાઇ રહી. ૧૮૯૬ ના ઓગસ્ટની ૨૮ મી તારીખે શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો. તેમની વિશેષ સ્મૃતિ આ માસમાં થયા કરે છે. દૂભ્યા – દબાયેલા ભાંડુઓની વેદના સાથે ક્ષણમાત્રમાં એકત્વ અનુભવી શકનાર મેઘાણી જેવા સંવેદનશીલ સર્જકની કલમેજ આ શબ્દો પ્રગટી શકે.
પીડિતની આંસુડાધારે હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગધગતા નિશ્વાસે નિશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ
ધરતીના ભૂખ્યા કંગાળોના ગાલે
છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાઓની માતાના ભાલે
મલકાયો કસુંબીનો રંગ
રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
દર્શક મેઘાણીભાઇની સાહિત્યકાર તરીકેની શક્તિને બીરદાવતા કહે છે કે સમાજમાં જેમની ગણના સામાન્ય લોકો તરીકે થાય છે એવા વિશાળ માનવ સમુદાયમાં રહેલી ખાનદાની તથા મૂલ્યનિષ્ઠાની અનેક ઉજળી વાતો મેઘાણીએ આપણી સમક્ષ રજૂ કરી છે. સમાજમાં જે શિક્ષિત તથા અશિક્ષિત તેમજ સાધન સંપન્ન તથા સાધન વિહોણા વચ્ચેની ઊંડી ખીણ છે તેના સેતુ બનવાનું કાર્ય મેઘાણીભાઇએ અંતરના ઉમળકાથી કર્યું. ભેદની ભીંતુને ભાંગવાનો મેઘાણીનો આજીવન પ્રયાસ તેમને સાહિત્યના ઇતિહાસમાં અનોખું સ્થાન અપાવે છે.
ભેદની ભીંતુને આજ મારે ભાંગવી
મનડાની આખરી ઉમેદ.
લોકસાહિત્યના સંપાદનનું કામ તથા આવા સંપાદિત કરેલા સાહિત્યને ફૂલમાળમાં ગોઠવવાનું કામ ધીરજ તથા પરિશ્રમ સિવાય થઇ શકે તેવું નથી. મેઘાણીભાઇને આ બાબતની પૂરી પ્રતિતિ હતી અને તેથી તેઓ આ કાર્ય કરી શક્યા. રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે તેઓએ પોતાને મળેલા સન્માનના પ્રત્યુત્તરમાં પૂરા વિવેક તથા ગૌરવથી કહ્યું કે તેમને મળેલું સન્માન આ સત્વશીલ સાહિત્યનું સન્માન છે. મેઘાણીભાઇનો જીવનદીપ અકાળે ઓલવાઇ ગયો તે સાહિત્ય જગતને પડેલી અસાધારણ ખોટ હતી. મેઘાણીની રચના રજૂ ન થઇ હોય તેવો લોકસાહિત્યનો એકપણ કાર્યક્રમ ભાગ્યેજ જોવામાં આવે છે. કારણ સ્પષ્ટ છે. શબ્દના આ સાધકની ગુણવત્તાજ સૌથી નિરાળી હતી. કવિ શ્રી કાગે લખ્યું છે.
માંડી મેઘાણી હૈયે વાણીની હાટડી
કદી કાળો કાળાણી
વેપાર ન કીધો વાણીયા !
થોડા દિવસો પહેલાજ ભાઇ પિનાકી મેઘાણીએ એક સીડી મોકલાવી હતી. ‘‘ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે’’ એવા શિર્ષક હેઠળ મેઘાણી રચિત શૌર્યગીતોનો આ મનભાવન સંગ્રહ છે. રચનાઓ તો ઉત્તમ તથા આકર્ષક છે જ પરંતુ આપણા આજના લોકપ્રિય કલા મર્મજ્ઞ અભેસિંહ રાઠોડ તથા કલ્યાણી કૌઠાળકર વગેરેએ પોતાના કંઠની મધુરતા પણ આ રચનાઓની પ્રસ્તુતિમાં ઘૂંટી ઘૂંટીને ભરેલી છે. તુષાર જોશીએ અસરકારક રીતે વાત માંડી છે અને પંકજ ભટ્ટે સંગીતનું મેઘધનુષ્ય રચેલું છે. આજે પણ આ રચનાઓ તેના સાંભળનારને આપણા મુક્તિ સંગ્રામના અનેરા જુસ્સાનું જીવંત દર્શન કરાવે છે. મેઘાણીની રચનાઓ સ્થળ – કાળના બંધનોમાં બાંધી શકાય તેવી નથી. મેઘાણીના સર્જનો સદાકાળ શ્રાવણીયા રહેશે – લીલાછમ્મ રહેશે. કવિ શ્રી દાદે લખેલા શબ્દો આ બાબતને સુંદર રીતે રજૂ કરે છે.
ગાજે સમદરના પાણી
ઘટોઘટ એમ મેઘાણી.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment