ઓગસ્ટ મહિનામાં દેશ આઝાદ થયો તે એક ચિરંજીવી સ્મૃતિ છે. સ્વતંત્રતા એ શબ્દમાંજ એક અનોખા રોમાંચનો અનુભવ થાય છે. મેઘાણીભાઇએ લખ્યું હતું.
તારા નામમાં ઓ સ્વતંત્રતા
મીઠી આ શી વત્સલતા ભરી
મુડદા મસાણેથી જાગતાં
એવી શબ્દમાં શી સુધા ભરી !
જો કે એ વાત સમજી શકાય કે ઓગસ્ટ-૧૯૪૭ પહેલા તથા તેની આસપાસના કાળના શાક્ષી બનેલા લોકોને સ્વતંત્રતાની એ અદ્દભૂત ક્ષણની વિશેષ અનુભૂતિ તે સમયના માહોલને કારણે થઇ હશે. એવી અનુભૂતિ કદાચઆજે ન થાય તો પણ પરાધિન દેશ માટેની એ સુવર્ણઘડીની સ્મૃતિ આજે પણ ગૌરવનો અનુભવ કરાવી શકે તેવી છે. સ્વાતંત્ર્ય સંગ્રામની વેદી પર જે અનેક લોકોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા તેમાં આપણાં ઘરદીવડાઓ પણ છે. સુભાષબાબુ, ભગતસિંહ કે વીર સાવરકરના નામો સમાજને વિશેષ સુપરિચિતલાગે તો તે ઉચિત છે. પરંતુ આપણાં પ્રદેશના – આપણા આસપાસના નગરના કેટલાક વીરોની સ્મૃતિ સ્વાતંત્ર્ય પર્વ નીમિત્તેથાય છે. શહીદ વિનોદ કિનારીવાલા એ આવું એક ઉજળું નામ છે. અમદાવાદની ગુજરાત કોલેજ અનેક કારણોસર ઐતિહાસિક છે. તેમાનું એક મહત્વનું કારણ યુવાન શહીદ વિનોદ કિનારીવાલાનું મુક્તિ સંગ્રામમાં સમર્પણ તથા તેની અમર ખાંભી છે. આ વીરના બલિદાનના સમયે તેની માત્ર અઢાર વર્ષની વય એ અહોભાવ પ્રગટાવે તેવી બાબત છે. વિશ્વના અનેક દેશો પર સત્તા ભોગવતી પ્રચંડ શક્તિશાળી સરકારને રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવા માટે પડકારનાર આ નવયુવાન કોઇ જૂદી માટીનો માનવી હશે. ૧૯૪૨ના ઓગસ્ટની દસમી તારીખે એકઠા થયેલા સમૂહમાં વિનોદ પણ સામેલ છે. Quit India તથા ઇન્કલાબ ઝિંદાબાદના ગગનભેદી નારાઓ સમૂહસ્વરમાં ઉઠે છે. ગુજરાત કોલેજના મેદાનમાં જે કેટલાક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ છે તેમાં વિનોદ છે. વિનોદના હાથમાં રાષ્ટ્રધ્વજ છે તેથી તે વિશેષ ધ્યાનમાં આવે છે. આમ તો દેશનું તે સમયનું વાતાવરણ charged થયેલ હતું. ભારત છોડોનું આખરીનામું મુંબઇથી મહાત્માએ આપેલું તેના પડઘા દેશના દરેક ભાગમાં પડેલા છે. કાર્ય સાધવું કે દેહ પાડવો (કાર્ય સાધયામિ વા દેહં પાતયામિ) એવી રાષ્ટ્રીય ભાવના ઊભી કરવામાં સાબરમતીના સંત સફળ થયા છે. લખનૌ, મદ્રાસ, કરાંચી તથા કલકત્તામાં પણ અમદાવાદની જેમ યુવાનોએ લડતનો દોર સંભાળ્યો છે. દાદા સાહેબ માવળંકર, જીવણલાલ દેસાઇ, નીરુ દેસાઇ જેવા અમદાવાદના આગેવાનોને બ્રિટીશ સરકારે જેલા ભેગા કરેલા છે. આથી ૧૮ વર્ષના આ દૂધમલિયાવીરને રાષ્ટ્રધ્વજ સાથે ટોળામાં આગળ ઊભેલો જોઇ ગણવેશધારી અધિકારીઓને ખૂન્નસ ચડે છે. કવિ ઉમાશંકર લખે છે.
ગોરો આયો, બની ઘુરાયો
સાથે લશ્કર લાયોજી
કિનારીવાલા દૂધમલ લાલા
દોડી આગળ આવ્યોજી.
ગગનભેદી સૂત્રો વચ્ચે પોલીસે લાઠીચાર્જ શરૂ કર્યો. ગોળીઓ છોડવાની ધમકી ઉચ્ચારી. મુક્તિ સંગ્રામ માટેના સંઘર્ષના ભાગ તરીકે જે સરઘસ નીકળ્યું હોય તેમાંથી ભાગી છૂટવું એ લાંછન છે એવા પિતાજીના શબ્દો વિનોદના હૈયામાં કોતરાઇ ગયેલા છે. વિદ્યાર્થીઓ તથા પોલીસ વચ્ચેનું ઘર્ષણ ઉગ્ર બને છે. ગુજરાત કોલેજના તે સમયના વિદ્વાન પ્રાધ્યાપક દાવર તથા પ્રાધ્યાપક ધીરૂભાઇ ઠાકરની વાત કાને ધરવાની ધીરજ પોલીસને રહી નથી. અંતે ગોરા અમલદારે છોડેલી ગોળી ધ્વજનું સન્માન સાચવીને અડિખમ ઊભેલા વિનોદની છાતીમાં ધરબાઇ જાય છે. એક ખીલતું પુષ્પ સરસ્વતી મંદિરની શાક્ષીએ અકાળે વિલાય છે.
વિનોદ કિનારીવાલાની સ્મૃતિમાં અમદાવાદના વિદ્યાર્થીઓને સંબોધતા સરદાર પટેલ વિનોદને યુવાનોના આદર્શ તરીકે ગણાવી ભવ્ય અંજલિ આપે છે. વિનોદના વીરત્વને જયપ્રકાશ નારાયણ ભાવપૂર્વક બીરદાવે છે. કોઇના લાડકવાયા આ વીરની સ્મૃતિને જીવંત રાખતી સમાધિ આજે પણ ઉન્નત મસ્તકે ઊભી છે.
વી. એસ. ગઢવી
ગાંધીનગર.
Leave a comment