વડતાલમાં સદ્દગુરુ સ્વામી બ્રહ્માનંદજી શ્રીજી મહારાજની આજ્ઞાથી સ્વામીનારાયણ મંદિરના નિર્માણનું કાર્ય કરતા હતા. મહારાજની તો આજ્ઞા એવી હતી કે વડતાલના તળાવ પર નાનું એવું હનુમાનજીનું મંદિર છે તેવું નાનું મંદિર કરવું પરંતુ આ તો બ્રહ્માનંદ સ્વામી હતા. જેવી વિચારોની તથા વ્યક્તિત્વની વિશાળતા હોય તેની જ પ્રતિકૃતિ તેમણે હાથ પર લીધેલા કાર્યમાં પણ દેખાય. સ્થાનિક હરિભક્તોના સંપૂર્ણ સહયોગથી તેમણે તો શિખરબંધ ભવ્ય મંદિરનો પાયો ગળાવ્યો. શ્રીજી મહારાજને આ સમાચાર મળ્યાં. મહારાજને બ્રહ્માનંદ સ્વામીમાં પોતાના ઉત્તમ ભક્ત ઉપરાંત પ્રિય સખા (મિત્ર) ના દર્શન પણ થયા હતાં. આથી બ્રહ્માનંદ સ્વામીને સાવધ કરવા શ્રીજી મહારાજે એક સાખી લખીને મોકલી. આ સાખીમાં જગતના વ્યવહારૂ ડાપણનો ભાવ જોઇ શકાય છે.
અપની પહોંચ બિચારકે કરિયે તેતી દોડ,
તેતા પાઉ પસારીયે, જેતી લંબી સોડ.
સદ્દગુરુ શ્રી નિત્યાનંદ સ્વામીએવડતાલ જઇને બ્રહ્માનંદ સ્વામીના હાથમાં શ્રીજી મહારાજના આવા સંદેશનો કાગળ મૂકયો. શ્રીજી મહારાજમાં જેમની નિષ્ઠા સંપૂર્ણ રીતે સમર્પિત થયેલી છે તેવા આ સંન્યાસી સુજાણ તેમજ હાજર જવાબી હતા. આથી પોતાના ઇષ્ટદેવને તેઓ પણ એક નાની એવી સાખીમાં જવાબ મોકલાવે છે. આ જવાબમાં નિષ્ઠા, શ્રધ્ધા તથા આત્મવિશ્વાસનો રણકો સંભળાય છે.
સાહેબ સરિખા શેઠિયા, બસે નગર કે માંહી,
તાકે ધનકી કયા કમી ? હુંડિ ચલે નવખંડ માંહી.
આમ જૂઓ તો નરસિંહને કયાં ખબર હતી કે શામળશા નામના કોઇ શેઠની પેઢી ચાલે છે કે કેમ ? છતાં પણ હુંડી લખવામાં નરસિંહની ભક્તિનો આત્મવિશ્વાસ પ્રગટ થતો હતો. શ્રધ્ધાના બળ થકી નરસિંહ અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો જગતમાં ઉજળા જીવતર ગાળીને ગયા. અહીં ચમત્કારની વાતને ગૌણ ગણીએ તો પણ ભક્ત હ્રદયમાં શ્રધ્ધાની સ્થિરતા થયેલી દેખાય છે તેનું મહત્વ વિશેષ છે.
મધ્યયુગના સંતોની વાણીમાં ભક્તિનું પ્રાધાન્ય રહેવા પામ્યું છે. ઉપનિષદોની જ્ઞાનવાણીનું સત્ય આ સંતવાણી થકીજ ઘર ઘર સુધી તેમજ જન જન સુધી પહોંચી શક્યું છે. કબીર – જ્ઞાનદેવ કે નરસિંહના પદોએ સમાજને ઉજળા જીવતરના અખંડ પાઠ ભણાવ્યા છે. જગતમાં જ્યાં તેમને અયોગ્ય કે અન્યાયી લાગ્યું તેની સામે તેમણે સંઘર્ષનું રણશિંગુ ફૂંક્યું છે. આ સંતો સંપ્રદાયના વાડામાં પૂરાઇને રહેલા નથી. નિજાનંદે ઇશ્વરની આરાધનાના માર્ગે સહજભાવે સાહિત્યનું નિર્માણ તેમણે કરેલું છે. આથી આવા સર્જનોની અપીલ આજે પણ અસરકારક રહી છે. ગાંધીજીએ દિલીપકુમાર રોયને આપેલા એક પ્રકાશિત થયેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે મીરાબાઇ જેવા સર્જકોના સર્જનો આપણાં અભ્યાસક્રમોમાં રહેવા જોઇએ. જેટલું જોઇએ તેટલું મહત્વ આપણાં શિક્ષણમાં મીરાબાઇ જેવા સંત સર્જકોનું નથી તે અંગે ગાંધીજીએ ચિંતા વ્યક્ત કરી હતી.
વસંતપંચમી હવે નજીકમાં છે ત્યારે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામિની સ્મૃતિ થવી તે સ્વાભાવિક છે. સ્વામીનું સંસારમાં આગમન વસંતપંચમીના દિવસે આબૂ પર્વત પાસેના બાણ ગામમાં સંસ્કારી ચારણ પરિવારમાં થયું હતું. બ્રહ્માનંદ સ્વામિની સાથેજ ભૂજ (કચ્છ) ની વ્રજભાષા પાઠશાળાનું પવિત્ર તથા ફળદાયી અનુસંધાન પણ સ્વાભાવિક રીતેજ યાદ આવે છે. કાવ્યશાસ્ત્ર તેમજ અન્ય પ્રકારના શાસ્ત્રો – સંહિતાઓનું શિક્ષણ આપતી ભૂજની આ મહારાઓ લખપતજી પાઠશાળાની કીર્તિ ખૂબજ ફેલાયેલી હતી. આથીજ રાજસ્થાનની બ્રહ્માનંદ સ્વામીને શિક્ષણ – તાલીમ માટેભૂજ મોકલવામાં આવ્યા. મધ્યયુગના સંતોની ઉજળી આકાશગંગામાં બ્રહ્માનંદ સ્વામીનો સિતારો ઝળહળે છે. સ્વામી શ્રી અવિનાશાનંદે બ્રહ્માનંદ સ્વામી માટે એક દોહો લખીને તેમને સૂર્ય સમાન દૈદિપ્યમાન ગણાવ્યા છે.
બ્રહ્મમૂનિ ભાનુ સમ મુક્ત પ્રેમ દો ચંદ,
ઔર કવિ ઉડુગન સમા કહે અવિનાશાનંદ.
સૂર્ય સમાન તેજસ્વીતા ધરાવનારા સદ્દગુરુ બ્રહ્માનંદ સ્વામી મહારાજ શ્રી સ્વામીનારાયણનું શિષ્યપદ મેળવીને પ્રથમ શ્રીરંગ કવિ તરીકે ઓળખાયા. પછીથી બ્રહ્માનંદ સ્વામી તરીકે તેઓ સંપ્રદાયમાં તથા સંપ્રદાય બહારના અનેક સાહિત્ય રસિકોમાં જાણીતા તથા માનીતા બન્યા. વડતાલ, જૂનાગઢ તથા મૂળીનગરમાં ટાંચા સાધનો હોવા છતાં અપ્રતિમ સૂઝ તથા શ્રધ્ધાના બળે તેમણે શિખરબંધ મંદિરો બનાવ્યા. ભગવાન સ્વામીનારાયણની કૃપા તથા અનેક હરિભક્તોના હેતથી આવા ઉજળા કાર્યો સંપન્ન કરી શકયા. પરમ ભક્ત તથા સુવિખ્યાત કવિ સ્વર્ગિય માવદાનજી રત્નુએ બ્રહ્મસંહિતાના માધ્યમથી સ્વામીજીના જીવન-કવન સમાજ સમક્ષ પ્રસ્તુત કરેલા છે. સુરેન્દ્રનગરના સ્વામી શ્રી શાસ્ત્રી નારાયણસેવાદાસજીએ પણ બ્રહ્માનંદ સ્વામીના દ્વિશતાબ્દી મહોત્સવ (૧૯૯૮) નિમિત્તે “ બ્રહ્મવિલાસ ” નું સુંદર પ્રકાશન કરીને બ્રહ્માનંદ સ્વામીની મહામૂલી પ્રસાદીનું વિતરણ કરવાનું ધન્ય કાર્ય કરેલું છે.
બ્રહ્માનંદ સ્વામીની અનેક પ્રકારની રચનાઓમાં ગરબીનો પણ સમાવેશ થાય છે. સ્વામીએ ભૂજની વ્રજભાષા પાઠશાળામાં સાહિત્યનું તથા શાસ્ત્રોનું વિધિસરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોવાથી તેમની રચનાઓની બાંધણીમાં આ બાબત પણ સ્પષ્ટ થતી દેખાય છે. જેમણે જગતના નાથ સાથે અનુસંધાન કરેલું છે તેને દૂનિયાના સગપણો આપોઆપ છૂટી જાય છે તેવો મીરાબાઇના પદોનો ભાવ સ્વામીના કિર્તનોમાં પણ જૂદી છટાથી ઝીલાયો છે.
રે સગપણ હરિવરનું સાચું
બીજું સરવે ક્ષણભંગુર કાચું
છે વરવા જેવા એક વનમાળી રે ….
રે થીર નહિ આવરદા થોડી,
રે તુચ્છ જાણી આશા ત્રોડી
રે જગના જીવન સાથે જોડી રે….
રે ફોગટ ફેરા નવ ફરીએ
રે પરઘેર પાણી શું ભરીએ ?
રે ભૂધર ભેટ્યા ભય ભાગ્યો,
મેં સહુ સાથે ત્રોડો ધ્રોગો,
એ રસીક રંગીલાથી રંગ લાગ્યો રે …
રે એવું જાણી સગપણ કીધું
રે મ્હેણું તો શિર ઉપર લીધું
બ્રહ્માનંદનું કારજ સાધ્યું રે …
પરમ કૃપાળું પરમાત્મા સાથેનો એકતા ભાવ સ્વામીના પદમાંથી કુદરતી ઝરણાંની જેમ વહે છે. ભક્ત હ્રદયને વરવા જેવા એક વનમાળી જ લાગે છે અને તેથી તે સગપણમાં જ તેઓ જીવનની યથાર્થતાનો અનુભવ કરે છે. હરિ સાથેનું અનુસંધાન થયા પછી સઘળા સાંસારીક સંબંધ-સંપર્કની મમતાનો અંત આવ્યો હોય તેમ સદ્દગુરુને લાગે છે. મમતાને કારણે મોહ તથા મોહ થકી ભય ઉત્પન્ન થાય તેમાંથી ભક્તને સહજ મુક્તિ મળી છે. કારણ કે ભૂધરને ભેટ્યા પછી કોઇ ભય રહી શકતો નથી.
આપણી સંતવાણીની સરળતાને કારણે તેને વ્યાપક લોક સ્વીકૃતિ મળેલી છે. આ વાણીમાં વિચાર સાથે જોડાયેલું મજબૂત કાવ્યતત્વ તો હોય છે પરંતુ કોઇ આંટીઘૂંટી સિવાય સીધેસીધી વાત કરવાની સુંદરતા આ પદોમાં જોઇ શકાય છે. એક પ્રકારની અપ્રતિમ દ્રઢતા તેમજ નિર્ણયાત્મકતાનો પણ ભાવ પૂરા વિવેક સાથે પ્રગટ થતો જોવા મળે છે.
રે શીરપર જો બીજો ધારું
રે તો બગડે જીવીત મારું
હું જીતી બાજી હવે કેમ હારું
રે લગની તો હરિવરથી લાગી.
રોજીંદા જીવનમાંથી અનેક પ્રસંગોએ જયારે શ્રધ્ધાનો-વિશ્વાસનો તંતુ નબળો પડે છે ત્યારે અનેક કલ્પિત પ્રશ્નો કે સમસ્યાઓ પણ મનને ઘેરી વળે છે તેવો એક અનુભવ છે. શાસ્ત્રોની જ્ઞાનવાણી તથા સંતોની સંતવાણી આવી સ્થિતિ સામે મક્કમ થવાની કે ટકી રહેવાની શક્તિનો અહેસાસ કરાવે તેવી તેની આંતરિક ક્ષમતા છે. ઉપાય કદાચ નાનો કે સામાન્ય લાગે પરંતુ પરિણામ નક્કર તથા ઊંડું હોય છે. બ્રહ્માનંદ સ્વામીના અનેક પદોમાં પરમ તત્વ સાથેના અનુસંધાનની વાત સ્વાભાવિક ઢબે છતાં સોંસરવી ઉતરવે તેવી વાણીમાં કહેવામાં આવી છે. સ્વામીને મહારાજની શક્તિમાં પૂર્ણ વિશ્વાસ છે. ભક્ત કવિ દયારામના શબ્દોમાં પણ વિશ્વાસ તથા શ્રધ્ધાનો ભાવ જ પ્રગટ થાય છે.
પોતાની મેળે જ ભક્તની
ભીડ ભાંગવા જાય રે
જન અજ્ઞાન ન હારદ સમજે
માટે અવગુણ ગાય રે
જેમ બને તેમ સમરો શ્રીજી
દયા દોષ ન ધરશો રે
રાધાવર સહું રૂડું કરશે
સહજ શરણથી તરશો રે
***
Leave a comment