: બનારસ અને બળવંતરાય :

સબ સુખીહો ભદ્ર સબહો, 

પુણ્ય દેશ પુકારતા હૈ, 

‘‘ભાવરંગ’’ સ્વભાવત: 

યહ ભારતીય ઉદારતા હૈ !

ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય છે. અર્થસભર જીવનની શતાબ્દી તરફ આ મહાનુભાવ પગલાં માંડી રહેલા છે. તા.૨૩ નવેમ્બર-૨૦૧૪ ના રોજ તેમની કેટલીક રચનાઓ તથા સ્વરાંકનો સાંભળીને હાજર રહેલા સૌ ભાવવિભોર થયા હતા. પંડિત બળવંતરાય ભટ્ટ તથા તેમના ગુરુ તથા ગુજરાતનું ગૌરવ એવા પંડિત ઓમકારનાથજી ઠાકુર બાબતમાં એક ઐતહાસિક પ્રસંગ વિશે શ્રી રાજેન્દ્રભાઇ ભટ્ટે ધ્યાન દોર્યું હતું. ૧૫ ઓગસ્ટ – ૧૯૪૭ ના દિવસનો આનંદ સમગ્ર દેશમાં એક અથવા બીજા પ્રકારની ભવ્ય ઉજવણીના માધ્યમથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ શુભ દિવસની પરોઢે સ્વાધીન બનેલા દેશના ઓલ ઇન્ડીયા રેડિયોએ પ્રસારણની શરૂઆત કરી તે યાદગાર ક્ષણ હતી. સ્વાધીન દેશના તથા ઓલ ઇન્ડિયા રેડિયોના આ પ્રથમ પરોઢે ‘‘વંદેમાતરમ’’ રજૂ થયું અને તે રજૂ કરનાર પંડિત ઓમકારનાથજી તથા પંડિત બળવંતરાય ભટ્ટ હતા. બન્ને સમગ્ર દેશના તથા ગુજરાતી હોવાથી વિશેષત: ગુજરાતના આભૂષણ સમાન વ્યક્તિઓ હતા. જોગાનુજોગ જેમની મંજૂરીથી આ પ્રસારણ શરૂ થયું તે પણ ઓલ ટાઇમ ગ્રેઇટ ગુજરાતી સરદાર વલ્લભભાઇ પટેલ હતા. આ મંજૂરી તેમણે સ્વતંત્ર દેશના પ્રથમ માહિતી તથા પ્રસારણ મંત્રી તરીકે આપી હતી. 

બનારસનું નામ લેતાંજ પતિતપાવની સરીતા તથા યુગોથી માતૃ સ્વરૂપા ગણાય છે તે ગંગામૈયાનું સ્મરણ થાય. બનારસનું નામ લેતાં ગંગા ઉપરાંત કેટલાક તેજસ્વી તારકોનું પણ સ્મરણ થાય. ઉસ્તાદ બિસમિલ્લાહખાન, ગિરિજા દેવી, રાજન-સાજન મિશ્રા તેમજ એક અને અદ્વિતિય પંડિત રવિશંકર જેવા સાધકોની સાધનાના તપથી આ શહેર ઉજળું તથા ઉન્નત બનેલું છે. પરંતુ આ બધામાં એક નામ સૌ સંગીતપ્રેમીઓને તથા દરેક ગુજરાતીને અચૂક યાદ આવવું જોઇએ તે પંડિત બળવંતરાય ભટ્ટનું ધન્યનામ છે. આ સવાયા કાઠિયાવાડી (ભાવનગર) ગુજરાતીએ આપણાં પ્રદેશ તથા આપણી ભાષાને ગૌરવ પ્રદાન કરેલું છે. સંગીતની સાધનાનો ભેખ પહેરીને જીવનના નવ દાયકા પસાર કરી જનાર પંડિતજી માટે આદરભાવ થવો સ્વાભાવિક છે. કેટલાક ગુજરાતી ગીતોની રચનાઓ તા.૨૩/૧૧/૨૦૧૪ ના અમદાવાદમાં યોજવામાં આવેલા ગરીમાયુક્ત કાર્ક્રમમાં સાંભળી અને તેથી વિશેષ આનંદ થયો. હવે જ્યારે જ્યારે બનાસરનો ઉલ્લેખ થશે ત્યારે તેજ પુંજ સમાન પંડિત બળવંતરાયની સ્મૃતિ સહેજે મનને પ્રફુલ્લિત કરવા આવી જશે. તેમના દીર્ઘ તથા સ્વસ્થ જીવન માટે ઇશ્વરને પ્રાર્થના કરવાનો આ શુભ અવસર છે. પંડિત બળવંતરાય ભટ્ટના વિદુષી પુત્રી ડૉ. સ્વરવંદના શર્મા તથા પંડિતજીના પુત્ર શ્રી રાહુલ ભટ્ટ પણ સંગીતની અખંડ સાધનાને સમર્પિત અને સક્રિય છે તે જોઇ – જાણીને વિશેષ આનદ થયો. ગંગાના પ્રવાહની જેમ પંડિત બળવંતરાય ભટ્ટની સંગીતયાત્રા અદ્વિતીય તથા અભૂતપૂર્વ છે.  

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑