રાષ્ટ્રીય શાયર તરીકે સુવિખ્યાત થયેલા શ્રી ઝવેરચંદ મેઘાણીએ માત્ર સૌરાષ્ટ્રની રસધાર લખી હોત તો પણ તેઓ સાહિત્યના ઇતિહાસમાં અમર થયા હોત. પરંતુ મેઘાણીભાઇએ રસધાર ઉપરાંત સંશોધનના ક્ષેત્રમાં તથા સાહિત્યના અનેક સ્વરૂપોમાં અમૂલ્ય યોગદાન આપ્યું. મેઘાણીભાઇના સર્જન લોકહૈયે વસેલા છે. તેના મૂળમાં સર્જનોમાં રહેલા સત્વ તથા ઉજળા મૂલ્યોની અમૂલ્ય વાતોમાં છે. કવિની શીખ એવી છે કે જીવનમાં જે સુખના કે આનંદના અનુભવો થાય તે સૌને વહેંચવા પરંતુ જીવનની તકલીફો કે પીડાઓની વાત જગતને વહેંચતા ફરવું નહિ. મેઘાણીભાઇએ આ વાત તેમની સુપ્રસિધ્ધ રચના ‘‘એકલો’’ (૧૯૩૪) માં આલેખી છે.
તુજ સુખની મહેફિલમાં તું સહુને નોતરજે,
પણ જમજે અશ્રુનો થાળ એકલો,
હોંશીલા જગને હસવા તેડું કરજે,
સંઘરજે ઉરની વરાળ એકલો.
તુજ દ્વારે દ્વારે દીપકમાળ ચેતવજે,
ગોપવજે દિલ-અંધારા એકલો,
બીજાને આંગણ અમૃત-ઝરણાં રેલવજે,
પી લેજે વિષ તારા તું એકલો.
તુજ ગુલશનના ગુલ જે માંગે તેને દેજે
ને સહેજે સર્પોના દંશ એકલો,
કીર્તિની કલગી સહિયારે કર દેજે,
ભોગવજે બદનામી-અંશ એકલો.
દિલ દિલની દુ:ખ – વાતો દિલસોજીથી સુણજે,
ચૂપ રહેજે કાપી જબાન એકલો,
કો થાકેલા પગની કાંકર ચૂમી લેજે,
કદમો ભરજે કંટક પર એકલો.
જગતભરના વહાલા બાળકો માટે પવિત્ર નાતાલ પર્વના શુભારંભે સાંતાક્લોસ (સંત નિકોલસ) આવે છે તે ખુશીના ખજાનાસાથેજ વાજતેગાજતે પધરામણી કરે છે. સાંતાક્લોસ ખુશી વહેંચે છે તથા પ્રસન્નતા પ્રસરાવે છે તેથી તેમની દુનિયા રાહ જૂએ છે. અહીંપણ કવિ સૌને સુખની મહેફિલમાં આવવા માટેનું નિમંત્રણ આપવા કહે છે. આંસુઓ પીવાનો વખત આવે ત્યારે તો પોતેજ પી જવાના હોય છે. જગત હોંશીલું છે અને સુખની ક્ષણોમાં ભાગીદારબનવા તત્પર છે. પણ ઊરની વરાળ તો સ્વયં પચાવવી પડે છે. જીવનના સમુદ્રમંથનના પરિણામ રૂપે મોતી મળે તો તેમાં ભાગ પડાવવા અનેક લોકો પ્રતિક્ષામાં રહે છે. પરંતુ અમૃત તથા મોતી સાથેજ અભિન્ન રીતે વણાયેલા વિષને પીવાતો સ્વયં શિવ બનવું પડે છે. જીવનની ગતિ આજ છે. અનેક સંતોએ આ કરી બતાવ્યું છે. આ પ્રકારનું મનોવલણ હોય તોજ આવું વીરકર્મ થઇ શકે. કવિ શ્રી દુલા ભાયા કાગ પણ તેમની એક જાણીતી રચનામાં આવી લાગણીનોજ પડઘો પડે છે.
ખુશખુશના મેવાને સહુ આગળ ધરી દેજે
ભરી લેજે ઊનો નિસાસો એકલો,
ચૌદ રત્નો મંથનના વિષ્ણુને દઇ દેજે,
શિવ થાજે સાગર કિનારે એકલો.
હુંશિયારીની ગાંસડીઓ સૌને બંધવજે,
છેતરાજે સમજ્યા છતાં તું એકલો,
કોઇ રક્તોના તરસ્યાની તૃષ્ણા ઓલવવા,
તું પાજે તારા રુધિર એકલો.
મેઘાણીભાઇનું આ કાવ્ય જગતમાં જીવવા માટેના વિધાયક પાઠ શીખવે છે. કુદરતનો સંદેશ પણ કંઇક આ પ્રકારનોજ છે. સૂર્યના કિરણો નિત્ય લાલી પ્રસરાવીને જગતના ચોકમાં રંગારંગની ઉજાણી કરે છે. પંખીઓ પણ નિજાનંદથીજ દેવાધિદેવ સૂર્યના આગમનની છડી પોકારીને ગાનમિશ્રિત wel come કરે છે. સૂર્યકિરણોના ઉજ્વળ પ્રકાશની હૂંફમાંજ સૂર્યમુખી મહોરી ઊઠે છે. જગત પર આ બધી કુદરતની કળાઓ નિદોર્ષ તથા નિરપેક્ષ આનંદ-ઉલ્લાસનુંજ ઉત્સવ પર્વ સર્જે છે. આ પ્રકારની વિશ્વકળામાં કોઇ ભેદભાવ કે દિલચોરી નથી. કવિ જયંત પાઠક કહે છે તેમ કોઇ ચિતારાએ નેપથ્યમાં બેસીને રંગોની અજબ મિલાવટ કરી છે અને રંગપ્યાલીઓ ભરી છે. આવા માહોલમાં માનવીએ શા માટે મિથ્યા વ્યથાનો ભાર લઇને ફરવું પડે છે ? ભરતી અને ઓટ કે ચઢાવ તેમજ ઉતાર એ તો જીવનના સ્વાભાવિક ક્રમ છે. હસતા મુખેજ આ પ્રક્રિયામાં સ્વસ્થતા કેળવીને જીવતા શીખવું અનિવાર્ય છે. આમ જૂઓ તો નકારાત્મકતા – negativity એ આજના સમયની મોટી સામાજિક સમસ્યા છે અને સાર્વત્રિક છે. પોતાની રાઇનાદાણા જેવી તકલીફ પણ મોટાભાગના લોકોને પહાડ જેવી લાગેછે. નકારાત્મકતા એ સરવાળે નિરાશા તરફ જવાનો રાજમાર્ગ છે. એકવાર નિરાશાની નાગચૂડમાં પકડાયા પછી depression ને નોતરું આપવું પડતું નથી. એ હકીકત સુવિદિતછે કે રાજવી કવિ કલાપીને અંગતજીવનની તેમજ રાજકાજની અનેક મુંઝવણો હતી. આ સ્થિતિમાં પણ તેમનો જીવનરસ છલકતો રહેલો હશે. તેમના આ જીવનરસમાંથીજ કાવ્યસર્જનના મધપુડા બંધાયા અને કલાપીએ જગતને મીઠાશની મોકળી લહાણી કરી. કલાપીનો આ કેકારવ કદી ઝાંખો – પાંખો થાય તેવો નથી. આ કવિ રાજવીએ મેઘાણીભાઇના આ કાવ્યમાં કહેવામાં આવેલું છે તેમ પોતાના ગુલશનના સુગંધિત પુષ્પોની સુવાસ જગતમાં પ્રસરાવી છે. જીવતરના માંડવે જે દંશ પડ્યા તેનું પ્રદર્શન કરવાની સહેજમાત્ર વૃત્તિ કે વલણ આ ભર્યાભાદર્યા વ્યક્તિત્વવાળા કવિમાં દેખાતું નથી. બીજી ગોળમેજી પરિષદમાંથી બેઠકના પરિણામ બાબતમાં સંતોષ મેળવ્યા સિવાય પરત આવતા ગાંધીને પણ કવિ આવા ભાવથીજ સંદેશો આપે છે.
ગોપવીને છાનાઘાવ કલેજાના
રાખજે ખૂબ ખામોશ,
વાવાઝોડા કાળના વાશે,
તે દિ ગાંધી ! તારી વાટ જોવાશે…
કોઇ જીવનના અવિરત શ્રમથી થાકેલા હોય તેને સાંત્વના આપવા માટેની ‘એકલો’ કાવ્યની વાત માત્ર આ કાળમાંજ નહિ પરંતુ કોઇપણ સમયે પ્રસ્તુત છે. સ્વસ્થ સમાજના નિર્માણની આ પાયાની જરૂરિયાત છે. સંવેદનાનો ભાવ એ આપણી મૂડી છે અને સાચવી રાખવા જેવી છે. સંવેદના સાથે જીવતો સમાજ ખરા અર્થમાં સ્વસ્થ સમાજ બની શકે છે. સંવેદનાહિનતાની સમસ્યા વ્યક્તિગત જીવનમાં તો વસમી છેજ પરંતુ સામુહિક જીવનમાં તે વિકરાળ બની શકે છે. પારકી પીડામાં ભાગ પડાવવાની વ્યક્તિગત તથા સામુહિક તૈયારી આજની મોટી તથા અનિવાર્ય જરૂરિયાત છે. સર પ્રભાશંકર પટ્ટણીએ યથાર્થ લખ્યું છે તે સ્મૃતિમાં સંઘરીને અમલમાં મૂકવા જેવું છે.
જનમન અંદર પેસી શકીને દુ:ખમાં ભાગીઓ થાઉં,
બની શકે તો શાંતિ કરું નૈતો અશ્રુએ એને ન્હાઉં.
બતાવો ઉપાય કો એવો
બનુ દુ:ખે ભાગીઓ તેવો રે.
***
Leave a comment