સંસ્કૃતિ : કર્મઠ તથા કેડી કંડારનારા : સહકાર સપ્તાહમાં વલ્લભભાઇ પટેલનું પવિત્ર સ્મરણ. 

સમગ્ર દેશમાં સહકાર સપ્તાહની ઉજવણી ૧૪ નવેમ્બરથી કરવામાં આવે છે. સહકારી ક્ષેત્રમાં ગુજરાત અગ્રસ્થાને હોવાથી આપણે ત્યાં પણ આવી ઉજવણી હેતુપૂર્ણ રીતે કરવામાં આવે છે. અનેક કસોટીઓ તથા પડકારો વચ્ચે પણ સહકારી પ્રવૃત્તિ મજબૂત વ્યવસ્થા તરીકે ટકી રહી છે તથા અમૂક ક્ષેત્રોમાં સતત વિકસતી રહી છે તે આપણાં સમાજ માટે તથા આ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે ગૌરવની ઘટના છે. સભાસદોની જાગૃતિ તથા સહકારી આગેવાનોની નિષ્ઠાએ આ પ્રવૃત્તિમાં ઊંડા મૂળિયા નાખવામાં સિંહફાળો આપેલો છે. ગુજરાતમાં નજીકના ભૂતકાળમાંનાગરિક સહકારી બેંકોની અસાધારણ આર્થિક તથા વહીવટી કસોટી થઇ હોવા છતાં તે કટોકટીમાંથી સામુહિક પ્રયાસો કરીને તે બેંકો બહાર આવી શકી છે. ફરી વખત સભાસદોનો તથા લોકોનો વિશ્વાસ મેળવવામાં શહેરી બેંકો સફળ થઇ છે. જે કટોકટીની સ્થિતિ ઊભી થઇ હતી તેનું પુનરાવર્તન ન થાય તે માટે કેટલાક માળખાકીય ફેરફારો પણ કરવામાં આવ્યા છે. 

ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિના વિકાસ માટે જેમણે અમૂલ્ય યોગદાન આપ્યું હોય તો તેવા લોકોની યાદીમાં શ્રી વલ્લભભાઇ પો. પટેલનું નામ જરૂર મૂકી શકાય. સહકારના મહર્ષિ કહી શકાય તેવા શ્રી વૈકુંઠભાઇ મહેતાએ બોમ્બે સેન્ટ્રલ કો. ઓપરેટીવ બેંક (હાલની મહારાષ્ટ્ર સ્ટેઇટ કો. ઓપરેટીવ બેંક) ઊભી કરવામાંતથા તેનો વિકાસ કરવામાં સાડાત્રણ દાયકાનો સમય આપ્યો. આજ રીતે શ્રી વલ્લભભાઇ પટેલે પણ લગભગ અઢી દાયકા સુધી રાજકોટ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વહીવટમાં એકનિષ્ઠાથી કરેલી કામગીરીની ઉજળી સ્મૃતિ આજે પણ અનેક લોકોના મનમાં જીવંત પડેલી છે. વલ્લભભાઇ સાથે જેમણે કામ કરેલું છે તેવા પદાધિકારીઓ તથા અધિકારીઓ વલ્લભભાઇને એક સફળ વહીવટકર્તા તેમજ ખેડૂતોના વ્યાપક હિતોના જાગૃત રખેવાળ માને છે તે યથાર્થ છે. ગુજરાતની સહકારી પ્રવૃત્તિ વિકસી તેમાં વલ્લભભાઇ જેવા અનેક આગેવાનોએ પોતાના લોહી-પસીનો સિંચીને આ સંસ્થાઓના વૃક્ષનું સિંચન કર્યું છે. સગવડદાયક સરકારી નોકરી છોડીને ખેડૂતોના હિત માટે કંઇક કરી છૂટવાની તમન્ના લઇને વલ્લભભાઇ આવ્યા તથા આ પ્રવૃત્તિમાં છવાઇ ગયા. તેમની દુ:ખદ તથા આકસ્મિક વિદાય પછી પણ તેમણે જે અથાક પરિશ્રમ કરેલો હતો તેનો ફાયદો દીર્ઘકાળ સુધી થતો રહેલો છે. જગતનો તાત ખેડૂત સમૃધ્ધ તો દેશ સમૃધ્ધ એવી દ્રઢ માન્યતા તથા તે માટેના અસરકારક આયોજનમાં તેમણે પોતાની સર્વ શક્તિઓ સમર્પિત કરી. સમાધાનવૃત્તિ દાખવ્યા સિવાય કિસાનોનું આર્થિક કલ્યાણ તથા મંડળીઓનું મજબૂત માળખું ઊભું કરવામાં તેઓ સફળ સેનાની તરીકે માત્ર રાજ્ય કક્ષાએ નહિ પરંતુ દેશની કક્ષાએ પણ સફળતાને વર્યા. ઉદ્યમથીજ કાર્ય સિધ્ધ થાય છે, માત્ર મનોરથો કરવાથી નહિ તે ઉક્તિ તેમણે સાર્થક કરી બતાવી.

એક સામાજિક આગેવાન તરીકે તથા ગુજરાત વિધાનસભામાં મોટા જનસમૂહના પ્રતિનિધિ તરીકે પણ તેમણે પોતાની અલગ તથા વિશિષ્ટ ઓળખ ઊભી કરી. સહકારી ક્ષેત્રમાં ખેડૂતોની ખેતપેદાશનું પ્રોસેસીંગ કરી ઉત્પાદકોનું એક સામૂહિક બળ તેમણે ઊભું કરી બતાવ્યું. સહકારી મંડળીઓના સભાસદોનું વ્યાપક આર્થિક હિત જાળવવા માટે દેશમાં આ પ્રયાસની સફળતાની નોંધ લેવામાં આવી. ખેતપેદાશોનો બગાડ અટકાવવા માટે ખેડૂતોને ગોડાઉન્સનું એક સુગ્રથિત માળખું મળે તેવા તેમના પ્રયાસોથી ખેડૂતોને સીધો ફાયદો થયો. ધિરાણની વસૂલાત પણ ઝડપી તથા અસરકારક બની. સભાસદોનો પોતાનીજ સહકારી સંસ્થાઓ તરફનો વિશ્વાસ દૃઢ થયો. રાજ્યના આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી સંળાવવાની ફરજ પડી ત્યારે આવાજ જૂસ્સા તેમજ ભાવનાથી તેમણે આરોગ્ય વિભાગને દોરવણી આપી.

લગ્નોમાં થતાં બીનજરૂરી ખર્ચા તથા ભપકાનો જે વ્યક્તિ વિરોધ કરે તથા પોતાનીજ વહાલસોયી દિકરીના પ્રસંગે તે મુજબનું વર્તન પણ કરે તે તેમના ‘એકરંગા અને ઉજળા’ જીવનનું યથાર્થ દર્શન કરાવે છે. સહકાર સપ્તાહની ઉજવણીમાં વલ્લભભાઇ પટેલે સૂચવેલા માર્ગનો વિશેષ અભ્યાસ થાય તો આવી ઉજવણી વિશેષ અર્થપૂર્ણ બની શકે. માર્ચ-૨૩, ૧૯૨૩ થી શરૂ થયેલી તેમની તેજપુંજશી જીવનયાત્રા રર નવેમ્બર, ૧૯૮૯ માં અકાળે સમેટાઇ ગઇ તે આપણું એક સામુહિક દુર્ભાગ્ય હતું. તેમનો દેહ ભલે આપણી વચ્ચે ન હોય પરંતુ તેમના કાર્યોની સુવાસ અમીટ તથા અવિસ્મરણિય છે. 

એક કદમ આગળ

આપણાં રાજયમાં કૃષિ ધિરાણના માળખામાં જિલ્લા સહકારી બેન્કો તથા રાજય સહકારી બેન્ક મહત્વનો ફાળો આપે છે. કૃષિ મંડળીઓનું મજબૂત માળખું એ આ સમગ્ર વ્યવસ્થાની મહત્વની કડી છે. આ જ રીતે નાગરિક સહકારી બેન્કો એ પણ છેલ્લા ત્રણેક  દાયકામાં પોતાના વ્યાપમાં નોંધપાત્ર વૃધ્ધિ કરી. દેશની જાણીતી તથા કામગીરીના પ્રમાણના સંદર્ભમાં પ્રથમ દસ બેન્કોની ગણતરી કરીએ તો રાજકોટ નાગરિક સહકારી બેન્કને તેમાં સ્થાન મળે છે. સહકારી ક્ષેત્રમાં વિવિધ કામગીરીમાં રોકાયેલી સંસ્થાઓએ કેટલીક  innovative કામગીરી કરી છે તેવું પણ કેટલાંક કિસ્સામાં જોવા મળે છે. રાજકોટ નાગરિક સહકારી બેન્કની રીંગરોડ પરની કોર્પોરેટ ઓફીસ એ સુવિધાપૂર્ણ હોવા ઉપરાંત environment friendly પણ છે. તાલીમ-પ્રશિક્ષણના હેતુ માટે જે ઓડીટરીયેમ બનાવવામાં આવ્યું છે તે પણ અદ્યતન અને દ્રષ્ય-શ્રાવ્ય માધ્યમ માટે અસરકાર છે પરંતુ સૌથી મહત્વની વાત રાજકોટ નાગરિક બેન્કના ગ્રીન બિલ્ડીંગમાં જોવા મળી તે પ્રકાશના આયોજન બાબતની છે. બિલ્ડીંગના જે ભાગમાં લોકો કે કર્મચારીઓની અવરજવર ન હોય ત્યાં લાઇટસ ઓટોમેટીકલી બંધ થઇ જાય છે. પરંતુ આ બાબત પણ હવે નવી કે અજાણી રહી નથી. અહીંના આયોજનમાં એવી વ્યવસ્થા છે કે સૂર્યપ્રકાશની વધઘટની અસર જે બિલ્ડીંગના અંદરના ભાગમાં થાય તેની સાથેસાથે જ બેન્કની અંદરની લાઇટના વોલ્ટેજમાં વધઘટ થાય છે. આથી જયારે સૂર્યપ્રકાશ તેજ હોય ત્યરે વીજળીની બચત થાય છે. એનર્જી સેકટરમાં કામ કરતા લોકો એકસુત્ર અવારનવાર બોલે છે કે An unit saved is equal to unit generated. ઓછી વીજળીનો ઉપયોગ કરવો તે ખર્ચ બચાવવા ઉપરાંત પર્યાવરણની પણ કાળજી લેવા બરાબર છે. રાજકોટ નાગરિક બેન્કના અધિકારીઓના જણાવ્યા મુજબ આ પ્રકારની વ્યવસ્થા અન્ય કોઇ જગ્યાએ જોવા મળતી નથી. સહકાર સપ્તાહના આ દિવસોમાં ગુજરાતની સહકારી સંસ્થાઓ દેશના રોલ-મોડેલ જેવી બની શકે તેવી ક્ષમતા ધરાવે છે. 

વી. એસ. ગઢવી

ગાંધીનગર.

Leave a comment

Blog at WordPress.com.

Up ↑