આપણું આંગણું અજવાળીને ગયેલા રતુભાઇ અદાણીના જીવન કાર્યોની સુગંધ (૧૯૧૪-૧૯૯૭) આજે પણ તરોતાજા લાગે છે. ગાંધીયુગના એ પવિત્ર દીપકના તેજથી અનેક વંચિતોના ઘરમાં જ્ઞાન અને સમૃધ્ધિનું તેજ પ્રસરેલું છે. દુનિયાના ઘણાં દેશો પરાધિનતાની પીડા ભોગવતા હતા અને કદાચ કોઇ જગાએ આજે પણ ભોગવતા હશે. આ બધાજ પરાધિન દેશોએ કોઇને કોઇ સમયે પોતપોતાની માતૃભૂમિને મુક્ત કરવા પ્રયાસો કર્યા છે. મોટાભાગના કિસ્સાઓમાં આવા પ્રયાસો શસ્ત્રો ઉપાડીને કરવામાં આવ્યા છે. અઢારમી સદીના લગભગ છેવાડાના વર્ષોમાં ફ્રાન્સની ભૂખના દુખથી પરેશાન જનતાએ સંઘર્ષની શરૂઆત કરી. અનેકોના લોહી આ ભીષણ સંગ્રામમાં રેડાયા. ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં અમેરીકામાં કાયદેસર ગણાતી ગુલામીપ્રથા સામે વિલિયમ લોઇડ ગેરિસન જેવા મહાન નેતાના માર્ગદર્શનમાં ગુલામોની મુક્તિ માટેનો મહાસંગ્રામ ખેલાયો. સશસ્ત્ર સંઘર્ષ બાદ ગુલામીપ્રથા નાબૂદ કરવામાં આવી. વીસમી સદીની શરૂઆતના વર્ષોમાં ઝાર તથા ઝારીનાના અન્યાય સામે રશિયામાં ક્રાંતિ થઇ. સંઘર્ષ લોહીયાળ થયો. મજૂર વર્ગમાં જાગૃતિનો નૂતન સૂર્યોદય થયો. આ બધી ઘટનાઓથી અલગ પધ્ધતિએ અને જુદા સાધનોથી હિન્દુસ્તાને આઝાદી પ્રાપ્ત કરી. હિન્દુસ્તાન આ રીત વિશ્વની સામાન્ય પધ્ધતિથી અલગ પડ્યું. મહદ્અંશે લોહીયાળ સંઘર્ષની જગ્યાએ સત્યાગ્રહના અમોઘ શસ્ત્રનો ઉપયોગ થયો. સમગ્ર દુનિયાને આ ‘નવી તરાહ’ માં રસ પડ્યો. તોપ-તલવાર, બંદૂક અને બારૂદનો નિ:ષેધ કરીને એક મહામાનવે મુક્તિ મેળવવાનો શંખનાદ કર્યો. આ મહામાનવના કેટલાક અનુયાઇઓનેજ શરૂઆતમાં પોતાના નેતાની આ નૂતન પધ્ધતિમાં વિશ્વાસ બેસતો ન હતો. ચંપારણના સંઘર્ષના દિવસોમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ તથા આચાર્ય ક્રિપલાનીએ પણ ગાંધીના આ અહિંસક માર્ગે આઝાદી મેળવવાના પ્રયાસોની સફળતા બાબત ગાંધીજી સમક્ષ સંદેહ વ્યક્ત કર્યો હતો. પરંતુ આ મહામાનવે સત્ય અને અહિંસાના આયુધોથી અને અસાધારણ નૈતિક બળના પ્રભાવથી દુનિયાને આ ચમત્કારનું દર્શન કરાવ્યું. વિશ્વમાં આજે પણ હિન્દુસ્તાનમાં થયેલ ગાંધી પ્રેરીત આ મુક્તિ માટેના જંગની ચર્ચાઓ થાય છે. વિશ્વના અનેક ભાગના પરાધિન કે વંચિત લોકો તેમાંથી આજે પણ પ્રેરણા મેળવે તેવી પ્રાસંગિકતા આ ગાંધી પ્રેરીત પ્રક્રિયામાં છે. દુનિયાને અનેક પ્રસંગોએ તેની પ્રતિતિ પણ થઇ છે. સુપ્રસિધ્ધ કવિ ભૂદરજી લાલજી જોશી ગાંધીજીની આ નૂતન પધ્ધતિને થોડા શબ્દોમાં સુંદર રીતે રજૂ કરે છે.
તોપ તલવાર નહિ, બંદૂર બારૂદ નહિ,
હાથ હથિયાર નહિ, ખૂલ્લે શિર ફિરતે,
વિકૃત વિજ્ઞાન નહિ, બંબર વિમાન નહિ,
તરકટ તોફાન નહિ, અહિંસા વ્રત વરતે,
ટેંકોકા ત્રાસ નહિ, ઝેરી ગિયાસ નહિ,
લાઠીકા સહત માર, રામ રામ રટતે,
ભૂધર ભનંત બીન શસ્ત્ર ઇસ જમાનેમેં,
ગાંધી બીન બસુધામેં કૌન વિજય વરતે.
સામાન્ય રીતે મુક્તિ સંગ્રામ પૂરો થાય ત્યારબાદ જે શાસનની વ્યવસ્થા ગોઠવાય તેમાં આ લડતને દોરનારાજ ગોઠવાઇ જતા હોય છે. સત્તાસ્થાને તે લોકોજ આવે છે. હિન્દુસતાનને આઝાદી મળી ત્યારબાદ આ લડતના અધિનાયક તો સત્તાના કેન્દ્રથી માઇલો દૂર પીડીતોના આંસુ લૂછવાના કામમાં ગૂંથાયેલા હતા. ગાંધીજીના અનેક અનુયાઇઓની દિશા પણ દિલ્હી તરફથી ન હતી. આ લોકો બરાબર સમજતા હતા કે ગાંધીજીની કલ્પના મુજબ સમાજનું નવનિર્માણ કરવું હશે તો સત્તાના કે શાસનના માધ્યમથી નહિ થાય. આથી વિનોબાજી – જયપ્રકાશ નારાયણ જેવા અનેક લોકોએ સત્તાથી દૂર રહીને ગાંધી વિચારને સમાજમાં વિસ્તૃત કરવાનો અવિરત પ્રયાસ આજીવન કર્યોં. ગુજરાતમાં રવિશંકર મહારાજ, વેડછીમાં જુગતરામભાઇ તથા રતુભાઇ અદાણી જેવા સમાજસેવકોએ આ ભાવનાથીજ જીવન વ્યતિત કર્યું. રતુભાઇએ સત્તાના રાજકારણને છોડ્યા પછી તે તરફ દ્રષ્ટિપાત કર્યો નથી. રચનાત્મક કાર્યોના તેમના અનેક સ્મારકો આજે પણ ઊભા છે અને જનસેવા માટે ધમધમે છે. રતુભાઇ કે જયાબેન શાહ જેવા સેવકો રાજનીતિમાં રહ્યા તે સમય દરમિયાન પણ લોકનીતિની મશાલ પકડીને ઊભા રહ્યા. રતુભાઇની જન્મશતાબ્દી નિમિત્તે રતુભાઇના જીવનના અનેક સંસ્મરણો જે આજે પણ પ્રેરણાદાયક છે તેવા પ્રસંગો સમાજ સુધી પહોંચી શકે તો તેવો પ્રયત્ન ખૂબ આવકારદાયક ગણાય. આથીજ સોરઠ ક્ષય નિવારણ સમિતિએ ‘‘સમર્પિત જીવનની ઝાંખી’’ પુસ્તકનું પુન: મુદ્રણ કરીને સમાજની મોટી સેવા કરી છે. સોરઠ ક્ષય નિવારણ સમિતિના પ્રમુખ પુરાણી સ્વામી શ્રી ધર્મવલ્લભદાસ તથા સ્વામી શ્રી શ્વેતવૈકુંઠદાસ આ પુણ્યકાર્ય કરવા માટે વંદન તથા અભિનંદનને પાત્ર છે. આ બાબત ખરા અર્થમાં ગિરિશૃંગની ગૌરવગાથા છે. આ સંભારણાઓને કાળજીપૂર્વક ગ્રંથસ્થ કરવાનું સુંદર કાર્ય શ્રી શશીભાઇ ભટ્ટ તથા ડૉ. ઉષાબેન પાઠકે કરેલું છે. તેઓને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
ધોલેરા સત્યાગ્રહની આકરી તાવણીમાંથી પસાર થઇને રતુભાઇ તથા તેમના સહકાર્યકરો શુધ્ધ કાંચન માફક ઓજસ્વી વ્યક્તિત્વવાળા પુરવાર થયા હતા. બરવાળા – ધંધુકા – ધોલેરા અને રાણપુરના વિસ્તારો જાગી ગયા હતા. માતૃભૂમિની ઉચ્ચતમ ગરિમા તથા નિર્ભયતાનું તેમણે અનેક કષ્ટો વેઠીને પુન: સ્થાપન કર્યું હતું. ધોલેરા સત્યાગ્રહના પ્રારંભેજ મેઘાણીભાઇએ પોતાની આગવી છટાથી લલકાર્યું હતુંને ?
બીક કોની ! બીક કોની ! બીક કોની, મા તને ?
ત્રીસ કોટિ બાળકોની ઓ કરાળી મા તને.
બીક કોની બંદૂકોની ?
બીક કોની સૈનિકોની ?
બીક ચોર – ડાકુઓની ?
નયન ફાડ, માર ત્રાડ, જરીક વાર જાગને !
હાં રે ઘેલી, ભાનભૂલી, બીક કોની મા તને ?
ગાંધી – ઇરવીન કરાર પછી સત્યાગ્રહીઓને જેલોમાંથી મુક્ત કર્યા. ગામેગામ જનતાએ સ્વયંભૂ તેમનું સ્વાગત તથા સન્માન કર્યા. ઢોલ, ત્રાંસા અને શરણાઇના સુરોથી દિશાઓ ગૂંજી ઊઠી. અનેક સ્થળોએ જેલ જીવનનો લાંબો અનુભવ થયા બાદ જેલમાંથી તો છૂટ્યા. હવે આ મરજીવાઓએ વિચાર્યું કે સ્વરાજ્ય તો હજુ મળ્યું નથી ત્યારે જંપીને શી રીતે બેસી રહેવાય ? હવે આ ગાંધીના સૈનિકોએ સમાજના નવનિર્માણના પાયાના કામમાં ઝંપલાવવા વિચાર કર્યો. રતુભાઇ તેમના સંભારણાઓમાં લખે છે કે ગાંધીજીને રૂબરૂ મળીને તેમનું માર્ગદર્શન મેળવવાની તેમને તાલાવેલી લાગી. બાપુ ભાવનગર દક્ષિણામૂર્તિમાં હતા ત્યાં પહોંચી ગયા. યોગાનુયોગ સોમવારનો દિવસ હોવાથી બાપુ તો મૌન પાળતા હતા. પરંતુ ગઇ સદીના આ મહામાનવે આ યુવાનોને પ્રેમાળ નજરે નિહાળ્યા અને આનંદથી હાથ ઊંચો કરીને આશીર્વાદ આપ્યા. બાપુના સાનિધ્યમાંથી નીકળ્યા બાદ નાનાભાઇ ભટ્ટે રતુભાઇ તથા સાથીઓને એક મહત્વની વાત કરી. આ વાતથી આ યુવાનોને હવે પછીના તેમના કાર્યક્રમની દિશા સુલભ થઇ. નાનાભાઇએ કહ્યું કે ગઇકાલેજ બાપુ કેટલાક મુલાકાતીઓને કહેતા હતા કે આઝાદી માટે દેશને સંપૂર્ણ રીતે સજ્જ કરવા માટે યુવાનોએ રચનાત્મક કાર્યક્રમ લઇને ગામડાઓમાં દટાઇ જવું જોઇએ. હિન્દુસ્તાનની રગ પારખનાર આ મહાત્માને ખબર હતી કે સમાજનું પુન: નિર્માણ કર્યા સિવાય આઝાદીના અમૂલ્ય ફળો પચાવવાની આંતરિક શક્તિ વિકસવી મુશ્કેલ છે. કેવું સચોટ નિદાન ! આજે પણ સમાજમાં અસમાનતાની ઊંડી ખાઇ જોઇએ ત્યારે ગાંધીજીની આ વાત કેટલી પ્રાસંગિક લાગે છે ! મેઘાણીભાઇએ લખ્યું હતું તેમ આવી સ્થિતિ જોઇએ ત્યારે તરતજ ગાંધીની સ્મૃતિ થાય છે.
વાવાઝોડા કાળના વાશે
તે દિ, બાપુ તારી વાટ જોવાશે !
ગાંધીજીએ આપેલી શીખ ગાંઠે બાંધીને રતુભાઇ કેટલાક સાથીઓ સાથે જામનગર રાજ્યના સમઢિયાળા (હાલનું આટકોટ) ગામે વસ્યા. રચનાત્મક કામો તો શરૂ કર્યા પરંતુ જામનગર રાજ્યને વાંધો પડતા કોઇ સમાધાનવૃત્તિ ન દાખવતા ગામ છોડ્યું. સમાજમાં કેટલાક લોકોને અમુક કામો કરવા સામે અણગમાની વ્રત્તિ સમાજના દરેક વર્ગમાં દૂર થાય તથા ગામડાઓમાંજ રોજગારી ઊભી થાય તે માટે ખાદીકામ તેમજ વણાટ પ્રવૃત્તિ જેવી બાબતો હાથ પર લેવાની તેમની મહેચ્છા હતી. ચમારકામ પણ તેમને તે સમયના સંજોગોમાં આવીજ એક ઉપયોગી પ્રવૃત્તિ રોજગારી ઊભી કરવા માટે લાગી. આ પ્રકારના ગ્રામોદ્યોગના કામો સરળતાથી તેમજ ઓછા ખર્ચે રોજગારી ઊભી કરી શકે. વાંકાનેરમાં ચર્મોદ્યોગ શરૂ કરવાનો વિચાર તો કર્યો પરંતુ તે કામ માટે કોઇ મકાન આપવા તૈયાર ન હતું. આખરે આઝાદીના સંગ્રામમાં રતુભાઇના સાથી અને સ્નેહી તથા લોકસાહિત્યના સુવિખ્યાત સંશોધક શ્રી જયમલ્લભાઇએ પોતાનું મકાન આ રચનાત્મક કાર્યની શરૂઆત કરવા માટે આપ્યું. આ મકાનમાંજ ચંપલ ઉત્પાદન કેન્દ્ર શરૂ થયું. બહારની વાત તો દૂરની રહી પરંતુ ઘરમાંજ આ પ્રવૃત્તિ સામેનો અણગમો તરતજ પ્રગટ થયો. રતુભાઇના પિતાશ્રીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું : ‘‘ વાણિયાના ઘેર જન્મીને ચામડા ચૂંથવાનો ધંધો કરશો તો સમાજમાં નીચાજોણું થાય.’’ સમાજની રૂઢ થયેલી માન્યતાઓ બદલવા માટે સામાજિક કાર્યકરો દેશના ગામડાઓમાં ધૂમી વળે તે ગાંધીજીની વાત એ સમયની માગ છે તેવી ગાંધીજીની વાત પુરવાર કરવા કેટ કેટલા દાખલાઓ હાથવગા છે ! આથીજ કદાચ મહાત્મા તથા રતુભાઇ જેવા ગાંધીના સેનાનિઓ સમાજની કેટલીક પ્રથાઓ દૂર કરવા સામા પ્રવાહે તર્યા અને નૈતિક મનોબળના આધારે ટક્યા પણ ખરા. ‘‘એકલો જાને રે !’’ જેવી અમર રચના આવા લોકો માટેજ રચવામાં આવી હશે.
જે સમયે આ ઘટનાઓ સૌરાષ્ટ્રમાં બની ત્યારે દેશી રજવાડાઓની જોહૂકમીનો ઉલ્લેખ પણ કથાઓના અનેક વળાંક પર જોઇ શકાય છે. મહારાજા ભગવતસિંહજી (ગોંડલ) કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી (ભાવનગર) જેવા ઉદાર દિલ તથા પ્રજાવત્સલ રાજવીઓ કેટલાક વિસ્તારોને નહિ પણ મળ્યા હોય. આથી રતુભાઇ, જયમલ્લભાઇ, નિરંજન વર્મા (નાનભા બારહઠ) વગેરે સાથીઓએ પ્રગતિશીલ ગણાતા ગાયકવાડ રાજ્યના તરવડા (અમરેલી પ્રાંત) ગામમાં શેત્રુંજી નદીના કિનારે ધૂણી ધખાવીને બેસવાનું નક્કી કર્યું. તેમના એક સાથી તથા ગાંધી વિચારધારાને જીવનમાં ઉતારનારા વલ્લભભાઇની હૂંફ મળી. ૧૪ વિઘા જેટલી જમીન પણ આ કાઠિયાવડના ‘ટોલ્સટોય ફાર્મ’ માટે ઉપલબ્ધ થઇ. ચર્મોદ્યોગ, વણાટકામ, સામાજિક સમરસતા, પ્રગતિશીલ ખેતી જેવા અનેક રચનાત્મક કાર્યક્રમોમાં મન પરોવ્યું. ઇસ્માઇલભાઇ નાગોરી જેવા ખેતીના નિષ્ણાત તેમની અમૂલ્ય સેવાઓ આપવા હોંશે હોંશે જોડાયા. ગામના કેટલાક તત્વોએ તો અહીં પણ વિરોધનો રાગ આલાપ્યો. બહિષ્કારની ધમકીઓ મળી. પરંતુ આ ગાંધીના સૈનિકો ન ડગ્યા કે ન ડર્યા. બહિષ્કાર એની મેળે ઓગળી ગયો. આ દીવાઓનો વાંકોવાળ પણ અંધારા ઓઢીને સદીઓથી ઊભેલી રૂઢ માન્યતાઓ કરી ન શકી. કવિ શ્રી કાગે લખ્યું છે તેમ આ દીવડાઓ તો આફતોના વાવાઝોડા વચ્ચે પણ ઝળહળતા રહયા.
અંધારાની ફોજું ઊભી, ભલે ચારે તરફ વિકરાળજી,
બીજાને કારણે જે બળે, એનો વાંકો થાય નહિ વાળ…
દિવડા બળો ઝાકઝમાળ જી….
તજી મન ફૂંક લાગ્યાની ફાળ… દિવડા બળો…
રતુભાઇ તથા તેમના સમકાલિન અગ્રજોના જીવન તરફ દ્રષ્ટિપાત કરીએ તો તેમના સમગ્ર જીવનમાં સાદગી તથા પરિશ્રમના ગુણોનું પ્રાધાન્ય જોવા મળે છે. આટલા મર્યાદિત સંદર્ભમાંજ વાત કરીએ તો પણ તેમનું જીવન આજની યુવાન પેઢીને પરિશ્રમ કરવાની પ્રેરણા પૂરી પાડી શકે છે. માત્ર સૈધ્ધાંતિક વાત નહિ, પરંતુ ઠોસ ઉદાહરણ સાથે જીવાયેલા જીવનની આ વાતો છે અને તેથી તેનું વિશેષ મહત્વ છે. જીવનમાં સાદગી, શ્રમ તથા નીતિમત્તાના ગુણો હોય તો આવા નાગરિકો થકીજ સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આથીજ રતુભાઇ જેવા મહાપુરૂષોની વાતો કદી કાલ બાહ્ય કે out of context થાય તેવી નથી. તેમની જન્મશતાબ્દીએ તેમના માર્ગે થોડા ડગલા માંડવાની મહેચ્છા પણ અંતરમાં પ્રગટે તો તેમને સાચી શ્રધ્ધાંજલિ આપી ગણાય.
તેજ – તણખો
સરદાર વલ્લભભાઇ પટેલે રતુભાઇ અદાણી પર લખેલા તા.૧૭/૦૭/૩૫ ના પત્રના કેટલાક અંશ :
‘‘ કાઠિયાવાડ મૂંગું અને નક્કર કામ માગે છે. છાપાઓમાં, સભાઓમાં ને પરિષદોમાં બળાપા કાઢ્યે રાજાઓનો નાશ થવાનો નથી… તમારી સફળતા તમારી દ્રઢતા પર આધાર રાખશે… તમારું કામ કોઇ જાણશે નહિ, ઓળખશે નહિ, પ્રસિધ્ધિ નહિ મળે પણ તમારા આત્માને શાંતિ મળશે. એથી વધારે શું જોઇએ ? ઈશ્વર તમને સફળતા આપો.’’
પૂ. રવિશંકર મહારાજના રતુભાઇ પરના તા.૦૧/૦૨/૩૬ ના પત્રના અંશો :
‘‘ પ્રિય ભાઇ રતુ,
રૂ.૨૨૫ નો ચેક આ સાથે બીડ્યો છે… સરદારશ્રીએ પોતાના ખાનગી ખર્ચમાંથી તમને આપવા સારું મને આપ્યા છે… બીજું ચરખા નંગ-૬ કાલે સાંજે અમરેલી હાવાભાઇ ઉપર મોકલી આપ્યા છે… ચરખાની કિમ્મત હમણાં તમે મોકલશો નહિ… ત્યાંની હકીકત દર મહિને લખો તો ઠીક, સરદારશ્રી પણ ઇચ્છે છે.’’
ટૂકડામાંથી ટુકડો કરીને તથા તેને સ્નેહાદર પૂર્વક વહેંચીને એક ઉજળી પરંપરા ઊભી કરવાનો મૂંગો છતાં નક્કર પ્રયાસ ઉપરના શબ્દોમાં તથા તેમા છૂપાયેલી ભાવનામાં ડોકાઇ રહેલો છે. આ નિ:શસ્ત્ર, નિડર તથા નરવા લોકોએજ ગોરા હાકેમોના તમામ શસ્ત્રો તથા તમામ કુટિલતાને ધૂળ ચાટતા કર્યા તે વિશ્વની એક અજોડ – અસાધરણ ઘટના હોય તેમ લાગ્યા કરે છે.
***
Leave a comment