વિશ્વમાં ઘણી લોકશાહીઓના બાળમરણ થતાં ઇતિહાસે જોયા છે. આ ઘટનાઓની અનેક વિચારશીલ વ્યક્તિઓએ ભારે હૈયે, વિષાદપૂર્વક નોંધ લીધી છે. જયારે એક ખંડ જેવી વિશાળતા તથા અનેક પ્રકારની વૈવિધ્યતા ધરાવતા આપણા દેશમાં લોકશાહી ગ્રિષ્મના ગુલમહોર જેવી ખીલી રહી છે તે સામાન્ય ઘટના નથી. ચૂંટણીઓની આંધીમાં અનેક સમયે વાતાવરણ ધૂંધળું હોવાનું મંતવ્ય રાજકીય વિશ્લેષકો આપતા હોય છે. પરંતુ ઘના-કાળા વાદળોમાં એક પ્રકાશની ઝલક એ કદાચ આપણા મતદારોની જાગૃતિ છે. તેમણે જ ખરા સમયે પડકાર ઝીલ્યો છે અને પંડિતોને જેમાં આફતનો અણસાર આવે છે તેવી આફતને અવસરમાં પલટાવી છે. ચૂંટણી પંચના કેટલાંક પ્રગતિશીલ તથા સક્રિય પ્રયાસો, તંત્રનું ચૂંટણી માટેનું કમીટમેન્ટ તથા મતદારોના ભારે મતદાનના ત્રિવેણી સંગમથી આપણી લોકશાહીના પવિત્ર મંદિરને વખતો વખત સુવર્ણ કળશ ચડેલો છે. ૧૯૮૯ માં મતાધિકાર માટેની વય ૨૧ માંથી ૧૮ કરવામાં આવી. સુધારો થયો ત્યારે સૌએ તેને આવકાર્યો. આમ છતાં, ઘણાં વિચારકોના મનમાં એક વાતની ગડમથલ ચાલતી હતી કે ૧૮ વર્ષનો યુવાન મતદાન કરવા પ્રેરાશે કે કેમ ? જો મતદાન કરે તો પણ નિરક્ષિરનો વિવેક જાળવી શકશે કે કેમ ? ૨૦૧૪ ની લોકસભાની તથા તે અગાઉની કેટલીક વિધાનસભાની ચૂંટણીઓમાં ભારે તથા નિર્ણયાત્મક મતદાન કરીને યુવાનો સૌની શાબાશી મેળવવાના હકકદાર બન્યા. પોતાને પ્રાપ્ત થયેલા મતદાનના હકકને તેઓ સમજ્યા અને પોતાના અંતરાત્માને અનુસરીને મતદાનની પવિત્ર ફરજ બજાવી. શિક્ષણ, આર્થિક સ્થિતિ, સામાજિક પ્રશ્નો તથા કેટલીકવાર ભૌગોલિક પ્રતિકૂળતાઓ વચ્ચે પણ લોકશાહીનો ઉત્સવ ઉજવાતો જોઇને દૂનિયાના લોકો પણ વિસ્મય પામ્યા. આ સુખદ સ્થિતિ જોઇને ડૉ. બાબાસાહેબ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ, ક.મા.મુનશી તથા બંધારણસભાના અન્ય ગણમાન્ય સભ્યો માટે ફરી ફરી આદરની લાગણી થાય છે. સામાન્ય લોકોની અસામાન્ય સુઝ તથા સમજમાં આ મહાનુભાવોને સંપૂર્ણ વિશ્વાસ હતો આથી જ દેશનું બંધારણ ભારતની જનતાને સમર્પિત કરીને એક સીમાચિન્હ જેવી રાજકીય વિચક્ષણતાના દર્શન તેમણે વિશ્વભરના લોકોને કરાવ્યા. એ જ સામાન્ય લોકોએ બંધારણની ગરિમા તથા પવિત્રતાને કપરા સંજોગોની વચ્ચે પણ અકબંધ રાખ્યા છે. જયાં પણ તેમને બંધારણની મૂળ ભાવનાઓથી વિપરિત વ્યવસ્થાનો ભાસ પણ થયો છે ત્યાં સામુહિક રીતે પોતાની મતદાનની શક્તિનો ઉપયોગ કરી તે બાબત તે બાબત ત્વરાથી સુધારી લીધી છે. ૧૯૪૭ થી ૨૦૧૪ સુધીના અનેક પ્રસંગો તથા ઘટનાઓમાં આમ આદમીની સક્રિયતા તથા નિર્ણયાત્મતાએ ઇતિહાસનું સર્જન કર્યું છે. જીવંત તથા જાગૃત લોકશાહી એ સવાસો કરોડ લોકોના ગૌરવનો વિષય બની છે.
સંસદીય લોકશાહી સમજદારીપૂર્વક અપનાવીને વિશાળ દેશના બંધારણિય રીતે સુચારૂ સંચાલન માટે સંસદીય સંસ્થાઓ મજબૂત હોવી જરૂરી છે. લોકહિતની બાબતોના વાસ્તવિક અમલીકરણ માટે દેશની સંસદીયપ્રથાઓ લોકકલ્યાણને નજરમાં રાખીને ઘડવામાં આવે અને ઘડાયા બાદ તે જીવંત રહે તે અનિવાર્ય છે. લોકશાહીના મંદિર જેવી પવિત્રતા ધરાવતી આપણી લોકસભા કે વિધાનસભાઓના મીનારા ભલે આકાશને આંબતા હોય અને તે ગૌરવનો વિષય પણ છે. પરંતુ આ ભવ્ય સદનોની એક એક ઇંટમાં જેનું લોહી અને પસીનો રેડાયા છે તે સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ પૂરી કરવાના પ્રામાણિક પ્રયત્નો થાય તથા તેવી વ્યવસ્થાઓ ગોઠવાય તેમાં જ તેની ભવ્યતાની સાર્થકતા છે. આપણી આ સંસદીય સંસ્થાઓની ભવ્ય ઇમારત મજબૂત અને હેતુલક્ષી બનાવવામાં બે ગુજરાતના પનોતા પુત્રોનો સિંહફાળો છે. ચરોતરના વીર વીઠ્ઠલભાઇ પટેલ તથા શીલ, સંસ્કાર તથા નખશીખ સૌજન્યમૂર્તિ જેવા ગણેશ વાસુદેવ માવળંકર (દાદાસાહેબ માવળંકર) તેમના આ બાબતના યોગદાન માટે વિશાળ દેશના કરોડો નાગરિકોની સ્મૃતિમાં હંમેશા આદરની લાગણી સાથે જીવંત રહેશે. દાદા સાહેબ માવળંકર આપણી પ્રથમ લોકસભાના સ્પીકર હતાં અને તેઓ મૂળ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના હોવા છતાં કાકાસાહેબની જેમ તેઓ પણ સવાઇ ગુજરાતી હતા. દાદાસાહેબે નિષ્ઠા અને જતનથી તેમજ બંધારણની ભાવનાઓને અનુરૂપ રહીને આપણી સંસદીય પ્રથાઓ જયારે બાળસ્વરૂપે હતી ત્યારે તેનું રક્ષણ તથા સંવર્ધનનું કાર્ય કર્યું હતું. દાદાસાહેબ પોતે ન્યાયાધિશના સંતાન હતા.પિતા પાસેથી જ તેમને ન્યાયપૂર્ણ અભિગમ, પ્રમાણિકતા તથા અભ્યાસુ વૃત્તિનો અમૂલ્ય સંસ્કાર વારસો પ્રાપ્ત થયો હતો.
દાદાસાહેબે તેમના લાંબા જાહેર જીવનમાં જે કોઇ જવાબદારી સ્વીકારી તેને એક સમાન નિષ્ઠાથી નિભાવી. અમદાવાદ મ્યુનિસીપાલીટીના પ્રમુખ તરીકેની તેમની કામગીરી પણ સરદાર સાહેબની આ હોદ્દા પરની કામગીરીની જેમ ઇતિહાસનું ઉજવળ પ્રકરણ છે. અમદાવાદ એજયુકેશન સોસાયટીની શૈક્ષણિક કાર્યોમાં ઘબકતી સંસ્થાઓએ દાદાસાહેબની સ્મૃતિના જીવંત તથા ભવ્ય સ્મારકો છે.
સ્વતંત્ર ભારતની લોકસભાના પહેલાં સ્પીકર તરીકે દાદાસાહેબે સંસદીય કાર્યપધ્ધતિના સંચાલનના ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા અને સંસદની ગરીમા હંમેશા જળવાય તેવા ધોરણોની સ્થાપના કરી. સ્પીકરના પદની ગરીમાને વધારવામાં પણ મહત્વનો ફાળો આપ્યો. સ્પીકરનું કામ અસરકારક રીતે નિભાવવામાં વિચારોની સ્પષ્ટતા, નિયમોની ઉંડી જાણકારી, નમ્રતા તથા હિંમત એ બધા ગુણોની જરૂર છે જે બાબતો દાદાસાહેબમાં બધાને જોવા મળતી હતી. એક પ્રસંગ એવો નોંધાયો છે કે, દેશના પ્રથમ પ્રધાનમંત્રી તથા તે સમયના ખૂબ જ લોકપ્રિય નેતા પંડિત નહેરૂએ દાદાસાહેબને કોઇ બાબતની ચર્ચા માટે પ્રધાનમંત્રીની કચેરીમાં આવવા જણાવ્યું. દાદસાહેબને લાગ્યું કે સ્પીકર જો પ્રધાનમંત્રીને મળવા તેમની કચેરીમાં જાય તો સ્પીકરના મોભાની ગરીમા ન જળવાય અને એક અનુચિત પ્રણાલિકા પણ સ્થપાય. દાદાસાહેબે નમ્રતાપૂર્વક પરંતુ સંપૂર્ણ દ્રઢતાથી પંડિતજીને પ્રતિભાવ આપ્યો કે તેઓ પ્રધાનમંત્રીની રૂમમાં તેમને મળવા નહિં આવી શકે. પ્રધાનમંત્રી ઇચ્છે તો જરૂર સ્પીકરની રૂમમાં આવીને મળી શકે, ચર્ચા કરી શકે છે. જેમની સત્તા તથા લોકપ્રિયતાનો સૂર્ય મધ્યાન્હે હતો તેવા પંડિતજી નારાજ થશે તેવો ભય રાખ્યા સિવાય દાદાસાહેબે ઔચિત્ય જાળવવાનો આગ્રહ રાખ્યો તે બાબત તેમના ગૌરવપૂર્ણ અને જાગૃત મિજાજને સારી રીતે વ્યકત કરે છે. ઉપરાંત જે સંસ્થાનું ગૌરવ તથા ગરીમા જાળવવાની તેમની જવાબદારી છે તેમાં તેઓ સહેજ પણ બાંધછોડ કરતા નથી. તેમની સમગ્ર ઉજવળ કારીકીર્દી દરમિયાન તેમણે આચરણના અઘરા મૂલ્યો સ્વેચ્છાએ પાળ્યાં અને અંગત જીવન અને જાહેરજીવન વચ્ચે કોઇ વિસંવાદિતતા ઉભી ન થાય તે માટે સતત જાગૃત રહ્યાં. ભગવદ્દ ગીતાના વચનોની ઉંડી અસર તેમના જીવન પર હતી. ગીતાના ઉપદેશનું પ્રામાણિકપણે આચરણ એ તેમનો જીવનમંત્ર હતો. શ્રી પુરૂષોત્તમ માવળંકરના સંભારણામાંએ બાબતનો ઉલ્લેખ છે કે ૧૯૪૯માં શ્રી પુરૂષોત્તમ માવળંકરના લગ્ન પ્રસંગે દિલ્હીથી સરદાર વલ્લભભાઇએ સ્વહસ્તે પત્ર લખીને આશિષ પાઠવવા સાથે લખ્યું કે દાદાસાહેબની પ્રતિષ્ઠા ગુજરાતમાં જ નહિ પરંતુ વિશ્વભરમાં ફેલાયેલી છે અને તેમાં ઉમેરો ન થાય તો કમસે કમ ઘટાડો ન થાય તેવી ખાસ તકેદારી રાખવી. દાદાસાહેબે તેમના પુત્રોમાંથી કોઇને જાહેરજીવનના ક્ષેત્રમાં પોતાની કીર્તિના ટેકે ઉભા કરવા કે આગળ લાવવા સહેજ પણ પ્રયાસ કર્યા નથી.
દાદાસાહેબ જેવા જ બીજા એક વીરપુરૂષ એટલે વલ્લભભાઇના વડેરા વિઠ્ઠલભાઇ પટેલ. આફત સામે તથા સત્ય અને ન્યાય માટે ઝઝૂમવાની તેમની શક્તિના દર્શન કરવા ગુજરાતના યુવાનોએ તેમનું પ્રેરણાદાયક જીવન ચરિત્ર વાંચવા જેવું છે. બ્રિટીશ શાસનકાળમાં મોર્લી-મિન્ટો સુધારાના કારણે ચૂંટાયેલા સભ્યોનો ધારાસભાના પ્રવેશનો માર્ગ સરળ બન્યો હતો. વિઠ્ઠલભાઇનો ધારાસભા પ્રવેશ એક ઐતિહાસિક ઘટના હતી. જો કે વિદેશી સરકારે એ બાબતની પૂરી તકેદારી રાખેલી કે ચૂંટાયેલા સભ્યો આ માળખામાં વિશેષ અસરકારક ન બની શકે. પરંતુ આ પડકાર વીઠ્ઠલભાઇએ ઝીલ્યો અને થોડા જ સમયમાં સમાજને અને સરકારને તેની પ્રતિતિ થવા લાગી. ધારાસભાના નિયમો અને કાર્યપધ્ધતિને સંપૂર્ણપણે આત્મસાત કરીને ચરોતરના આ વીર પુરૂષે બ્રિટીશ સત્તાને બરાબર હંફાવી. ધારાસભામાં પ્રશ્નો પૂછીને, ઠરાવો લાવીને પ્રજાના પ્રશ્નોને વાચા આપી. વિગતોની ચોકસાઇ તથા છટાદાર દલીલોને કારણે તેમના લોકહિતના પ્રશ્નો અંગે ઉપેક્ષા કરવાનું સરકારને અઘરૂં પડતું હતું તેમની દીર્ધદ્રષ્ટિને કારણે પ્રાથમિક શિક્ષણનો વ્યાપ સરકાર વધારે તેવો ખરડો તે જમાનામાં લાવ્યા અને પસાર કરાવી શકયા. પરંપરાગત ચિકિત્સા પધ્ધતિઓ જેમાં આયુર્વેદ તથા યુનાની પધ્ધતિનો સમાવેશ થાય છે તે કાયદાથી અટકાવવાનો સરકારનો પ્રયાસ તેમણે નિષ્ઠળ બનાવ્યો. મુંબઇ ધારાસભાનો તેમનો આ અનુભવ તેમને દિલ્હીની ઇમ્પીરિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે પણ ઉપયોગી થયો. ત્યાં પણ તેઓ પ્રથમ કક્ષાના સાંસદ-પર્લામેન્ટેરિયન પુરવાર થયા. તેમની આ ક્ષમતાના કારણે જ તેઓ સંસદના પ્રમુખ (સ્પીકર) તરીકે ગૃહના બધા સભ્યોના ટેકાથી ચૂંટાયા. ભારતમાં સંસદ સંચાલનની જયારે કોઇ પધ્ધતિ-પ્રણાલિકા નહતા ત્યારે તેમણે નવી કેડિઓ અંકિત કરી. નિષ્પક્ષ અને વસ્તુલક્ષી વલણને કારણે સભ્યોમાં પણ ખૂબ લોકપ્રિય રહયાં. સંસદને તેમજ ધારાસભાઓને આજે જે ગરીમા પ્રાપ્ત થઇ છે તેમાં પાયાની ઇંટ મૂકવાનું પવિત્ર કાર્ય આ ગુજરાતી વીરે કરેલું છે. નિડર, નિષ્પક્ષ તથા આખાબોલા આગેવાન તરીકે સુવિખ્યાત થયેલા વિઠ્ઠલભાઇ ગાંધીજીના વિચારો તરફ આદર તથા શ્રધ્ધા ધરાવતા હતા. છતાં જયાં ગાંધીજીથી કોઇ વિચારમાં તેમનો મત જૂદો પડતો હોય તો તેવી વાત પણ સ્પષ્ટ રીતે જાહેર કરવાની તેમની આદત હતી. પંડિત શામજી કૃષ્ણવર્માની જેમ વિદેશી ધરતી પર જિનીવા પાસે ૧૯૩૩ માં આ ભારતમાતાના વીર સપુતે આખરી શ્વાસ લીધા. આ જ રીતે મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે પણ તેમણે દૂરોગામી અસરોવાળા સુધારો દાખલ કરીને સ્થાનિક સંસ્થાઓના ગુણવત્તાયુકત અને અસરકારક વહીવટનો એક ઉત્તમ નમૂનો આપ્યો. તે વખતના મ્યુનિસિપલ કમિશનર કે જેઓ વહીવટી સેવાના એક ઉચ્ચ અમલદાર હતા તેમણે વીઠ્ઠલભાઇના પ્રમુખ તરીકેના વ્યવહાર અને ઉચ્ચ પ્રણાલિકાઓ સ્થાપવાના પ્રયાસોની ભરપેટ પ્રશંસા કરી છે. ધારાસભાના સંચાલનમાં તથા તેના ગૌરવ અને પ્રણાલિકાઓને જાળવવાના કપરા કામમાં દાદાસાહેબ તથા વીર વિઠ્ઠલભાઇની પંગતમાં હકકપૂર્વક બેસી શકે તેવા મુઠ્ઠી ઉંચેરા ગુજરાત વિધાનસભાના સ્પીકર તરીકે કુન્દનભાઇ ધોળકિયાએ પણ આદર તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા હતાં.
દાદાસાહેબ તથા વીઠ્ઠલભાઇને ૧૬ મી લોકસભાના પ્રારંભના ગરીમાપૂર્ણ અવસરે યાદ કરીએ ત્યારે ગાંધીના ગુજરાતે કેટકેટલા મહાનુભાવોને રાષ્ટ્રીય વેદી પર અર્પણ કર્યા છે તે જોઇને ‘‘ગુણવંતી ગુજરાત’’ તરફ અહોભાવની લાગણી થયા સિવાય રહે નહીં. વિશ્વ પ્રવાસી ગુજરાતીએ દેશના વિકાસના લગભગ તમામ ક્ષેત્રોમાં પોતાનું આગવું તથા ઉજળું યોગદાન આપ્યું છે.
તેજ-તણખો
સંસદભવન/ધારાસભાઓમાં કાયદો-વ્યવસ્થા જાળવવાની ફરજ પ્રમુખ (હવે સ્પીકર)ની હોય તે વાતનો સ્વીકાર વીઠ્ઠલભાઇએ બ્રિટીશ સત્તાધિશો સામે ધારદાર તથા તાર્કીક દલીલો રજૂ કરીને કરાવ્યો. આથી સ્વાભાવિક રીતે જ તે તે અંગેનું તંત્ર પણ અલગ હોય તથા તે સ્પીકરને જવાબદાર હોય, સ્પીકરના પૂર્ણ અંકુશ હેઠળ હોય. એ જ રીતે સંસદના સચિવાલય ઉપર પણ સ્પીકરનું વર્ચસ્વ રહે તે બાબતનો પણ તેમણે જ સ્વીકાર કરાવ્યો. આજે પણ આ પ્રથાઓ અમલમાં છે. બ્રિટીશ પર્લામેન્ટની બરોબરીની સ્વાયત્તતા મેળવવામાં કેટલો સંધર્ષ વીઠ્ઠલભાઇ તે સમયમાં કરવો પડયો હશે તે સમજી શકાય તેવી બાબત છે. કેન્દ્રની તે સમયની સંસદમાં મોતીલાલ નહેરૂ, મહમંદ અલી ઝીણા, પંડિત મદનમોહન માલવિયા, ચીમનલાલ સેતલવડ જેવા દિગ્ગજો હાજર હોવા છતાં વીઠ્ઠલભાઇ પ્રમુખ તરીકે સૌની પસંદગી પામે તે કેવી મહત્વની ઐતિહાસિક ઘટના છે અને આ ગુજરાતી વીરે તેમનામાં મૂકવામાં આવેલ વિશ્વાસ સિધ્ધ પણ પોતાના યોગદાનથી કરી બતાવ્યો. શ્રી એચ.એમ.પટેલ પોતાના સંભારણા લખતા કહે છે કે, ગૃહના નેતા તથા અંગ્રેજ અમલદાર મુડીમેને વિઠ્ઠલભાઇ નિવૃત્ત થયા ત્યારે ભાવપૂર્ણ શબ્દોમાં તેમની કામગીરીને બીરદાવતા કહ્યું કે, આપના પ્રમુખ (સ્પીકર) તરીકેના ગાળાને બંધારણીય ઇતિહાસકારો ઇતિહાસના એક સીમાચિન્હ તરીકે ઉલ્લેખ કરશે. કાળના સતત વહેતા પ્રવાહ પર કેવી ઉંડી છાપ મૂકીને આવા લોકો જતા હોય છે ! એમના જીવંત સ્મારકો એ જ આપણા આજના જીવંત અને ધબકતા ધારાગૃહો !
(વી. એસ. ગઢવી)
ગાંધીનગર.
Leave a comment