સ્વાતિના સરવડાં : ઝીલવા જેવા

MeghaniLoksahityaKendra  આમ તો જે બાળકને બે વર્ષ પણ પૂરાં ન થયા હોય તેને નવજાત શીશુ કહેવાય. ભવિષ્યમાં આ બાળક કેવા કાર્યો કરશે અને તેનો વ્યાપ કેટલો વિસ્તરશે તે કહેવું મુશ્કેલ હોય છે. આમ છતાં આપણે ત્યાં એક સુંદર કહેવત લાંબા અનુભવ પછી કહેવાઇ છે તથા પ્રમાણિત થઇ છે. ‘પુત્રના લક્ષણ પારણામાંથી અને વહુના પગ બારણામાંથી’ આ કહેવતને યથાર્થ કરે તેવા અનેક પ્રસંગો નોંધાયેલા છે. આવું કામ રાજય સરકાર સ્થાપિત અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંચાલિત ‘‘ શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર’’  કરે છે તેમ કહીએ તો એ અતિશયોક્તિ નહીં ગણાય. ૧૨ માર્ચ, ૨૦૧૨ એટલે કે બે વર્ષથી પણ ઓછા સમય પહેલાં પૂજય મોરારીબાપુના કરકમળોથી કેન્દ્રનો શુભારંભ થયો. બાપુએ તેમની માર્મિક શૈલિમાં આ પ્રસંગને પાવનકારી ગણાવ્યોતથા બાપુ પોતે આ પ્રસંગને વધાવવા, તેની આરતી ઉતારવા ઉપસ્થિત થયા છે તેમ કહીને સૌ કોઇને ઉમંગ-ઉત્સાહ પૂરા પાડયાં. વર્ષ ૨૦૧૦ ના વર્ષમાં રાજકોટ ખાતે યોજાએલા રાજય કક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીના સુયોગ્ય પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આ પ્રકારના સાહિત્ય કેન્દ્રની જરૂરિયાત તેમજ તેની સ્થાપના માટેનો રાજય સરકારનો નિર્ધાર સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની જાહેરાતને વાસ્તવિક સ્વરૂપ આટલા ટૂંકા ગાળામાં પ્રાપ્ત થયું તેનો આનંદ સૌ કોઇ સાહિત્ય રસિકોને થયો. અંતે તો આ પ્રકારનું સંસ્થાકીય માળખું જ સાહિત્ય-સંગીત તેમજ કળાના અન્ય સ્વરૂપોનું સંરક્ષણ કરી શકે તેમજ તેના ઉચિત સંવર્ધનના પ્રયાસો કરી શકે. કોઇ પણ કાળે આવી સંસ્થાઓ સમાજનું તેમજ જે તે પ્રદેશ તથા શહેરનું ગૌરવ બનતા હોય છે. પિંછાની અલૌકિક શોભાથી મોર શોભાયમાન લાગે છે તે જ પ્રકારે આવી જીવંત સંસ્થાઓના અસ્તિત્વથી સમાજની શોભા વધે છે.

સાહિત્યના તેમજ કવિઓના સર્વાગિં વિકાસ માટે કચ્છ-ભૂજમાં લગભગ બે સદી પહેલાં સ્થપાયેલી વ્રજભાષા પાઠશાળા તેમજ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી તે આ બાબતના નક્કર પુરાવાઓ છે. લોકસાહિત્ય કેન્દ્રને ઝવેરચંદ મેઘાણીના નામ સાથે સાંકળી લેવાનો નિર્ણય વ્યાપક રીતે વધાવી લેવામાં આવ્યો. આ કેન્દ્ર લોક સાહિત્ય-ચારણી સાહિત્યના સંવર્ધન માટે સંશોધન તથા સંપાદન-દસ્તાવેજીકરણના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરશે તેવો વિશ્વાસ તેના શુભારંભ પ્રસંગે સૌએ કર્યો હતો. આ વિશ્વાસને વાસ્તવિક સ્વરૂપ આપવા કુલપતિ શ્રી ડૉ. એમ.કે.પાડલિયા કે જેઓ  આ કેન્દ્રના વ્યવસ્થાપક મંડળના અધ્યક્ષશ્રી છે તેમણે તથા મંડળના સૌ સભ્યશ્રીઓએ તમામ પ્રયાસો આયોજીત રીતે કર્યા છે. તેના નક્કર પરિણામો પણ જોવા મળ્યા છે. ડૉ. અંબાદાન રોહડિયા માટે આ કેન્દ્રના નિયામકની જવાબદારી તેમની નિયમિત કામગીરી ઉપરાંતની એક વિશેષ જવાબદારી હોવા છતાં તેઓ ધગશથી પોતાનું કાર્ય કરે છે તે નોંધપાત્ર છે. આપણાં મહાવિદ્યાલયો શિક્ષણના પાયાના કાર્યને ન્યાય આપવા ઉપરાંત મહાવિદ્યાલય જે પ્રદેશમાં કાર્યરત હોય તે પ્રદેશના સાહિત્ય તથા કળાઓમાં પણ પોતાનું યોગદાન આપે તેવી ઉજળી ઐતિહાસિક પરંપરાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આગળ વધારી છે. કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાયે ધન્યનામ સાહિત્યકારોના વિશિષ્ટ યોગદાનની સ્મૃતિમાં જે કાર્યક્રમો થયા તેમાં મેઘાણી કેન્દ્ર તથા કચ્છ યુનિવર્સિટીએ મહત્વનું તેમજ પાયાનું કામ કર્યુછે. શ્રી કારાણી ઉપર ભુજમાં યોજાએલા કાર્યક્રમમાં દુલેરાય કારાણીની મોંઘેરી સાહિત્ય સૃષ્ટિમાં આદરપૂર્વક ડોકિયું કરવામાં આવ્યું. કારાણીભાઇએ પણ ઝવેરચંદ મેઘાણીની જેમ નિષ્ઠા તથા ધગશથી ધૂળધોયાનું કાર્ય કરેલું  તેથી તેમનાયોગદાન અંગે મેઘાણી કેન્દ્ર તરફથી એક સુઆયોજીત કાર્યક્રમ ભૂજમાં થયો. કચ્છ યુનિવર્સિટીના સહયોગથી કચ્છના સંત સાહિત્યના વિષયને લઇને એક પરિસંવાદ પણ ઓકટોબર-૨૦૧૩ માં થયો. કચ્છ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા ઉત્તરઅને દક્ષિણ ગુજરાતની ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી મેધાણી કેન્દ્રના કાર્યક્રમો થયા. યુવાન પેઢીને આપણાં આ ઉજળા વારસા તરફ પ્રેરીત કરવાના ભાગરૂપે થયેલા આ પરિસંવાદો યુવાને પેઢીને ગમ્યાં.

શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર તરફથી સંત સાહિત્ય તેમજ લોકસાહિત્ય તેમજ લોકસાહિત્યના પ્રકાશનો પણ કરવામાં આવે છે. આ ગ્રંથમાળા પ્રકાશનની પ્રવૃત્તિના એક ભાગરૂપે આવી શ્રુંખલાના પ્રથમ મણકા તરીકે સંત સાહિત્ય તેમજ લોકસાહિત્યના સુવિખ્યાત વિદ્વાન ડૉ. નિરંજન રાજ્યગુરૂના લેખોનો સંચય ‘સ્વાતિના સરવડા’ ૨૦૧૩ના વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યો. ડૉ. નિરંજન રાજ્યગુરૂનો પરિચય ગુજરાતના સાહિત્યપ્રેમી લોકોને આપવાનો હોય નહીં. એક જીવંત તથા સદા જાગૃત સંશોધક તરીકે તેઓ પોતાનું સ્થાન તેમના યોગદાન થકી પ્રાપ્ત કરી શકયા છે. દેશી ભજનિકો પાસે કંઠસ્થ પરંપરામાં જળવાયેલા લોકસાહિત્ય તેમજ ભજનોનું લગભગ ૬૦૦ કલાકનું રેકોર્ડીંગ  કર્યું તે તેમની સિધ્ધી તથા નિષ્ઠાનું સ્વર્ણિમ શિખર છે. આ કામ સંપન્ન કરવામાં મેઘાણીભાઇ જેમ તેમણે પણ મર્મીઓના હ્રદયને કાળજી, સ્નેહ તથા આદરથી બોલાવીને મોંઘેરા મોતી પ્રાપ્ત કર્યા છે. સ્વાભાવિક રીતે જ લાંબી મુસાફરીની અગવડો વેઠીને તેમણે આ કાર્ય સંપન્ન કર્યું છે. આવું અલભ્ય દસ્તાવેજીકરણ કરીને તેમણે સમાજ પર પોતાનું રૂણ ચડાવ્યું છે. સંત પરંપરા, લોક પરંપરા તેમજ કંઠસ્થ પરંપરાની ત્રણેય મહત્વની ધારા અંગેના નિરંજનભાઇના લેખો ખૂબ અભ્યાસપૂર્ણ રીતે લખાયા છે. પ્રમાણભૂત સંશોધન કાર્ય કરવાની પ્રેરણા આ ક્ષેત્રમાં ડગ ભરતા સૌને નિરંજનભાઇના લેખોમાંથી ચોકકસ મળશે તેમ માની શકાય.

કેટકેટલા સંતો-ભક્તો-સર્જકોએ સાહિત્યના અગાધ સમુદ્રમાં પોતાનું યોગદાન આપ્યું છે તે જોઇને નતમસ્તક થઇ જવાય છે. તેમની વાણીમાં રહેલા અમી તત્વને કારણે આવા સંતોની રચનાઓ હંમેશા પ્રાસંગિક તથા ચિત્ત આકર્ષક રહે છે. આ સંત પરંપરામાં મહિલાઓનું યોગદાન સહેજ પણ ઓછું કે ઉતરતું નથી તે આપણા મધ્યયુગના સમાજ જીવનની શોભાતથા સ્વસ્થતા સૂચવે છે. દેવાયત પંડિતના પત્ની દેવળદેના આ ધારદાર અને અર્થપૂર્ણ શબ્દો કેવા રણકે છે !

હંસા રાજા રહી જાઓ આજુ કેરી રાત ………

                       અબ મત છોડો અમને એકલાં ……….

જી રે હંસારાજા ! આ રે કાયાનો કોઇ માલમી

અને હંસા કરો મુખડેસે બાત રે ……..

                               અબ મત છોડો અમને એકલાં

        આવા જ આપણી ભાષાના સમર્થ સારસ્વત અખા ભગતે કેવી સુંદર વાત કરી છે.

                સંતો સમજીને રહીએ ….

                મન વાણી જયાં પોંચે નહીં

                       ત્યાં અજરાઅમર રહીએ ….

                પૃથ્વી વિના પગ માંડવો

                       વિણ વાટે દીવો,

                જે ઘર જાવું મૂઆ પછી

                       તે ઘર જીવતા જુઓ …. સંતો ….

                ચંદા નહીં, સૂરજ નહીં,

નહીં કોઇ નવલખ તારા

                દિન ઉગે તે દિસે નહીં,

                       વાકા તેજ અપારા….. સંતો …..

               અને આપણાં આ સંત કવયિત્રિ લીરલબાઇના શબ્દોની વેધકતા તેમજ તેમાં રહેલું ઉંડાણ તો જૂઓ.

               અધૂરિયા સે ન હોય દલડાની વાતું

                       મારી બેન્યું રે …..

               નર પૂરાં રે મળે તો

                       રાવું રેડીએ રે  …..

               એવાં ખાડા રે ખાબોચિયા,

                       કેરી દેડકી રે .

               ઇ શું જાણ સમદરિયાની લહેરૂં

                       મારી બાયું રે …..

               નર પૂરા રે મળે તો

                       રાવું રેડીએ રે  …..

        આ બધા સંતોના શબ્દોનું પ્રાણતત્વ આજે પણ લીલું લાગે છે કારણ કે એ વાણી વ્યાપાર નહતો. પૃથ્વી પર પોતાના પગ બરાબર ઠેરવીને બીજની રાત્રીએ સહજ રીતે સૂઝેલી, પ્રગટેલી આ ગંગોત્રીની પાવન ધારા હતી. પાખંડ અને અજ્ઞાન સામે ઘણના ઘા કરનાર આ સંતો વિદ્રોહી મીજાજ ધરાવતા હતા. સંપ્રદાયના વાડામાં સિમિત કરી શકાય તેવી તેમની વાણી ન હતી. વાણીના પાણીનું મોજું પ્રભાવી તથા પ્રતાપી હતું. પરંપરાનો આ દોર સ્વયંપ્રકાશિત હતો. શ્લોકને લોક સુધી લઇ જવાનું કાર્ય આ સંતો ભકતો સિવાય થવું મુશ્કેલ હતું. એમની આરાધ તો અખંડ ધણીના ચરણાવિંદોમાં જ સમાતી હતી.

        જમી આસમાના બાવે મૂળ વિણ રોપ્યાને

        થંભ વિણ આભ ઠેરાણાં હોજી.

        અખંડ ધણીને હવે ઓળખો હોજી.

દેવાયતના ભાખેલા આ શબ્દો આપણી ભાષાની અમૂલ્ય સંપતિ જેવા છે.

બ્રહ્માનંદ સ્વામીના શબ્દોમાંથી ટપકતી ભક્તિ તથા અસાધારણ આત્મવિશ્વાસ અનન્ય છે.

                રે શિર સાટે નટવરને વરીએ,

                       રે પાછા તે પગલાં નવ ભરીએ….

                રે સમજયા વિના નવ નીસરીએ

                       રે રણ મધ્યે જઇને નવ ડરીએ

                ત્યાં મુખ પાણી રાખીને મરીએ.

                       શિર સાટે નટવરને વરીએ.

               કાળના આકરા પ્રવાહ સામે પણ ઝાંખુ ન પડે, ક્ષીણ ન થાય તેવું આ કાળજયી સાહિત્ય છે. તેની સુંદરતા તેની સહજતામાં છે.

ડૉ. નિરંજન રાજ્યગુરૂના લેખોનો આ સંચય પ્રકાશિત કરીને ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રે એક ખૂબ જ પ્રશંસનિય કાર્ય કર્યું છે. આપણું સંત સાહિત્ય પોતાના સ્વવલંબને જ જીવંત છે તથા સર્વકાળે પ્રાસંગિક છે.

ધણી તારા નામનો આધા

                       વાગે ભડાકા ભારી ભજનના

                       વાગે ભડાકા ભારી રે … હોજી

                       બાર બીજના ધણીને સમરૂં.

                       નકળંક નેજાધારી

                       ભજનના વાગે ભડાકા ભારી રે … હોજી

               મેઘાણીભાઇએ ટાંકેલા આ શબ્દો ભજનની સર્વસ્વીકૃતિનું પ્રતિબિંબ પાડે છે. કચ્છ-સૌરાષ્ટ્રના કોઇ ગામમાં ભાંગતી રાતે રેલાતા આ શબ્દો નિર્મળતા અને પવિત્રતાનો પ્રવાહ રેલાવે છે. મેઘાણીભાઇ લખે છે કે, ભજનમાં એકતારાના તારે તેઓ તેમના આરાધ્ય દેવ નકળંક નેજાધારીને સ્મરે છે. બીજના ચંદ્રનું આ પ્રતિક અનન્ય છે તેમજ કયાંય જાણ્યું નથી તેમ મેઘાણીભાઇ પ્રમાણે છે.

               ભજનનો વેપાર

               ધણી ! તારા નામનો આધાર

               કરમન ! ભજનનો વેપાર જી !

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑