સેવક અને સત્યાગ્રહી : રતુભાઇ અદાણી

ગાંધી યુગની આકાશગંગા તરફ નજર કરીએ તો ત્યાં અનેક તેજસ્વી સીતારાઓનું રમણીય દર્શન થાય છે. દરેક તેજસ્વી તારક ભલે ગાંધી વિચારથી દૈદીપ્યમાન હોય પરંતુ તે દરેકને પોતાનું આગવું વ્યક્તિત્વ છે તેમજ આગવો નિખાર છે. વૈચારિક સામ્યતાને કારણે તેઓ દૂરદૂરના વિસ્તારોમાં કે અલગ અલગ કાર્યવિસ્તારોમાં કાર્ય કરતા હોય તો પણ તેમની કહેણી તથા કરણીમાં અદ્દભૂત ઐકય દેખાય છે. ગાંધીજી જેટલા સ્વરાજય માટે ચિંતિત હતા તેટલા જ પ્રમાણમાં સ્વરાજય મળી ગયા પછીની વ્યવસ્થા માટે જાગૃત હતા. આથી સામાજીક સમરસતા તથા પરીશ્રમપ્રધાન રચનાત્મક કાર્યો તરફ પણ તેમનું નોંધપાત્ર ધ્યાન કેન્દ્રિત થયેલું હતું. ઠકકરબાપા તથા રવિશંકર મહારાજ જેવા રચનાત્મક પવૃત્તિઓના તેમજ સમરસ સમાજના નિર્માણ કાર્યમાં જોડાયેલા રહેતા હતાં. એટલું જ નહીં ગાંધીજીને મન આવા કાર્યોનું વિશેષ મહત્વ રહેતું અને તેથી ઠકકરબાપા માટે કહેતા: દરેક પ્રકારના સતકર્મ માટે હું બાપા સાથે હોડમાં છું…. મને લાગે છે કે, હું પાછળ છું…. બાપાને તો પગે પૈડા છે, મારે ચપ્પલ છે ! ’’ દરેક શબ્દને જોખી-તોળીને બોલનાર મહામાનવના આવા શબ્દો કામમાં સમર્પિત ભાવે જોતરાઇ જનાર કાર્યકરોને કેવા પ્રોત્સાહક લાગ્યા હશે ! આવી ઉજવળ પરંપરાના અનેક પુણ્યશ્લોક નામોમાં રતુભાઇ અદાણીનું નામ (૧૯૧૪-૧૯૯૭) પણ અધિકારપૂર્વક પોતાનું સ્થાન ધરાવે છે. ૧૯૧૪માં ૧૩ એપ્રિલે અમરેલી જીલ્લાના લીલિયામાં તેમનો જન્મ થયેલો. આ વર્ષે એટલે કે ૨૦૧૪નું વર્ષ તેમની જન્મશતાબ્દિનું વર્ષ હોવાથી સ્વાભાવિક રીતે જ અનેક લોકો રતુભાઇને તથા તેમના વિસારી ન શકાય તેવા મહત્વના યોગદાનને યાદ કરશે. ગાંધીયુગના આ ભેખધારી માનવીઓનું સ્મરણ‘‘ જુનું તેટલું સારૂં ’’  તેમ સ્થાપિત કરવા માટે નથી. પરંતુ તેમનામાં ગુણ હતા, કાર્ય પ્રત્યેની નિષ્ઠા તથા દ્રઢ સંકલ્પયુકત સંવેદનશીલતા હતી તે બધી બાબતો આજે પણ તેટલી જ પ્રસ્તુત છે તેમજ પથદર્શક છે. રતુભાઇ હોય, દરબાર ગોપાળદાસ હોય કે દર્શક દાદા હોય. આ બધાની કાર્ય-કીર્તિની યશગાથા સમાજે વિશેષ સ્વસ્થતા મેળવવા વાગોળવી જોઇએ. કર્તવ્યના આ કીર્તિસ્થંભો આજે પણ તેમના યોગદાનના પ્રતાપે આપણી સ્મૃતિમાં આદરપૂર્વક ઉભા છે. લોકકવિએ કહ્યું છે તેમ આ ચરિત્રો કાળના પ્રવાહ સામે ટકી શકે તેવા છે.

‘‘ નામ રહંતા ઠકકરાં નાણાં નવ રહંત

કીર્તિ કેરા કોટડા પાડયા નવ પડંત ’’

અક્ષયગઢ (જી.જુનાગઢ)ની ઇમારત એ તો એમનું સ્થૂળ સંભારણું છે પરંતુ સુક્ષ્મ રીતે તેઓ તેમના આદર્શોથી, સતકાર્યોથી પોતાની આગવી તથા સ્થાયી ઓળખ સ્થાપી શકયા છે.

આઝાદી સંગ્રામના લડાયક યોધ્ધા અને નિષ્ઠાવાન રચનાત્મક કાર્યકર રતુભાઇએ પુસ્તકો-સંભારણાં લખ્યા છે. ‘‘ ફુલછાબ ’’ માં પણ તેમની લેખમાળા પ્રગટ થયેલી પરંતુ શ્રી રતુભાઇના જીવન સંસ્મરણો કાળજી તથા ચીવટપૂર્વક લખવાનો યશ શ્રી શશીભાઇ ભટ્ટ તથા ડૉ. ઉષાબેન પાઠકને જાય છે. તેનું પ્રકાશન સોરઠ ક્ષયનિવારણ સમિતિએ ૧૯૯૭ માં કર્યુ છે. શ્રી રાજુલ દવે (રાજકોટ)ની સહાયથી આ પુસ્તકની નકલ મળી શકી. રતુભાઇના સ્વમુખેથી જ વાતો સાંભળી તથા તેનું ધ્વનિમુદ્રણ કરી શશીભાઇ તથા ઉષાબેને રતુભાઇના જીવનના મહત્વના તબકકાઓ તથા પ્રસંગોનું સુરેખ આલેખન કર્યુ છે. સૌરાષ્ટ્રમાં કામ કરવાનું થયું ત્યારે ઘણાં વહીવટના અનુભવી વડીલો પાસેથીરતુભાઇની વહીવટી કુશળતાની પ્રભાવી વાતો સાંભળવા મળી છે. સામાજીક જીવનમાં તેમજ અટપટી વહીવટી બાબતો ઉકેલવામાં પણ યોગદાન આપનારા ઓછા લોકો હોય છે. રતુભાઇ તેમાના એક હતા.

રતુભાઇને ઘરમાંથી જ જૈન ધર્મના ઉત્તમ સંસ્કાર મળ્યાં. જે બાબતની છાપ બાળમાનસ પર નાનપણથી જ પડે તે આજીવન રહી જતી હોય છે. તેમના જીવનમાં પણ જૈન ધર્મના મૂળ સિધ્ધાંતોની અસર સળંગ રહી. ધૈર્ય, ક્ષમા તથા દરેક સ્થિતિમાં સમતા રાખવાની માનસિક તાકાતનો તેમાંથી જ વિકાસ થયો હશે તેમ માની શકાય. નિયમિત સામાયિક પ્રતિક્રમણ કરતા દાદીમાને બાળક રતુભાઇ અહોભાવથી જોઇ રહેતા. આથી જ તો એક દિવસ નાનપણમાં ચૌવિહારનું વ્રત મિત્રોની સાથે લઇને શાળાએથી ઘેર આવ્યા. ચૌવિહાર એટલે સુર્યાસ્ત બાદ બીજા દિવસના સૂર્યોદય સુધી કોઇ પણ ખાવા પીવાની ચીજ મોઢામાં નાખી શકાય નહીં. દાદીમાએ ધમકાવીને કહ્યું કે આટલી નાની ઉમંરમાં અને ઉનાળાની રાતની ગરમીમાં પાણી પીધા સિવાય ન રહી શકાય. તેની પ્રતિતી પણ બાળક રતુભાઇને થઇ. મુંબઇમાં તેમના મામાને કાપડની દૂકાન હતી. આથી તેમના મોટાભાઇ સાથે ઇચ્છા કરીને મુંબઇ ગયા. મુંબઇની શાળામાં તેમનો અભ્યાસ આગળ વધ્યો. આ સમયે દેશ અંગ્રેજી શાસન હેઠળ હતો. દેશની મુક્તિ માટે અનેક મરજીવાઓ પોતપોતાને શ્રધ્ધા હોય તેવા સાધનોનો ઉપયોગ કરીને આઝાદી માટેનો જંગ લડતા હતાં. ગાંધીજીએ આફ્રિકાથી પરત આવીને મુક્તિના સંગ્રામની બાગદોર હાથમાં લીધી હતી. અસહકારનું આંદોલન વિદેશી સત્તાવાળાઓને ચેતવવા માટે શરૂ કરવામાં આવેલું. ખાદીની ટોપી પહેરનારાઓની સંખ્યા વધતી જતી હતી. તે રીતે લોકો ગાંધી વિચાર સાથે પોતાનું ઐકય ગૌરવથી પ્રદર્શિત કરતા હતા. સમાજમાં ગાંધી વિચાર એક આંધીના સ્વરૂપે ફેલાતો જતો હતો.  જાણે જંપી ગયેલા મહાકાળને જગાડવા કોઇ મથતું હતું ! કવિ શ્રી કાગે ગાંધી-વિચાર માટે લખ્યું તે આ સ્થિતિનું યથાર્થ વર્ણન છે.

એક જોધ્ધો એવો જાણિયો કે

જેણે સૂતો જગાડયો કાળ,

પગ પાતાળે શીશ આકાશે

હાથ પહોંચ્યા દીગપાળ

માતાજીની નોબતું વાગે ….

સુતા સૌ માનવી જાગે…

લીલુડા માથડાં માગે.

લોકોમાં ચર્ચા ચાલતી કે, ગાંધી ઉંચ-નીચમાં, નાના-મોટામાં, ભણેલા અને અભણમાં, મહીલા અને પુરૂષમાં કોઇ તફાવત કે ભેદભાવ રાખતા નથી. સમગ્ર સમાજને તેઓ આઝાદી માટેના આ ધર્મસંગ્રામમાં જોડવા માગે છે. આથી ગાંધીજીના વિચારોમાં માનનારા લોકોએ વ્યસનથી દૂર રહેવું પડે. ખોટા મોજશોખ ન કરાય, આભડછેટ ન રખાય તેમજ ખાદીના વસ્ત્રો પહેરવા પડે. પરિશ્રમી જીવન જીવવું પડે. કિશોર રતુભાઇ પર મુંબઇમાં તથા સમગ્ર દેશમાં થતી આ ચર્ચાઓની અસર પડી. તેમને ચા પીવાનો શોખ હતો તે ચા છોડવાથી શરૂઆત કરી. દિવાળીના દિવસોમાં ફટાકડા નહીં ફોડીને પૈસાનો ખર્ચ બચાવવા મનોમન નિર્ધાર કર્યો. તરૂણ પર આસાપાસના વાતાવરણની કેટલી મોટી અસર હોય છે ! જે સમયે કિશોર-તરૂણો માટે આદર્શ તરીકે સામે રાખીને ચાલી શકાય તેવા પાત્રો હતા ત્યારે આપણું યૌવન તેમની પાછળ ફના થવા માટે સજજ હતું. સમાજમાં જયારે આવા કોઇ આદર્શ ન હોય અથવા કોઇ પણ કારણસર તેમનો તેટલો પ્રભાવ ન હોય તો સમાજના તરૂણોના નાવને દિશાશૂન્યતા અનુભવવી પડે. આજે એવી સ્થિતિ લાગતી હોય તો આવા આદર્શ લોકોની અને ખાસ તો તેમના વિચારોની પુન:પ્રતિષ્ઠા કરવી પડશે. ઉજવળ વિચારો તથા તેવું જ જીવન જીવનારાઓને અનુયાયીઓ શોધવા જવું પડતું નથી. સ્વરાજ મળ્યા પછી લગભગ ત્રણ દાયકા બાદ પણ જયપ્રકાશ નારાયણને દેશભરના તરૂણોએ લોકનાયક ગણ્યા એ જાણીતી બાબત છે. રતુભાઇની કિશોર કે યુવાન અવસ્થાએ જેને આદર્શ ગણીને અનુસરણ કરી શકાય તેવા સીતારા બુલંદ હતા તેમ ચોકકસ લાગે.

૧૯૩૦ માં દાંડીકૂચનું એલાન કરીને ગાંધીજીએ ક્રાંતિનું બ્યુગલ ફુંકયું. ગાંધીજીના વિચારોની અસર, બાળપણના સંસ્કાર તથા અમૃતલાલ શેઠના ‘‘સૌરાષ્ટ્ર’’ સાપ્તાહિકની અસર યુવાન રતુભાઇના મન પર ખૂબ જ ઉંડી હતી. ભારેલા અગ્નિ જેવી મનોસ્થિતિમાં જાણે ચીનગારી લાગી. ૧૬ વર્ષ પણ હવે પુરા થવાના હતા તેવા યુવાન રતુઆઇએ દાંડીકૂચના સંદર્ભમાં મીઠાના અન્યાયી કાયદા સામેની લડતમાં સ્વયંસેવક તરીકે જોડાવાનું નકકી કર્યુ. ધોલેરા બંદરે  (હાલ અમદાવાદ જીલ્લામાં) કુદરતી રીતે પાકતું મીઠું જકાત ભર્યા વીના ઉપાડીને સત્યાગ્રહનું સમર્થન કરવાની સુઆયોજીત લડતનું મંડાણ અમૃતલાલ શેઠની આગેવાનીમાં ગોઠવાયું. માતા-પિતાને રતુભાઇની ઉંમર જોઇને પુત્રના આ નિર્ણય માટે દૂ:ખ તથા રોષની લાગણી થઇ. ‘‘સત્યાગ્રહ છોકરાની રમત નથી’’  તેમ કહીને તેની તકલીફો યુવાન પુત્ર પાસે વર્ણવી. ‘‘ડગલું ભર્યુ કે ના હઠવું’’  જેવી રતુભાઇની દ્રઢતા જોઇને માતા-પિતાએ નમતું જોખ્યું.  ‘‘ફત્તેહ કરો !’’  મા એ દિકરાના ઓવારણા લેતા ગર્જના કરી. તા.૦૬-૦૪-૧૯૩૦ ના ઐતિહાસિક દિવસે ધોલેરામાં વિશાળ માનવ મેદનીનો વિદેશી સરકાર સામેનો આક્રોશ તથા માનસિક શક્તિના દર્શન કરીને મેઘાણીભાઇએ તેમના બુલંદ કંઠે સીંધુડાના સુર હવામાં તરતા મૂક્યા.

કંકુ ઘોળજો રે, કેશર રોળજો રે

પીઠી ચોળજો રે, માથા ઓળજો રે

ઘોળજો કંકુ આજ યોધ્ધા રંગભીના અવસરે

રોપાય મંડપ મોતના ગુર્જરી કેરા ઘરે ઘરે

જોધ્ધા જાગિયા રે, કાયર ભાગિયા રે,

ડંકા વાગિયા રે, હાકા લાગિયા રે…

૧૩ એપ્રિલ, ૧૯૩૦ ના શુભ દિવસે યુવાન રતુભાઇના મનનો સંકલ્પ સિધ્ધ થયો. ધોલેરા સત્યાગ્રહમાં ક્રમ અનુસાર આ દિવસે જોડાવાની તક તેમને મળી. સત્યાગ્રહીઓના આ જુથે મીઠાના કાયદાનો છડેચોક ભંગ કરવા ઉપરાંત ધોલેરા આસપાસના ગામોમાં નવજાગૃતિ પ્રગટાવવાનું કામ પણ કર્યું. રતુભાઇને આ કામ માટે જે સાથીદારો મળ્યાં તેમાં જયમલ્લ પરમાર તથા નિરંજન વર્મા (મૂળ નામ નાનભા બારહક) એ બે નામનો ખાસ ઉલ્લેખ કરવો જોઇએ. રતુભાઇના આ બન્ને સાથીઓએ તેમની કથન શૈલીથી જનજાગૃતિનું કામ સરળ, ઝડપી તથા અસરકારક બનાવ્યું. ગામ લોકોમાં જાગૃતિ એવી પ્રગટી કે ભલા ભોળા આ ગામલોકોએ પોલીસની સૂચનાનો અનાદર કર્યો. કાયદાનો ભય કોરાણે મૂકીને સત્યાગ્રહી ટૂકડીના તરૂણોને પુત્રવત ગણીને જમાડવાનું શરૂં કર્યુ. એટલું જ નહીં કુટુંબ-કબીલાને છોડીને નીકળેલા આ મરજીવાઓને કુટુંબની હુંફ પોતાનું વાત્સલ્ય વરસાવીને ગ્રામજનોએ પૂરી પાડી. નાની બહેનના લગ્ન પ્રસંગે પણ આ લડતનો મોરચો છોડીને રતુભાઇ ગયા નહીં. કાર્ય પરત્વેની કેવી નિષ્ઠા હશે ! અંતે તેઓને જેનીરાહ હતી એ ધરપકડની વેળા આવી. રતુભાઇ સાથે જ જયમલ્લભાઇ, ભીખુભાઇ ધ્રુવ, ઇશ્વરભાઇ દવે, મનુભાઇ પંચોળી, રતુભાઇ કોઠારી તથા સુરેશભાઇ બાબરિયાની ધરપકડ કરવામાં આવી. રતુભાઇના સુદીર્ઘ સંગ્રામ સ્વરૂપી જીવનનો એક મહત્વનો અને પ્રારંભિક પડાવ એ ધોલેરા સત્યાગ્રહ હતો.

રતુભાઇ વિષે લખી શકાય તેમજ કહીને વર્ણવી શકાય તેવી અનેક ઘટનાઓ નોંધાયેલી છે. ‘‘ સાયર લેર્યુ થોડીયું, મુજ ઘટમાં ઘણેરીયું ’’ એ ઉક્તિ મુજબ અનેક અનુભવી મિત્રો વડીલોના મનમાં આવી વાતો ઘરબાઇને પડી હશે. રતુભાઇના જન્મ શતાબ્દીના આ વર્ષમાં તેનું પાવન સ્મરણ અનેક લોકો તથા સંસ્થાઓ કરશે તે નિર્વિવાદ છે. આ કોલમના માધ્યમથી પણ અનુકૂળતાએ આ મહામાનવનીવાતો શકય થશે તો વાગોળીશું. અંતે તો  તેમની ફનાગીરી વ્યાપક લોક કલ્યાણને નજરમાં રાખીને જ સર્જાયેલી છે. સમાજ તેને કેમ વિસરે ? શક્તિ, સંસ્કાર તથા સ્વાર્પણના સ્ત્રોત સમાન જીવન જીવનારા લોકો કોઇપણ કાળે પ્રસ્તુત તેમજ પથદર્શક છે.

અગર બહેતર ભૂલી જજો, અમારી યાદ ફાની !

બૂરી યાદે દુભવજો ના, સુખી તમ જિંદગાની

કદી સ્વાધીનતા આવે વિનંતિ ભાઇ છાની

અમોનેય સ્મરી લેજો જરી પળ એક નાની.

(ઝવેરચંદ મેઘાણી)

મીઠા ચોર મહાત્માનું મહાપ્રયાણ

દેશનો મીઠાનો ઉદ્યોગ ભાંગી નાખવા વિદેશી સરકારે અન્યાયી અને અસાધારણ કર નાખ્યો હતો. સામાન્ય જનને જરૂરી તેમજ અનિવાર્ય ચીજને લડતનો મુદ્દો બનાવીને ગાંધીજીએ બ્રિટિશ સામ્રાજયની ભવ્ય ઇમારતમાં લુણો લગાડવાનું ઐતિહાસિક કાર્ય કર્યુ. ધોલેરા સત્યાગ્રહ પણ આ લડતનું જ મહત્વનું સોપાન હતું. સરકારે પણ માનવતાના તમામ નીતિ-નિયમો નેવે મૂકીને નિ:શસ્ત્ર સત્યાગ્રહીઓ પર વિશ્વના ઇતિહાસમાં ક્રુરતા તરીકે ઓળખાવી શકાય તેવા અત્યાચાર ધરાસણા તથા અન્ય સ્થળોએ કર્યા. દૂનિયાભરના મીડીયાએ આ બાબતની નોંધ લીધી. રક્તરંજીત સત્યાગ્રહીઓની સમર્પણ ધારા ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ બની રહી. મેઘાણીભાઇથી વિશેષ તેને કોણ બિરદાવી શકે ?

તુટે છે આભ ઉંચા આપણા આશા મીનારાં

હજારો ભય તણી ભૂતાવળો કરતી હુંકારા

સમર્પણની છતાં વહેશે સદા અણખુટ ધારા

મળે નહિ માવડીને જયાં લગી મુક્તિ કિનારા

વી.એસ.ગઢવી.

  ગાંધીનગર

***

Leave a comment

Blog at WordPress.com.

Up ↑