“ઉર્મિ નવરચના” માં સિંહ કથાઓ

lionઉર્મિ નવરચનાના કેટલાક સમુદ્ર વિશેષાંકો થયા તેમાંના એક અંકમાં સિંહ કથાઓ આલેખાયેલી છે તેનો પણ સમાવેશ થાય છે. ગુજરાતની કેટલીક વિશિષ્ટ બાબતો પૈકી બે મહત્વની બાબતો તરફ સૌનું ધ્યાન દોરાયું છે. એક તો ગુજરાતને કુદરતની અમૂલ્ય ભેટ સમાન મળેલો ૧૬૦૦ કિલોમીટરનો લાંબો સમુદ્રતટ અને બીજા ગિરમાં નિવાસ કરતા ડાલામથ્થા સાવજ (સિંહ). લાંબા દરિયા કિનારાનો લાભ ઉઠાવીને ઘણા ગુજરાતીઓ વિશ્વના ખૂણે-ખૂણે પહોંચ્યા. જ્યાં ગયા ત્યાં તેમણે વેપારમાં તો કુનેહ બતાવી જ પરંતુ જે પ્રદેશોમાં ગયા ત્‍યાં દૂધમાં સાકરની જેમ ભળી જવા પ્રયાસ કર્યો. વેપારની સૂઝ અને આગવી ધગશને કારણે તેઓ જે લક્ષ્‍મી કમાયા તેમાંથી તેમણે જે-તે પ્રદેશના સ્‍થાનિક લોકોને પણ શક્ય તેટલી હદે લાભાન્‍વિત કરવામાં પોતાની શક્તિનો ઉપયોગ કર્યો. પોરબંદરના કિનારેથી બેઠેલા યુવાન અને તેજસ્‍વી વેપારી નાનજી કાળીદાસ મહેતા તેનું એક ઝવલંત ઉદાહરણ છે. આ ગુજરાતી સાહસિકો શોષણની નહીં પરંતુ પોષણની નિતિમાં માનનારા હતા. દક્ષિણ આફ્રિકામાં વસેલા આપણા આજ ગુજરાતી સાહસિકો પોરબંદરના મોહનદાસને લઇ ગયા અને પડકારરૂપ પ્રક્રિયાના સુખદ અંત જેમ તેમને મોહન માંથી મહાત્‍મા બનાવીને જગતને અભૂલ્‍ય ભેટ આપી. આવી જ ઉજળી કથા છે આપણાં ખૂંખાર, ડાલામથ્થા સિંહોની કે જેમના થકી માત્ર પ્રદેશ જ નહીં પરંતુ સમગ્ર દેશ ગૌરવ લઇ શકે તેમ છે. સિંહની અનેક વાતો કથાઓ આપણાં લોકજીવનના તાણાવાણાંમાં ગુંથાઇને પડેલી છે. સિંહકથાઓમાં આસપાસનું લોકજીવન નહીં, સૃષ્‍ટિના અન્‍ય જીવંત પ્રાણીઓ પણ એક વિશિષ્‍ટ સંબંધથી જોડાયેલા છે. આ બાબતમાં આપણાં મૂર્ધન્‍ય કવિ શ્રી ત્રિભુવન વ્‍યાસે લખેલા અમર શબ્‍દો કાન માંડીને સાંભળવા ગમે તેવા છે.

ભગર ભેંશો વડી હાથણી જેવડી

ઘેનું જ્યાં સિંહ સન્‍મુખ ધસતી

ઘોડીઓ માણકી તીખી તાજણ સમી

જાતવંતી ઘણી જયાં નિપજતી

યુધ્‍ધમાં અડગ ત્રમઝૂરમાં ના હટે

વેગવંતી દીશે અપલહરણી

ભણતી ભોમની વહુ તનથી વડી

ધન્‍ય હો ધન્‍ય સેોરાષ્‍ટ્ર ધરણી

               કવિશ્રી દૂલા ભાયા કાગ(ભગતબાપૂ) સાથે ગીરનારને સજીવનનું દર્શન કરવા નીકળેલા મેઘાણીભાઇ જેવા મર્મી કવિએ અહીં જ સાવજ અને ચારણ કન્‍યાની અદભૂત કથા જોઇ છે અને તેને અક્ષરદેહ આપી અમર કરી છે.

ઉર્મિનવચનાએ ૧૯૬૯ ના દિપોત્‍સવી પર્વ નિમિત્ત સિંહ કથાઓનો એક સમૃધ્‍ધ વિશેષાંક બહાર પાડયો જે ખૂબ જ આવકાર પામ્યો. સદભાગ્યે તેના પરથી ભાઇ શ્રી રાજુલ દવેએ એક સુગ્રથિત પુસ્તક પણ તૈયાર કર્યું, જે પ્રવીણ પ્રકાશન તરફથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું. સાવજની આ રંગદર્શી વાતોનો સત્કાર કરતા કલાગુરુ રવિશંકર રાવળે સરસ વાત લખી કે જે લેખકો જન જીવનને આત્મસાત કરી શકતા હોય તેઓ જ આવી બાબતો ઘટનાઓ અંગે કલમ ઉપાડી શકે. આ સમગ્ર કથાઓમાં સિંહોની રસપૂર્ણ કથાઓ સાથે જ સિંહ સમા માનવીઓની પણ ઓળખ ઉભી કરવામાં આવી છે. જામનગરના શિલવાન અને વિદ્વાન કવિ શ્રી પિંગળશીભાઇએ આ સિંહ કથાઓને દિરદાવતા લખ્યું;

ડાલામથ્થો કેમ ડણકતો,

ગળા પહાડોના એ ગજવતો,

પડખામાં એક પંજો પડતો,

(તો) કોઇ નહીં ફરીવાર કણકતો,

લડતો દુશ્મન સાથે લડાઇ,

મરણ ટાણે મનમોટાઇ,

વરણાગી લાગે વનરાઇ,

સાદુળાની કીધ સવાઇ

               આપણી ભાષાના વિદ્વાન અને અભ્યાસુ શ્રી નરોત્તમ પલાણના મતે સિંહ એક અતિ પ્રાચીન પશુજાતિ છે. ઋગ્વેદમાં સિંહની ગર્જનાનો ઉલ્લેખ છે. એ જ રીતે રાજપૂત જાતિ સાથે સિંહ શબ્દ જોડાયેલો છે અને એ જ્ઞાતિના ઉજ્જવળ તથા ગૌરવપૂર્ણ ઇતિહાસનું સ્મરણ કરાવે છે. ગિરનાર રળિયામણા વનસ્પતિ વૃક્ષોના સામ્રાજ્યમાં સિંહનો વાસ છે અને ગિરના સ્થાનિક માલધારીઓ સાવજની સમજદારી તથા તેની ખાનદાનીથી વિશેષ પરિચિત છે. સિંહ તથા અન્ય વનજીવનના પ્રાણીઓ સાથે જીવન ગાળતા આ માલધારીઓ પોતાના તેમજ પોતાના પ્રાણીઓના રક્ષણ માટે રાખવી પડતી કાળજી કે સાવધાનીથી પણ પુરા વાકેફ છે. અહીં જે લેખકોએ પોતાનું યોગદાન લેખ કે વાર્તા સ્‍વરૂપે આપ્‍યું છે તેમણે કોઇક કિસ્‍સામાં નજરે જોયેલા કે નજીકના ભૂતકાળમાં સાંભળેલા પ્રસંગોનું છે તેથી તે પ્રશંગો વાસ્‍તવિકતાથી ખૂબ જ નજીકના કહી શકાય તેવા છે. શ્રી જયમલ્લ પરમારે ગિરના મોણપરી ગામના આપા માત્રા નામના ગિરાસદારની અને તેના સાવજ સાથેના પરિકથા જેવા સંબંધની વાર્તા લખી છે તે આશ્ચર્યકથા સમાન નિરાળી છે. મોણપરી ગામા પાસેથી વહેતી નદીની વિકરાળ ભેખડોમાં સિંહણના અકાળ મૃત્‍યુથી વ્‍યથિત થયેલા અને સિંહણને મારનાર વિકરાળ મગરને સ્‍વધામ પહોંચાડનાર વીર સાવજની કથા આજે પણ રોમાંચિત કરે તેવી છે. દરબાર આપ માત્રા સાથેના સિંહના સંબંધો અને બન્ને વચ્ચેની આજીવન મિત્રતા નો પ્રસંગ જોતા એમ લાગે છે કે સમગ્ર વનસૃષ્‍ટીનું પર્યાવરણ આ માનવ અને પ્રાણી વચ્ચેના સ્‍નેહના તાણાવાણાને કારણે વધારે સમૃધ્ધ બન્‍યુ હશે. આજે વિશ્વભરમાં પર્યાવરણના પડકારને ધ્‍યાનમાં રાખીને માનવી તથા વન્‍યસૃષ્‍ટિના નાજૂક સંબંધો બાબત ખૂબ ચર્ચા વિચારણા થાય છે. સહઅસ્‍તિત્‍વનો માર્ગ સહુને પસંદ છે અને તેમાં જ લાંબા ગાળાનો ઉપાય જોવા મળે છે. આવા સમયે આવી જોમવાળી સિંહકથાઓની ઘટનાઓનું એક ચોક્કસ મૂલ્‍ય છે. આ વાતો માત્ર જૂની છે તેથી સારી છે તેમ નહીં પણ ભવિષ્યમાં પણ સમગ્ર પર્યાવરણના જતન માટેના સામૂહિક પ્રયાસોમાં દીશાસૂચક, પ્રેરક છે તેમ જરૂર કહી શકાય. સિંહ સાથેના તાણાવાણા થી જોડાયેલ સમાજને તેની ઓળખ જેટલી વધારે સ્પષ્‍ટ થાય, તેના તરફની સમજ વિશેષ કેળવાય તો પરસ્‍પર અવલંબિત રહેલું આ વિસ્‍તારનું જીવન વધારે સમૃધ્ધ બની શકે. આ વિશેષાંકની વાતો આ વિચારનું પોષણ કરનારી છે.

***

One thought on ““ઉર્મિ નવરચના” માં સિંહ કથાઓ

Add yours

Leave a reply to Vagmin Buch Cancel reply

Blog at WordPress.com.

Up ↑