ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબ-વાટે…ઘાટે

ગુલામનો મેજીસ્ટ્રેટને જવાબનામદાર, જગા હજુ ખાલી છે.

                અમેરિકામાં હબસીઓને ગુલામ તરીકે રાખવામાં આવતા હતા. તે જાણીતો ઇતિહાસ છે. ગુલામના માલિકો તેમની ઈચ્છા મુજબ તેમની પાસેથી કામ લેતા હતા. કામ ન થાય તો મારઝૂડ પણ કરવામાં આવતી હતી. ગુલામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હતા. તેઓ નાસી જઈ શકે તેવા સંજોગો ખુબ ઓછા હતા. જાપ્તો કડક હતો. આમ છતાં ક્યારેક કોઈ ગુલામ નાસી જાય તો તેના પર કેસ માંડવામાં આવતો હતો. કાયદો પણ ગુલામોની તરફેણમાં ન હતો. આથી કેસ ચલાવ્યા બાદ ગુલામોને આકરી સજા થાય તેવા કિસ્સાઓ વારંવાર બનતા હતા. આવા આકાર કાયદા હોવા છતાં કેટલાક ગુલામો મુક્તિની ઝંખના લઈને નાસી જતા હતા. આવો એક નાસી ગયેલો ગુલામ પોલીસના હાથે પકડાયો. કાયદા મુજબ તેને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. કેસ ચાલવો શરુ થયો. મેજિસ્ટ્રેટ તથા ભાગી જનાર ગુલામ વચ્ચે સંવાદ શરુ થયો. મેજિસ્ટ્રેટે ગુલામને પૂછ્યું: “તારે કેમ ભાગી જવું પડ્યું? શું તારો માલિક તને મારઝૂડ કરે છે?” ગુલામ જવાબ આપે છે: “ના જી”. “ત્યારે એ શું તને પૂરતું ખાવાપીવાનું આપતો નથી?” ગુલામ કહે : “ના જી એ મને પૂરતું ખાવાપીવાનું આપે છે.” મેજિસ્ટ્રેટ કહે : “તો કદાચ એ તને પહેરવા માટે પૂરતા કપડાં આપતો નહિ હોય” “ના જી કપડાં પણ મને પૂરતા મળે છે.” ગુલામે કહ્યું. “ત્યારે શું એ તને ખુબ આકરી મહેનત-મજુરી કરાવે છે? મેજિસ્ટ્રેટ પૂછે છે. ગુલામ કહે: “ના જી એય પણ ન કહેવાય.” મેજિસ્ટ્રેટ આગળ પૂછે છે: તારા શેઠ સામે તને બીજી કોઈ ફરિયાદ છે? “તેમ પણ નથી” ગુલામે જવાબ આપ્યો.

       મેજીસ્ટ્રેટને આ બધું સાંભળ્યા પછી નવાઈ લાગે છે.  તે ગુલામને સંબોધીને કહે છે: “તને પૂરતું ખાવા મળે છે. તારા શેઠ મારઝૂડ કરતા નથી. કપડાં પણ પૂરતા આપે છે. તો પછી આ સુખમાંથી નાસી છૂટવાનું શું કારણ છે?”

            ગુલામ થોડીવાર મૂંગો રહી અને વિચાર કર્યા પછી મેજીસ્ટ્રેટને જવાબ આપે છે: “નામદાર, એ જગા હજુ ખાલી જ છે. આપ એ લઇ શકો છો.”

              ગુલામનો જવાબ વિચારતા કરી મૂકે તેવો છે. ગુલામની જીવનભરની આકરી વ્યથાનું તેમાં દર્શન થાય છે. સોનાનું હોય તો પણ પિંજરામાં પુરાઈને રહેવું કોણ પસંદ કરે? ગાંધીજી અને લોકમાન્ય તિલક અંગ્રેજ અધિકારીઓ સાથેના એક સંવાદમાં સ્પષ્ટ કહે છે: “અમારા પ્રશ્નો હશે તે અમે ઉકેલીશું. તમે અહીંથી ટળો.” સ્વતંત્રતાની અનોખી મીઠાશ છે. જે મેઘાણીભાઇએ શબ્દસ્થ કરી છે:

તારા નામમાં ઓ સ્વતંત્રતા !

મીઠી આ શી વત્સલતા ભરી.

મડદા મસાણેથી જાગતા

એવી નામમાં શી સુધા ભરી?

                    ૧૮૬૦માં અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા અબ્રાહમ લિંકન સદીઓ જૂની ગુલામી પ્રથા નાબૂદ કરવામાં ભાગરૂપ બન્યા હતા. લિંકને ૧૮૬૩માં ગુલામી નાબૂદીનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. ૧૮૬૫માં બંધારણીય સુધારો અમલમાં લાવ્યા. USA જેવા વિશાલ દેશના બે ભાગ થતા અટકાવનાર અબ્રાહમ લિંકન એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરે છે. 1865 સુધી ગુલામીના કલંક સાથે અમેરિકા અસ્તિત્વ ધરાવતું હતું. 30 લાખથી વધારે હબસીઓ ગુલામ હતા તેવો અંદાજ છે. ઢોરથી પણ બદતર સ્થિતિમાં તેઓ જીવતા હતા. પશુઓનું જેમ વેચાણ થાય તે રીતે તેમનું વેચાણ થતું હતું. મોટા ભાગના ગુલામો દક્ષિણ અમેરિકામાં હતા. ફળદ્રુપ જમીનમાં તેઓ કાળી મજૂરી કરીને ડાંગર, કપાસ તથા શેરડી પકવતા હતા. સમાજના એક ભાગને આ પ્રથામાં રહેલા શોષણનું દર્શન થતું ન હતું અથવા તેઓ તે બાબતની જાણીજોઈને અવગણના કરતા હતા.

                  ગુલામીની આ અમાનવીય સ્થિતિનું આબેહૂબ વર્ણન પ્રસિદ્ધ લેખિકા હેરિયટ બિયર સ્ટોએ કર્યું છે. Uncle Tom ‘ s Cabin નામના તેના પુસ્તકની લાખો નકલો છપાઈ અને વેચાઈ હતી. “ટોમકાકાની ઝૂંપડી’ એ નામે તેનો ગુજરાતી અનુવાદ પણ થયો છે. જે કાર્ય લિંકને કર્યું તેની ભૂમિકા એક પુસ્તકની મદદથી ઉભી કરનાર આ લેખિકા જગપ્રસિદ્ધ છે. લિંકન પણ લેખિકાથી પ્રભાવિત થયા હતા. પ્રમુખ લિંકને આમંત્રણ આપીને હેરિયટને મળવા બોલાવ્યા હતા. લિંકનને માનવજાત કદી ભૂલી શકશે નહિ. એક ગરીબ ખેડૂત તથા સુથારીકામ કરનાર પિતાને ત્યાં જન્મ લઈને તેણે ગુલામીપ્રથા નાબૂદ કરવા માટે જેહાદ ચલાવી અને સફળતા પ્રાપ્ત કરી.

                     વિશ્વના અનેક ભાગોમાં ગુલામીપ્રથા નાબૂદ કરવા માટેના ભીષણ સંગ્રામ થયા છે. માનવ એ આમ તો ઈશ્વરનું સંતાન છે. એ ગુલામ કઈ રીતે થઇ શકે તેમ જ રહી શકે? કવિ ઉમાશંકર જોશીની પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે.

સ્વતંત્ર પ્રકૃતિ તમામ,

એક માનવી જ કાં ગુલામ?

                    આફ્રિકામાં એક બેરિસ્ટર તરીકે વ્યવસાયિક કામ માટે ગયેલા એમ. કે. ગાંધીને પહેલી જ નજરે કાળા લોકો તરફનો પૂર્વગ્રહ ધ્યાનમાં આવે છે. ગાંધી પોતે બેરિસ્ટર છે. નાણાં ચૂકવીને પ્રથમ વર્ગની રેલવેની ટિકિટ ખરીદે છે. આમ છતાં ગોરા મુસાફરો સાથે કોઈ એક કાલી ચામડીવાળો પ્રવાસી કેવી રીતે સફર કરી શકે? એ ઘટના જાણીતી છે કે બેરિસ્ટર ગાંધીને તેમના સમાન સાથે ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટની બહાર ધકેલી દેવામાં આવે છે. આફ્રિકામાં રહેતા હિંદીઓ ગાંધીજીને સમજાવે છે કે આવી ઘટનાઓ અહીં બનતી રહે છે. હિન્દી કોમ અપમાન સહન કરીને પણ રોજીરોટી રળવા અહીં રહે છે. અનેક પ્રકારના પરવાના-પરમીટો લેવી પડે છતાં રોજી રળવા માટે આવા લોકો સમાધાનવૃત્તિ કેળવે છે. ગાંધીજીએ લડત માટે લોકોના આત્મગૌરવને જાગૃત કર્યું અને એક સફળ સંગ્રામનું નેતૃત્વ કર્યું. માનવગૌરવ માટે મુક્ત જીવનથી બીજી કોઈ મોટી સોગાત નથી તે સ્પષ્ટ છે.  

વસંત ગઢવી

તા. 23 માર્ચ 2026

Leave a comment

Blog at WordPress.com.

Up ↑