ઇન્દુલાલ યાજ્ઞિક-વાટે…ઘાટે

:ગુજરાતના એક અને અનોખા લોકનેતા: ઇન્દુલાલ યાજ્ઞિક

          “હું તો ઝુંપડાનો માનવી છું. પગથી પર જીવતો આદમી છું. ત્રીજા વર્ગની જનતાનો માણસ છું. ગરીબો તથા કિસાનોની વચ્ચે બેસવું તેમજ તેમની વિચારધારાને ઝીલવી એ મારું કાર્ય છે.” આ વચનોની પારદર્શિતાને ગુજરાતે ખોબે અને ધોબે વધાવી છે. આવી નિખાલસ વાત કરનાર ફકીરને પણ અમદાવાદ શહેરે પોતાના પ્રતિનિધિ તરીકે લોકસભામાં મોકલ્યા છે. ઇન્દુચાચાની આ વાતમાં સર્વાંગ સત્યનો રણકો સંભળાય છે. રત્નગર્ભા વસુંધરાના ખોળે તેઓને પણ ગાંધીજી તથા સરદાર પટેલની જેમ અસાધારણ લોકાદર મળેલો છે. મહાગુજરાત આંદોલનના તેઓ મોભી હતા.

         મહાગુજરાત ચળવળના સેનાપતિ શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલ સ્વભાવનું વર્ણન કરતા લખે છે:

          “મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઈ મેળવી શકતો નથી. પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું…મારો ધર્મ બજાવવામાં અંતરાયરૂપ લાગતાં મેં સંસ્થાઓ અને હોદ્દાનો ત્યાગ કર્યો છે. હું મૂર્તિપૂજક નથી…પરંતુ છાતી ઠોકીને કહી શકું છું કે કદી રાજરાજવાડા, જમીનદાર કે શેઠ શાહુકારની ગોદ કે ઓથ લીધી નથી.” ખુમારીએ જાણે દેહ ધારણ કર્યો હોય તેવું ઈન્દુચાચાનું વ્યક્તિત્વ હતું. સદાકાળ પથિક જેવા ઇન્દુલાલ પાસે થાક અથવા નિરાશા ફરકી પણ શકતા ન હતા. કોઈ પણ સંસ્થાની વ્યવસ્થાઓમાં તેઓ બંધાઈ રહે તેવા ન હતા. આથી જ આ વણથાક્યા પથિકે કોંગ્રેસ છોડી ત્યારે સરદાર વલ્લભભાઈએ પૂછ્યું કે હવે શું કરશો? તેનો જવાબ વાળતા આ એકલવીર કહે છે: “હવે એકલા હાથે સેવા કરીશ.” ગમે તેવા તોફાની સમુદ્રમાં પણ પોતાની નાવ શ્રદ્ધા તથા નિષ્ઠાના બળે ઝુકાવનાર ઇન્દુચાચાની જીવનગાથા યુવાનોના ખમીરને પ્રગટાવે તેવી શક્તિશાળી તથા જ્વલંત છે. ઇન્દુચાચાની તથા તેમના જીવનકાર્યની વાતો રોમાંચક છે. આવા ઝુઝારુ વ્યક્તિત્વને ગુજરાતના યુવાનોએ વિશેષ ઓળખાવા જેવા છે.

                      ઈન્દુચાચાનું વ્યક્તિત્વ બહુઆયામી હતું. નાટકો-ફિલ્મોના ક્ષેત્રમાં તેમની કામગીરીની પણ એક અલગ કથા લખી શકાય તેવી ભાતીગળ છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ સાક્ષરોને પણ પ્રભાવિત કરે તેવું હતું. સાક્ષરોનાં કેન્દ્ર સમાન નડિયાદના તેઓ ખરા પ્રતિનિધિ હતા. પોતાની આત્મકથા લખીને તેમણે આપણાં પર ઋણ ચડાવેલું છે. અરુણાબહેન મહેતા મેમોરિયલ ટ્રસ્ટ તેમજ શ્રી સનત મહેતાને કારણે તેનું સુંદર તથા આકર્ષક રીતે પુનઃ:પ્રકાશન થઇ શક્યું છે. સનતભાઇ લખે છે તેમ સત્તાએ કદી ઈન્દુચાચાને લોભાવ્યાં નથી. તેમના જીવનમાં ગાંધીના ગુણોની અસર સ્પષ્ટ રીતે જોઈ શકાતી હતી. મહાગુજરાત આંદોલનના મજબૂત માધ્યમથી કરોડો ગુજરાતીઓના દિલ પર આ ફકીરે શાસન કરેલું છે. મહાગુજરાતની માંગણીમાં ગુજરાતીઓનો જે મિઝાજ હતો તે દિલ્હીમાં બેઠેલા આપણાં જ નેતાઓ સમજી શક્યા ન હતા. દેશ સ્વાધીન થયા બાદ બીજા એક મહાઆંદોલનને દિશા તથા નેતૃત્વ પૂરું પાડીને તેઓએ ઇતિહાસમાં પોતાનું અનોખું સ્થાન તથા આદર મેળવ્યા છે. મહાગુજરાત ચળવળની વિજયની ક્ષણે જ આ મહામાનવે જાહેર કર્યું કે મહાગુજરાત જનતા પરિષદનું કાર્ય પૂરું થયું છે. આપણું ધ્યેય સત્તાપ્રાપ્તિનું નહિ પરંતુ મહાગુજરાતના નિર્માણનું હતું ! સત્તાની દેવીને કુમકુમ તિલક કરતા રોકીને ઈન્દુચાચાએ એક અદ્વિતીય ઇતિહાસનું સર્જન કર્યું. આવો નિર્ણય આ ‘ફકીર બાદશાહ’ જ કરી શકે.

        પોતાની જીવનકથાના નાયક પોતે નથી પરંતુ ગુજરાતની પ્રજા છે તેમ કહીને આ મહામાનવે જનતા જનાર્દન સાથેના પોતાના જોડાણને ઝળહળતું કરેલું છે. જ્યાં જ્યાં આમ જનતાનું શોષણ તેમણે જોયું ત્યાં ત્યાં સંઘર્ષના સુર તેમણે બેજિજક છેડ્યા છે. ખરા અર્થમાં જનનાયક કેવા હોય તેની પ્રતીતિ કરવી હોય તો ઈન્દુચાચાના જીવનમાં ડોકિયું કરવું જોઈએ.

         કવિ શ્રી ઉમાશંકરે જેમને અમીર શહેરના ફકીર બાદશાહ તરીકે ઓળખાવેલા તેવા ઇન્દુચાચા ખરા અર્થમાં યાજ્ઞિક હતા. ઈન્દુચાચાના વંટોળિયા જેવા વ્યક્તિત્વથી ગુજરાત અંજાયેલું હતું તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. આપણો દેશ પરાધીન હતો તે કાળની આકાશગંગામાં ઈન્દુચાચાનું વ્યક્તિત્વ તેમજ તેમનું યોગદાન તેજસ્વી સિતારાની જેમ ઝળહળે છે. ભવિષ્યમાં પણ ઝળહળતું રહેશે. સાક્ષરોની પુણ્યભૂમિ નડિયાદમાં ઈ.સ. ૧૮૯૨ના ફેબ્રુઆરી માસની ૨૨ તારીખે તેમનો જન્મ થયો હતો.  ઇન્દુલાલ યાજ્ઞિકના ઘડતરમાં તેમના માતા તથા કાકાનું મહત્વનું યોગદાન હતું. નાનપણમાં જ પિતાની છત્રછાયા તેમણે ગુમાવી હતી. આ વિરાટ ગુજરાતીની વીરગાથા એક થ્રિલર સમાન છે. કાળ સામે સહેજ પણ હિચકિચાટ સિવાય બાથ ભીડનાર આ ફકીરે ફનાગીરીના પાઠ ગાંધીજી પાસે ભણ્યા હતા. તેમાં પછી શી મણા રહે? ગાંધી યુગના અથવા જેમણે ગાંધીજીના વિચારોને પચાવ્યા છે તેઓનું રાજકીય-સામાજિક ક્ષેત્રમાં અનોખું પ્રદાન છે. તેમની સૌથી મોટી શક્તિ એ તેમની લોકની વચ્ચે જઈને ડેરા તંબુ તાણવાની શક્તિ હતી. તેઓ જ્યાં ગયા ત્યાં જ રહ્યા અને દટાયા છે. ઇન્દુચાચા જેવા પ્રતિનિધિ લોકોને અજાણ્યા કે પારકા લાગતા નથી એ જ રીતે જુગતરામ દવે વેડછી વિસ્તારના આદિવાસી ભાઈઓને પોતાના જ લાગે. લોક સાથેનું આવું મજબૂત અનુસંધાન એ આવા કાર્યકરોની શક્તિ હતી. લોકો પણ તેમનું ઊંચું મૂલ્ય આંકતા હતા. એક ઐતિહાસિક ઘટના ઈન્દુચાચાના સંદર્ભમાં સૌના સ્મરણમાં રહી છે. ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની સભા અમદાવાદમાં મહાગુજરાત ચળવળ ચાલતી હતી તે દરમિયાન યોજવામાં આવી. ઇન્દુચાચાની સમાંતર સભાનું પણ અમદાવાદમાં આયોજન થયું. પુરા દેશના અખબારોએ આશ્ચર્ય સાથે અહેવાલ રજુ કર્યા કે ઇન્દુચાચાની સભામાં વડાપ્રધાનની સભા કરતા પણ વિશેષ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લોકો સાથેના મજબૂત જોડાણ સાથે ઇન્દુચાચા પોતાનું સામાજિક તથા રાજકીય જીવન ઉજળું તથા અનુકરણીય કરીને ગયા. ગુજરાત રાજ્યની સ્થાપના સાથે જેમના નામ હંમેશા જોડાયેલા રહેશે તેવા રવિશંકર મહારાજ તથા ઇન્દુચાચા મહેરામણના મોંઘેરા મોતી સમાન હતા.

વસંત ગઢવી

તા. 9 માર્ચ 2026

Leave a comment

Blog at WordPress.com.

Up ↑