વાંચનનું વરદાન: સૌને ઉપલબ્ધ:
રોમા રોલા (ફ્રાન્સ)ની એક જગપ્રસિદ્ધ નવલકથા છે. નવલકથાનું નામ ‘જિન ક્રિસ્તોફ’ છે. રોમા રોલાને આ નવલકથાના લેખન માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું. આ નવલકથામાં એક સુંદર વાર્તાલાપ આવે છે. ક્રિસ્તોફ નામનો કિશોર કવિતા તથા સુરાવલીઓમાં રુચિ ધરાવે છે. ક્રિસ્તોફનો મામો એક ફેરિયો છે. ફેરી કરીને પેટ ભરે છે. પરંતુ આ ફેરિયો આંતરસૂઝવાળો અને સ્વસ્થ માનવ છે. એક દિવસ મામા-ભાણેજ બંને સંધ્યાના સમયે નદીકાંઠે બેઠા હોય છે. સંધ્યાનો સમય અને ખળખળ વહેતી નદીના મધુર લયને કારણે રળીયામણું વાતાવરણ જોવા મળે છે. ફેરિયો એકાએક આવા સુંદર વાતાવરણમાં ગીત લલકારે છે. ગીતની મધુરતા વાતાવરણને વિશેષ રળીયામણું બનાવે છે. ગીત સાંભળ્યા પછી ક્રિસ્તોફને થાય છે કે કદાચ મામએ જ આ ગીતની રચના કરી હશે. આથી તે પૂછે છે:
“આ ગીત તમે રચ્યું છે મામા?” મામા ડોકું ધુણાવીને ના કહે છે. ‘તમે ગીતોની રચના કરતા નથી?” કિશોર વિશેષ પૂછપરછ કરે છે. ‘તમે કાવ્યોની રચના નથી કરતા? તમે પણ કાવ્યોની રચના કરીને કવિ તરીકેની પ્રતિષ્ઠા મેળવી શકો.’
સ્વસ્થ માનવી એવા મામા કહે છે: શા માટે દરેકે કાવ્યો રચવા પડે? ગીતોની ક્યાં ખોટ છે? આનંદમાં હો કે નિરાશામાં હો તેવા દરેક પ્રસંગ માટે તમને ગીતો મળે છે. થાકી ગયા હો કે વ્યથિત હો તો તે માટેના ય ગીતો છે. કોઈકની મધુર સ્મૃતિ મનમા થતી હોય તો ગીતો છે. તહેવારોમાં વિશેષ રંગોને પુરવાના ગીતો છે. આથી મારે ગીતો રચવાની જરૂર નથી.’ દર્શક કહે છે કે સુંદર લખવાનું તો કોઈકથી જ બની શકે. પણ સુંદર વાંચવાનું તો સૌને ઉપલબ્ધ છે. આ તો આપણને સૌને મળેલી એક રિયાસત છે. વરદાન છે. ઈશ્વરની કૃપા છે. આથી આપણાં જીવનનો અભિન્ન ભાગ એ નિયમિત વાંચન કેમ ન હોય શકે? વાંચવાના થોડા પુસ્તકો અને થોડી અનુકૂળતા હોય તો બીજું શું જોઈએ? ઘાયલ સાહેબની પંક્તિઓ આ સંદર્ભમાં યાદ આવે છે:
“આશરો છે, પુસ્તકો છે, ખાટ છે
આપણે બોલો બીજું શું જોઈએ?”
વાંચનનું આ વરદાન સૌને મળેલું છે. વાંચનનું પ્રમાણ ઘટતું જાય છે તેવી ફરિયાદ છે. એ સંજોગોમાં ભુજ(કચ્છ)માં જેમને વાંચનમાં રસ છે તેવા જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓનો એક દિવસનો સેમિનાર દિશાદર્શક છે. ગુજરાતના સુપ્રસિદ્ધ લેખક હરેશભાઇ ધોળકિયા તથા ભાઈ રસનિધિ અંતાણીએ કહ્યું કે આવો ઉપક્રમ તેઓ દરેક વર્ષે કરે છે તેથી વિશેષ આનંદ થયો. કારણ કે આવો ઠોસ પ્રયાસ યુવાન વિદ્યાર્થીઓને પુસ્તકના વાંચન તરફ વાળી શકે છે. અહીંયા એવું થયું છે તેમ જોઈ શકાયું. ફેબ્રુઆરીમાં થયેલા આ સેમિનારની મધુર સ્મૃતિ અનેક લોકોના દિલમાં રહી હશે. આવો સેમિનાર કરવાનો પ્રયાસ કરનાર સંસ્થાઓ પણ આપણાં અભિનંદનને પાત્ર છે. ‘કોઈ વાંચતું નથી’ તેવી ફરિયાદ કરવાને બદલે યુવાવર્ગને વાંચન તરફ વાળવાનો આ મજબૂત પ્રયત્ન છે. માત્ર વાતો કરવાથી સ્થિતિ બદલી શકાતી નથી. આ પ્રકારના પ્રયાસો કરવા પડે. કબીર સાહેબે લખ્યું છે:
બાતેં તિમીર ન ભાંજહી ,
દિયા બાતી તેલ.
ફાધર કામિલે બુલ્કે રામાયણના ઊંડા અભ્યાસુ હતા. ફાધર બુલ્કે બેલ્જીયમના હતા. તેઓ ભારતીય ભાષા તેમ જ સાહિત્યના ઉપાસક હતા. ‘રામકથા કી ઉત્પત્તિ ઔર વિકાસ’ એ વિષય પર તેમનું સંશોધન હતું. ૧૯૭૪માં તેમને ભારત સરકારે પદ્મભૂષણથી નવાજીને સન્માન આપ્યું હતું. એકથી વધારે વખત તેમણે રામાયણ વાંચ્યું હતું. કોઈએ ફાધર બુલ્કેને પૂછ્યું કે તમે રામાયણ શા માટે ફરી ફરી વાંચો છો? ફાધરે સ્વસ્થતાથી જવાબ આપ્યો કે રામાયણ જેટલી વાર વાંચું છું તેટલી વાર હું વધારે સારો માણસ બનું છું. રામાયણમાં માનવજીવનના અનેક ઉમદા મૂલ્યોની પ્રતિષ્ઠા થાય છે. જેથી માનવ ઘડતર માટેનો આ એક સુંદર તથા પ્રેરણાદાયક ગ્રંથ છે. રામાયણ ઉપરાંત બીજા અનેક ગ્રંથો માનવને માનવી તરીકે ઘડવામાં મહત્વનો ફાળો આપે છે. કટોકટીના સમય દરમિયાન મોરારજીભાઈ દેસાઈ જેલમાં હતા ત્યારે તેમણે રામચરિત માનસનો અભ્યાસ કર્યો હતો. ગુજરાતમાં ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સીટી જેમના માર્ગદર્શનમાં ઉભી કરવામાં આવી તે ડો. કિરીટભાઈ જોશી અરવિંદ આશ્રમ સાથે જીવનભર જોડાયેલા રહ્યા. જોશી સાહેબ લગભગ સાત દાયકા પહેલા ભારતીય વહીવટી સેવા (IAS ) માં જોડાયા હતા. તેમના માટે સરકારી સેવામાં વ્યક્તિગત વિકાસ માટે મોટો અવકાશ હતો. પદ અને પ્રતિષ્ઠા સ્વાભાવિક રીતે જ તેમને મળવાના હતા. પરંતુ આ બધા વચ્ચે મહર્ષિ અરવિંદના જીવન તથા કાર્યોનું તેમણે યોગાનુયોગ અધ્યયન કર્યું. અરવિંદના વિચારોની તેમના પર અસર થઇ. જોશી સાહેબે પોતાની મહત્વની નોકરી છોડીને મહર્ષિ અરવિંદ સાથે જોડાઈ ગયા. વાંચન કે અધ્યયનની આવી અસાધારણ અસર પણ કોઈ કોઈ કિસ્સામાં જોવા મળે છે. સાઉથ આફ્રિકામાં બેરિસ્ટર એમ.કે.ગાંધી પર પણ ‘un to this last ‘ નામના પુસ્તકની ભારે અસર થઇ. ધીકતી વકીલાત છોડીને બેરિસ્ટર ગાંધીએ આશ્રમજીવનની શરૂઆત કરી.
આથી વાંચનનો મહિમા વધારવા માટે કોઈ વ્યક્તિ કે સંસ્થા પ્રયાસ કરે તો તે ખુબ આવકારદાયક ગણાય. મહેન્દ્ર મેઘાણી તથા લોકમિલાપ ટ્રસ્ટે આ બાબતમાં નમૂનેદાર કામ કર્યું. લોકમિલાપ ટ્રસ્ટ તરફથી ‘અરધી સદીની વાચનયાત્રા’ એવા શીર્ષક હેઠળ ચાર દળદાર ગ્રંથો તૈયાર કરવામાં આવ્યા. લોકોએ આ પ્રયાસને વધાવી લીધો. આ ચાર ભાગમાંથી પણ મિલાપે ચૂંટેલી કૃતિઓનો પાંચમો ભાગ ‘પ્રસાદ’ એવા શીર્ષક સાથે બહાર પાડ્યો. આવા સંસ્થાગત નિષ્ઠાવાન પ્રયાસોના માધ્યમથી વાંચનનો વિસ્તાર કરી શકાય. પુસ્તક પરબનો ગુજરાતના અનેક નગરોમાં થયેલો ફેલાવો એ પણ ઉત્સાહજનક ઘટના છે. મહેન્દ્રભાઈ મેઘાણીએ એકલા હાથે કરેલા વાંચનના વિસ્તારના પ્રયાસોને કચ્છની આ પહેલ એ ખરી શ્રદ્ધાંજલિ ગણાય.
વસંત ગઢવી
તા. ૫ માર્ચ ૨૦૨૬
Leave a comment