જયવંતસિંહજી જાડેજા-સંસ્કૃતિ

સૌરાષ્ટ્રની સહકારી પ્રવૃત્તિઓમાં મોટું નામ: જયવંતસિંહજી જાડેજા

            ગુજરાતમાં સહકારી પ્રવૃતિનો વિકાસ થયો છે તેવું વિધાન કરવું તે સાચું છે. સહેલું પણ છે. પરંતુ આ સુખદ સ્થિતિ માટે એક પેઢીએ બલિદાન આપેલું છે. તે વાત કેટલીકવાર નજર સામે પ્રત્યક્ષ રીતે આવતી નથી. એમ ન હોત તો દેશના તથા એશિયાના અનેક દેશો માટે મોડેલ કહી શકાય તેવા ‘અમુલ’નો જન્મ થયો ન હોત તે નિશ્ચિત છે. ત્રિભુવનદાસ પટેલના નામોલ્લેખ સિવાય ‘અમુલ’નો ઇતિહાસ શરુ થઇ શકતો નથી. ત્રિભુવનદાદાનો એક પ્રસંગ યાદ આવે છે. મારે મારી સરકારી ફરજના ભાગ તરીકે આણંદ જવાનું થતું હતું. આણંદમાં જ ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું(GCMMF ) મુખ મથક હતું. અમુલના ગેસ્ટહાઉસમાં સામાન્ય રીતે રહેવાનું થતું હતું. ત્રિભોવનદાસભાઈ ત્યારે અમુલ કે ફેડરેશનના કોઈ હોદ્દા પર ન હતા પરંતુ સૌ માટે એક સલાહકાર-માર્ગદર્શક જેવા હતા. ગેસ્ટહાઉસથી કારમાં જતો હતો ત્યારે મેં ત્રિભોવનદાસભાઈને જોયા તેઓ post નું એક પરબીડિયું બંધ કરવા ઓફિસના Security Guard ના એક ટેબલનો ઉપયોગ કરતા હતા. હું તેમને મળ્યો ત્યારે આ નાનું કામ કોઈને સોંપી શકાયું હોત તેમ સૂચન કર્યું. તેમણે જે જવાબ આપ્યો એ ઐતિહાસિક હતો. “મારા કામ માટે કોઈ નાના-મોટા કર્મચારીનો સમય વપરાય તો એ મારા દૂધ ઉત્પાદકોના કામમાં એટલી ક્ષતિ ઉભી થાય.” વિચારોની આ વિશાળતા તેમજ અણિશુધ્ધ આચરણ એ જ સહકારી ક્ષેત્રના મોવડીઓનું bench marking ગુજરાતમાં ગણાયું અને સહકારી પ્રવૃત્તિનો નાનો છોડ વટવૃક્ષમાં પલટાઈ ગયો. આવા અનેક કર્મવીરોના નિષ્ઠાપૂર્વકના પ્રયાસો થકી ગુજરાતનું સહકારી મંડળીઓનું માળખું મજબૂત થયું છે.

             સૌરાષ્ટ્રમાં જેમણે સહકારી પ્રવુત્તિઓના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું તેમાં જયવંતસિંહ જાડેજાનું નામ અગ્રસ્થાને છે.(૧૯૩૫-૨૦૨૫). તેમને મળવાના અનેક પ્રસંગો થયા છે. જયવંતસિંહજી પાસેથી મળેલી દ્રષ્ટિ સરકારના કાર્ય કરતા અધિકારીઓને પણ ખુબ ઉપયોગી થઇ છે. તેમના જીવનની સંધ્યાના સમયે પણ એકવાર તેમને ભાવનગર તેમના નિવાસ્થાને મળવા ગયો હતો. આ સમયે પણ તેમના મનમાં સહકારી પ્રવૃત્તિના હિતમાં કંઈક કરી છૂટવાના મનસુબાઓ હતા. કામ પ્રત્યેની આવી નિષ્ઠા થકી જ ધારેલું કાર્ય પાર પડે છે. જયવંતસિંહજીને જોવાથી સમજાય છે કે ગુજરાતમાં સહકારી પ્રવૃત્તિનો વિકાસ નિષ્ઠા તેમજ પારદર્શિતાના ધોરણે થયેલો છે.

              સૌરાષ્ટ્ર એ ગુજરાતનો જ એક ભાગ હોવા છતાં ત્યાંની આર્થિક-સામાજિક સ્થિતિમાં તફાવત છે. કેટલીક પદ્ધતિઓ-પ્રણાલીઓમાં પણ તફાવત છે. સહકારી પ્રવૃત્તિના વિકાસમાં પણ સૌરાષ્ટ્ર તેમ જ ગુજરાતમાં જુદી સ્થિતિ જોવા મળે છે. દૂધ સહકારી મંડળીઓના વિકાસમાં ગુજરાત તથા વિશેષ કરીને ઉત્તર ગુજરાતમાં જે કાર્ય થયું છે તે નોંધપાત્ર છે. આ રીતે સૌરાષ્ટ્રમાં ધિરાણ મંડળીઓના ક્ષેત્રમાં સારું કાર્ય થયું છે. કૃષિ ધિરાણના ત્રિસ્તરીય માળખાના માધ્યમથી ઘણાં જિલ્લાઓમાં સારું કાર્ય થયું છે. કૃષિ ધિરાણ મંડળીઓનો ભાવનગર જિલ્લામાં મજબૂત પાયો નાખવામાં જયવંતસિંહજી જાડેજાનો સિંહફાળો છે. જયરામભાઈ પટેલ જેવા મોટા ગજાના સહકારી આગેવાને રાજ્ય સહકારી બેન્કનું માળખું અસરકારક તેમજ સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મજબૂત જિલ્લા સહકારી બેન્ક હોય કે રાજ્ય સહકારી બેન્ક હોય પરંતુ તેના પાયામાં ગ્રામ્ય કક્ષાએ કાર્યરત ધિરાણ સહકારી મંડળી છે. જયવંતસિંહજી આ વાત બરાબર સમજતા હતા. સહકારી ક્ષેત્રમાં જેનું મોટું મૂલ્ય છે તે ગોરવાલા સમિતિ છે. વર્ષો પહેલા આ સમિતિએ ગ્રામ્ય ધિરાણ તથા સહકારી કૃષિ ધિરાણ મંડળીઓના મહત્વ અંગે વિગતે વાત કરી હતી. ખેડૂતોને શાહુકારોની શોષણયુક્ત પક્કડમાંથી મુક્ત કરવો હોય તો તેને સમયસર તથા પૂરતું ધિરાણ મળી રહે તે અત્યંત જરૂરી છે. આ બાબત મહત્વની છે. ખેડૂતોનો આધાર સમયસરના ધિરાણ પર હોય છે. વરસાદની અનિયમિતતા તેમજ તળના અપૂરતા પાણીને કારણે ખેડૂત આમ પણ અનેક પડકારોનો સામનો કરે છે. ઉત્પાદકતા માટે ખેડૂત પાક તૈયાર ન થાય ત્યાં સુધી અનિશ્ચિતતામાં રહે છે. આથી સમયસરના કૃષિ ધિરાણનું ખાસ મહત્વ છે. ખેડૂતોને ધિરાણ પૂરું પાડવામાં એક મહત્વનો હિસ્સો પ્રાથમિક ધિરાણ મંડળીઓ સંભાળે છે. એક લાખથી વધારે મંડળીઓ આ પ્રકારે દેશમાં ધિરાણનું કાર્ય કરે છે. બેંકો પણ કૃષિધિરાણમાં સક્રિય છે. નાબાર્ડ પણ સહકારી મંડળીઓના માધ્યમથી કૃષિ ધિરાણમાં સક્રિય રહે છે. આમ છતાં ખેડૂતોની બહેતર આર્થિક સ્થિતિ માટે આટલું પર્યાપ્ત છે કે નહિ તે અલગ ચકાસણીનો વિષય છે. કૃષિ ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોને બારેમાસ ઉત્પાદકીય કામ મળી રહેતું નથી. ખેડૂતોના અનેકવિધ પ્રશ્નોને કારણે ૨૦૨૩માં ૧૦,૦૦૦થી વધારે કૃષિકારોએ આત્મહત્યા કરી તેવી વિગતો રેકોર્ડ પર છે. આત્મહત્યા કરનારા ખેડૂતો પૈકી ૬૦% ખેતમજૂરોના વર્ગમાંથી આવે છે. જયવંતસિંહજી જાડેજા જેવા અગ્રણીઓના હૈયામાં આવા તળના માણસો પરત્વે મમતા હતી. આવા કિસાનોની safety net તરીકે કાર્ય કરી શકે તેવા મજબૂત કૃષિ ધિરાણના માળખાને તેઓ મજબૂત કરવાના મતના હતા. જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકોનું તેમાં પાયાનું યોગદાન છે. આ પ્રકારે નાણાંકીય શિસ્ત તેમ જ સહકારના સિદ્ધાંતોની મર્યાદામાં રહીને જિલ્લા બેંકોનું આયોજન અને ભાવિ દિશાનું દર્શન જયવંતસિંહજીએ કર્યું હતું. લોકોને આ વિકાસની કેડી પર લઇ જવા તેમણે કમર કસી હતી. સૌરાષ્ટ્રમાં જિલ્લા બેંકોનું માળખું મજબૂત કરવામાં જયવંતસિંહજી ઉપરાંત વલ્લભભાઈ પટેલ તેમજ જયરામભાઈ પટેલનું પણ મહત્વનું યોગદાન રહ્યું. જયવંતસિંહજીએ જે પેટા કાયદાઓ તૈયાર કરવામાં કે તેમાં સુધારણા કરવા માટે જે પ્રયાસો કર્યા તે તેમનું પાયાનું યોગદાન છે. આ ઉપરાંત સહકારી મંડળીઓના મંત્રીઓની તાલીમ માટે તેઓ રાજ્ય કે જિલ્લા સહકારી સંઘના માળખા થકી સક્રિય રહ્યા. તેમના જીવનના અનેક વર્ષો પંચાયતોના માળખામાં રહીને તેમણે ગામડાઓને બેઠા કરવા પ્રયાસો કર્યા. તળાજા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કે ભાવનગર જિલ્લા પંચાયતમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું. પંચાયત તેમજ સહકાર એ બંને ક્ષેત્રમાં અસરકારક અને ટકાઉ યોગદાન કરવા માટે જયવંતસિંહ જાડેજા હંમેશા આપણી સ્મૃતિમાં રહેશે.

વસંત ગઢવી

તા. ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬  

Leave a comment

Blog at WordPress.com.

Up ↑