ગાંધીજીનો મુનશી પરનો પત્ર-વાટે…ઘાટે

સરકારના મંત્રી તરીકેના તમારા ખર્ચા ગળે ઉતરતા નથીગાંધીજીનો મુનશી પરનો પત્ર:

                          કનૈયાલાલ માણેકલાલ મુનશીને યાદ કરતા જ ભારતીય સાહિત્યના એક પ્રખર નિર્માતાની સદાકાળ જીવંત રહે તેવી છબી સામે આવે છે. મોટાભાગે તેમનો જીવનકાળ ગાંધીજી તથા કોંગ્રેસ સાથે ગયો. મહાત્મા ગાંધીના તમામ વિચારો સાથે સહમત ન હોવા છતાં તત્કાલીન સમયમાં મહાત્મા ગાંધીનું નેતૃત્વ દેશની મુક્તિ માટે અનિવાર્ય હતું તેની દ્રઢ પ્રતીતિ મુનશીના મનમાં હતી. તા. ૩૦-૧૨-૧૮૮૭થી તા. ૦૮-૦૨-૧૯૭૧ સુધીનું આયુષ્ય ભોગવનારા મુનશી ગુજરાતના પ્રથમ પંક્તિના સર્જક હતા. કર્મશીલ અને ગતિશીલ સાહિત્યકાર હતા. તેમણે દેશ આઝાદ થયો તે પહેલા પ્રાંતિક સ્વરાજ્યની યોજના હેઠળ મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં જવાબદારી સ્વીકારી. તેઓ ગૃહવિભાગનો હવાલો ધરાવતા હતા. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે રાજ્યની યુનિવર્સીટીઓના વિકાસમાં તેમનો મહત્વનો ફાળો રહ્યો. મહાત્મા ગાંધી તેમજ મહર્ષિ દયાનંદ સરસ્વતીને તેઓએ આદર્શ તરીકે સ્વીકાર્યા હતા. ૧૯૩૭માં પ્રાંતીય સરકારોની રચના થઇ. મુનશી ગૃહવિભાગના મંત્રી થયા. સ્વાભાવિક રીતે જ બાપુના આશીર્વાદ માંગ્યા. ગાંધીજીએ મુનશીને જવાબ આપતા ૨૪-૦૩-૧૯૩૭ના દિવસે લખ્યું:

                    ભાઈ મુનશી,

             “તમારો પત્ર મળ્યો. (મંત્રી તરીકેના) તમારા બાદશાહી પગાર, બાદશાહી ઘરભાડાં તથા ગાડીભાડાં ગળે ઉતરતા નથી. ઉપરાંત તમે તેમજ તમારા મંત્રી (સેક્રેટરી) બંનેના પગાર જુદા અને બંને એક જ ઘરનાં પરોણા ! અંદરો અંદર કંકાસ ન કરશો. સાથીઓના ક્રોધને અક્રોધથી જીતજો”. બાપુના આશીર્વાદ. મહાત્મા ગાંધીનો આ પત્ર દેશ આઝાદ થયો તે પહેલા દસ વર્ષે લખાયો છે. આમ છતાં ગાંધીજીને આગમના એંધાણ જેવી બે વસ્તુઓ સ્પષ્ટ રીતે નજરે પડે છે. થોડા હોદ્દેદારોના પગાર તેમજ વિશિષ્ટ સવલતો તથા લગભગ સમાન કામ હોવા છતાં પગારના ધોરણમાં તફાવત એ ગાંધીજીને ગળે ઉતારે તેમ ન હતો. આ વાત તેમણે ૧૯૩૦માં ઐતિહાસિક દાંડીકૂચ શરુ થઇ તે પહેલા વાઇસરોય લોર્ડ ઇરવીનને પણ લખી હતી. આ ઉપરાંત આ દીર્ઘદ્રષ્ટા મહાત્માને સમાજમાં દેખાતા અંદરોઅંદરના કંકાસ કે નાના મોટા સંઘર્ષ અંગે પણ ચિંતા હતી. સહિષ્ણુતાના સામાન્ય ધોરણો પણ જયારે તળિયે જતા દેખાય છે ત્યારે ગાંધીવાણી ફરી સ્મૃતિમાં તાજી થાય છે.

                   ક. મા. મુનશી મહાત્મા ગાંધી આસપાસ રહ્યા છે. મહાત્માથી દૂર રહેવા છતાં તેઓને ગાંધીનો સહવાસ હંમેશા આકર્ષણરૂપે રહ્યો છે. બારડોલી સત્યાગ્રહમાં થોડા ઘણાં અંશે સંકળાવા છતાં મુનશી પૂર્ણતઃ ગાંધીના કેમ્પમાં ન હતા. મુંબઈમાં જામેલી વકીલાત હતી. મોટું નામ હતું. ૧૯૩૦માં જયારે દાંડીકૂચ શરુ થઇ ત્યારે તેની અસર વિશે અનેક લોકોના મનમાં આકાંશા હતી. આમ છતાં પ્રજાની નાડ પારખનાર ગાંધીજી જેમ જેમ કૂચમાં આગળ વધતા ગયા તેમ તેમ લડતના સમર્થનમાં પ્રચંડ મોજા ઉછળવા લાગ્યા. ક.મા. મુનશી તથા ઈન્દુચાચાને ગાંધીજીથી દૂર રહેવા માટેનો મનમાં અજંપો થતો હતો. છેવટે પૂરતી વિચારણા કરીને મુનશી ગાંધીજીને ૧૪-૦૪-૧૯૩૦ના દિવસે લખે છે: “૧૯૨૦માં મેં કોંગ્રેસ છોડી હતી. કારણ કે આપે કોંગ્રેસનું કલેવર બદલી નાખ્યું હતું. આજે ૧૯૩૦માં હું કોંગ્રેસમાં ફરી જોડાઈ રહ્યો છું. ઘણાં વર્ષો સુધી હું આપની રાજકીય શૈલી નકારતો રહ્યો છું. હવે મને લાગે છે કે કેવળ આપની શૈલી દ્વારા જ ભારતને આઝાદી મળી શકશે.”

                 મહાત્મા ગાંધી દક્ષિણ આફ્રિકાથી ૧૯૧૫માં હિન્દુસ્તાન પરત આવ્યા. મુંબઈમાં ‘ગુર્જર સભા’ નામની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી. ગાંધીજી દેશમાં પાછા આવ્યા ત્યારે ગાંધીજીને આવકારવા ગુર્જર સભાએ એક નાના મેળાવડાનું આયોજન કર્યું. મુનશી પ્રથમ વખત ગાંધીજીને મળ્યા. આ સભામાં ક.મા. મુનશી તેમજ મહમદઅલી ઝીણાએ આવકાર પ્રવચન અંગ્રેજીમાં કર્યું. તે સમયે ઇંગ્લીશમાં બોલવાની આ પ્રથા પ્રચલિત હતી. જો કે ગાંધીજીનો પ્રતિભાવ આપવાનો સમય આવ્યો ત્યારે ઘણાં લોકોને ગાંધીજીની વાત સાંભળીને નવાઈ લાગી. કારણકે ગાંધીજીએ પોતાનું પ્રવચન ગુજરાતીમાં કર્યું. ગાંધીજીનો પહેરવેશ પણ ટિપિકલ પોરબંદર-સૌરાષ્ટ્રની પહેરવેશની પેટર્ન મુજબનો હતો. ગાંધીજીએ પાઘડી પણ પહેરી હતી. મહાત્મા ગાંધીનો આ પહેરવેશ તથા ગુજરાતીમાં પ્રવચન સાંભળીને મુનશી બહુ ઉત્સાહિત ન થયા. તેઓ લખે છે: “હું જે આશાઓ (ગાંધી માટે) બાંધીને બેઠો હતો તે ફળીભૂત નહિ થાય એવી ધૃષ્ટ માન્યતા પર હું આવ્યો.” જહાંગીર પિટિટને ત્યાં પણ મુંબઈના પ્રસિદ્ધ નાગરિકો ગાંધીજીને જોઈને નિરાશ થયા. આ પ્રસંગમાં હાજર રહેલા મુનશી લખે છે: “(સમારંભમાં) મારી બાજુમાં ઉભા રહેલા પારસી મહિલા પોતાને આવતું હસવાનું રોકીને ગાંધીજી માટે કહે છે: “આ તો ઢનો ઢરજી.” માત્ર પહેરવેશ અને ભાષાના આધારે માણસનું મૂલ્યાંકન કરવાની આ વૃત્તિ કંઈક અંશે આપણાં ગુલામી માનસનું દર્શન કરાવે છે. જનરલ સ્મટ્સ જેવા વિચક્ષણ અંગ્રેજ રાજપુરુષને દક્ષિણ આફ્રિકામાં હંફાવીને આવેલા આ યુગપુરુષને તેમના પોતાના પ્રદેશના માણસોએ જ ઓળખવામાં મોટી થાપ ખાધી હોય તેમ લાગ્યા કરે છે.

               મુનશીજી એક ઉત્તમ સર્જક તો હતા જ. સવાસોથી વધારે પુસ્તકો તેમણે લખ્યા. ગુજરાતી-હિન્દી તથા અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં તેમણે લખ્યું. ઇતિહાસ પર પણ તેમણે મોટું કામ કર્યું. ઇતિહાસ અંગેના તેમના લખાણો આધારભૂત છે.

           ક.મા. મુનશીએ જીવનના પાછલા વર્ષોમાં ‘કૃષ્ણાવતાર’ લખ્યું. ભારતીય વિદ્યાભવનના એચ.એન. દસ્તુર લખે છે: મુનશીજી કૃષ્ણાવતાર લખાવતા હતા. હું એમને મળવા ગયો. મેં જોયું કે તેઓ કૃષ્ણાવતાર લખાવતા સ્થિર નજરે ઉપરની તરફ જોઈ રહ્યા હતા. આંખોમાંથી સતત આંસુ વહેતાં હતા. હું બહાર નીકળ્યો. “આ પછી તેમના સહાયકે જણાવ્યું કે કૃષ્ણાવતાર લખાવતા તેઓ હંમેશા કૃષ્ણમય થઇ જાય છે. તેમની આંખના આંસુ સતત વહેતાં રહે છે. થોડા સમય બાદ તેઓ ફરી વાસ્તવિકતામાં પાછા ફરશે.” સાહિત્ય સાધનાનું આ ઉત્તુંગ શિખર છે. હૈદરાબાદના મુક્તિ સંગ્રામમાં સરદાર સાહેબની ઈચ્છા ભૂમિગત કરવામાં મુનશી અગ્રેસર રહ્યા. લગભગ અડધી સદીના સતત સક્રિય કર્મયોગથી ગુજરાતના ઘડવૈયાઓમાં ક. મા. મુનશીએ મહત્વનું સ્થાન મેળવ્યું છે. ‘ગુજરાતી અસ્મિતા’નો તેમનો સંકલ્પ યાદ રાખવા જેવો છે.

વસંત ગઢવી

તા. ૬ ફેબ્રુઆરી ૨૦૨૬

Leave a comment

Blog at WordPress.com.

Up ↑