મોરારિબાપુ-વાટે…ઘાટે

મોરારિબાપુ: સંત પરમ હિતકારી:

         બુધ્ધ પુરુષોના લક્ષણો વિશે ઘણું કરીને શંકરાચાર્યજી મહારાજે લખ્યું છે. બુધ્ધ પુરુષ-પ્રજ્ઞા પુરુષ કોને ગણવા જોઈએ? શંકરાચાર્યજી કહે છે તેવા બુધ્ધ પુરુષના ત્રણ મુખ્ય લક્ષણો છે: હથ્થ સંયતો, પાદ સંયતો, વાચાય સંયતો. જે વ્યક્તિ સહજ અને સ્વસ્થ રીતે પોતાના શારીરિક તેમજ માનસિક વલણો નિયંત્રણમાં રાખી શકે તે બુધ્ધ પુરુષ છે. અહીં બાહ્ય આડંબરની કોઈ વાત દૂર દૂર સુધી પણ નથી. સહજતા અને સરળતા છે. આ સંદર્ભમાં જોઈએ તો બાપુના તમામ વ્યવહારોમાં અને સામાન્ય વાતચીતમાં પણ સ્નેહાળ સરળતા છે. બાપુને મળીએ ત્યારે આપણાં કુટુંબના જ કોઈ મોભીને મળતા હોઈએ તેવી લાગણી થયા કરે છે. બહુ વધારે તો નહિ પરંતુ તો પણ ઠીક ઠીક પ્રમાણમાં લોકોને તેમની સાથે મળતા તેમજ વ્યક્તિગત રીતે વાત કરતા જોયા છે. દરેકને સાંભળવાની તેમની ક્ષમતા વિશે માન થાય છે. વ્યક્તિગત વાતચીતમાં કરુણા તેમજ સ્નેહ હંમેશા નજરે આવે છે. પરંતુ કોઈકને કંઈક આપી દેવાની કે તકલીફ દૂર કરવાની જડીબુટ્ટીની કોઈ વાત ક્યારે પણ સાંભળી નથી. અંતે તો સૌએ પોતાનો ભાર પોતે જ ઊંચકવાનો હોય છે. બાપુ કોઈનો ભાર દૂર કરવાનો કોઈ કીમિયો આપનારા નથી. આમ છતાં બાપુને મળ્યા પછી જીવતરનો ભાર વહન કરવાની શક્તિ વધતી હોય તેવી અનુભૂતિ ઘણાં લોકોની છે. સ્નેહના આવરણમાં છુપાયેલા થોડા શબ્દો અનેક લોકો માટે મલ્ટી વિટામિન જેવા નીવડે છે. બાપુનો અખંડ નિજાનંદ અનેકના હૈયાને આનંદિત કરે છે તેમ સતત લાગે છે.

                કથા કહેવાની કે કથા સાંભળવાની વાત આપણાં દેશ માટે અજાણી નથી. સામાજિક જીવનને સ્વસ્થ કરીને તેની સ્વસ્થતા જાળવી રાખવાનું મુશ્કેલ કામ કથાકારો ઠીક ઠીક રીતે પાર પડી શક્યા છે. જેવી છે તેવી જ સ્થિતિને ધ્યાનમાં રાખીને આપણાં કથાકારો-સંત કવિઓ તેમ જ બાઉલોએ સમાજને નિસ્વાર્થ ભાવે સ્વસ્થ વાતોનો ઉમદા પ્રસાદ વહેંચ્યો છે. આ ગંગોત્રીના પ્રવાહ જેવી વાણી અને વાતોમાં જ્ઞાનનો કે વિશેષ જાણકારીનો કોઈ ઘમંડ નથી. કર્તાભાવ પણ નહિવત છે. સમાજ કદાચ આ કારણોસર જ આ કથાકારો પર પ્રસન્ન રહ્યો છે. સમાજે પોતાનો સ્નેહાદર હંમેશા તેના પર ઓવાર્યો છે. આ આપણી એક ઉજળી પરંપરા છે. સ્નેહની ધારા છે. અહેતુ સ્નેહની આ રળીયામણી પરંપરાના બાપુ પણ એક મોટા ગજાના વાહક છે. તેમણે સમાજને સુધારવો નથી. તેઓ તો જેવો છે તેવા સમાજને આવકારવા અને હૈયાના ભાવથી અપનાવવા બેઠા છે. “તુમકો હમારી ઉમર લગ જાયે” જેવી સુંદર પંક્તિને ભાવવિભોર થઈને કથામાં ગાતા બાપુને જોયા છે. એક એક શ્રોતાના ઓવારણાં લઈને તેમને સ્નેહની ગાંઠે બાંધવાની આ નિર્દોષ પ્રક્રિયા સમજીને માણવા જેવી છે. મને હંમેશા એવું લાગ્યા કર્યું છે કે આગળ સોફામાં બેઠેલા શ્રોતાથી શરુ કરી દૂર સુદૂર ઉભેલા છેલ્લા શ્રોતાની સાથે તેઓ સરળતાથી અનુસંધાન કરી શક્યા છે. કથાકારનો ભાવ શ્રોતાને ભીંજવે નહિ તે બાબત માનવી અઘરી છે. અનેક કથાઓમાં બાપુ કહે છે કે રામકથામાં આવો તે સારી બાબત છે. પરંતુ કોઈ કારણસર કથાના સમય પ્રમાણે ન આવી શકો તો પણ પ્રસાદ માટે તો આવો જ. તેવો ભાવ બાપુ મુક્તમને વ્યક્ત કરે છે. અહીંયા ભોજન સાથે જ ભાવની કિંમત છે. જાણીતા લોકોને સૌ આગ્રહ કરે તે આપણે જોયું છે. અહીં તો અગણિત માનવ મહેરામણને ‘ટુકડો ત્યાં હરિ ઢુકડો’ એવા નિર્દોષ ભાવ સાથે અંતરથી નિમંત્રણ થાય છે. જેઓ બાપુની કથાઓના નિમિત્તમાત્ર યજમાન બને છે તેમનો વિવેક તથા વર્તન જોઈને મનમાં અનેકવાર અહોભાવ થયો છે. ‘નેકી કર ઔર કૂવે મેં ડાલ’ એવી વાત તો સાંભળી હતી પરંતુ અહીં તેવા લોકો નજરે જોવા મળ્યા છે. વ્યાસપીઠ પ્રત્યેનો ઊંડો આદર એ જ તેમના જીવનનું ચાલકબળ છે. વર્ષોના વર્ષો સુધી આવો ભાવ ટકી રહે અને ઉભય પક્ષથી વહેતો રહે તે બાબત અસામાન્ય છે.                                                કથાકાર ભાવથી કથા કરે તો તે માટે પણ તે વંદનીય છે. આ ક્રમ તો બાપુ અડધી સદીથી જાળવે જ છે. તદુપરાંત, બાપુની દ્રષ્ટિ વિશ્વભરના વ્યથિત કે મુશ્કેલીમાં મુકાયેલા લોકો તરફ પણ રહે છે. આવા જરૂરિયાતમંદ લોકો તરફ વ્યાસપીઠની કરુણા કોઈ પણ પ્રકારની માંગણી સિવાય લાગણીના ભાવથી વહે તે નાની વાત નથી. આવી કરુણાના કોઈ વાડા કે     સીમાડા નથી. ગ્રંથીમુક્ત ભાવનો અહીં મહિમા છે. એવી અનુભૂતિ અનેક વખત થઇ છે કે સમગ્ર માનવજાતને સ્નેહના તથા કરુણાના તાંતણે બાંધવાનો મહાયજ્ઞ તલગાજરડાની વ્યાસપીઠે પ્રગટાવ્યો છે. તેની ઉજળી જ્યોતના દર્શન માનવીના મનની પીડાને હરનારા છે. આમ છતાં બાપુ કોઈ સ્થાયી વ્યવસ્થાતંત્ર ઉભું કરવામાં માનનારા હોય તેમ લાગતું નથી. વળગણો વધારવા તરફનો પણ અણગમો હોય તેવી આ સ્થિતિ છે. કથાના સમગ્ર વ્યવસ્થાતંત્ર તરફની તેમની નિર્લેપતા અસાધારણ છે. નાના મોટા અને ઉગતા અનેક કલાકારોને બાપુનો સધિયારો છે. હોંકારો છે. સ્નેહથી એ સૌ બાપુ સાથે બંધાયા છે. આપણી જોવાની દ્રષ્ટિ મર્યાદિત છે. આપણી સમજ પણ મર્યાદિત છે. જગદંબાનું ઝળાહળા દર્શન કરવા વિશાળ સૃષ્ટિમાં નજરું માંડી ત્યારે જ કવિ દુલા ભાયા કાગને સમજાયું કે જગદંબાનું પૂર્ણ દર્શન અસંભવિત છે. કારણે કે આપણી દ્રષ્ટિમર્યાદા વિપુલ માત્રામાં છે.

“માડી ! મેં તો આભમાં મીટડી

માંડી, આંખલડી ઓછી પડી રે જી…”

           સ્નેહમાં અને પોતાવટ પાળવામાં બાપુ જેવું સાતત્ય અસાધારણ છે તેમ હંમેશા સમજાતું રહ્યું છે. ભગતબાપુએ લખ્યું છે તેમ ‘કરુણાને ઉજળે કાંઠે’ ઉભેલા બાપુ આપણાં સૌનો સધિયારો છે.

વસંત ગઢવી

તા. ૨૭ જાન્યુઆરી ૨૦૨૬

Leave a comment

Blog at WordPress.com.

Up ↑