:સફીના હુસેન: રોમન મેગ્સેસે એવોર્ડ અને કન્યાઓનું શિક્ષણ:
૧૯૫૮થી રોમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવે છે. તેની પ્રતિષ્ઠા ખુબ ઉંચી છે. આ એવોર્ડને એશિયાના નોબેલ એવોર્ડ સાથે સરખાવવામાં આવે છે. આપણાં દેશના ૬૦થી વધારે લોકોને આ મૂલ્યવાન એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. આપણાં દેશનો સૌ પ્રથમ રોમન મેગ્સેસે એવોર્ડ વિનોબા ભાવેને આપવામાં આવ્યો હતો. ૧૯૨૫ના વર્ષનો રોમન મેગ્સેસે એવોર્ડ સફીના હુસેનને આપવામાં આવ્યો છે. કન્યાઓના શિક્ષણ માટે તેમણે આજીવન કાર્ય કરેલું છે. જે વ્યક્તિ કે સંસ્થાને આ એવોર્ડ આપવામાં આવે તેમણે મેડલ તથા સિર્ટીફીકેટ ઉપરાંત ૫૦,૦૦૦ US ડોલર્સ આપવામાં આવે છે. દૂધ સહકારી પ્રવૃતિના બે પ્રણેતાઓ ત્રિભોવનદાસ પટેલ તથા ડો. કુરિયનને પણ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે.
સફીના હુસેનને આ વર્ષનો એવોર્ડ મળ્યો ત્યારે શિક્ષણના ક્ષેત્રમાં પડેલા ઘણાં લોકોને આનંદ થયો છે. તેમની કાર્ય પદ્ધતિનું અનેક લોકોએ સમર્થન કર્યું છે. શિક્ષણનો વ્યાપ અલબત્ત વધ્યો છે. આમ છતાં પુરુષો તથા મહિલાઓના શિક્ષણમાં મોટો તફાવત છે. આ બાબતમાં વિશેષ પ્રકાશ તો સેન્સસ ડેટા મળે પછી થશે પરંતુ સેમ્પલ સર્વે અનુસાર પુરુષોના ૮૪% Literacy Rate સામે મહિલાઓનો Literacy Rate ૭૦% છે. ઘણાં વર્ષો પછી પણ આ સ્થિતિ માટેના કારણો સફીના હુસેને Times of India સાથેના એક ઇન્ટરવ્યૂમાં(Sept -૨૫) આપેલા છે તે રસપ્રદ છે. સફીનાએ તેની સંસ્થા Educate Girls ના માધ્યમથી છોકરીઓના શાળા પ્રવેશ માટેના પ્રયાસો કર્યા છે. આથી તેમણે જણાવેલી કેટલીક ભૂમિગત વાસ્તવિકતાઓ ધ્યાનમાં લેવા જેવી છે.
આ પ્રકારનું કાર્ય કરવામાં પહેલા કરતા થોડી વિશેષ સુવિધા થઇ છે તેમ તેઓ કહે છે. તેનું એક કારણ એ RTE છે. જેમાં કુટુંબના આર્થિક માપદંડો પણ તાજેતરમાં વિશેષ ઉદાર બનાવવામાં આવ્યા છે. નજીકના વિસ્તારમાં જ શાળા કે માધ્યમિક શાળા મેળવવાનું પહેલા કરતા સરળ થયું છે. ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ જેવા કાર્યક્રમોથી પણ તેમના કામને ગતિ મળી છે. આમ છતાં દૂરના વિસ્તારો કે આદિવાસી વિસ્તારોમાં હજુ પણ કન્યાઓના શિક્ષણ બાબતમાં સ્થિતિ સંતોષકારક નથી તેમ સફીના અનુભવને આધારે કહે છે. ૨૦૧૧ પછીના સેન્સસના તારણો ઉપલબ્ધ થયા નથી. આ વિગતો મળશે ત્યાર બાદ શિક્ષણ સહિતની અનેક બાબતોની સ્થિતિ સ્પષ્ટ થશે.
સફીના હુસેનની સંસ્થા Educate Girls દેશના ચાર રાજ્યોમાં કામ કરે છે. ૨૦૦૭થી તેમની કામગીરી શરુ થઇ છે. શરૂઆત તેમણે રાજસ્થાનથી કરી હતી. હાલમાં દેશના ચાર રાજ્યો-રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં આ સંસ્થા કામ કરે છે. સંસ્થા તેમની કામગીરીના ભાગ રૂપે AI નો ઉપયોગ કરે છે. લોકોને સાથે રાખીને કામ કરવાની તેમની પધ્ધતિ છે. પોતાના વિસ્તારના દરેક ગામડામાં શાળાએ ન જતી છોકરીઓનો સર્વે કરીને સંસ્થા પોતાનું આયોજન કરે છે. છોકરીઓના શિક્ષણમાં અવરોધરૂપ બનતી ત્રણ બાબતોનો સફીના ખાસ ઉલ્લેખ કરે છે. આ ત્રણ બાબતો આ પ્રમાણે છે: A ગરીબી, B પિતૃસત્તા અને C સામાજિક રૂઢિઓ કે પરંપરાઓ. આર્થિક સ્થિતિનો વિચાર કરીએ તો સ્પષ્ટ થાય છે કે નાની ઉંમરમાં કામ કરીને પૈસા કમાવાનું ઘણી છોકરીઓના નસીબમાં હોય છે. ઘર ચલાવવા માટે આમ કરવું અનિવાર્ય બને છે. દીકરા-દીકરીમાં સામાન્ય રીતે છોકરાને ભણાવવાની અગ્રતા ઘરના વડીલોના મનમાં હોય છે. અલબત્ત, સ્થિતિમાં ઘણો બદલાવ આવ્યો છે પરંતુ તે સાર્વત્રિક નથી. આપણાં ઇતિહાસમાં જોઈએ તો વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ(૧૮૬૩-૧૯૩૯) એક પ્રગતિશીલ રાજવી હતા. કેળવણીનું મહત્વ સમજતા હતા. આથી તેમણે તે સમયમાં પ્રાથમિક કેળવણી મફત અને ફરજીયાત કરી. શાસકોના આવા સર્વ સમાવેશક વલણ સિવાય સામાજિક ક્ષેત્રોના માપદંડો બદલવા મુશ્કેલ છે.
સફીના હુસેન પોતાની જીવનકથા વાગોળતા કહે છે કે તેમનું બાળપણ ગરીબી અને ઘરના પ્રતિકૂળ વાતાવરણમાં પસાર થયું. કોઈ મિત્રની મદદ તેમજ પ્રોત્સાહનને કારણે આશાનું કિરણ બંધાયું. London School of Economics માં અભ્યાસ કરવાની તક મળી. જીવનમાં આગળ વધવાની દ્રષ્ટિ વિશેષ સ્પષ્ટ થઇ ગઈ. આજે ૨૦,૦૦૦થી વધારે સ્વયંસેવકો સાથે તેમની ટીમ કામ કરે છે. આગામી દસ વર્ષમાં ૧૦ millions કન્યાઓ સાથે સંકલન કરીને તેમણે શાળાએ જવા માટે પ્રવૃત્ત કરવાનું તેમનું લક્ષ્ય છે. તેમને જે નાણાકીય સ્ત્રોત જોઈએ તે આંતરરાષ્ટ્રીય ડોનર્સ કે કોર્પોરેટ CSR ફંડિંગમાંથી મળે છે. સફીના જાણીતા અભિનેતા યુસુફ હુસેનના પુત્રી છે. તેમનું લગ્ન જાણીતા દિગ્દર્શક હંસલ મહેતા સાથે થયું છે. શિક્ષણના ક્ષેત્રમાં પાયાનું કામ કરનારને કોઈ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વીકૃતિ મળે તો તે ખુબ જ આનંદની તથા ગૌરવની વાત છે.
ભારત સરકાર તેમ જ તમામ રાજ્ય સરકારો માટે પણ શિક્ષણ એ અગ્રતાના સ્થાને આવે છે. National Education Policy – ૨૦૨૦ એ પણ આ દિશામાં જ એક મહત્વની પહેલ છે. શિક્ષણમાં આટલા પ્રયાસો કરવા છતાં ASER ના છેલ્લા થોડા વર્ષોના અહેવાલોમાં શિક્ષણની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરવા આવી છે. આ સ્થિતિમાં જે વિસ્તારોમાં કન્યાઓના શિક્ષણનું પ્રમાણ ઓછું છે ત્યાં કન્યાઓના પ્રવેશને સઘન બનાવવાનો એક પડકાર છે. ‘શાળા પ્રવેશોત્સવ’ને કારણે ફેરફાર જરૂર થયો છે પરંતુ તેને ઊંડાણના કે દૂરના ગામડાઓમાં પણ અસરકારક કરવું જરૂરી છે. પહેલા કરતા શાળાઓના મકાનની સ્થિતિ વધારે સારી થઇ છે. જો કે હજુ દૂરના વિસ્તારમાં આવેલી અનેક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. વર્ગ દીઠ શિક્ષક ન હોય તેવી સ્થિતિ અનેક દૂરના વિસ્તારોમાં જોઈ છે. ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યો પણ આ સમસ્યા ઉકેલી શક્યા નથી. વખતો વખત પ્રયાસો થાય છે પરંતુ હજુ પણ સંતોષકારક સ્થિતિ નથી. આથી ‘Educate Girls’ જેવી સંસ્થાઓના આવા નવતર પ્રયોગનું સ્વાગત છે. ‘Educate Girls’ જેવી સંસ્થાઓની કાર્ય કરવાની પદ્ધતિ પણ આપણા માટે માર્ગદર્શક બની શકે છે.
વસંત ગઢવી
તા. ૨૨ જાન્યુઆરી ૨૦૨૬
Leave a comment