ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ-સંસ્કૃતિ

બારડોલી આશ્રમ ઉત્તમચંદ શાહ અને સરદાર પટેલ:

            જીવનની સંધ્યાએ થોડી નરમ તબિયત સાથે ભારતના નાયબ પ્રધાનમંત્રી બારડોલી આશ્રમની મુલાકાત માટે આવે છે. આ આશ્રમ એ તેમના માટે પોતાના ઘર સમાન છે. આથી આ સ્વગૃહે વાપસીનો ખાસ ઉદ્દેશ છે. સરદાર સાહેબ આશ્રમના તરવરિયા તથા સમર્પિત સેવક ઉત્તમચંદ શાહને આશ્રમમાં આવ્યા પછી તરત જ મળે છે. સરદાર સાહેબની ભાષા સ્પષ્ટ, સરળ તથા ધારદાર છે. સરદાર પટેલ ઉત્તમચંદને કહે છે: “ઉત્તમચંદ આ બારડોલી આશ્રમ ભવિષ્યમાં એક તીર્થસ્થાન બની રહેશે. આથી આશ્રમની સંભાળ રાખજે.” ઘરના વડીલ પોતાના સ્વજનને કાર્ય સોંપતા હોય તેટલી જ સ્વાભાવિકતાથી તેઓ ઉત્તમચંદને કામનું મહત્વ સમજાવીને કામ સોંપે છે. ઉત્તમચંદનું આશ્રમનું કામ સરદાર સાહેબે જોયું છે. આથી આ જવાબદારી પણ તે સંભાળશે જ તેવી સરદારને ગળા સુધી ખાતરી છે. સરદાર સાહેબની આર્ષવાણી સંપૂર્ણરીતે સાચી પડતી આપણે જોઈ શક્યા છીએ. બારડોલી આશ્રમ આજે પણ રચનાત્મક કાર્યોથી ધમધમે છે. એક તીર્થસ્થાન સમાન છે.

             ઉત્તમચંદ શાહે પોતાનું વીરત્વ પ્રગટ કરીને જીવનના સાડા સાત દાયકાનો સમય આશ્રમમાં ગાળ્યો છે. ઉત્તમચંદ દાદા આશ્રમનો પર્યાય બની ગયા છે. પૂજ્ય મોરારીબાપુ કહે છે તેમ ગાંધીનું સત્ય તથા સત્વ જાળવીને ઉત્તમચંદ સેવાની સુવાસ ફેલાવીને ગયા છે. પોતાના જીવતરમાં કે આશ્રમની વ્યવસ્થામાં કોઈ દાગ ન પડે તે રીતે ઉત્તમચંદદાદા કામ સંભાળીને તથા ગોઠવીને ગયા છે. ઉત્તમચંદ દાદાને ભજનો ગાવાનો તથા સાંભળવાનો શોખ હતો. કબીર સાહેબનું ‘ચદરિયા જીની રે જીની’ એ તેમનું પ્રિય ભજન હતું. દાદા જીવ્યા પણ એવું જ. કબીર સાહેબે આ ભજનમાં ગાયું છે તેમ ‘જ્યું કી ત્યું ધરીદીની’ જેવું તેમનું જીવન હતું.

ચદરિયા જીની રે જીની…

કે રામનામ રસ ભીની…

જબ મોરી ચાદર બન ઘર આઈ…

રંગરેજ કો દીની… ઐસા રંગ રંગા

રંગેરેને લાલોલાલ કરી દીની ચદરિયા…

         ઉત્તમચંદ દાદાના જીવનની આ ભાતીગળ ચાદરને કદી ઝાંખા ન થાય તેવા રંગોથી ગાંધીજી અને સરદારે રંગી હતી. આથી આ જીવનરૂપી ચાદરમાં શી મણા રહે? સરદાર સાહેબની ચિરવિદાય પછી આશ્રમને માત્ર ટકાવી રાખવાનું જ નહિ પરંતુ વિસ્તારવાનું કાર્ય પણ ઉત્તમચંદ દાદાએ કર્યું. જે સંસ્થાઓ તેમની સ્થાપના બાદ સો વર્ષ સુધી મૂળ ઉદ્દેશોને વળગી રહીને જ કાર્ય કરતી હોય તે સંસ્થાઓ સમાજ માટે શોભારૂપ ગણાય છે. બારડોલી આશ્રમમાં આજે પણ રચનાત્મક કામો થાય છે. ૧૨૫થી વધારે આદિવાસી વિસ્તારની દીકરીઓ શિક્ષણ તથા જીવન જીવવાના માનવીય મૂલ્યો શીખતી રહે છે. પૂજ્ય મોરારીબાપુના સ્નેહ તથા હૂંફના કારણે છેલ્લા દોઢ દાયકાથી પ્રતિ વર્ષ બારડોલી આશ્રમમાં સરદાર સાહેબની પાવન સ્મૃતિને યાદ કરી ‘સરદાર સંગોષ્ઠિ’નું આયોજન કરવામાં આવે છે. બાપુએ ‘માનસ લોહપુરુષ’નું સુંદર નામકરણ કરીને રામકથાગાનનું પવિત્ર તથા અવિસ્મરણીય કાર્ય પણ અહીં કર્યું. આપણા મૂર્ઘન્ય પત્રકાર-વિચારક નગીનદાસ પારેખની અંતરની ઈચ્છા હતી કે સરદાર સાહેબની સ્મૃતિનો કાર્યક્રમ દર વર્ષે આશ્રમમાં થાય તે ઉચિત છે. મોરારીબાપુના સ્નેહ ઉપરાંત બારડોલી આશ્રમ ટ્રસ્ટ તેમ જ મુકુલ ટ્રસ્ટના પ્રયાસોથી દર વર્ષે ડિસેમ્બરની પંદરમી તારીખે ‘સરદાર સંગોષ્ઠિ’નો અર્થસભર તેમજ સુઆયોજિત કાર્યક્રમ થાય છે. બારડોલીમાં સરદાર સાહેબની સ્મૃતિનો આ વાર્ષિક ક્રમ નગરની ગરિમા વધારે છે.

                        ૨૦૨૫નું વર્ષ ખાસ છે. આ વર્ષમાં જ સરદાર સાહેબની ૧૫૦મી જયંતિ દેશભરમાં ઉજવાય છે. બારડોલી આશ્રમમાં જેમણે પોતાનું જીવન ખપાવી દીધું તેવા ઉત્તમચંદ દાદાની પણ ૧૨૫મી જયંતિ છે. આથી ઉત્તમચંદ દાદાની અનેક વાતો યાદ આવ્યા કરે છે. સુરતમાં જિલ્લા કલેક્ટર તરીકે કાર્ય કરતો હતો ત્યારે બારડોલી જવાનું અનેક વખત બનતું હતું. આવી મુલાકાતોના સમયે બારડોલી આશ્રમમાં જવાની પણ ઈચ્છા રહેતી હતી. તે સમયે ઉત્તમચંદ દાદા હયાત હતા. આથી આશ્રમમાં જવા અને દાદાને મળવા મન લલચાતું હતું. દાદાને મળીએ ત્યારે શ્વેત અને શુભ્ર વસ્ત્રોમાં એક સૌજન્યશીલ વ્યક્તિત્વનું દર્શન થતું હતું. શરીરની સ્ફૂર્તિ તેમ જ આંખોની ચમક એ દાદાના વ્યક્તિત્વના અગત્યના ભાગ હતા. દાદાનું જીવન આશ્રમ-સરદાર સાહેબ તથા ગાંધીજીના સંપર્ક તેમજ સંસર્ગમાં ગયું હતું. તેઓ હંમેશા ગાંધીજી તથા સરદાર સાહેબની અનેક જાણીતી તથા ઓછી જાણીતી ઘટનાઓનું વર્ણન કરવા તત્પર રહેતા હતા.

                   બારડોલી આશ્રમની જમીનનો કેટલોક ભાગ સરદાર સાહેબે ખરીદેલો હતો. તેઓ હયાત હતા ત્યાં સુધી તેના આર્થિક વ્યવહારો પર પણ તેઓ ધ્યાન આપતા હતા. જરૂર મુજબ ઉત્તમચંદ દાદાને નાણાકીય સવલત આશ્રમ માટે આપતા હતા. ગાંધીજી પણ વર્ષમાં એક વખત બારડોલી આવતા હતા. એકાદ માસ માટે ગાંધીજી અહીં રહેતા હતા. સરદાર પટેલના ખાસ આગ્રહથી ગાંધીજી આવતા હતા. ગાંધીજી અહીં એક માસ માટે રહેતા હતા ત્યારે દેશના અનેક અગ્રણીઓ પણ બારડોલી આશ્રમમાં આવતા તથા રહેતા હતા. આમ અહીં ગાંધીજી મહેમાન હતા અને સરદાર પટેલ સૌ મહેમાનોના યજમાન હતા. ઉત્તમચંદ દાદા સરદાર સાહેબની સૂચનાઓનું ચુસ્ત પાલન કરતા હતા. એકવાર કે એક જાણીતી નેવિગેશન કંપનીના માલિક બારડોલી આશ્રમની મુલાકાતે આવતા હતા. તેઓ આશ્રમને આર્થિક સહાય પણ કરતા હતા. સરદાર સાહેબે ઉત્તમચંદ દાદાને કહ્યું કે આ વિશિષ્ટ મહેમાનની સારી સરભરા કરવી. નેવિગેશન કંપનીના માલિકને વેઢમી ખુબ ભાવે એટલે સરદાર પટેલે ઉત્તમચંદદાદાને વેઢમી બનાવવા કહ્યું. આ સમયે ગાંધીજી પણ આશ્રમમાં જ હતા. ગાંધીજીને જયારે આશ્રમમાં વેઢમી બનાવવાની વાતની જાણ થઇ ત્યારે તેમના સ્વભાવ મુજબ ઉત્તમચંદને બોલાવી આશ્રમમાં ભોજન વગેરે સાદા હોવા જોઈએ તેવી સલાહ આપી. વેઢમી કેમ બનાવી તેનો ખુલાસો કરતા યુક્તિપૂર્વક ઉત્તમચંદ કહે છે :”બાપુ મારે આશ્રમમાં મહેમાનોનું માનવું કે યજમાનનું માનવું?” બાપુ ઉત્તમચંદની વણિક બુદ્ધિ પર હસી પડ્યા.

વસંત ગઢવી

તા. ૧૭ જાન્યુઆરી ૨૦૨૬

Leave a comment

Blog at WordPress.com.

Up ↑