મારા લોકોને શા માટે મારો છો?
બાળ મહારાજની સંવેદનશીલતા:
૧૯૨૭માં ભાવનગરના બાળ મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ઇંગ્લેન્ડ અભ્યાસ માટે મોકલવામાં આવ્યા હતા. અભ્યાસકાળ દરમિયાન એક વખત તેઓ પોતાના વતન ભાવનગરમાં રજાઓ ગાળવા આવતા હતા. તેઓ ટ્રેઈનમાં સિહોર સ્ટેશને પહોંચ્યા. પોતાના ભાવિ મહારાજા આવે છે તેથી તેમનો સત્કાર કરવાનો ઉમળકો લોકોમાં વ્યાપક હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થયા. ભીડ થવા લાગી. આ ટોળામાં સ્ત્રીઓ અને બાળકો પણ હતા. કેટલાક લોકો મહારાજા માટે ફુલહાર લઈને આવ્યા હતા. ઘણાં લોકો મહારાજાને ઘોળ કરવા માંગતા હતા. રેલવે સ્ટેશને ટ્રેઈન ઉભી રહે છે. આપણે ત્યાં સામાન્ય રીતે ટોળું હોય ત્યાં કોઈ શિસ્ત કે વ્યવસ્થા રહેવી મુશ્કેલ હોય છે. આથી મહારાજાને સત્કારવા અનેક લોકો ધક્કામુક્કી કરીને ટ્રેઇનના કમ્પાર્ટમેન્ટ પાસે આવ્યા. કેટલાક લોકો કમ્પાર્ટમેન્ટની અંદર પણ ગયા. ભાવનગર રાજ્યના સુપ્રસિદ્ધ દીવાન સર પ્રભાશંકર પટ્ટણી સ્વાભાવિક રીતે જ ત્યાં હાજર હતા. દીવાન સાહેબનો માથે પહેરેલો ફેંટો નીકળીને ફેંકાઈ ગયો. બાળ મહારાજા પણ ધક્કામુક્કીનો ભોગ બન્યા. રાજ્યની પોલીસ ત્યાં હાજર હતી. તેઓ ટોળાને નિયંત્રણમાં રાખવા પ્રયાસ પણ કરતા હતા. આમ છતાં સ્થિતિ વણસી રહી હતી. મહારાજા તેમજ પટ્ટણી સાહેબની હાલત જોઈને મહારાજાની નજીક જતા માણસોને રોકવા પોલીસે લાઠીચાર્જ શરુ કર્યો. લોકોને માર પડતો જોઈ શકે તેવું આ રાજ્ય કે તેના શાસકો ન હતા. પોલીસની આ પ્રતિક્રિયા જોઈને સર પ્રભાશંકર પટ્ટણીએ મોટેથી બુમ પાડી. સત્તાવાહી આવાજમાં તેમણે કહ્યું: લોકોને મારવાનું પોલીસ તરત જ બંધ કરે. પોલીસ દૂર ખસી જાય. પોલીસ લોકોને મારવા માટે નથી. એક સમર્થ દીવાનના ફરમાનની અસર પોલીસ સહીત સમગ્ર ટોળા ઉપર થાય તે સ્વાભાવિક હતું. પટ્ટણી સાહેબનું આ ફરમાન થયું ત્યારબાદ તરત જ બાળ મહારાજા મોટેથી બોલ્યા: “મારી પ્રજાને શા માટે મારો છો?” બાળ મહારાજાના અવાજમાં ગુસ્સો ઓછો અને વ્યથા વધારે હતી. લોકો પર પણ તેની જાદુઈ અસર થઇ. થોડી શાંતિ સ્થપાયા બાદ દીવાન સાહેબે સ્થાનિક વહીવટદારને કહ્યું: ફોજદાર સાહેબ કે જેમણે આ વ્યવસ્થા જાળવવાની હતી તેમનો દસ રૂપિયા દંડ વસુલ લેવો.”
આ ઘટના પછીની સાંજે થયેલી વાતચીતનું તેમજ બીજા દિવસે બનેલી ઘટના વિશેષ રસપ્રદ છે. સમગ્ર ઘટનાની સમીક્ષા સર પટ્ટણીએ સ્થાનિક વહીવટદાર સાથે કરી. કઈ કઈ બાબતોમાં વહીવટીતંત્રની ક્ષતિઓ રહી ગઈ હતી તેની વિગતો પણ અલગ તારવી. ફોઝદાર તથા તેને કરેલા દંડની વિગતોની ચર્ચા કરી. દીર્ઘદ્રષ્ટા દીવાને કોઈક મહત્વની સૂચના વહીવટદારને આપી. વહીવટદારે તે સૂચનાનો અમલ કરવા બીજા દિવસે ફોઝદારને બોલાવ્યા કે જેનો દસ રૂપિયા દંડ આગળની સાંજે જ લેવામાં આવ્યો હતો. ફોઝદાર મનમાં થોડા સંકોચ તથા ભય સાથે વહીવટદારને મળ્યા. વહીવટદારે કહ્યું: “ગઈકાલે તમને જે દંડ કર્યો હતો તે ભાવનગર રાજ્ય માફ કરે છે. વિશેષ સ્પષ્ટતા કરતા વહીવટદારે ફોઝદારને જણાવ્યું કે પટ્ટણી સાહેબે જાતે આ નિર્ણય ગઈકાલે જ લઇ લીધો હતો.”
ઉપરની ઘટના જોતા સ્વાભાવિક રીતે જ જાણવાની ઈચ્છા થાય કે પટ્ટણી સાહેબે આવું કેમ કર્યું હશે? સર પટ્ટણી એક સમર્થ વહીવટકર્તા હતા. રાજ્યની નાનામાં નાની ઘટનાથી તેઓ વાકેફ રહેતા હતા. જે ફોઝદારને દંડ કર્યો હતો તેની છાપ એક ઉમદા તથા કડક અધિકારી તરીકેની હતી. પટ્ટણી સાહેબ ખુદને પણ તેની ખબર હતી. આ ફોઝદાર લોકોને રક્ષણ આપવામાં અને ગુનેગારોને નિયંત્રણમાં રાખવા માટે કોઈની શેહશરમમાં આવે એવા ન હતા. ફોઝદાર જયારે સરકારી કામે પ્રવાસમાં જાય ત્યારે પોતાને જમવા માટેનું સીધુ સમાન સાથે લઇ જતા હતા. જાતે જ બનાવીને જમતા હતા. પાણી સિવાય ગામલોકોની કોઈપણ વસ્તુ ગમે તેવો આગ્રહ હોય છતાં લેતા ન હતા. લોકોની નજરમાં તેઓ એક નખશીખ સજ્જન અમલદાર હતા. અહીં જોઈ શકાય છે કે જે ઘટના સિહોરના રેલવે સ્ટેશને બની તે ક્ષતિ ગણીને દીવાન સાહેબે તરત જ દંડ કર્યો. આ સાથે જ એક પ્રામાણિક તથા કાર્યદક્ષ અધિકારીનું મોરલ જળવાઈ રહે તે માટે બીજા જ દિવસે દંડ માફ કરીને તેનો સંદેશ અધિકારીને મળી જાય તેની ચોક્કસ ખરાઈ કરી. એક વહીવટકર્તા તરીકે સર પટ્ટણીનો ત્વરિત તથા ઉચિત નિર્ણય તો ખરો જ પરંતુ તે સાથે જ રાજ્યના નિર્ણયમાં પણ વિવેક જળવાય તેની પુરી કાળજી રાખી. કોઈ એક કાળમાં સો એક વર્ષ પૂર્વે બનેલી આ ઘટનાઓ સાંપ્રત સમયમાં પણ માર્ગદર્શક તેમજ પ્રેરણાદાયક બની રહે તેવી અમૂલ્ય બાબતો છે.
સિહોર સ્ટેશનની આ ઘટના પછી થોડા દિવસો ગયા બાદ દીવાન સાહેબનો મુકામ સિહોરમાં થયો. સિહોરના ફોઝદાર કે જેમનો દંડ કરવામાં આવ્યો હતો તે સર પટ્ટણીને મળવા આવ્યા. ફોઝદારે વિનમ્રતા સાથે તેમને થયેલો દંડ માફ કરવા માટે રાજ્યનો આભાર માન્યો. સર પટ્ટણીએ તેમને શિખામણના થોડા શબ્દો કહ્યા જે શાશ્વત ગણાય તેવા છે. પટ્ટણી સાહેબ ફોઝદારને શાંતિથી કહે છે: “તમારો હેતુ વ્યવસ્થા જાળવવાનો હતો તે હું સમજુ છું. પરંતુ યાદ રાખીએ કે લોકોને મારવાથી વ્યવસ્થા ન જળવાય. મોટાભાગે તેનાથી ગેરવ્યવસ્થા વધે. ઉપરાંત લોકોને રાજ્ય તરફનું માન ઓછું થાય.” આવા સમયે ભીડ થતી હોય ત્યારે જ લોકોને ચેતવવા જોઈએ. રાજ્યના બાળકો આપણને બાળમહારાજા જેટલા જ પ્રિય છે. આથી મહિલાઓને શાંતિથી સ્વસ્થતા રાખી દૂર ઉભા રહેવા સલાહ આપવી જોઈએ. તેમ પણ સર પટ્ટણી બોલ્યા. ત્યારબાદ તેમણે પોલીસ અધિકારીને કહ્યું કે: “આવા પ્રસંગે ધાંધલ-ધમાલ ન થાય તે માટે અગાઉથી જ સાવચેતીના પગલાં લેવા માટે પોલીસ છે.”
વસંત ગઢવી
તા. ૧૨ જાન્યુઆરી ૨૦૨૬
Leave a comment