:SGVP-નો સોહામણો શરદોત્સવ:
શરદ પૂર્ણિમાની શીતળ રાત્રીએ SGVP -અમદાવાદ સંસ્થાનું પ્રાંગણ હવે જીવનક્રમમાં નિયમિત જવાના સ્થળ તરીકે થયું છે. અનેક લોકો પણ આ કાર્યક્રમમાં હોંશથી જોડાય છે. સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ અહીં આવતા જોવા મળે છે. સૌને સમાન આદરની એક ઉજળી પરંપરા માધવપ્રિય સ્વામી તથા બાલસ્વામીના માર્ગદર્શનમાં વિકસી છે તથા નિરંતર વિકસતી રહી છે. અંગત રીતે મને એવો અહેસાસ થતો રહ્યો છે કે આ ચાંદનીની સાક્ષીએ થતો લોકમેળાવળો બીબાઢાળ નથી. દરેક વખતે તેમાં કોઈને કોઈ પ્રકારનું નાવીન્ય જોવા મળે છે. દેવોની પ્રાર્થના ઉપાસના સાથે થતા પર્વમાં પવિત્રતા હોય તે તો સ્વાભાવિક છે. જે લોકો સ્થાનિક કક્ષાએ કે રાજ્ય કક્ષાએ શાસનનો ભાગ છે તેવા લોકો પણ અહીં આવતા રહે છે. જે આવે છે તે એક સંતોષનો ભાવ લઈને જતા હશે તેમ લાગે છે. આ સમગ્ર કાર્યક્રમની પ્રક્રિયામાં કેટલાક મહત્વના ભાગ છે. આ દરેક બાબતને પોતાનું આગવું મહત્વ છે. આગવું સ્થાન છે. લોકોને સંસ્કાર તરફ અભિમુખ કરે તેવી બાબતો પણ આકર્ષક રીતે રજુ થઇ શકે છે તેનું એક model જાણે કે અહીં સહેજે સહેજે ઉભું થતું ગયું છે. સૌને ગમતું રહ્યું છે. લોકોની-ભાવિકોની ભીડમાં થતો વધારો એ તેનું જીવંત પ્રમાણ છે. અહીં ભીડમાં પણ અનુશાસનનું દર્શન થાય છે.
આમ તો આ સમગ્ર કાર્યક્રમ શરદોત્સવનો છે. આથી આપણી પરંપરા મુજબ નિર્દોષ તથા નિર્ભેળ આનંદના ભાગરૂપે રાસ કે ગરબા જેવી બાબતો થાય તે સ્વાભાવિક છે. SGVP માં પણ રાસનું એક વિશેષ મહત્વ છે. આ સંસ્થાની રાસ મંડળી ગુજરાતમાં તેમજ ગુજરાત બહારના પણ કેટલાક વિસ્તારોમાં જાણીતી છે. લોકપ્રિય છે. શરદોત્સવનું એક સૌથી મહત્વનું અંગ એ આ રાસની રમણીય રજૂઆત છે. વિશાળ પ્રેક્ષકવર્ગને spellbound કરે તેવી આ ઉત્કૃષ્ટ રજૂઆત છે. આ સંકુલ સ્વામિનારાયણ દેવ સાથે જોડાયેલું હોવાથી સંપ્રદાયની પારંપરિક રાસોત્સવ પ્રથાનું અહીં અનુસંધાન મળે છે. સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ લગભગ બસ્સો વર્ષ પૂર્વે લખેલા છંદ તથા દુહાઓ આજે પણ શરદોત્સવમાં પુનઃ રજુ થાય છે. સમયના કોઈપણ તબક્કે બ્રહ્માનંદ સ્વામીના આ શબ્દો ઝાંખા પડે તેવા નથી. આપણો આ શાશ્વત શબ્દ વારસો છે.
એક દિન શશી ઉદિત અતિ,
હુવો મન અધિક હુલ્લાસ.
જમુના તટ વ્રજ નાર જુત
રચ્યો મનોહર રાસ.
રાસની મનોહર તથા મનમોહક રજૂઆત ઉપરાંત બે મહત્વના પ્રસંગો ઉડીને આંખે વળગે તેવા છે. એક તો સ્વામિનારાયણ દેવની આરતીના ચારથી પાંચ રાઉન્ડમાં અનેક હરિભક્તો જોડાય છે. માહોલમાં એક પવિત્રતા તેમજ ભક્તિની સૌરભ લહેરાતી રહે છે. આરતી સાથે જ આ મહોત્સવનું બીજું એક આકર્ષણ એ માધવપ્રિય સ્વામીના મનનીય વક્તવ્યનું છે. સ્વામીનો વિષયની તથા શબ્દોની પસંદગીનો વિવેક પ્રભાવશાળી તથા પ્રેરક છે. સાધુતા સાથે જ નિરંતર સ્વાધ્યાય ભળે તો સાધુતાનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. માધવપ્રિય સ્વામીની વાતોમાં તેમના સ્વાધ્યાયનું ઊંડાણ પ્રગટ સ્વરૂપે જોઈ શકાય છે. આવો અનુભવ એ એકલદોકલ નથી. ઘણાં વર્ષોના અવલોકન પછી આવી માન્યતા દ્રઢીભૂત થાય છે. આ પ્રસંગે મોટાભાગે માધવપ્રિય સ્વામી એકાદ સાંપ્રત રાષ્ટ્રીય સમસ્યા વિશે પણ વાત કરે છે. આવી સમસ્યાના ઉકેલની દિશામાં આપણો ધર્મ કે ફરજ શું છે તેનો પણ વિચારપૂર્વકનો તેમનો કેળવાયેલો અભિપ્રાય કે મંતવ્ય સ્પષ્ટ રીતે રજુ કરે છે. ઉત્સવમાં વિચારના આ તત્વને ગૂંથી લેવાનો અનોખો ઉપક્રમ એ ઓછી જગાઓએ જોવા મળે છે. આમ જુઓ તો અનેક તરુણોને દેશની સાંપ્રત સ્થિતિ સાથે જોડવાનો આ સ્વસ્થ પ્રયાસ છે.
આ સંસ્થાને નજીકથી જોવાનો ઘણાં વર્ષોનો સુયોગ છે. સદ્ભાગ્ય છે એમ પણ કહેવાય. આ સંસ્થા એ નિરંતર happening place છે. કેળવાયેલા સાધુઓની નિશ્રામાં અનેક હરિભક્તો કોઈને કોઈ માનવકલ્યાણની પ્રવૃત્તિ કરતા જ રહે છે. રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં જયારે કાર્ય કરવાનો અવસર મને મળ્યો ત્યારે SGVP જેવી ગુજરાતની કેટલીક સંસ્થાઓ સાથે સંગોજો પ્રમાણે કાર્ય કરવાનું થયું. દરેક વખતે એ અનુભવ રહ્યો કે કુદરતી આફતના દિવસોમાં આવી સંસ્થાઓ કોઈ ગણતરી કે હિચકિચાટ અનુભવ્યા સિવાય આફતગ્રસ્ત લોકોની સહાય માટે રાહત પહોંચાડવાના કામમાં સ્વેચ્છાએ જોડાય છે. આવી સંસ્થાઓનો એક મોટો સધિયારો સમાજને તથા સરકારને રહે છે. ગુજરાતનું આ ગૌરવ છે. SGVP ના સમાજ ઉપયોગી કામો ગણવા બેસીએ તો તેનો એક અલગ દસ્તાવેજ બનાવવો પડે તેવો વ્યાપક તથા વિસ્તૃત પ્રયાસ છે. એક ભક્તિની નિષ્ઠા સાથે સંસ્થા જે કામ કરે છે તેનો કોઈ દેખાવ કરવાની સહેજ પણ વૃતિ નથી. કદાચ તેના મૂળમાં જોગીસ્વામી જેવા સંતના આશીર્વાદ છે. ઉદાહરણ તરીકે લઈએ તો રાજકોટનું ગુરુકુળ એ સાત-આઠ દાયકાથી શિક્ષણના પ્રચાર પ્રસારની ધૂણી ધખાવીને બેઠું છે. શાસ્ત્રીજી મહારાજનું આ સ્વપ્ન તેમના જ તપના જોરે દીપી ઉઠ્યું. અનેક લોકોના જીવનનિર્માણનું અઘરું કાર્ય અહીં થતું રહ્યું છે. શિક્ષાપત્રીની એ સુંદર વિભાવના અહીં સ્મૃતિમાં આવે છે જે સદવિદ્યાનું મહત્વ પુનઃ સ્થાપિત કરે છે.
પ્રવર્તનીયા વિદ્યા ભુવિ
યતસુકૃતમ મહત
કોઈપણ સંસ્થાના સંચાલકો કે અગ્રજોથી સમગ્ર સંસ્થાની શાખ બંધાય છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને શાંતિનિકેતન એ એકબીજાની શોભા સમાન છે. ભારતીય વિદ્યા ભવન પણ કનૈયાલાલ માણેકલાલ મુનશીના અપ્રતિમ જીવનકાર્યનો એક મહત્વનો ભાગ છે. અહીંના બે આદરણીય સંતો માધવપ્રિય સ્વામી તથા બાલસ્વામી છે.
જેઓ સંસ્થાની દેશ-વિદેશમાં ઓળખ સમાન બન્યા છે. આ બંને સંતોની નિશ્રામાં ઘડાયેલા સાધુઓનું એક વૃંદ પણ તૈયાર થયું છે જે ઉજળા ભવિષ્યના એંધાણ સમાન છે. આપણાં દેશની આચાર્ય પરંપરા તથા સંસ્થાગત માળખા સમાજના છેવાડાના માનવી માટે કમર કસે ત્યારે દેશના નવનિર્માણનું મજબૂત માળખું વિશેષ સ્પષ્ટ તથા દર્શનીય બને છે.
વસંત ગઢવી
તા. ૫ જાન્યુઆરી ૨૦૨૬
Leave a comment